Opinion Magazine
Number of visits: 9448927
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીનું અખંડ વૈષ્ણવત્વ

રમજાન એચ. હસણિયા|Gandhiana|24 November 2021

ગાંધી એટલે સામાન્યમાંથી અસામાન્ય બનેલું એક અનન્ય વ્યક્તિત્વ. મહાપુરુષો જન્મતા નથી પણ બનતા હોય છે, એ વિધાનને સાબિત કરીને મોહનથી મહાત્માની સફર ખેડનાર ગાંધી અન્ય કેટલાં ય માટે પ્રેરણારૂપ બની શક્યા છે. ગાંધી તેમની પ્રબળ ઇચ્છાશક્તિ, સત્યનિષ્ઠા અને અભ્યાસવૃત્તિનાં કારણે અસાધારણ વ્યક્તિ બની શક્યા. ગાંધીજીની સૌથી મોટી વિશેષતા એ છે કે એમને જે જે કંઈ સમજાતું ગયું, તે તે કરતા ગયા. માર્ગ મળ્યા કરતાં પણ અગત્યની ઘટના તેના પર ચાલવું એ છે. ગાંધીએ સ્વયમ્‌ પોતાની કેડી કંડારી. એમાં આરંભે ભૂલો પણ કરી પણ જ્યારે અહેસાસ થયો કે આ ભૂલ છે ત્યારે હંમેશ માટે તેનાથી બહાર આવી ગયા. જાતવિકાસની એમના દ્વારા કંડારાયેલી કેડી કેટલાંયના જીવન માટે આત્મોન્નતિનો રાજમાર્ગ બની રહી.

ગાંધીજીનો શબ્દ જીવાતો શબ્દ હોઈ અસરકારક બની રહ્યો. એમણે પ્રાર્થનાને આત્માનો ખોરાક કહ્યો છે. આશ્રમ ભજનાવલિનું તેમને અત્યંત પ્રિય ભજન એટલે ‘વૈષ્ણવજન’. મધ્યકાળના પ્રમુખ કવિ નરસિંહ મહેતાનું આ પદ ગુજરાત અને ગુજરાતીઓમાં તો પ્રચલિત હતું જ, પરંતુ ગાંધીજીના કારણે તે વિશ્વ સમસ્તમાં પ્રસિદ્ધિ પામ્યું. અહીં નરસિંહને અભિપ્રેત વૈષ્ણવજનના લક્ષણોની ચર્ચા ગાંધીજીના પરિપ્રેક્ષ્યમાં કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે.

ગાંધીજીને આ પદ અત્યંત પ્રિય હતું એવું વિધાન આપણે અનેકવાર સાંભળ્યું હશે. એ પાછળનું કારણ વિચારતાં લાગે છે કે ગાંધીજીને આ ભજન એટલે કદાચ પ્રિય હશે કેમ કે તે અહિંસક પદ છે. પ્રશ્ન થાય કે પદ પણ હિંસક કે અહિંસક હોઈ શકે ? આ પ્રશ્નનો જવાબ ઉદાહરણ દ્વારા સમજીએ. મધ્યકાળના અંતિમ અને બહુ જ પ્રસિદ્ધ અને પ્રમુખ કવિ દયારામની  આજ વિચારને  જુદી રીતે વ્યક્ત  કરતી કવિતા છે :

વૈષ્ણવ નથી થયો તું રે, શીદ ગુમાનમાં ઘૂમે ?

આ કવિતામાં મોટા ભાગની એ જ વાતો હોવા છતાં એનો કાકૂ (ટોન) એવો છે કે એ સહૃદય ભાવકને ખૂંચે છે. બંનેની પદાવલિમાં પાયાનો ભેદ છે. નરસિંહ એટલા કોમળ કવિ છે કે ધર્મની વાત અમૃતપાન કરાવતા હોય તેમ કરે છે. એમની પદાવલિમાં ક્યાં ય રુક્ષતા કે કઠોરતા, ઘૃણા કે આક્રોશ આવતા નથી. એ તો માત્ર વૈષ્ણવજન કેવો હોય એની લાક્ષણિકતાઓ આપીને છૂટી જાય છે. વૈષ્ણવત્વનું પ્રમાણપત્ર આપવાનું કામ નરસિંહનું નથી. નરસિંહની પ્રકૃતિને છાજે તેવા મૃદુ સ્વરે તે કહે છે કે,

વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
પરદુઃખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે

નરસિંહની વાત કરવાની આ અહિંસક શૈલી ગાંધીજીએ પણ જીવનભર અપનાવી છે ને કદાચ આવા જ કોઈ કારણસર એમને આ કાવ્ય વધુ પ્રિય હોય તેવું અનુમાન કરી શકીએ. હવે પ્રશ્ન એ છે કે વૈષ્ણવજન એટલે કોણ ? વિષ્ણુનો ભક્ત ? હિંદુ ? ભગવાનનો માણસ ? વૈષ્ણવ શબ્દના કારણે કોઈ તેને જે તે ધર્મ કે સંપ્રદાય સાથે જોડે તે સ્વાભાવિક છે. નરસિંહને પ્રાપ્ત પરંપરા અને પરિભાષામાંથી આ શબ્દ ભલે આવ્યો હોય પણ તેનો અર્થસંદર્ભ બહુ વિશાળ છે, જેને સમજવા આપણને નરસિંહનું જ બીજું પદ ઉપયોગી થાય તેમ છે. વિધવિધ ધર્મોની માયાજાળમાં ફસાઈ જતાં સામાન્યજનને સમજાવવા પરમને ઉદ્દેશીને નરસિંહ કહે છે કે,

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાશે ….

એ જ વાતને ઉદાહરણ દ્વારા સમજાવતા નરસિંહ આગળ કહે છે કે,

ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય

જૈન પરંપરામાં અવધૂત તરીકે ઓળખાયેલા આત્મસિદ્ધ કવિ આનંદઘનજી મહારાજે આજ વાત તેમની રચનામાં કરી,

રામ કહો, રહેમાન કહો , કોઉ ક્હાન કહો, મહાદેવરી,
પારસનાથ કહો, કોઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ, સ્વયમેવરી.

એમણે પોતાની વાત સમજાવવા માટીનું ઉદાહરણ આપ્યું. સોનું બધા પાસે ન હોય, માટી તો ઘેર ઘેર હોય. એના જુદા-જુદા ઘાટનાં વાસણો જેમ ઘાટના લીધે જુદા લાગે છે, પરંતુ તેમાં રહેલું માટીત્વ તો એક જ છે, એમ સમજાવતા કહે છે કે,

ભાજન ભેદ કહાવત નાના, એક મૃતિકા રૂપરી
તૈસે ખંડ કલ્પનારોપિત, આપ અખંડ સરૂપરી

આપણે ત્યાં ધર્મના નામે વૃથા વિવાદ ઊભો કરતાં લોકો આટલી સરળ વાત સમજતા નથી. આચાર્ય વિજયશીલચંદ્રસુરિ મહારાજે એક વખત વ્યાખ્યાનમાં આ વાત બહુ જ સહજ રીતે સમજવતાં કહેલું કે, ‘મારો ધર્મ એ મારા પિતા છે, બીજાનો ધર્મ એ એના પિતા છે. હું મારા પિતાને મહાન કહું એ તો બહુ જ સ્વાભાવિક બાબત છે, પરંતુ તેથી બીજાના પિતા ખરાબ છે એમ કહેવાનો અધિકાર મને મળતો નથી. દરેકને પ્રાપ્ત ધર્મ એના માટે ઉત્તમ છે અને આ કોઈ મહાન સાબિત કરવાની સ્પર્ધા કે હરીફાઈ થોડી છે !’ વળી, આપણે ત્યાં ધાર્મિક અને અધ્યાત્મિક એવા બે શબ્દો પ્રયોજાય છે. ધાર્મિક હોવું એ પ્રાથમિક તબ્બકો છે જ્યારે અધ્યાત્મિક બનવું એ આગળની કક્ષા છે. આ અધ્યાત્મના માર્ગે ચાલે તે અથવા સરળ ભાષામાં કહીએ તો જે સત્યના માર્ગે ચાલે તે સાધક એટલે વૈષ્ણવજન. અહીં કોઈ ધર્મવિશેષ સાથે મતલબ નથી.

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી ‘વૈષ્ણવજન’ ભજન આનંદપૂર્વક ગાઈ રહ્યા હતા. એવે વખતે ત્યાં બેઠેલા જન્મે પારસી એવા રૂસ્તમજી શેઠે કહ્યું કે, આ તો વૈષ્ણવજનના લક્ષણો છે, એ પારસીજનને લાગુ પડે ? ગાંધીજીએ કહ્યું, ‘વાત સાચી છે વૈષ્ણવજનમાં હિંદુનો સંદર્ભ લાગતો હોય તો આપણે ગાઈએ, પારસીજન તો તેને રે કહીએ / મુસ્લિમજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે ….’ બધા જ ધર્મમાં આ જ બધા લક્ષણો પર વત્તે-ઓછે અંશે ભાર મુકાયો છે. સ્થળ-કાળનાં કારણે પરિભાષા જુદી હોય તે બહુ સ્વાભાવિક બાબત છે. વૈષ્ણવજન શબ્દને આપણે આવા બહોળા અર્થસંદર્ભમાં સમજવાનો છે.

આવા વૈષ્ણવજનની પ્રથમ લાક્ષણિકતા જણાવતાં નરસિંહ કહે છે કે, ‘જે પીડ પરાઈ જાણે રે’. ઉમાશંકર જોશી જેના માટે ‘સમસંવેદન’ એવો શબ્દપ્રયોગ કરે છે. બીજાની પીડા જેને પોતાની લાગે તે વૈષ્ણવજન. પોતાના સુખ માટે તો સૌ કોઈ જીવે છે, જે બીજાના સુખ જોઈ રાજી થાય અને અન્યના દુઃખ જોઈ જેની આંખો ભીની થાય તે વૈષ્ણવજન. જૈન દર્શને બે શબ્દો આપ્યા છે – કરુણા અને જીવદયા. કોઈનું દુઃખ જોઈને હૃદય દ્રવી ઊઠે તે કરુણા, અનુકંપા. દ્રવિત થયેલું હૃદય તેના દુઃખ દૂર કરવા જે પ્રયત્ન કરે તે જીવદયા. જીવદયા એ કરુણાનું અમલીકરણ છે. જૈનધર્મે સમકિતદૃષ્ટિ જીવની જે પાંચ લાક્ષણિકતાઓ ગણાવી છે એમાંની એક છે – અનુકંપા. ગાંધીજીમાં આ અનુકંપા છે. જો એ ન હોત તો એ પોતાનો વકીલાતનો વ્યવસાય કરી આનંદપૂર્વક જીવી શક્યા હોત.

ઈ.સ. ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરતા ગાંધી ગોપાલ કૃષ્ણ ગોખલેના સૂચનથી સૌપ્રથમ ભારતભ્રમણ માટે નીકળી પડ્યા છે. ભારતના નાનાં ગામડાંઓમાં વસતા ગરીબ ભારતીયોનાં જીવન એમણે નજીકથી જોયા છે. એક વખત કોઈ મેલાં કપડાં પહેરેલી સ્ત્રીને કસ્તૂરબા કહે છે કે, ‘બે’ન, આવાં મેલાં કપડાં શા માટે પહેર્યાં છે,  ધોયેલાં કપડાં તો પહેર.’ એ રંક ભારતીય નારીનો જવાબ કસ્તૂરબાની સાથોસાથ ગાંધીને પણ વ્યથિત કરે દે છે. એ કહે છે કે, ‘બદલવા માટે કપડાં હોય તો બદલું ને !!!’ એ ઘટનાથી દ્રવિત થયેલા અને હજારો દરિદ્ર ભારતીયો પ્રત્યે સમસંવેદન અનુભવતા ગાંધીજી કોટનો લિબાસ ત્યજી દઈ આજીવન સામાન્ય ધોતિયું જ પહેરે છે. જે સુખ-સુવિધા મારા ભાઈ-બહેન એવા દેશવાસીઓ પાસે નથી એ સુખ ભોગવવાનો મને કોઈ અધિકાર નથી. ‘દરિદ્રનારાયણ’ શબ્દ સ્વામી વિવેકાનંદજીએ પ્રયોજેલો, પરંતુ ગાંધીએ આજીવન આવા દરિદ્રનારાયણની સેવા કરી. મૃત્યુ પર્યંત તેઓ બીજાની પીડાને હરવાની કામગીરીમાં મશગુલ રહ્યા. પરચુરે શાસ્ત્રી જેવા રક્તપિત્તના દરદીની તેમણે સ્વયં ખૂબ સેવા કરી. વળી, એમ કર્યાનો સહેજ પણ ભાર તેમના ચહેરા પર વર્તાતો નથી. તેઓ આ બધાને કર્તવ્યનો એક ભાગ જ માને છે.

આવું જ સમસંવેદન અનુભવ્યું છે હજરત મહંમદ પયગંબર સાહેબે. તેઓ રાજા હોવા છતાં ઝુંપડીમાં રહ્યા છે. પોતાની પ્રજા જેવું જ ખજૂર આદિ ખાધું છે, બલકે ભૂખ્યા પણ રહ્યા છે. થીગડાંવાળાં કપડાં પહેર્યા છે. એક દિવસ તેમના પુત્રી બીબી ફાતિમાના હાથમાં ચાંદીનો કડો જોઈ વ્યથિત થઈ ગયા છે. દીકરી દ્વારા પૂછવામાં આવતા જણાવે છે કે જે રાજાની પ્રજા ભૂખી હોય એની પુત્રી ઘરેણાં પહેરે એ જરા યોગ્ય ન લાગ્યું. પિતાના સંવેદનને બરાબર પ્રમાણતી પુત્રી ફાતિમા તરત જ એ ઘરેણું વેંચી દઈ ગરીબોને ખવડાવી દે છે. ગાંધી અને કસ્તૂરબાનાં જીવનમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે. નરસિંહની પ્રથમ શરતને ગાંધીએ આ રીતે આત્મસાત કરી છે.

નરસિંહ આગળ કહે છે કે,

સકળલોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે
વાછ-કાછ મન નિશ્ચલ રાખે, ધનધન જનની તેની રે

વૈષ્ણવજન એ છે કે જે જગતના તમામ જીવોને વંદે છે. અહીં સૌને એટલે તમામ  માણસોને ? કે પછી સારા માણસોને ? ના, નરસિંહનો અર્થસંર્દભ જીવમાત્ર સાથે છે. જગતના તમામ જીવોને વંદન કરતો નરસિંહનો વૈષ્ણવજન સૌમાં બ્રહ્મરૂપના દર્શન કરે છે. સામાન્યજન જે તે જીવના બાહ્ય દેખાવને પ્રાધાન્ય આપી તેના પ્રત્યેના વ્યવહારમાં ભેદભાવ કરે છે, ત્યારે વૈષ્ણવજન તો સૌની આંતરચેતનાને ઓળખી તેના મૂળ આત્મસ્વરૂપને – પરમાત્મસ્વરૂપને વંદે છે. કણેકણમાં ઈશ્વર છે એવી વાત સૌ કરે છે પણ કણેકણને વંદન  કરે છે આ વૈષ્ણવજન. બીજી વાત એ છે કે વંદન તે કરી શકે જે પોતાની જાતને નાની ગણે. ગાંધી પોતાને રજકણથી પણ નાના સમજે છે. આત્મકથામાં ક્યાં ય આપ વડોરાઈ નથી કરી. પોતાનાં મોટાં મોટાં કામને નાનાં ગણાવ્યાં છે, જ્યારે બીજાની નાની વાતને મોટી ગણી છે. ગાંધીજી આવા નમ્ર વ્યક્તિ છે. વળી, નરસિંહનો વૈષ્ણવજન એકદમ વિધાયક માણસ છે. તે બધાનો સ્વીકાર કરે છે. એટલે સ્વાભાવિક રીતે જ કોઈની નિંદા તો ન જ કરે. ગાંધીજીની નિંદા ઘણાયે કરી છે, આજે પણ કરે છે; પણ એ ક્યારે ય કોઈના વિશે ઘસાતું બોલ્યા નથી કે એમણે લખ્યું નથી. પરનિંદાથી પર રહીને ગાંધીએ નરસિંહકથિત વૈષ્ણવત્વને અર્જિત કર્યું છે.

વાછ-કાછ-મન, સરળ ભાષામાં કહીએ તો મન-વચન-કાયા જેના નિશ્ચલ એટલે કે અડગ છે તે વૈષ્ણવજન છે. મધ્યકાળના સંત કવયિત્રી ગંગાસતીએ હરિજનનાં આ જ લક્ષણો ગણાવ્યાં છે.

મેરુ તો ડગે પણ જેના મન નો ડગે મરને ભાંગી રે પડે ભરમાંડ રે
વિપદ પડે પણ વણસે નહિ જેને ઈતો હરિજનના પરમાણ રે

વાત-વાતમાં લપસી પડતા કે જરા સ્વાર્થ જોયો નથી ને સરકી જતાં લોકો આ વ્યાખ્યામાં ન આવે. ગાંધીજી પર કેટકેટલું ગુજર્યું છે, તેમ છતાં મન-વચન-કાયાથી તેઓ અડગ રહ્યા છે. વળી, મનમાં હોય એ જ વચનમાં અને એ જ વર્તનમાં એ ઐક્ય પણ બહુ મોટી સાધના છે. પોતાના સિદ્ધાંતોમાં તેઓ નમ્રપણે સ્થિર રહ્યા છે. એવી અંગ્રેજ સત્તા કે જેનો સૂર્ય પૃથ્વી પર આથમતો ન્હોતો  તેની સામે ટકવું અને તે પણ અહિંસક રીતથી એ જરા ય સરળ કામ ન્હોતું, પણ એ કરી શક્યા એનું કારણ તેમનું વૈષ્ણવજનને છાજે તેવું અડોલપણું હતું. નરસિંહ આવા વૈષ્ણવજનની માતાને લાખ લાખ ધન્યવાદ આપે છે. બાળકના ચારિત્ર્ય ઘડતરમાં માતાની મહત્તાને બરાબર પ્રમાણતા નરસિંહે માતૃત્વને ઉચિત અંજલિ આપી છે.

વૈષ્ણવજનની ઓળખને વધુ સ્પષ્ટ કરતા નરસિંહ આગળ કહે છે કે,

સમદૃષ્ટિ ને તૃષ્ણાત્યાગી, પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે

વૈષ્ણવજનનો એક બહુ મોટો ગુણ એ છે કે તે બધાને એક સમાન ગણે. તેની પાસે ઊંચ-નીચના ભેદ રહેતા નથી. સ્ત્રી-પુરુષ, ગરીબ-તવંગર, કીડી-હાથી બધાને તે એક સરખા સમજે છે. ઉચ્ચાવચ્ચતાનો કોઈ ભેદ જે નથી કરતો તે છે નરસિંહનો વૈષ્ણવજન. મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી બનેલા કૃષ્ણ તરત ફૂટવા જઈ રહેલા ટીટોડીના ઈંડા માટે રથ પરથી ઊતરી જાય છે. પાસે ઊભેલા હાથીના ગળામાં લટકતા ઘંટની સાંકળ તોડી તેને ઊંચકીને ટીટોડીના ઈંડાને રક્ષનાર કૃષ્ણ આ સંદર્ભમાં મોટા માણસ છે. તેને મન અર્જુન જેટલા જ અગત્યના ટીટોડીના ઈંડા છે. મોહન (કૃષ્ણ) અને મોહન (ગાંધી) બંનેમાં આ બાબતે સામ્ય દેખાય છે. મોટા અંગ્રેજ અધિકારી સાથેની મિટીંગની વચ્ચે ગાંધીજી પોતાની બકરીને ઘાસ આપવાના સમયને ચુકતા નથી. એમને સ્વરાજ જેટલી જ મૂલ્યવાન છે પોતાની બકરી. ગાંધીને મન તો અંગ્રેજો પણ સરખા છે. તેમના પ્રત્યે પણ ક્યારે ય તેમને દુર્ભાવ નથી થયો. બંનેની સમદૃષ્ટિ તેમને નરસિંહકથિત વૈષ્ણવજન ઠેરવે છે. વળી આગળની લાક્ષણિકતા છે – તૃષ્ણા ત્યાગી. ઇચ્છા અને તૃષ્ણામાં ભેદ છે. સાદી ભાષામાં કહીએ તો કોઈ વસ્તુ મેળવવા તલપાપડ થઈ જવું તેનું નામ તૃષ્ણા. ઇચ્છાઓ અનંત છે. તૃષ્ણાને જેણે જીતી લીધી હોય તે જ જગતને કંઈક આપી શકે. જેને પોતાને જ જોઈએ છે એ બીજાને શું આપશે ? આવા લોકોને ઇચ્છા હોય તો પણ જગત કલ્યાણની હોય. ગાંધીજીને ૧૨૫ વર્ષ જીવવાની ઇચ્છા હતી પણ એ અંગત સુખ માટે નહિ પરંતુ દેશોદ્ધાર માટે. તૃષ્ણાઓને જીતેલા ગાંધી વૈષ્ણવજનની આ પરીક્ષામાં પણ ઉતીર્ણ થયા છે.

નરસિંહનો વૈષ્ણવજન શીલવાન છે. ચારિત્ર્યની શુદ્ધિ પર ભારતીય દર્શનોએ વિશેષ ભાર મુક્યો છે. ગંગાસતી પણ શીલવંત સાધુને જ વંદન કરવા કહે છે,

શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહિ વ્રતમાન રે

ગાંધી આવા ચારિત્ર્યવાન પુરુષ છે. એમણે ચારિત્ર્યશુદ્ધિના જે પ્રયોગો કર્યા તેના પાછળનો ઉદેશ્ય સમજ્યા વગર વગોવાયા છે. ભારતીય દર્શનોમાં અને વિશેષ કરીને જૈન દર્શનમાં એ વાત આવે છે કે જેમાં અહિંસા પ્રતિષ્ઠિત થઈ હોય તેની પાસે આવતા હિંસક જીવ પણ પોતાની હિંસક વૃત્તિ ભૂલી જાય છે. ચોવીસ તીર્થંકરોને જ્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે ત્યારે રચાયેલા સમવસરણનું ચિત્ર જોનારને ખ્યાલ આવશે કે તેમાં પરસ્પર વિરોધી પશુઓ જેવા કે સિંહ-હરણ, સાપ-નોળિયો આદિ પાસેપાસે બેઠેલા હોવા છતાં એકબીજાને હાનિ પહોચાડતા નથી. અરિહંતની અહિંસાના પ્રભાવે તેમને હિંસાના ભાવ જાગતા નથી. ગાંધીજીને એમ થતું કે આટઆટલું કર્યા છતાં હજુ હિંદુ-મુસલમાન કેમ ઝઘડે છે ? મારી વાતનો જોઈએ તેવો પ્રભાવ કેમ નથી પડતો ? મારી અહિંસા ક્યાં કાચી પડે છે ? મારી અંદર કોઈ વિકાર તો નથી ને ?  ગાંધી આત્મનિરીક્ષણના માણસ છે. એટલે જાત તપાસ માટે એમણે બ્રહ્મચર્યના પ્રયોગો કર્યા ને એમાંથી શુદ્ધ રૂપે બહાર પણ આવ્યા. ગાંધીજી સાથે આવા પ્રયોગોમાં સંકળાયેલા સ્ત્રીપાત્રો મનુબહેન આદિએ જે આદરભાવથી તેમના વિશે લખ્યું છે, એમાં તેની પ્રતીતિ થાય છે. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ગોપાલ કૃષ્ણ ગોખલે તેમને મળ્યા છે અને ભારત પરત આવીને તેમણે જે વિધાન કર્યું છે તે આ બાબતની આધારશીલા બને છે. તેમણે નોંધ્યું છે કે, ‘જેના વિકારો શમી ગયા હોય તેવા લોકો મેં જોયા છે, પરંતુ જેની સામે બેસતાં મારા વિકારો શમી જાય એવો એક જ માણસ જોયો છે અને એ છે મોહનદાસ કરમચંદ ગાંધી.’ આ તો ગાંધીજીની ૪૦-૪૫ની ઉંમરે કરાયેલું નીરિક્ષણ છે. ગાંધીજીના ચારિત્ર્યને ગોખલેની આ બહુ મોટી અંજલિ છે. પરસ્ત્રીનો તો પ્રશ્ન ક્યાં રહ્યો જ્યાં તે પોતાની પત્નીને જ ‘બા’ કહીને બોલાવતા. રામકૃષ્ણ પરમહંસે તો પરણ્યાની પ્રથમ રાત્રિએ જ શારદામણી દેવીને માતા તરીકે સંબોધ્યા હતા. કામાસક્ત ગાંધીજી ક્રમશઃ કામરાગમાંથી મુક્ત થતા ગયા છે ને વૈષ્ણવત્વની લાક્ષણિકતા ‘પરસ્ત્રી જેને માત રે’ સુધી પહોંચ્યા છે.

વૈષ્ણવજનનો આગળનો ગુણધર્મ સત્યપાલન તો જાણે ગાંધીજીનો પર્યાય બની ગયો છે. ગાંધીજીએ નાનપણમાં કરેલી ભૂલોને બાળપણમાં છુપાવી છે પણ તેની નિખાલસ કબૂલાત  પોતાની આત્મકથામાં કરી છે. એમની આ નિખાલસ કબૂલાત જ તેમના નિર્દંભ વ્યક્તિત્વની સાબિતી આપે છે. હરિશ્ચંદ્રનું નાટક જોઈને એમને પ્રેરણા મળી કે ખુવાર થઈ જવું પણ કોઈ પણ ભોગે સત્યનો સાથ ન છોડવો. સત્ય એટલે અહીં ખોટું ન બોલવું એટલું જ નહિ પણ ગાંધીજી પોતાની આત્મકથાની પ્રસ્તાવનામાં લખે છે તેમ, ‘આ સત્ય તે સ્થૂલ – વાચાનું – સત્ય નહિ. આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું. આ સત્ય તે આપણે કલ્પેલું સત્ય જ નહીં. પણ સ્વતંત્ર ચિરસ્થાયી સત્ય. એટલે કે પરમેશ્વર જ.’ (આત્મકથા – પૃષ્ઠ-૬) ગાંધીજીની યાત્રા ‘ઈશ્વર સત્ય છે’થી આરંભાઈને ‘સત્ય જ ઈશ્વર છે’ સુધી વિસ્તરી છે. અને કદાચ આ સત્ય જ તેમની શક્તિ બન્યું છે. સત્યવાન વ્યક્તિનું સામર્થ્ય કેવું હોય તેનું સૌથી ઉત્તમ ઉદાહરણ ધર્મરાજ યુધિષ્ઠિર છે. મહાકવિ વેદવ્યાસ એમને જીવતા સ્વર્ગમાં જતાં બતાવી એ સૂચવવા માંગે છે કે ધર્મ એટલે કે સત્ય ક્યારે ય મૃત્યુ પામતું નથી. ‘સત્યમ્‌ વદ્, ધર્મમ્‌ ચર્’– સત્ય બોલવું અને ધર્મનું આચરણ કરવું એ બંને યુધિષ્ઠિર અને ગાંધીમાં એકરૂપ થઈ ગયા છે. બલકે યુધિષ્ઠિરનો પરિચય આપતા અર્જુને કહ્યું છે કે, ‘યુધિષ્ઠિર એવા રાજર્ષિ છે કે સત્યએ જેમાં આશ્રય લીધો છે.’ ગાંધીએ આધુનિક સમયમાં આ સાબિત કરી બતાવ્યું છે.

આવી વ્યક્તિ પરધન શું જરૂરિયાતથી વધારે પોતાનું ધન પણ હાથમાં નથી લેતી. સ્વનું હોય તેને પણ તેઓ સમષ્ટિનું ગણે છે. ગાંધીજીએ જ્યાં પોતાનું સમગ્ર જીવન જ દેશ માટે સમર્પિત કરી દીધું હોય ત્યાં અંગત મિલકતનો તો ક્યાં પ્રશ્ન જ રહે છે. ગાંધીજીએ ટ્રસ્ટીશીપનો બહુ મોટો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો. પોતાની સંપત્તિના પણ તેઓ માલિક નહિ બલકે આજીવન ટ્રસ્ટી બનીને રહ્યા. ગાંધીજીએ અગિયાર મહાવ્રતો આપ્યા. કોઈને એમ થાય કે એમાંના પાંચ મહાવ્રતો – સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય – એ તો મહાવીર આદિ તીર્થંકરો તેમ જ બુદ્ધ આદિ મહાપુરુષોએ પણ નામફેરે ગણાવ્યા જ છે. ગાંધીએ નવું શું કર્યું ? જાહેર જીવનમાં રહેતા ગાંધીજીએ એ મહાવ્રતો જીવી બતાવ્યા. આ પૂર્વે એ મૂલ્યોના સ્થાપકોએ પણ આ સિદ્ધાંતો જીવી બતાવેલા. કેટલાં ય સંતો – ગૃહસ્થો તેને જીવવાની કોશિશ કરતાં હશે. ગાંધીએ આ મૂલ્યોનું પુનઃસ્થપાન કર્યું એમ કહેવામાં સહેજે અતિશયોક્તિ નહિ ગણાય. ગાંધીએ મહાવ્રતોનો માત્ર ઉપદેશ ન આપ્યો, એને જીવાતા જીવનમાં વણી લીધા. ધર્મની વ્યાખ્યા પણ એ જ છે, ‘ધારયતિ ઇતિ ધર્મ’. એ ધારણ કરવા માટે છે, અમલ કરવા માટે છે. ભાષણ આપવા માટે નથી. ગાંધીજીએ અગિયાર વ્રતોની વાત આ પ્રમાણે કરી,

સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું
બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું
અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વધર્મ સરખા ગણવાં
આ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવાં

મન-વચન-કાયાથી સત્ય-અહિંસાના પાલનની વાત જૈન દર્શનની જેમ ગાંધીજીએ પણ કરી. ‘વણજોતું નવ સંઘરવું’માં અપરિગ્રહ વાત આવી. જરૂરિયાતથી વધારે પોતાની પાસે રાખવું પણ અયોગ્ય છે. બ્રહ્મચર્યની વાત પણ આગળ થઈ છે. ગાંધીજીએ જે ઉમેર્યું તે છે ‘જાતે મહેનત’. ગાંધીજીએ શ્રમનું મૂલ્ય કર્યું. જૈન ધર્મ પણ શ્રમને મહત્ત્વ આપે છે. એનું નામ પણ શ્રમણ પરંપરા છે. અલબત્ત, એ શ્રમ ભીતરી શ્રમ પર વિશેષ ભાર મૂકે છે. ગાંધીજીએ જે શીખવ્યું તે એ કે કોઈ કામને નાનું ન ગણવું. સ્વાવલંબી બનવાની વાત ગાંધીજીએ કરી અને એમાંથી જ સ્વદેશી અને ખાદીની વાતો વિસ્તાર પામી. છૂત-અછૂતના ભેદ દૂર કરવા ગાંધી ખૂબ મથ્યા. એ માટે એમને ઘણું વેઠવાનું પણ આવ્યું. જો આ એક વાત ગાંધીએ છોડી હોત તો એનો ઘણા મોટા લોકોએ સ્વીકાર કર્યો હોત. પણ એમના સંગને ઉવેખીને પણ ગાંધી વંચિત સમુદાયના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહ્યા. અંત્યોદયની એમની ભાવના એમને સાચા વૈષ્ણવજન ઠેરવે છે.

ગાંધી ખુદ અભય રહ્યા અને અભય રહેવાની શીખ પણ આપી. નિર્ભય એટલે કોઈથી ન ડરવું તે. અભય તેથી આગળની ભૂમિકા છે. તમે કોઈથી ન ડરો એટલું જ નહિ પણ તમારાથીયે કોઈ ન ડરે એનું નામ અભય. ગાંધીજી કેવા નિર્ભય હતા એના તો ઘણા ઉદાહરણ આપી શકાય. કોઈ એમ કહે કે મારું ચાલે તો ગાંધીનું ખૂન કરી નાખું તો ગાંધી રાત્રે ફાનસ લઈને તેના ઘરે જાય અને કહે કે હું ગાંધી, મને મારી નાખો. આવી હિંમત ભાગ્યે જ કોઈ કેળવી શકે. ને વળી, એ તો અજાતશત્રુ હતા. પણ એમને જે પોતાના દુશ્મન માનતા એવા અંગ્રેજો પણ જાણતા હતા કે આ માણસ આપણું અકલ્યાણ ક્યારે ય નહિ ઇચ્છે. કેવું અભયત્વ ! એમણે પ્રભુ મહાવીરની વૃત્તિને હણવાની વાત કરી વ્યક્તિને નહીં. એટલે જ તો એમનો પ્રભાવ ઝીલનારા ગાંધી યુગના સર્જકોમાંથી સુન્દરમ્‌ એમ કહે કે,

હણો ના પાપીને, દ્વિગુણ બનશે, પાપ જગના
લડો પાપો સામે, વિમલ દિલના, ગુપ્ત બળથી

સ્વદેશીની વાત એમણે કરી, જેના વિશે કોઈ અર્થશાસ્ત્રી વધુ વિસ્તારથી કહી શકે. ગાંધીજીએ સ્વાદત્યાગનું વ્રત આપ્યું. જૈન ધર્મમાં રસપરિત્યાગની વાત ઝીણવટપૂર્વક આવે છે અને એ માટે આયંબિલ આદિ તપ પણ સુચવાયા છે. ગાંધીજી આ કરી શક્યા હતા. લીંબડાની ચટણી એવા આનંદથી ખાતા હોય કે જોનારને ખાવાનું મન થઈ જાય. પણ ખાય ત્યારે ખબર પડે ને થુ થુ કરી નાખે. સ્વાદઇન્દ્રિયને જીતવાની વાત કરી એટલું જ નહીં પોતે એને જીત્યા પણ ખરા.

સર્વ-ધર્મ સમભાવની વાત એમણે કરી. નાના હતા ત્યારથી દરેક ધર્મ પ્રત્યે તેમને આદર હતો. તેમણે દરેક ધર્મનો અભ્યાસ પણ કર્યો છે ને તેની સારપને ગ્રહણ કરી છે. એમાં શ્રીમદ્દ રાજચંદ્રજીનું યોગદાન પણ બહુ મોટું. ગાંધીજીની એક બહુ મોટી વિશેષતા છે તેમનું ખુલ્લાપણું. એમણે પાપ-પુણ્યની મૌલિક વ્યાખ્યા કરી. ‘પ્રગટ તે પુણ્ય ને છાનું તે પાપ.’ પાણીના માપસરના ઉપયોગની વાત દરેક ધર્મે કરી છે. પણ ક્યાંક ઊંડે ઊંડે ભલે પાછળથી પણ એમાં એવું ઉમેરાઈ ગયું છે કે વધુ પાણી વાપરશો તો પાપ લાગશે. આ ધર્મ ભયપ્રેરિત ધર્મ થયો, સમજણપૂર્વકનો નહિ. સાબરમતી નદીમાંથી પાણીની નાની ટબુડી ભરીને મોઢું ધોતા ગાંધીને કોઈ પૂછે કે કેમ આટલા જ પાણીથી મોઢું ધોવો છો ? ત્યારે ગાંધી પાસે બે જવાબ રહેતા – એક તો મને આટલું પાણી પૂરતું છે અને બીજું કે નદી મારા એકલાની નથી, એનાં પાણી પર મારા સિવાય બીજા કેટલાંયનો અધિકાર છે. આમ, ગાંધીએ ધર્મના નિયમોને બહુ મૌલિક રીતે પ્રસ્થાપિત કર્યા.

વળી, મજાની વાત એ છે કે ગાંધીજીએ આ અગિયાર મહાવ્રત નમ્રતાપૂર્વક છતાં દૃઢપણે આચરવા કહ્યું છે. વ્રતધારી હોવાનો ઘમંડ ન આવી જાય તેની તકેદારી ગાંધીએ રાખી છે. ‘દાલ-રોટીવાલે બાબા’ જેવા નામ પડી જાય ને અધ્યાત્મની યાત્રા ત્યાં જ અટકી જાય. ગાંધીજીએ સુચવેલી નમ્રતા સાધકને આ ભયસ્થાનથી ઊગારી લે છે. પણ સાથોસાથ મનની મક્કમતા પર પણ એટલો જ ભાર મુક્યો છે. ‘નમ્રપણે દૃઢ આચરવું કેમ થાય તે સ્વયં ગાંધીએ જ કરી બતાવ્યું છે ને એ સંદર્ભમાં પોતાનું  વૈષ્ણવત્વ સિદ્ધ કર્યું છે. 

વૈષ્ણવજનનાં લક્ષણો દર્શાવતા નરસિંહ આગળ કહે છે,

મોહમાયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે,
રામનામ શુ તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે

નરસિંહ સંત તો છે જ પણ મોટા કવિ પણ છે. એમણે બહુ જ યોગ્ય શબ્દ પ્રયોજ્યો છે ‘વ્યાપે’. વ્યાપવું અગત્યનો શબ્દ છે. મોહ-માયા એવા રોગ છે કે જે પેસતાં વેંત જ વ્યાપી જાય છે,  ફેલાઈ જાય છે. પણ વૈષ્ણવજન તો તેને પેસવા જ દેતો નથી, એટલે ફેલાવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. એ માટે આવશ્યક છે અખંડ જાગૃતિ. સાધકે નિત્ય સાવધાન રહેવું પડે. આ માટે ગાંધીજીએ જે માર્ગ અપનાવ્યો છે તેના તબ્બકા આ પ્રમાણે છે – સૌ પ્રથમ આત્મનીરિક્ષણ, પછી આત્મપરીક્ષણ, પોતાની ક્ષતિઓના નિવારણ માટે આત્મશુદ્ધિ અને એમ થયા પછી જ થાય આત્મદર્શન. ગાંધી આ તબ્બકાઓમાંથી પસાર થયા છે. આ માટે દૃઢ વૈરાગ્યની આવશ્યકતા નરસિંહે બતાવી છે જેને પણ તેમણે આત્મસાત કરી છે.

આવા સાધુજનનું ચિત્ત હંમેશાં રામનામમાં જ રત હોય. ‘રામ’ તો અહીં નામ માત્ર છે. મૂળ વાત છે આતમરામની. જુદી રીતે કહીએ તો એનું પ્રત્યેક કાર્ય ઈશ્વરને સમર્પિત હોય. ગાંધીજીની  શોધ અધ્યાત્મની હતી. એમને આત્મદર્શન કરવું હતું. જે કંઈ કર્યું તે આત્મદર્શનના ભાગરૂપે કર્યું. બીજા કરતાં ગાંધીનો આત્મદર્શનનો ખ્યાલ જુદો ત્યાં પડે છે કે બીજા આત્મદર્શન માટે ગુફામાં જાય, સાધના કરે. એકાંતવાસને આપણે ત્યાં અધ્યાત્મમાં આવશ્યક ગણ્યું છે. ગાંધીજીએ સમાજજીવનમાં આપત્તધર્મ તરીકે જે કામ આવ્યા તે કામ કરતાં કરતાં આત્મશુદ્ધિનું કામ ચાલુ રાખ્યું છે. સત્યાગ્રહ કર્યો તો આત્મશુદ્ધિ માટે, આશ્રમ સ્થાપ્યા તો આત્મશુદ્ધિ માટે. એમનો વિચાર એવો હતો કે મારી પણ આત્મશુદ્ધિ થાય અને સાથોસાથ સામૂહિક ઉત્ક્રમણ પણ થાય. સૌ શુદ્ધ બનશે તો જ સ્વરાજનું ખરું મૂલ્ય છે. ગાંધીની સ્વરાજની વ્યાખ્યા માત્ર અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ એવી નહોતી. માણસ સ્વરાજ મેળવી લેશે પણ જો અંદરથી મેલો રહેશે તો એનો અર્થ નહિ સરે. ગાંધીને મન સ્વરાજનો અર્થ થતો હતો સ્વ એટલે કે પોતાની જાત પર પોતાનું આધિપત્ય. ગાંધીએ પણ  અરિહંતની જેમ જગતને નહિ પણ  જાતને જીતવાની વાત કરી છે. અલબત્ત, તેમના આ અર્થસંદર્ભને બહુ ઓછા લોકો સમજી શક્યા છે.

આવા સાધુપુરુષને તીર્થાટન કરવાની કોઈ આવશ્યકતા નથી એવું નરસિંહ કહે છે. એ સ્વયં જ તીર્થસ્વરૂપ જ બની જાય છે. જૈન દર્શને પણ સાધુને જંગમ – હરતું ફરતું તીર્થ કહ્યું છે. લોકો એનાં દર્શન કરવા આવે છે. એવું કહેવાતું કે, ‘દિલ્લી ત્યાં ગાંધી નહિ પણ ગાંધી ત્યાં દિલ્હી’. કબીર વસે ત્યાં કાશી જેવી પંક્તિઓ આ સંદર્ભમાં જ વૈષ્ણવજનનું મૂલ્ય કરવા સર્જાઈ છે. પદના અંતે નરસિંહ કહે છે કે,

વણલોભી ને કપટરહિત છે, કામક્રોધ નિવાર્યા રે,
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે

આગળ જે લાક્ષણિકતાઓ વર્ણવી તેને આત્મસાત કરનારને લોભ તો વળગે જ શેનો ? આવા સાધુજન જે કંઈ કરે છે તે જગતકલ્યાણની ભાવના માત્રથી જ કરે છે. તેમનો અંગત સ્વાર્થ તો ઓગળી જ જાય છે. ગાંધીએ રાષ્ટ્ર માટે સમગ્ર જીવન આપી દીધું પણ આઝાદી પછી એક પણ પદ ન લીધું. ખિતાબ પણ ન સ્વીકાર્યા. એ ઇચ્છત તો વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ બની શકત, પણ આઝાદીની જાહેરાત વખતે પણ આ અનાસક્ત મહાત્મા દિલ્લીને બદલે બંગાળના કોમી રમખાણોમાં શાંતિના પ્રયત્નો કરતો બેઠો હતો. આ છે એમની અનાસક્તિનો ઉત્તમ પુરાવો. અને કદાચ એટલે જ રાષ્ટ્રપિતા જેવું ગરીમાંવંત પદ લોકહૈયે તેઓ પામ્યા.

વ્યવસાયે વકીલ હતા. કપટ કરીને કેસ જીતી શક્યા હોત. પણ એ માર્ગ ગાંધીને પસંદ ન પડ્યો. તેમણે દુશ્મનને પણ છેતર્યા નથી. સામી છાતીએ અહિંસક લડત આપી છે. સત્યાગ્રહ જેવો નવો શબ્દ અને નવો વિચાર આપ્યો. વિશ્વની ક્રાંતિઓના ઇતિહાસમાં અહિંસક ક્રાંતિ કરી નવો ઇતિહાસ રચ્યો. કામ-ક્રોધને જીતી લઇ ગાંધીજી અખંડ વૈષ્ણવત્વને વર્યા છે. નરસિંહ કહે છે કે આવા વૈષ્ણવજનના દર્શનથી એકોતેર કુળ તરી જાય છે. અતિશયોક્તિપૂર્ણ લાગતું આ વિધાન એ અર્થમાં સાચું છે કે યુગો સુધી એનાં દર્શાવેલા માર્ગે ચાલીને કેટલાં ય જીવો પોતાનું ને સમાજનું કલ્યાણ કરતાં રહે છે. ગાંધીના ગયા પછી પણ એમના દ્વારા સૂચવાયેલા માર્ગ પર કેટલાં ય લોકો ચાલી રહ્યા છે ને હજુ વધુને વધુ લોકો એમના માર્ગને અપનાવી જાત અને જગતનું કલ્યાણ કરશે. ને એમ આવનારી પેઢીઓ પણ તરશે એટલે કલ્યાણમાર્ગને વરશે.

મજાની વાત એ છે કે ગાંધી દેખીતી રીતે સાધુ નહોતા છતાં જે જીવ્યા તે સાધુતાથી કંઈ જુદું પણ નહોતું ! ગાંધી જીવનનિષ્ઠ-માનવનિષ્ઠ વિચારપુરુષ હતા. વ્યક્તિ મટીને એ વિચારરૂપ બની ગયા અને એટલે જ આજે પણ એ પ્રસ્તુત છે. એમણે શાસ્ત્રોનો બહુ ઊંડો અભ્યાસ નહોતો કર્યો પણ અંતરની સૂઝથી તેઓ શાસ્ત્રોની લગોલગ મૂકી શકાય તેવી વાતો કરી ગયા. એ પહેલા પોતાનો શબ્દ જીવ્યા પછી બોલ્યા. તેમણે મૌનની મહત્તા કરી, પ્રાર્થનાનું મૂલ્ય અને શક્તિ સમજાવ્યા. તેમણે પોતાને મળેલી ક્ષણેક્ષણનો ઉપયોગ કર્યો. આજીવન વિદ્યાર્થી બનીને રહ્યા. મૃત્યુના દિવસો દરમિયાન તેઓ બંગાળી ભાષા શીખતા હતા. ‘મારું જીવન એ જ મારી વાણી’ એમનું જાણીતું વિધાન એ મૂલતઃ બંગાળી ભાષામાં બોલ્યા છે – ‘આમાર જીવન, આમાર બાની’. આ એવા વૈષ્ણવજન છે કે જેના કારણે જેલ જેવી ત્યાજ્ય જગ્યાઓ પૂજ્ય બની ગઈ છે. વિનોબા ભાવે, સરદાર પટેલ, સ્વામી આનંદ, કાકાસાહેબ કાલેલકર ને એવા તો કંઈ કેટલાંય વિચારપુરુષો એમની પાસે પાલખી વાળીને બેસી ગયા ને એમણે જેમ કહ્યું તેમ કર્યું. ગાંધીજી પાસે નહોતો ઊજળો વાન, ન દેખાવડો ચહેરો, ન શરીર-સૌષ્ઠવ, ન બોલવાની વાક્છટા. ટૂંકમાં પ્રભાવિત કરે એવું કંઈ પાસે ન હોવા છતાં એવી કઈ તાકાત હતી કે જેનાથી આખો દેશ એમના રંગે રંગાયો ? એ હતું ભીતરનું સત્વ; સત્ય, અહિંસા, કરુણા, મૈત્રીની તાકાત ને મૂળ તો ધર્મનું જીવનની ક્ષણેક્ષણમાં અમલીકરણ. સૌથી મોટું પરિબળ હતું ગાંધીજીનું અખંડ વૈષ્ણવત્વ.

[સ્વ. બાબુભાઈ શાહની પુણ્યતિથિ નિમિત્તે, 08 ફેબ્રુઆરી 2019ના દિવસે, દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના વાલોડ ખાતે આપેલું વક્તવ્ય]

https://youtu.be/hCdqMhtYgBU

મદદનીશ પ્રાધ્યાપક, ગુજરાતી, ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, રાપર – કચ્છ.

EMAIL- ramjanhasaniya@gmail.com

Loading

24 November 2021 admin
← શહેરોનું બાયોમોર્ફિક જીવન
ખેડૂતો નહીં, ચૂંટણી હારવાના ડરથી કૃષિકાનૂનો પાછા ખેંચાયા છે →

Search by

Opinion

  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved