Opinion Magazine
Number of visits: 9448740
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીનું સત્ય

દિલીપ સિમ્યન [અનુવાદક : દીપક ધોળકિયા]|Gandhiana|2 October 2015

જુવાનીમાં ગાંધીજીના શાંતિવાદી વિચારો માટે મને સૂગ હતી. યુવાનો સામાન્ય રીતે હિંસાને પૌરુષ અને અહિંસાને નબળાઈ માની લેતા હોય છે. અહિંસા ખરેખર જ હિંમત માગી લે છે, એ વિચાર જ મને ગળે ઊતરતો નહોતો. અમારું આંદોલન ગાંધીવાદી પરંપરાને ક્રાન્તિમાં અવરોધ માનતું હતું. રાષ્ટ્રીય આંદોલનના એમના નેતૃત્વને જબ્બરદસ્ત નિષ્ફળતા મળી હતી, એમ અમે માનતા. મેં શરૂઆતમાં જ હિંસાનો અંગત દાખલો આપ્યો છે, તે ઉપરાંત ક્રાન્તિકારી આંદોલનોની નિષ્ફળતા અને કોમી નફરતમાં થયેલા વધારાને કારણે મને સમજાયું કે ગાંધીજીનું જીવન અને જે રીતે એમની આ દુનિયામાંથી વિદાય થઈ તે આજે પણ અર્થસભર છે. મને યાદ છે કે હિન્દીના એક ડાબેરી લેખકે ગાંધીજી વિશે એક લેખ લખીને અંતે એમના હત્યારા નાથુરામ ગોડસેનાં ફાટ્યે મોંએ વખાણ કર્યાં, ત્યારે હું વ્યથિત થઈ ગયો હતો. એના પછી મારી આંખ ખૂલી કે હિંસક રાજકીય પરિવર્તનના ચાહનારાઓમાં એક જાતની ધ્રુજાવી દે એવી સમાનતા હોય છે. ભારતમાં ડાબેરીવાદના મુખ્ય પ્રવાહો હજી પણ ગાંધીનો સ્વીકાર નથી કરી શક્યા. એમની આ ત્રુટિનો જોટો માત્ર હિંસાના સિદ્ધાંતને સમજવાની એમની નિષ્ફળતામાં મળે છે. પરંતુ કોમવાદ છેલ્લાં પંદર વર્ષમાં જે રીતે ફૂલ્યોફાલ્યો છે, તેથી હવે ડાબેરીઓ ગાંધીની નિષ્ઠા અને કોમી સુમેળ માટે એમણે આપેલા બલિદાન પ્રત્યે જાગૃત થયા છે. એમના આ કેવળજ્ઞાનના પરિણામે જ જાન્યુઆરી ૧૯૯૩માં ગાંધીજીના શહીદીદિને દિલ્હીમાં એમણે એક ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કર્યું હતું.

ગાંધીજીના વિચારો બાબત ઘણી વાર થાપ ખાઈ જવાય છે. એનું કારણ એ કે એમણે ધર્મ અને રાજકારણને વેગળાં રાખવાનો સતત ઇનકાર કર્યો. ‘ધર્મ’ને બદલે ‘નૈતિકતા’ શબ્દ વાપરો અને ‘રાજકારણ’ને બદલે ‘સત્તા’ શબ્દ વાપરો, એટલે આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આપણામાંથી કોઈ એવું છે કે જે એમ માનતું હોય કે સત્તાનો ઉપયોગ નૈતિક ખ્યાલોને અભેરાઈએ ચડાવીને જ થવો જોઈએ? ગાંધીજી પોતાને કર્મયોગી માનતા હતા. આત્મપ્રતીતિ અને સામુદાયિક મુક્તિ માટે નિઃસ્વાર્થ સાંસારિક કાર્ય કરવું તેને એ પોતાનું આધ્યાત્મિક કર્તવ્ય માનતા હતા. રાજકીય પ્રવૃત્તિ એમની નજરે સામાજિક કાર્ય માટેનું સર્વોત્તમ ક્ષેત્ર હતું, પરંતુ એમનો એ આગ્રહ પણ હતો કે આ કાર્ય અહિંસા અને આભડછેટની નાબૂદી જેવાં નૈતિક મૂલ્યોથી સિંચિત હોવું જોઈએ. પરંપરાગત હિન્દુ ‘ત્યાગી’નું ખાસ લક્ષણ આત્મરતિ છે અને ગાંધીજીએ એવાં સ્વાર્થપ્રેરિત લક્ષ્યોનો ત્યાગ કર્યો. એમને અંગત હેતુઓ માટે સત્તા નહીં, ભારતની જનતા માટે સાર્વભૌમત્વ જોઈતું હતું. એ જ કારણે એમનો જબરદસ્ત નૈતિક પ્રભાવ રહ્યો. એમની નજરે, મોક્ષ અને આત્મસાક્ષાત્કાર સહિત આધ્યાત્મિકતાનાં બધાં સર્વશ્રેષ્ઠ ધ્યેયોની અભિવ્યક્તિ માટે એક જ શબ્દ પૂરતો હતો – સત્ય. એ જ એક શબ્દ ન્યાય અને નિષ્ઠા જેવાં મૂલ્યો માટે પણ પૂરતો હતો. એમના સત્યમાં અહિંસા અંતર્નિહિત હતી. “સત્ય પોતે જ પોતાની સાબિતી છે અને અહિંસા એનું સર્વોત્તમ ફળ છે”. એમના ઉદ્દેશ એકીસાથે આધ્યાત્મિક અને રાજકીય હતા અને સાધન અને સાધ્યનું સાયુજ્ય સાધીને એમણે આ ઉદ્દેશોની વ્યાખ્યાનો ભેદ ભૂંસી નાખ્યો. એમનો ધર્મ રાજકીય સત્તાની પ્રાપ્તિ માટેનું વ્યૂહાત્મક હથિયાર નહોતો, ઊલટું, એમનો વિચાર હતો કે નક્કર ધ્યેયો સિદ્ધ કરવા માટે રાજકીય ક્રિયાકલાપોને જ નૈતિકતાના રંગે રંગીને પારદર્શક બનાવવાની જરૂર છે.

ગાંધી ભલેને રૂઢિવાદી દેખાય પણ એ તો સ્પષ્ટ છે કે એમણે પરંપરાઓ અને તત્કાલીન આધ્યાત્મિક ગુરુઓને પણ અંતરાત્માની કસોટીએ ચડાવ્યા. તુલસીદાસ પત્નીને મારતા એ સાચું હોય તો પણ ગાંધી કહે છે કે “રામાયણ પુરુષો પત્નીને મારતા હોય તેને વાજબી ઠરાવવા નથી લખાયું.” અને મહાભારતમાં હિંસાચારનું નિરૂપણ હોવા છતાં ગાંધી કહે છે કે વ્યાસે આ મહાકાવ્ય “યુદ્ધની નિઃસારતા દેખાડવા” માટે લખ્યું; મહાભારતમાં વર્ણવેલી લડાઈ તો બધા મનુષ્યોની અંદર ચાલતા શુભ અને અશુભ વચ્ચેના દ્વન્દ્વનું રૂપક છે. કર્મનું શુદ્ધતમ રૂપ પારિતોષિકની ઇચ્છા વિનાનું હોય, તો હિંસા અને અસત્ય માટે તો બારણાં બંધ જ છે; એ બન્નેમાં સ્વાર્થ વસે છે. ગાંધીજી કહે છે કે સદીઓ વીતતાં ભાષા અને અર્થ બદલાય અને વિસ્તરે છે. અને “કોઈ સુંદર કાવ્યકૃતિની ખૂબી જ એ હોય છે કે એ એના સર્જક કરતાં પણ મોટી હોય છે.” ગીતામાં પણ યુદ્ધનું નિરૂપણ હોવા છતાં ગાંધીજી આગ્રહપૂર્વક કહે છે કે “મારા જીવનનાં ચાળીસ વર્ષ સુધી મેં ગીતાનો ઉપદેશ જીવનમાં ઉતારવાના અથાક પ્રયાસ કર્યા, પણ મારે નમ્રતાપૂર્વક કહેવું જોઈએ કે મારા ખ્યાલ પ્રમાણે દરેક પ્રકારે અહિંસાનું આચરણ કર્યા સિવાય સંપૂર્ણ અનાસક્તિ સિદ્ધ ન થઈ શકે.”  એમનો અંતરાત્મા એમને માનવીય સમાનતા અને રાજકીય તથા સામાજિક સંઘર્ષોનું શાંતિપૂર્ણ સમાધાન શોધવા માટે ધકેલતો રહ્યો. જ્ઞાતિપ્રથામાં રહેલી દમનકારી હિંસાને અને હિંસાને વાજબી ઠરાવવા માટે જુદા-જુદા ધર્મગ્રંથોમાં અને પરંપરાઓમાં રજૂ થયેલી દલીલોને – એમણે નકારી કાઢી. ધર્મના ક્ષેત્રમાં ગાંધીજીને સર્જકતાની નિશાની જ એ છે કે એમણે ભાષા તો પરંપરાગત વાપરી પણ સલાહ આપી, એ પરંપરાઓને સમૂળગી નકારી કાઢવાની.

સૌથી વધારે નોંધવાલાયક વાત એ છે કે એમના અહિંસાના સંદેશનો સૌથી વધારે ઊંડો પ્રભાવ ભારતમાં લડાયક મનાતી બે કોમો પર પડ્યો – શીખો અને પઠાણો. આજે બહુ થોડા લોકોને યાદ હશે કે અકાલીદળનો જન્મ જ ગુરુદ્વારાઓને અંગ્રેજોના ટટ્ટુ જેવા ભ્રષ્ટ મહંતના કબજામાંથી છોડાવવા માટે ચાલેલા અહિંસક આંદોલનમાંથી થયો છે. ૧૯૨૨નું ગુરુ-કા-બાગ આંદોલન એક સીમાચિહ્ન છે. ધાર્મિક હેતુ માટે લાકડાં કાપવા સામેના પ્રતિબંધનું અકાલી જથ્થાઓએ અહિંસક અને શાંતિપૂર્ણ માર્ગે ઉલ્લંઘન કર્યું. આ જથ્થાઓમાં કેટલાય તો નિવૃત્ત સૈનિકો હતા અને પહેલા વિશ્વયુદ્ધમાં અંગ્રેજી સામ્રાજ્ય માટે લડ્યા પણ હતા. અંગ્રેજ પોલીસ અફસરો અને એમના હિન્દી સિપાઈઓએ નિર્દયતાથી ડંડા વરસાવ્યા. દેશને હલાવી દેનારા આ આંદોલનમાં ૧૫૦૦ ઘાયલ થયા અને પાંચ હજારને જેલ ભોગવવી પડી. ગાંધીજીના સાથી ચાર્લ્સ ઍન્ડ્રૂઝે આ “પરમ નૈતિક સ્પર્ધા” જાતે જોઈ અને લખ્યું કે આવી અમાનવીયતા કોઈ “અંગ્રેજના માન્યામાં ન આવે”. એમણે લખ્યું, “દરેક પ્રહારને જુસ્સાથી સહન કરી લઈને એમણે એને વિજયમાં ફેરવી નાખ્યો.”

એ જ રીતે, લાલ ખમીસધારી ખુદાઈ ખિદમતગારોએ વાયવ્ય સરહદપ્રાંતમાં ચલાવેલું આંદોલન ૧૯૪૭ પહેલાના હિન્દુસ્તાનમાં રાષ્ટ્રીય સ્વાધીનતા અને સામાજિક ઉત્થાન માટેનું એક સૌથી ચુસ્ત ગાંધીવાદી આંદોલન હતું. ખુદાઈ ખિદમતગારના નેતા ખાન અબ્દુલ ગફારખાનને એના પછી જ ‘સરહદી ગાંધી’ એવું બિરુદ મળ્યું. એમણે શાંતિ, સહિષ્ણુતા અને આત્મસંયમ પર ભાર મૂકતા ઇસ્લામનો ઉપદેશ આપ્યો. ખુદાઈ ખિદમતગારોએ ૧૯૩૧માં નાગરિક અસહકાર આંદોલનમાં પણ આગળ પડતો ભાગ લીધો. એમણે પેશાવરનો કબજો લઈ લીધો અને થોડા દિવસ શહેરનો વહીવટ પણ ચલાવ્યો. એમને દબાવી દેવા સરકારે ગઢવાલ રાઇફલ્સની રેજિમેન્ટ મોકલી. એમાં બધા હિન્દુઓ જ હતા પણ એમણે પઠાણ સત્યાગ્રહીઓ પર ગોળી ચલાવવાની સાફ ના સુણાવી દીધી. ૧૯૩૦ના દાયકામાં એક તુર્કી વિદુષીએ ફ્રંટિયર પ્રદેશની મુલાકાત લીધા પછી લખ્યું કે પઠાણોએ ‘તાકાત’નું નવું અર્થઘટન કર્યું છે. એમના શબ્દોમાં, “આ દૃઢ અને નીડર માણસોએ દેખાડી આપ્યું છે કે અહિંસા જ માત્ર એક એવી તાકાત છે કે જેની સમાજ પર ચિરંજીવી અસર પડે છે … આ ઘટના અભ્યાસ કરવા યોગ્ય છે.”

ગાંધીજીની હિંસાની સમજ એમની આધ્યાત્મિક આસ્થાઓમાંથી નીપજી છે. મહાભારતમાં દુષ્ટોની સાથે ભીષ્મ અને દ્રોણ જેવાં સજ્જનો પણ હતાં તેના પરથી ગાંધીજીએ તારણ કાઢ્યું કે “દુનિયામાં અનિષ્ટ પોતાની મેળે ફાવે નહીં. એ માત્ર ઇષ્ટ સાથે જોડાઈને જ પાંગરી શકે.” એમણે છેક ૧૯૨૬માં આ લખ્યું અને એ વિચાર પર ઠેઠ સુધી દૃઢ રહ્યા. ૧૯૪૦માં એમણે કહ્યું, “ગુંડાઓ આકાશમાંથી ટપકતા નથી કે ભૂતાવળની જેમ ધરતીમાંથી ફૂટી નીકળતા નથી. ગુંડાઓ સામાજિક છિન્નભિન્નતાની પેદાશ છે, એટલે સમાજ એમના અસ્તિત્વ માટે જવાબદાર છે … આપણું સમગ્ર રાજતંત્ર કેટલું ભ્રષ્ટ છે, તેનું આ પ્રતીક છે.” ૧૯૪૬નાં રમખાણો વખતે એમણે કહ્યું, “બધો દોષ ગુંડાઓ પર નાખીને આપણા પોતાના માટે નૈતિક બહાનું શોધી લેવાની ટેવની હું સખત ટીકા કરું છું. એમની  પેદાશ અને એમને ઉત્તેજન આપવા માટે આપણે જવાબદાર છીએ.” ૧૯૪૭માં હિંસા ચરમસીમાએ હતી, ત્યારે પણ એમણે એ જ લખ્યું, “શાંતિપ્રેમી વ્યક્તિઓ આગળ આવીને પોતાની વાત કહે અને ગુંડાઓને એકલા પાડી દે એવો સમયનો તકાજો છે. અહિંસક અસહકાર બધી જગ્યાએ અકસીર રહે એવો ઇલાજ છે. ‘શુભ’ સ્વતંત્રપણે અસ્તિત્વ ટકાવી શકે છે, પણ ‘અશુભ’ નહીં. એ શુભની અંદર અને એની આસપાસ પરોપજીવી તરીકે ટકે છે. શુભ એને ટેકો આપવાનું બંધ કરશે, ત્યારે એ આપોઆપ ખરી પડશે …”

આઝાદી પૂર્વેના હિન્દુસ્તાનમાં નોઆખલી અને કોલકાતા જેવા શહેરમાં એમણે જે અધમાધમ પ્રકારની હિંસા જોઈ તેને ખાળવાના એમના પ્રયાસોની ફળશ્રુતિ રૂપે એમનું આ દર્શન પ્રગટ થયું છે. એ વખતે નજરે જોનારને માટે એ તો સાવ જ જાદુ હતો કે હિન્દુઓ અને મુસલમાનો હજારોની સંખ્યામાં ગાંધીજીની પ્રાર્થનાસભાઓમાં જોડાતા અને ૧૯૪૭ના ઑગસ્ટમાં એમણે સાથે મળીને ઈદ ઊજવી. વાઇસરૉય માઉંટબૅટને એમને આ તાર મોકલ્યો : “મારા વહાલા ગાંધીજી, પંજાબમાં આપણે ૫૫ હજાર સૈનિકો મોકલ્યા છે, તેમ છતાં રમખાણો કાબૂમાં નથી આવતાં. બંગાળમાં આપણું એક વ્યક્તિનું સૈન્ય છે અને તો પણ રમખાણો નથી થતાં … એક સેવારત અધિકારી તરીકે હું આપણા ‘વન મૅન બાઉંડરી ફૉર્સ’ને માનાંજલિ આપવાની પરવાનગી માગું છું …” દિલ્હી ઍસેમ્બલીમાં મુસ્લિમ લીગે ઠરાવ કરીને “કોલકાતામાં બે કોમો વચ્ચે શાંતિ અને શુભેચ્છાનું વાતાવરણ સ્થાપવામાં શ્રી ગાંધીએ જે ભાગ ભજવ્યો” તે બદલ એમનો હૃદયપૂર્વક આભાર માન્યો. એક જ મહિનાની અંદર, કોલકાતામાં ફરી રમખાણો ફાટી નીકળ્યાં અને ગાંધીએ ઉપવાસ આદર્યા, ત્યારે એમની સાથે યુરોપિયનોના નિયંત્રણ હેઠળના આખા પોલીસદળે પણ એક દિવસ ઉપવાસ રાખ્યો અને લોહીતરસ્યા ગુંડાઓ આવીઆવીને પોતાનાં હથિયારો એમના ચરણે નાખવા લાગ્યા. કૉંગ્રેસના કટ્ટર વિરોધી, અખબાર ‘ધી સ્ટેટ્સમૅન’ના અંગ્રેજ તંત્રીએ જાહેર કર્યું કે હવેથી ‘શ્રી ગાંધી’નો ઉલ્લેખ એમની કૉલમમાં ‘મહાત્મા’ તરીકે થશે. ૧૯૪૭ની સ્થિતિનું બયાન કરવા માટે ગાંધીજીએ જે તર્ક વાપર્યો છે, તેનો ઉપયોગ કરીને આપણે કહી શકીએ કે હિંસા અને અહિંસા વચ્ચેનો સંઘર્ષ, ગુંડાઓ હોય કે સભ્યસમાજ, પ્રત્યેક હૃદયમાં ચાલતો હતો.

ઘણા માને છે તેમ, ગાંધી નામનો આ જણ જડસુ આદર્શવાદી નહોતો. એમણે માન્યું જ છે કે સંપૂર્ણ અહિંસા એટલે બધી જ પ્રવૃત્તિઓ સંપૂર્ણ બંધ કરી દેવી, જે સામાન્ય લોકોની જરૂરિયાતો સાથે સુસંગત નથી. એમણે દમનકારીઓની હિંસા અને પીડિતોની હિંસા – સ્વબચાવની હિંસા – માં પણ ભેદ કર્યો. ગાંધીજી માનતા કે આત્મરક્ષણ માટેની હિંસા આક્રામક હિંસા કરતાં નૈતિક રીતે વધારે સારી છે. ગાંધીની વ્યાખ્યા પ્રમાણે  “સ્વાર્થસિદ્ધિ માટે કે માત્ર આચરવા ખાતર કરાયેલી હિંસા” એ જ ખરી હિંસા છે. ગાંધીજીએ સ્વહિત અને સ્વાર્થ વચ્ચે પણ અંતર દેખાડ્યું. સ્વહિત એટલે ગરિમાપૂર્ણ માનવીય જીવન જીવી શકાય એવી પરિસ્થિતિઓ ઊભી કરવી; જ્યારે સ્વાર્થ એટલે પોતાનાં હિતોને સૌનાં હિતોની ઉપર મૂકવાં અને બીજાના ભોગે પોતાનું હિત સાધવું. હિંસક વિચારો જોખમી છે કેમ કે એ જ હિંસક આચારને જન્મ આપવાની સ્થિતિઓ સર્જે છે. બીજાને ઉતારી પાડવા એ પણ હિંસા જ છે. ગાંધીજીનું મૂલ્યાંક્ન એ હતું કે રાજસત્તા હિંસાનું સંસ્થાકીય અને સંકેન્દ્રિત રૂપ છે અને એમનો પાકો મત હતો કે રાજસત્તાના આવા સ્વરૂપનું કારણ એ કે તે સિવાય એક અન્યાયી અને શોષક સમાજવ્યવસ્થાને ટકાવી ન શકાય. એમણે ભાર દઈને કહ્યું કે આત્યંતિક સ્થિતિમાં કાયરતા કરતાં હિંસા વધારે સારી છે. અન્યાય અને દુષ્કૃત્યો સામે નિષ્ક્રિયતાને વાજબી ઠરાવવા માટે અહિંસાનું નામ વાપરવું તેનો એ વિરોધ કરતા. એમની સલાહ હતી કે સ્ત્રી જો બળાત્કારી સામે અહિંસક રીતે ન વર્તી શકે, તો એણે પૂરી શક્તિથી એનો સામનો કરવો જોઈએ.

છેવટે તો, ભીખુ પારેખ કહે છે તેમ ગાંધીને એ વાત ગળે ઊતરી ગઈ હતી કે “હિંસાના શાસનનો અંત હિંસામાં ઉમેરો કરવાથી ન આવે”. હિંસાને વાજબી ઠરાવવા માટે જે વાહિયાત દલીલો આગળ ધરવામાં આવે છે, એમાં ભારે જોખમ છે; જેમ કે “માણસના સ્વહિત માટે પ્રકૃતિનો ભોગ લઈ શકાય”, અથવા “રાજ્ય એક દમનકારી મશીન હોય તો પણ એને ટકાવી રાખવાની જરૂર છે” કે પછી, “દમનનો વિરોધ ક્રાન્તિકારી હિંસાથી જ થાય.” ગાંધીજી, પારેખના શબ્દો વાપરીએ તો “માનવીય જીવનમાં મર્યાદિત હિંસાની સહ્ય સ્વીકૃતિને જેટલી સહેલાઈથી વ્યાપક સ્વીકૃતિ બનાવી દેવાય છે, તેનાથી ભારે ચિંતિત હતા.” આ રીતે માણસ હિંસાને અપવાદમાંથી નિયમમાં ફેરવી નાખે છે. એક વાર એવું થાય તે પછી “માણસો અપવાદોનો લાભ લેતા જ રહેશે અને વિકલ્પ શોધવાનો પ્રયત્ન પણ નહીં કરે.” એમની દૃષ્ટિએ સામાજિક અને રાજકીય કાર્યકરો અહિંસાની તાલીમ લે એનું મુખ્ય કારણ જ એ હતું, કારણ,કે એમની વ્યાખ્યા પ્રમાણે અહિંસા એટલે માત્ર હિંસાનો અભાવ નથી, પરંતુ એમાં કરુણાનું વિધાયક મૂલ્ય છે. અહિંસાને નૈતિક આદર્શનું સ્થાન આપવામાં એમને આશા હતી કે સામાજિક અને રાજકીય પરિવર્તનોમાં જરૂરી બનતી હિંસાને નગણ્ય સ્તર સુધી ઘટાડી શકાશે. સંપૂર્ણ અહિંસા કદાચ કદી પણ સિદ્ધ ન થઈ શકે, તો પણ એ ‘યુટોપિયા’ તરીકે તો કામ કરશે જ; એના વગર તો માનવસમાજ પાસે પોતાનાં કાર્યોને માપવાનો પરિપૂર્ણ માપદંડ જ નહીં હોય.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2015; પૃ. 03-04 

Loading

2 October 2015 admin
← નેતાજી સુભાષચંદ્ર બોઝ : વર્તમાનમાં સ્મરવાની વાતો
મજબૂતી કા નામ મહાત્મા ગાંધી →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved