આ લેખ દેશના અગ્રણી અનિશ્વરવાદી લવણમે લખ્યો હતો. તેઓ અનિશ્વરવાદી હોવાની સાથે ગાંધીજીના પ્રશંસક હતા. આ બે વાનાં કોઈ પણ વ્યક્તિમાં એક સાથે હોવાં તે વિશિષ્ટ ઘટના છે. તેમનો જન્મ ગાંધીજીની દાંડીકૂચ દરમિયાન થયો હોવાથી તેમના પિતાજીએ (પ્રો. ગોરાએ) તેમનું નામ લવણમ પાડ્યું હતું. તેમના પિતા પણ અનિશ્વરવાદી અને સુધારક હતા. લવણમે આ લેખ આંધ્ર પ્રદેશના પ્રસિદ્ધ માનવતાવાદી કે. રાધા ક્રિષ્નામૂર્તિએ લખેલા પુસ્તક Path of Gandhiની પ્રસ્તાવના સ્વરૂપે લખ્યો હતો. ૧૩ ઑગસ્ટ, ૨૦૧૫ના રોજ વિજયવાડામાં તેમનું અવસાન થયું.
ત્રણ દાયકા અગાઉ (સ્વ.) કે. રાધા ક્રિષ્નામૂર્તિએ ગાંધીજી પર લખેલા પુસ્તકની પ્રસ્તાવના લખવાની તક મને મળી, તેને હું મારો વિશેષાધિકાર ગણું છું. હું મૂર્તિને સારી રીતે ઓળખતો હતો. … તેમનો જન્મ અને ઉછેર ગાંધીયુગમાં થયો હતો. તેઓ ગાંધીજીના કેટલાક વિચારોની પ્રશંસા કરતા હતા, પણ ગાંધીજીના આંધળા અનુયાયી નહોતા. તેઓ ગાંધીજીના કેટલાક વિચારો સાથે અસંમત પણ હતા. આ પુસ્તકમાં ગાંધીજીના વિચારો પર તેમનો દૃષ્ટિકોણ પ્રસ્તુત થયો છે. તેઓ સત્ય અને અહિંસાના પૂજારી તરીકે દુનિયાને પ્રભાવિત કરી શકે તેવા મહામાનવ તરીકે ગાંધીજીની પ્રશંસા કરે છે, તો સાથે સાથે તેમનાં પરંપરાગત કે રૂઢિચુસ્ત મૂલ્યો સાથે અસંમતિ પણ વ્યક્ત કરે છે. …
વર્તમાન સ્થિતિ સંજોગોમાં આપણે અલગ દૃષ્ટિકોણથી ગાંધીજીનો વિચાર કરી શકીએ. હું ગાંધીજીને ક્રાંતિકારી માનું છું, પણ અનિશ્વરવાદી કે નાસ્તિક હોવાના નાતે હું તેમનાં પરંપરાગત મૂલ્યો અને ઈશ્વર પર સંપૂર્ણપણે નિર્ભરતાના વિચારથી તદ્દન વિપરીત મત ધરાવું છું.
૧૯૪૫-૪૬ દરમિયાન મારા પિતા ગોપારાજુ રામચંદ્ર રાવ(અગ્રણી અનિશ્વરવાદી)એ નાસ્તિકતા પર ગાંધીજી સાથે ગંભીર ચર્ચા કરી હતી. તે સમયે ગાંધીજીએ અમારા કુટુંબના તમામ સભ્યોને સેવાગ્રામમાં તેમના આશ્રમમાં બોલાવ્યા હતા. મને તેમની સાથે સતત ત્રણ મહિના રહેવાની અને નજીકથી તેમનું અવલોકન કરવાની તક મળી હતી. થોડાં વર્ષ પછી હું ગાંધીજીના અનુયાયી વિનોબા ભાવેની સર્વોદય લડતમાં જોડાયો હતો. આ લડતમાં સહભાગી બનવા દરમિયાન મને ગાંધીવાદીઓનો ગાંધીજી પરના દૃષ્ટિકોણનો પરિચય થયો હતો. જો રાધા ક્રિષ્નામૂર્તિ જીવિત હોત, તો તેઓ મારી વાત સાથે મોટા ભાગે સંમત થયા હોત, કારણકે અમે બંને મૂળભૂત રીતે નાસ્તિક છીએ…
જ્યાં સુધી ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા નહોતા, ત્યાં સુધી તેઓ ડરપોક હતા. તેઓ મૅટ્રિક પાસ કરીને કૉલેજમાં ઇન્ટરમિડિયેટમાં જોડાયા હતા. તેઓ ગણિતમાં કાચા હતા અને શિક્ષકથી એટલી હદે ડરતા હતા કે તેમણે અભ્યાસ અધૂરો મૂકી દીધો હતો. પછી તેઓ ઇંગ્લૅન્ડ ગયા હતા. તે સમયે લેખિત પરીક્ષા આપ્યા વિના કાયદાના વિષય પર નિયમિતપણે યોજાતા લેક્ચરમાં હાજરી આપીને જ બૅરિસ્ટરની ડિગ્રી મેળવવાની પ્રથા હતી. આ રીતે ગાંધીજી બૅરિસ્ટર થયા હતા.
તેઓ બાળપણથી જ સત્યનિષ્ઠ હતા. તેમને સત્યમાં સંપૂર્ણ વિશ્વાસ હતો. જ્યારે તેમણે ભારતમાં વકીલાત શરૂ કરી હતી, ત્યારે તેમણે દરેક કેસમાં થોડું ઘણું અસત્ય સંકળાયેલું હોવાનું અનુભવ્યું હતું. આ જ કારણે તેમણે વકીલાત છોડી દીધી હતી. તેઓ ૧૮૯૩માં શેઠ અબ્દુલ્લાના એક કેસમાં મદદ કરવા કાયદાકીય સલાહકાર તરીકે દક્ષિણ આફ્રિકા ગયા હતા. તેઓ જોહાનિસબર્ગ જવા ડર્બનથી ટિકિટ ખરીદી ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચમાં બેઠા હતા. તે સમયે એવો નિયમ હતો કે જ્યારે ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં ગોરા પૅસેન્જર હોય ત્યારે તેમના સિવાય અન્ય પૅસેન્જરને બેસવાની મંજૂરી આપવામાં આવતી નહોતી, ભલે તેમની પાસે ટિકિટ હોય. પણ ગાંધીજી આવો રંગદ્વેષ સ્વીકારવા અને અન્યાય સહન કરવા તૈયાર નહોતા. તેમણે કોચમાંથી ઊતરવાની ના પાડી હતી, એટલે તેમને પછીના સ્ટેશને બળજબરીપૂર્વક ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. તેમને ઊંડો આઘાત લાગ્યો હતો અને પછી તેમણે દક્ષિણ આફ્રિકામાં રહેતા દરેક ભારતીયને રંગદ્વેષરૂપી મહારોગમાંથી મુક્તિ અપાવવા સંયુક્ત લડત ચલાવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે તેમના સત્યાગ્રહનો પાયો સત્ય અને અહિંસા હશે, તેવો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો. જગતે હિંસક લડાઈ જોઈ હતી, પણ ગાંધીજીએ પહેલી વખત દુનિયાને અહિંસક લડતનો પરિચય કરાવ્યો હતો.
જ્યારે ગોપારાજુ રામચંદ્ર રાવની સેવાગ્રામ આશ્રમમાં ગાંધીજી સાથે નાસ્તિકતાના મુદ્દે ચર્ચા થઈ ત્યારે તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે જ્યારે તમે કહો છો કે “ઈશ્વર સત્ય છે” કે “સત્ય ઈશ્વર છે”, ત્યારે તમારે સંમત થવું પડે છે કે ઈશ્વર વિના કશું સત્ય નથી. પણ દુનિયામાં ઘણા લોકોને ઈશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ નથી, તો તમે તેમનું સમાધાન કેવી રીતે કરશો? ગાંધીજીએ થોડો સમય વિચાર કર્યો હતો અને કહ્યું હતું કે “હા, સત્ય એ ઈશ્વરમાં શ્રદ્ધાથી અલગ બાબત છે. ઈશ્વરમાં શ્રદ્ધા અંગત છે, જ્યારે સત્ય સામાજિક પરિબળ છે.” તેઓ એ બાબતે પણ સંમત થયા હતા કે નાસ્તિકતા પણ ઈશ્વરને શોધવાનો જ એક માર્ગ હોઈ શકે છે. આ વાત તેમણે ૧૯૪૫માં સ્વીકારી હતી અને આ રીતે તેમના દૃષ્ટિકોણમાં સ્પષ્ટ ફેરફાર પ્રકટ થયો હતો. આ વિગત ગોપારાજુએ પોતાના પુસ્તક ‘એન એથીસ્ટ વિથ ગાંધી’માં આપી છે, જેનું પ્રકાશન ૧૯૫૧માં નવજીવન ટ્રસ્ટે કર્યું હતું. મૂળ પુસ્તક અંગ્રેજી ભાષામાં હતું અને પાછળથી તેના હિંદી, મરાઠી અને ગુજરાતી તરજુમા પણ પ્રકટ થયા હતા. જ્યારે તેમણે સ્વીકાર્યું હતું કે ઈશ્વર કરતાં સત્ય ચઢિયાતું છે, ઈશ્વરનું અસ્તિત્વ અંગત શ્રદ્ધાનો વિષય છે અને સત્ય સામાજિક આવશ્યકતા છે, ત્યારે તેમની અંદરનું ક્રાંતિકારી પાસું ક્રમશઃ મજબૂત થતું હતું. જો આપણે આ પૃષ્ઠભૂમિ સાથે ગાંધીજીને જોઈશું, તો આપણને અહેસાસ થશે કે ગાંધીજી અંધશ્રદ્ધાળુ નહોતા અને તર્કની કસોટીએ ખરી ન ઊતરે તેવી કોઈ વાત માનવા તૈયાર નહોતા. મેં મારા (માર્ક લિન્ડલે સાથે લખેલા ‘Gandhi as We Know Him’એ) પુસ્તકમાં તેમનાં લખાણોમાંથી કેટલાંક અવતરણો ટાંક્યાં હતાં, જે દર્શાવે છે કે તેમણે સમયની સાથે તેમના અભિપ્રાયો બદલ્યા હતા.
આ રીતે ગાંધીજી હંમેશાં વૈચારિક પરિવર્તન કરવા તૈયાર રહેતા હતા. તેઓ જિદ્દી નહોતા અને એટલે જ મહાત્મા હતા. તેઓ શરૂઆતથી જ પોતાની સમસ્યાને સંપૂર્ણ સમાજની સમસ્યા ગણતા હતા.
દક્ષિણ આફ્રિકાની જેમ ભારતમાં તેમણે અંગ્રેજો સામે લડત શરૂ કરી ત્યારે તેઓ દુનિયાનો દરેક દેશ સંસ્થાનવાદમાંથી મુક્ત થાય તેવું ઇચ્છતા હતા. તેમની આવી જ ભાવનાના કારણે તેમના વિચારો અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગને પ્રભાવિત કરી શક્યા હતા. તે જ રીતે આફ્રિકામાં નેલ્સન મંડેલા અને અન્ય દેશો(આયર્લૅન્ડ)માં કેટલાક નેતાઓ પણ પ્રભાવિત થયા હતા. ગાંધીજીએ મુખ્યત્વે અહિંસાને ક્રાંતિકારી ફેરફારો કરવા માટેનું ઓજાર બનાવી દીધું હતું. ‘ખૂન કા બદલા ખૂન, આંખ સાટે આંખ’ જેવી રીતે બદલો લેવો સરળ છે, પણ અહિંસા સામે હિંસાનો માર્ગ અપનાવવો મુશ્કેલ છે. અહિંસક લડવૈયા સામે બળપ્રયોગ કરતાં હુમલાખોરનો આત્મા ડંખે છે, કારણ કે તે અહિંસક અને શાંત વ્યક્તિને મારી રહ્યો છે, તેવો અહેસાસ તેને થાય છે.
ગાંધીજી શોષણ અને અસમાનતાના વિરોધી હતા. તેઓ બંનેને હિંસા ગણતા હતા. તેમણે સામાન્ય નાગરિકમાં અહિંસાનો દીપ પ્રગટાવવા કહ્યું હતું કે “હિંસા કરતાં અહિંસા મહાન છે. પણ કાયરતા કરતાં હિંસા ચઢિયાતી છે.” આ રીતે તેમણે શોષણ અને અસમાનતા સામે ક્રાંતિનું મહત્ત્વ સૂચવ્યું હતું. એક મહિલાએ તેમને પૂછ્યું હતું કે કોઈ વ્યક્તિ તેની સાથે બળજબરી કરે, તો પોતાની જાતનું રક્ષણ કેવી રીતે કરવું? ગાંધીજીએ જવાબ આપ્યો હતો કે “ઈશ્વરે તને દાંત અને નખ આપ્યા છે.” તેઓ સ્વરક્ષણને હિંસા ગણતા નહોતા. અનિવાર્ય હિંસા અહિંસાની દિશામાં પ્રથમ પગલું છે, તેવું તેમણે કહ્યું હતું.
એક વખત ઓરિસ્સામાં એક ગામનાં ખેતરોમાં હજારો વાંદરાંઓનાં ધાડાં ઊતરી આવ્યાં હતા અને તેમણે પાકનો નાશ કર્યો હતો. એટલે એક ખેડૂતે ગાંધીજી પાસે પોતાના પાકનું રક્ષણ કેવી રીતે કરવું તેનું સમાધાન માંગ્યું હતું. વાંદરાંઓને પવિત્ર ગણવામાં આવે છે અને ખેડૂતો તેમની સામે હિંસાનો પ્રયોગ કરવામાં માનતા નહોતા. તેઓ દ્વિધામાં હતા, ત્યારે ગાંધીજીએ તેમને જણાવ્યું હતું કે તેમને તેમના પાકનું રક્ષણ કરવાનો અધિકાર છે. જો તમે વાંદરાંઓને તગેડી ન શકો, તો તેમને મારી શકો. તેમણે અહિંસાની પદ્ધતિનાં ત્રણ ચરણની ઓળખ કરી હતીઃ સાર્વત્રિક સ્વીકાર, નિષ્ક્રિય પ્રતિકાર અને રચનાત્મક નીતિ. જો આપણે આ ત્રણ ચરણને અનુસરીશું, તો આપણા સમાજમાં સમાનતા અને સત્ય જરૂર સ્થાપિત થશે, તેવું તેમણે જણાવ્યું હતું. તેમણે દક્ષિણ આફ્રિકામાં ધર્મ, ભાષા અને પ્રદેશથી પર થઈને તમામ ભારતીયોને એક કર્યા હતા અને આ રીતે તેમની લડત ધર્મનિરપેક્ષ હતી. તેઓ ભારતમાં અંગ્રેજો સામે તમામ ભારતીયોએ – તાતા અને બિરલાથી લઈને ગરીબ ભારતીયોએ, રાજામહારાજાઓથી લઈને સામાન્ય નાગરિક સુધી બધાએ-એક થવાની જરૂર છે, તેવું માનતા હતા. તેમણે આઝાદી મળ્યા પછી તરત જ કહ્યું હતું કે, હવે સામાજિક અને આર્થિક સ્વતંત્રતા માટે પ્રયાસ કરવો પડશે.
ભારતની વસતિમાં આશરે ૮૦ ટકા હિંદુઓ છે. ગાંધીજીએ અનુભવ્યું હતું કે આઝાદીની લડતમાં હિંદુઓને પોતાની સાથે જોડવા જરૂરી છે. તેમની અગાઉ તિલકે પોતાના નેતૃત્વ હેઠળ હિંદુઓને એક તાંતણે બાંધવાનો સફળ પ્રયાસ કર્યો હતો. ગાંધીજીએ તેમણે ચીંધેલા માર્ગે ચાલવાનો નિર્ણય કર્યો હતો. તિલકે ગણેશોત્સવના ધાર્મિક તહેવારનો ઉપયોગ રાજકીય જાગૃતિ લાવવા કર્યો હતો. ભારતમાં પુનરાગમન કર્યા પછી ગાંધીજીને સંપૂર્ણ દેશનું નેતૃત્વ કરવાનું હતું અને બહુમતી હિંદુઓની હતી. આ માટે તેમણે ભગવાન રામનો વિનિયોગ કર્યો અને દેશમાં ‘રામરાજ્ય’ સ્થાપિત થાય તેવી ઇચ્છા પ્રકટ કરી. સાથે-સાથે તેમણે સ્પષ્ટતા પણ કરી હતી કે તેઓ અયોધ્યાના શાસક કે દશરથના પુત્ર રામના રાજ્યની વાત કરતા નથી, પણ તેઓ આદર્શ શાસનની વાત કરે છે. તેમણે દેશભાષામાં ધર્મનિરપેક્ષ વિચારોને સાંકળતા મુદ્દા સમાજ સમક્ષ રજૂ કર્યા હતા. તેમની તળપદી કે દેશી ભાષા લોકોને આકર્ષતી હતી, પણ તેઓ ગાંધીજીનાં નવાં અર્થઘટનો સમજી શક્યા નહોતા.
માર્ક્સ કે એમ.એન. રૉયને તેમના જીવનકાળ દરમિયાન લોકલડતનું નેતૃત્વ કરવાની જરૂર પડી નહોતી. તેઓ તેમના સિદ્ધાંતો તેમના અનુભવોને આધારે સમજાવવા સ્વતંત્ર હતા. જો તમારે તમારા વિચારો પર લોકોને એકત્ર અને સંકલિત કરવાની જરૂર હોય, તો અમુક હદ સુધી તમારે તમારી માન્યતાઓ સાથે સમાધાન કરવું પડશે. લેનિને માર્ક્સની ફિલસૂફીમાં આવા કેટલાક ફેરફારો કે સમજૂતીઓ કરી હતી. સોવિયત સંઘને સંગઠિત કરવા સ્તાલિને વધુ ફેરફારો કર્યા હતા. માઓએ પણ માર્ક્સવાદને અપનાવ્યો હતો, પણ તેને ખેડૂતો અને ખેતમજૂરો સાથે કામ કરવાનું હતું. તેણે પણ તેમને એકજૂથ કરવા અને રાખવા માર્ક્સવાદમાં કેટલીક છૂટછાટો લીધી હતી. તે જ રીતે ગાંધીજીએ પણ અંગ્રેજો સામેની લડત દરમિયાન લોકોને જોડવા કેટલાંક સમાધાનો કર્યાં હતાં. પણ ભાગલા સાથે જ આઝાદી મળશે એ બાબત સ્પષ્ટ થઈ જતાં તેમણે સમાધાન કરવાનો ઇનકાર કર્યો હતો અને કોઈ પણ સંજોગોમાં ભાગલા સ્વીકાર્ય ન હોવાના પોતાના મૂળ વિચારને વળગી રહ્યા હતા. જો તેઓ લાંબું જીવ્યાં હોત, તો આ પાસું વધારે સ્પષ્ટ થયું હોત.
મારું માનવું છે કે ગાંધીજી સાથે તેમના આશ્રમમાં રહેતા અંતેવાસીઓ તેમની દીર્ઘદૃષ્ટિને સમજવામાં અને તેમના મૃત્યુ પછી તેમના વિચારોને જાળવવામાં નિષ્ફળ નીવડ્યા હતા. હરિજનના ૨૦ એપ્રિલ, ૧૯૪૭ના અંકમાં તેમણે સ્પષ્ટપણે લખ્યું હતું કે “જો તમે મને મારી નાંખશો તો પણ હું એક શ્વાસે રામ અને રહીમનું સ્મરણ ચાલુ રાખીશ. મારા મતે આ બંને નામ એક જ ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરે છે. હું તે નામો જપતાં-જપતાં ખુશી-ખુશી મરવાનું પસંદ કરીશ.” જાન્યુઆરી, ૧૯૪૮માં સ્પષ્ટ થઈ ગયું હતું કે તેમનું મૃત્યુ (હત્યા) કોઈ પણ સમયે થઈ શકે છે. જ્યારે ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ તેમના પર એક પછી એક ત્રણ ગોળીઓ છોડવામાં આવી, ત્યારે તેમણે આ બંને નામનું સ્મરણ કર્યું હશે. હરિજનના ૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૮ના અંકમાં તેમના અંગત સચિવ પ્યારેલાલે લખ્યું હતું કે ગાંધીજીના મુખમાં અંતિમ શબ્દો ‘રામ, રામ’ જ નીકળ્યા હતા. જ્યારે ગાંધીજીને પ્રથમ ગોળી મારવામાં આવી હતી, ત્યારે તેમના મુખમાં ‘રામ’ શબ્દ સ્પષ્ટ સંભળાયો હતો. પણ તેઓ ‘રહીમ’ બોલે તે અગાઉ બીજી ગોળી વાગી અને તેમનો અવાજ સ્પષ્ટપણે સંભળાયો નહીં હોય તેવું બની શકે. તે સમયે ગાંધીજીની આસપાસ મોટા ભાગના હિંદુઓ હતા. એટલે ‘રહીમ’ શબ્દના ધીમા ઉચ્ચારણનું ‘રામ’ તરીકે ખોટું અર્થઘટન સરળતાથી થયું કે ગેરસમજણ થઈ હોય તેવું બની શકે છે. હકીકતમાં તેમના મૃત્યુ પછી ગાંધીજી કરતાં હિંદુવાદ વધારે મહત્ત્વપૂર્ણ બની ગયો છે.
આપણે તેમના આદર્શોની અવગણના કરવાનું પસંદ કર્યું હતું અને તેમને ‘રહીમ’ને છોડીને ‘રામ’ પૂરતા મર્યાદિત કરી દીધા હતા. એટલું જ નહીં આપણે આપણા અર્થઘટનની પુષ્ટિ કરવા રાજઘાટ પર તેમની સમાધિ પર પણ ‘હે રામ!’ અંકિત કરી દીધું હતું. ગાંધીજી તેના પર કેવી પ્રતિક્રિયા આપે?! જ્યારે આપણે તેઓ ખરેખર શું બોલ્યા હતા, એ સાંભળી શક્યા નહોતા, ત્યારે આપણે તેમણે અગાઉ જે કહ્યું હોય તેને ધ્યાનમાં લેવું જોઈએ. પણ આપણે તો તેના બદલે આપણા શબ્દો, આપણું અર્થઘટન તેમના મોમાં મૂકી દીધું છે. જો તેમની સમાધિ પર ‘રામરહીમ’ કોતરવામાં આવ્યું હોત, તો મુસ્લિમ મુલાકાતીઓ વધારે પ્રભાવિત થયા હોત અને ગાંધીજી માટે તેમના આદરભાવમાં વધારો થયો હોત. તેનાથી બંને કોમ વચ્ચેની એકતા વધારવામાં પણ મદદ મળી હોત. ગાંધીજી નોઆખલી અને કોલકાતામાં મુસ્લિમોને હિંસક માર્ગેથી પાછા વાળવામાં સફળ રહ્યા હતા. તેઓ રામ અને રહીમને એક જ ઈશ્વરના બે જુદાં-જુદાં સ્વરૂપ ગણતા હોવાથી તેઓ અસંભવને સંભવ કરી શક્યા હતા. અહીં અનિવાર્ય તારણ એ છે કે ગાંધીજીના કથિત અનુયાયીઓએ તેમના મૃત્યુ પછી તેમના ધર્મનિરપેક્ષ દૃષ્ટિકોણ સાથે ન્યાય કર્યો નથી. એટલે જ આપણે ગાંધીજીને સમજવા તેમણે પોતાના વિશે જે કહ્યું છે, તેનો અભ્યાસ કરવો જોઈએ. આપણે ગાંધીજીને સમજવા તેમના અનુયાયીઓના અભિપ્રાયો પર આધારિત ન રહેવું જોઈએ. હકીકતમાં ગાંધીજી વધુ ધર્મનિરપેક્ષ, તાર્કિક અને સહિષ્ણુ હતા.
આ પુસ્તકમાં રાધા ક્રિષ્નમૂર્તિ ગાંધીજીના કયા વિચારો સાથે સંમત છે અને કયા વિચારો સાથે સંમત નથી તે વિગતવાર સમાવે છે. એ તેમની ઉદારતા હતી. આ કારણે જ ગાંધીજી પરના તેમના પુસ્તકનું મહત્ત્વ વધી જાય છે. તેનો અનુવાદ અન્ય ભાષાઓમાં થાય તે જરૂરી છે. હું તેમના વિચારોરૂપી આ વારસાનું જતન કરું છું. એટલે મેં તેમના મૃત્યુ પછી સમાજમાં થયેલા ફેરફારો અને ગાંધીસાહિત્યના વિસ્તૃત અભ્યાસ પર મારા પોતાના વિચારોને પ્રસ્તાવનામાં સામેલ કરવાની સ્વતંત્રતા લીધી છે. મને આશા છે કે વાચકો આ વાતને સમજશે …
ઑક્ટોબર, ૨૦૧૪
[અનુવાદક : કેયૂર કોટક]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2016; પૃ. 03-05