ટપાલપેટીમાં નંખાતા કાગળો પર જે વ્યક્તિનું ચોક્કસ સરનામું લખેલું હોય, તે વ્યક્તિને તેનો પત્ર ટપાલખાતું સહીસલામત પહોંચાડે છે. પણ સરનામાંમાં નાની સરખી ભૂલને કારણે કાગળો ઘણી વાર અટવાઈ પડે છે અને જેમને ઉદ્દેશીને તે લખેલા હોય તેમને મળતા નથી. ડેડ લેટર ઑફિસ આવા કાગળોનો યોગ્ય નિકાલ કરે છે; છતાં અનેક કાગળોનો કોઈ પણ પ્રકારની માહિતીના અભાવે નાશ કરવો પડે છે.
દેશપરદેશની જ્ઞાત અજ્ઞાત હજારો વ્યક્તિઓના પત્રો ગાંધીજી પર આવતા હતા. એ અનામી પત્રલેખકોમાંથી કેટલાક તો જાણતા પણ નહીં કે ગાંધીજી કોણ છે અને ક્યાં રહે છે. તેથી ગાંધીજીને સંબોધીને લખાયેલા પત્રોનાં સરનામાંથી ટપાલખાતાને ઘણી વાર મૂંઝવણ અનુભવવી પડતી.
એક વાર દિલ્હીની પોસ્ટ ઑફિસમાં નીચેના સરનામે પરબીડિયું આવ્યું :
“ધ કિંગ ઑફ ઇંડિયા,
દિલ્હી,
ઇંડિયા.”
કાગળ કોને પહોંચાડવો તેની વિમાસણમાં ટપાલખાતું પડી ગયું. ઑફિસમાં એક અમલદારે સૂચવ્યું કે એ પત્ર વાઈસરૉયનો હશે. પણ તે હિંદનો રાજા નથી, માટે એ પત્ર તેને ન અપાય. હિંદનો કાયદેસરનો રાજા ઇંગ્લંડમાં રહે છે, તો આ પત્ર દિલ્હી શા માટે મોકલ્યો ? આખરે પત્ર ફોડીને ટપાલખાતાએ જોયું તો જણાયું કે એ પત્ર ગાંધીજીને ઉદ્દેશીને લખેલો હતો ! “હિંદના રાજા” તે વેળા ઇંગ્લેંડમાં નહીં પણ બ્રિટિશોની જેલમાં બેઠા હતા. તેથી યરવડાની જેલમાં ગાંધીજીને તે પહોંચાડવામાં આવ્યો.
આ અજ્ઞાત પત્રલેખકનું કેટલું સાચું પૃથક્કરણ કે હિંદની જનતાના સાચા સમ્રાટ તો ગાંધીજી જ હોઈ શકે; અન્ય નહીં ! બીજા રાજાઓ તો આવશે, જશે અને કાળપટમાં ભુલાઈ જશે. પણ આ રાજા તો ભારતના જ નહીં પણ વિશ્વના કરોડો લોકોના હૃદયસિંહાસનમાં બિરાજે છે. કારણ કે તેમનું રાજ્ય પ્રેમ અને અહિંસા પર રચાયેલું છે. તેને મનુષ્યોએ રચેલી ભૌગોલિક મર્યાદાનું બંધન નથી.
•
બીજી વાર હિંદના ટપાલખાતાને પત્ર મળ્યો : “ધી ગ્રેટ અહિંસા નોબેલ ઑફ ઇંડિયા.”
કયા શહેરમાં આ કાગળ મોકલવો ? ટપાલખાતા સમક્ષ મોટી સમસ્યા ઊભી થઈ. પણ એક કુશળ અધિકારીએ બુદ્ધિ દોડાવી, કે અહિંસાનો મહાન ફિરસ્તો તો ગાંધી છે અને તે વર્ધામાં રહે છે. સાચે જ એ પત્ર ગાંધીજીનો જ હતો અને તેમને તે પહોંચાડવામાં આવ્યો.
અહિંસાના અમોઘ શસ્ત્રથી બ્રિટિશ સલ્તનતને હચમચાવી મૂકનાર ગાંધીનું પૂરું નામ ન જાણનાર એક પરદેશી કળાકારને ગાંધીજીને પત્ર લખવો હતો. ગાંધી હિંદમાં રહે છે પણ ક્યાં રહે છે તેની માહિતી તેને ન હતી. શું કરવું ? કળાકાર મૂંઝાયો. છેવટે કળાકારની પ્રતિભા ઝળકી. પરબીડિયા પર ગાંધીજીનો આબેહૂબ સ્કૅચ તેણે દોરી કાઢયો અને લખ્યું : ટુ, ધિસ મેન, ઇન્ડિયા.
બ્રૂકલિન, ન્યૂ યોર્કના કલાકારે ‘ધિસ મેન‘ને મોકલેલું પરબીડિયું
દિનપ્રતિદિન વર્ષો સુધી ગાંધીજીનું નામ અને ફોટો વર્તમાનપત્રોમાં પ્રગટ થતા રહ્યા છે. તેથી ગાંધીજીનું પ્રત્યક્ષ દર્શન ન કર્યું હોય એવો નાનામાં નાનો ટપાલખાતાનો નોકર પણ આ “ધિસ મેન”ને ઓળખતો હતો. એટલે પત્ર ગાંધીજીને પહોંચ્યો. સરનામું કરવાની આ તદ્દન મૌલિક રીત જોઈને કળાકારની પ્રતિભા પર ગાંધીજી પણ ખુશ થયા.
•
ગાંધીજીએ હિંદની સ્વતંત્રતા માટે કાઁગ્રેસ દ્વારા મોટી લડતો ઉપાડી હતી; પણ ગાંધીજીનું કાઁગ્રેસમાં શું સ્થાન છે તે કેટલાક પરદેશીઓને સમજાતું ન હતું. ગાંધીજી ચાર આનાના કાઁગ્રેસના સભ્ય હોય કે ન હોય, કારોબારીના સભ્ય હોય કે ન હોય, છતાં તેમની સલાહ વિના કાઁગ્રેસ એક પણ કદમ માંડતી નહીં એવું તેમનું કાઁગ્રેસ સંસ્થામાં અનન્ય સ્થાન હતું. એ જ ભાવ પરદેશીએાએ તેમને લખેલા પત્રોનાં સરનામાં પરથી તરી આવે છે :-
(1) “હેડ ઑફ કાઁગ્રેસ, વર્ધા, ઇંડિયા. ”
(2) “મહાત્મા ગાંધીજી, સુપ્રીમ પ્રેસિડેન્ટ ઑફ ઇંડિયન નેશનલ કાઁગ્રેસ, વર્ધા, ઇંડિયા.”
(3) “ મોહનદાસ કે. ગાંધી, લીડર ઇન ઇંડિયન નેશનલ કાઁગ્રેસ, દિલ્હી, ઇંડિયા.”
ભારત સરકાર ગાંધીજીની ઇચ્છા વિરુદ્ધ કંઈ જ ન કરી શકે એવી છાપ પરદેશમાં કેટલાંક સ્થળોમાં હતી. હિંદના સર્વેસર્વા ગાંધીજી જ છે એવી પણ સમજ કેટલાક પરદેશીઓમાં હતી. એ સમજનું પ્રતિબિંબ પાડતું ગાંધીજીને લખાયેલું પરબીડિયું પણ રસપ્રદ છે :
“મહાત્મા ગાંધીજી, ડિક્ટેટર ઑફ ગવર્નમેન્ટ ઑફ ઇંડિયા, વર્ધા, ઇંડિયા.”
ભારતનું તંત્ર દિલ્હીથી નહીં પણ વાસ્તવમાં વર્ધાથી ચાલતું હતું એવી પરદેશીની સમજ કેટલી સાચી હતી ! દિલ્હી ભલે રાજધાની હોય પણ ભારતનું હૃદય તે વર્ધામાં જ હતું એની કોણ ના પાડી શકે એમ છે ?
•
ગાંધીજી એક મહાન પ્રવાસી હતા. તેમના જેટલો પ્રવાસ હિંદના કોઈ પુરુષ કે નેતાએ કર્યો નથી. આગગાડીના ત્રીજા વર્ગનો ડબ્બો એ જ તેમનું ઘર અને કાર્યાલય અનેક વાર બની જતો. તેથી પત્રલેખકો ભારે મૂંઝવણ અનુભવતા કે તેમણે કયા ઠેકાણે પત્ર લખવો ? ૩૫ કરોડના હૃદયમાં વસતા ગાંધીજીનું વળી સરનામું શું ? તેમને શોધી કાઢવા એ ટપાલ ખાતાની ફરજ ! તેમને લખેલો કાગળ ગેરવલ્લે પડે જ નહી એવી અપૂર્વ શ્રદ્ધાથી તરબોળ બનીને કોઈએ લખ્યું :
“મહાત્મા ગાંધી
જહાં હો વહાં”
બેશક ! પત્ર ગાંધીજીને મળી ગયો હતો !
બાપુ મહાન રાજદ્વારી પુરુષ હોવા છતાં કરોડો ગ્રામવાસીઓ તો ગાંધીજીની સંત પ્રકૃતિથી આકર્ષાયા હતા. તેઓ હિંદના જ નહીં બલકે દુનિયાના સંત અને ઈશ્વરના ભક્ત તરીકે પૂજાતા હતા. તેમના પ્રત્યેના એ ભક્તિભાવનો પડઘો કોઈ નિર્દોષ માણસે કરેલા સરનામામાં પડયો છે :
“દુનિયા કે ભગત
શ્રી માહતમા ગાંધી
વર્ધા”
પરદેશના ખૂણામાં પડેલી અનેક વ્યક્તિને તો એ સમજાતું જ નહીં કે ગાંધી આટલી પ્રબળ રાજદ્વારી વ્યક્તિ કેમ છે. આટલી મોટી રાજદ્વારી લાગવગ ધરાવનારા ગાંધી કોઈ ગવર્નર કે ગવર્નર જનરલ હોવા જોઈએ એવી કલ્પનાથી કરેલું સરનામું જુઓ :
“ટુ હીઝ એક્સેલન્સી,
મહાત્મા ગાંધી, એસ્ક્વાયર,
કલકત્તા,
ઇંડિયા.”
લાખો સાદા ભોળા ખેડૂતો અને વણકરો ગાંધીજીને પોતાના જ માનતા અને ગાંધીજી પોતે પણ પોતાને ખેડૂત અને વણકર તરીકે ઓળખાવતા. તેમનો પોશાક, રહેણીકરણી બધું જ ગરીબ ખેડૂતને મળતું હતું. તેઓ સેવાગ્રામમાં ગરીબોના જેવી એક નાની ઝૂંપડીમાં રહેતા હતા અને જેની પાસે પૂરાં વસ્ત્રો નથી એવી અનાથ જનતાના પ્રતિનિધિ તરીકે માત્ર ઘૂંટણ સુધીનો કચ્છ જ પહેરતા. તેથી કોઈએ લખ્યું :
“મહાત્મા ગાંધી,
ફાર્મર ઍન્ડ વીવર,
મુંબઈ.”
ગાંધીજી બૅરિસ્ટર થયા હતા. તેમના આ કાયદાના અભ્યાસને કેટલાક વધુપડતું મહત્ત્વ આપતા અને માનતા કે તેઓ બૅરિસ્ટર થયા ન હોત તો આવા પ્રખર રાજદ્વારી પુરુષ ન થઈ શક્યા હોત. એવા ભાઈઓ તેમને નીચે પ્રમાણે લખતા :
“મહાત્મા ગાંધી,
બાર-ઍટ-લો,
દિલ્હી.”
પોતાના જેલજીવનના અનુભવમાં ગાંધીજીએ લખ્યું છે કે તેઓ એક રીઢા થયેલા કેદી છે. આફ્રિકા અને હિંદમાં તેમણે અનેક વાર કારાવાસ સેવ્યો છે. હિંદમાં તેમને મુખ્યત્વે યરવડામાં જ કેદી તરીકે રાખવામાં આવ્યા હતા. કોઈ પરદેશીને તે નામ યાદ ન રહેતાં ‘ગાંધી-પ્રિઝન’ નામે કાગળ લખ્યો !
“મહાત્મા ગાંધી
ગાંધી પ્રિઝન
પૂના, ઇન્ડિયા.”
ચરવડા ગાંધીજીની જેલ હતી એ પરદેશીની સમજ કેટલી સાચી !
•
ગાંધીજી હિન્દુ-મુસ્લિમ એકતાના પરમ હિમાયતી હતા. જીવનભર એ એકતા માટે તેમણે કાર્ય કર્યું. પણ હિન્દુઓ અને મુસ્લિમો બન્ને તેમને સમજવામાં નિષ્ફળ નીવડ્યા એ આધુનિક હિન્દના ઇતિહાસની કરુણ કથા છે. મુસ્લિમો તેમને પોતાના દુ:શ્મન ગણતા અને હિન્દુઓનો એક વર્ગ તેમના મુસ્લિમો પ્રત્યેના સમભાવને કારણે તેમને હિન્દુ ધર્મના દ્રોહી ગણતો. હિન્દુઓની એ અસહિષ્ણુતા એવી પરાકાષ્ટાએ પહોંચી કે એક હિન્દુએ જ ગાંધીજીના જીવનનો અંત આણ્યો. ગેરસમજ અને અસહિષ્ણુતામાંથી નિષ્પન્ન થયેલી માનવજીવનની એ કરુણતા છે. એ જ અસહિષ્ણુતાનું પ્રતિબિંબ એક પત્રમાં પડયું છે :
“મહંમદ ગાંધી
દિલ્હી.”
પણ હિન્દુઓનો મોટો વર્ગ તેમને મહાત્મા, સંત અને ઈશ્વરી અવતાર તરીકે જ પૂજતો આવ્યો છે. ગાંધીજીની હયાતીમાં જ એક મંદિરમાં તેમની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી પણ ગાંધીજીએ તેનો વિરોધ કર્યો હતો. છતાં કરોડો હિન્દુઓના હૃદયમાં તેઓ એક અવતારી પુરુષ તરીકે જ બિરાજતા હતા. નીચેનું સરનામું એ માન્યતાનું સમર્થન કરે છે.
“શ્રી કૃષ્ણ ગાંધી
દિલ્હી.”
ગાંધીજી માત્ર હિંદની જ નહીં પણ વિશ્વની મહાન વિભૂતિ હતા. જગતની સેવા એ તેમનું જીવનકાર્ય હતું. એ લાગણીનો પડઘો પણ પરબીડિયું જ પાડે છે. કોઈકે તેમને લખ્યું કે,
“જગત સેવક
મહાત્મા ગાંધીજી
વર્ધા”
અજ્ઞાત લાખો લોકો તેમને કેવાં વિધવિધ સ્વરૂપે નિહાળતા તેનું મનોરમ પ્રતિબિંબ આ સરનામાંમાં પડે છે. ગાંધીજીના પારદર્શક છતાં રહસ્યમય અને વિરાટ વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓની કથા આ પરબીડિયાં આપણને કહી ગયાં છે.
આ પણ જુઓ :
https://www.facebook.com/share/p/9oq58XLpa1RCy6Gh/
(‘ગાંધીજીના પાવન પ્રસંગો’)
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક : 183, 184, 185, 186, તેમ જ 187