ગયા અઠવાડિયે આપણે જોયું કે પશ્ચિમના પુનર્જાગરણનાં આંદોલને આખા જગતને પ્રભાવિત કર્યું હતું. કોઈ એનાથી બચ્યું નહોતું અને ૧૯મી સદીમાં શાળા-કોલેજોમાં શિક્ષિત થયેલા યુવકો તો એનાથી વધારે પ્રભાવિત થયા હતા. કોઈને એમ લગતું હતું કે વિલાયત જઇને વધારે ભણીને સજ્જ થવું જોઈએ અને પછી ભારતીય પ્રજાને નવાં જીવનમૂલ્યોથી પરિચિત કરવી જોઈએ. કોઈને એમ લાગતું હતું કે ભારતમાં અંગ્રેજ શાસન સો-બસો વરસ રહેવાનું છે એટલે નવા યુગના ઢાંચામાં ઢળીને પોતાનો અને પરિવારનો ઉદ્ધાર કરવો જોઈએ. કોઈને એમ લાગતું હતું કે આપણી સંસ્કૃતિનાં મૂળભૂત તત્ત્વોને પકડી રાખીને વકીલાત કે સનદી સેવાની નોકરી કરી શકાય એટલી સજ્જતા વિલાયતમાં ભણીને મેળવી લેવી જોઈએ. કોઈને એમ લાગતું હતું કે અહીં કાંઈ બળ્યું નથી, જે છે તે ઇંગ્લેંડમાં છે એટલે ત્યાં જ ભણીને સ્થાયી થઈ જવું જોઈએ. ૧૯મી સદીમાં જેટલા વિદ્યાર્થીઓ વિલાયત ભણવા જતા હતા તેમનામાં ઉપર કહ્યા એમાંથી કોઈને કોઈ અભિગમ જોવા મળતો હતો.
આશ્ચર્યની વાત છે કે ગાંધીજીમાં આવો કોઈ અભિગમ પ્રબળ પ્રમાણમાં જોવા મળતો નથી. વિલાયતમાં બેરિસ્ટરનું ભણી આવીને દેશમાં વકીલાત દ્વારા બે પાંદડે થવાનો ઉલ્લેખ તેમની આત્મકથામાં જોવા મળે છે, પરંતુ એ પણ કોઈ કારકિર્દીલક્ષી મહાત્ત્વાકાંક્ષી વિદ્યાર્થીમાં જોવા મળે એવો તીવ્ર નથી. તેઓ શાળામાં યોજવામાં આવેલા વિદાય સમારંભમાં વિલાયત ભણી આવીને દેશસેવા કરવી જોઈએ એવું કાંઈક સભા ક્ષોભને કારણે ધ્રુજતા ધ્રુજતા બબડ્યા હતા એમ તેમણે આત્મકથામાં લખ્યું છે.
ગાંધીજીના સહપાઠી અને આધુનિક મિજાજના વિખ્યાત ગુજરાતી સાહિત્યકાર બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે તેમની રોજનીશીમાં વિલાયત જતા ગાંધીજીના વિદાય સમારંભનો પ્રસંગ નોંધ્યો છે જે અહીં નોધવો જોઈએ : ‘વિલાયત ભણવા જઈ રહેલા મોહનના માનમાં શાળામાં વિદાય-સમારંભ યોજવામાં આવ્યો હતો ત્યાં આજે ગયો. તે જ્યારે બોલવા ઊભો થયો ત્યારે તેનાં ટાંટિયા ધ્રુજતા હતા અને કાંપતા ઝીણા અવાજે ‘દેશસેવા દેશસેવા’ એવું કાંઈક બબડતો હતો અને પછી બેસી ગયો. આવો મીડિયોકર માણસ શું જોઇને વિદેશ જતો હશે એ સમજાતું નથી. તેને સાચું માર્ગદર્શન આપનાર ઘરમાં કોઈ વડીલ પણ નહીં હોય?’ બલવંતરાય ઠાકોરે ગાંધીજી મહાત્મા બન્યા પછી પણ તેમની રોજનીશીમાંનું એ પાનું ફાડયું નહોતું અને તેમાં લખેલી નોંધ યથાતથ છાપવા દીધી એ તેમની પ્રામાણિકતા અને બહાદુરી કહેવાય. તેમણે એમ કરીને ગાંધીજીને સમજવામાં મદદ કરી છે. તેમણે ગાંધીના ગુજરાતમાં હંમેશાં ગાંધીજીને આધુનિક (દરેક અર્થમાં) નજરે જોયા અને મૂલવ્યા હતા. તેઓ ગાંધીજીને મહાત્મા તરીકે સંબોધતા નહોતા. એ જુદી વાત છે કે ગાંધીજીની જ્યારે હત્યા થઈ ત્યારે તેમનાં બધાં બંધનો તૂટી ગયાં હતાં અને મહાત્મા કહી બેઠા હતા.
તો શું ૧૮૮૮માં ગાંધીજી વિલાયત ભણવા ગયા ત્યારે તેમની મનની પાટી લગભગ કોરી હતી? એ પણ ૧૯મી સદીના એ કાલખંડમાં જ્યારે શિક્ષિત ભારતીય યુવકો માટે પશ્ચિમના સુધારાના પ્રભાવથી મુક્ત રહેવું શક્ય નહોતું ત્યારે? શું ગાંધીજીનું વહાણ દિશા વિનાનું હતું? પાછું ભારતમાં એ સમયે પશ્ચિમ પાસેથી શું લેવું અને આપણે શું છોડવું એની ધમાલ ચાલતી હતી? અને ધમાલ પણ પાછી કેવી? દરેક અર્થમાં સાર્વત્રિક. ભારતમાં જે કોઈ લોકો શિક્ષિત-દીક્ષિત થયા હતા તેમણે પોતપોતાનો સૂર વહેતો કર્યો હતો, પોતાના અલગ ચોકા માંડ્યા હતા, અંગ્રેજીમાં કહીએ તો સ્ટેક હોલ્ડર બની ગયા હતા અને ભારતમાં દરેક પ્રકારની વિભાજન રેખાઓ તીવ્ર બનતી ગઈ હતી.
અહીં એક સ્પષ્ટતા કરવી જરૂરી છે. ગાંધીજીની પ્રાસંગિકતા સમજવા માટે ૧૯મી સદીના રાજકીય-સામાજિક-વૈચારિક પ્રવાહો અને અભિગમો સમજી લેવા અત્યંત જરૂરી છે. ગાંધીજી આપણને સમજાતા નથી એનું મુખ્ય કારણ ગાંધીજીને ૧૯મી સદીના રાજકીય-સામાજિક-વૈચારિક અભિગમોના પ્રકાશમાં જોવામાં નથી આવતા એ છે. ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા અને ભારતીય રાજકારણમાં નવો યુગ શરૂ થયો એ નિવેદન અધૂરું તો છે જ, ખોટું પણ છે. ગાંધીજીને ૧૯મી સદીમાં પેદા થયેલી વિભાજન રેખાઓનો અને તેની આસપાસ ચાલતા રાજકારણનો વારસો મળ્યો હતો. આ લેખમાળામાં હું આ પહેલાં પણ જણાવી ચુક્યો છું કે ૧૯મી સદી ભારતીય સમાજમાં પ્રબોધનની સદી જરૂર હતી, પણ પરસ્પર સંવાદની સદી નહોતી, બલકે વિસંવાદની સદી હતી.
માટે ૧૯૮૮માં ગાંધીજી જ્યારે વિલાયત ભણવા ગયા ત્યારે ઘરઆંગણે શિક્ષિતો વચ્ચે કેવાં ધીંગાણાં ચાલતાં હતાં એના તરફ પુનરુક્તિદોષ વહોરીને પણ કહેવું જરૂરી છે. અન્યથા ગાંધીજી નહીં સમજાય. એક નજર કરી જ લઈએ.
ગાંધીજીએ જ્યારે શાળાકીય શિક્ષણ પૂરું કર્યું (૧૮૮૮) ત્યાં સુધીમાં ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસની સ્થાપના થઈ ચૂકી હતી. સર સૈયદ અહમદ ખાને ૧૮૮૭માં લખનૌમાં કરેલા ભાષણમાં હિંદુ-મુસ્લિમ સહયોગને નકારી કાઢ્યો હતો. હિન્દી ભાષાના પિતામહ ભારતેન્દુ હરિશ્ચન્દ્રે ૧૮૮૪માં ઉત્તર પ્રદેશમાં બલિયામાં કરેલા ભાષણમાં હિંદુ, મુસલમાન તેમ જ ગ્રામીણ પ્રજાએ વિકસાવેલી સહિયારી હિંદુસ્તાની ભાષાને નકારી કાઢી હતી. ૧૮૩૩માં રાજા રામ મોહન રોયનું અવસાન થયું એનાં છ વરસ પહેલાં ભારતની હાંશિયામાં જીવતી પ્રજાનો પ્રબળ અવાજ બનનારા મહાત્મા ફૂલેનો જન્મ થઈ ચૂક્યો હતો અને ગાંધીજીનો જન્મ થયો એ વરસમાં તેઓ ‘બ્રાહ્મણાં ચે કસબ’ અને ૧૮૭૩માં ‘ગુલામગીરી’ નામના ગ્રંથ લખી ચૂક્યા હતા. ૧૮૭૩માં તેમણે ‘સત્યશોધક સમાજ’ની સ્થાપના કરી હતી અને ગાંધીજી જ્યારે વિલાયત જવાની તૈયારી કરતા હતા ત્યારે સવર્ણ ભારત સામે બહુજન ભારતનો મોરચો ખૂલી ગયો હતો. સવર્ણોમાં પણ સુધારક અને સનાતનીનું વિભાજન થઈ ચૂક્યું હતું.
ટૂંકમાં ૧૯ વરસની ઉંમરે ગાંધીજી વિલાયત ગયા ત્યારે હિંદુઓ અને મુસલમાનો વચ્ચે, સવર્ણો અને બહુજન સમાજ વચ્ચે, હિન્દીવાળાઓ અને ઉર્દૂવાળાઓ વચ્ચે, સુધારકો અને સનાતનીઓ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ચુક્યું હતું; પરંતુ ગાંધીજીએ હજુ સુધી કોઈ પક્ષ પરત્વે કોઈ સહાનુભૂતિ પ્રગટ કરી નહોતી.
તો શું એ સમકાલીન પ્રવાહોથી સાવ અપરિચિત અને વિચારવાની કે અભિપ્રાય બનાવવાની ક્ષમતા પણ નહીં ધરાવનારો એક ભોંદુ યુવક હતો? ખેર, ઘર આંગણે તો એ કોઈ વિચાર અને વલણ બાબતે પક્ષપાત ધરાવતો નથી, પણ વિલાયત જઈને પણ એવો જ રહ્યો હતો? આની ચર્ચા હવે પછી.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 23 ઑગસ્ટ 2020