Opinion Magazine
Number of visits: 9446868
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજી અને શસ્ત્રોનો આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર

આશા બૂચ|Opinion - Opinion|7 March 2018

Defence and Security International Exhibition – Excel Centre London ખાતે યોજાઈ રહ્યું છે. તેના થોડા સમય અગાઉ આ પ્રદર્શનથી માત્ર બે માઈલની દૂરી પર આવેલ કિંગ્સલી હોલ (કે જ્યાં ગાંધીજી ગોળમેજી પરિષદ દરમ્યાન રહેલા) ખાતે ગાંધી ફાઉન્ડેશનની સામાન્ય બેઠક થયેલી. તે બેઠકની પૂર્ણાહુતિ બાદ ગાંધી ફાઉન્ડેશનના ખજાનચી Mr. Graham Davey નામના મહાનુભાવે એક વક્તવ્ય આપેલું તેની ઝાંખી અહીં પ્રસ્તુત છે. કિંગ્સલી હોલથી તદ્દન નજદીક આટલા વિશાળ પાયા પર શસ્ત્રો અને તેના વ્યાપારનું પ્રદર્શન ભરવામાં આવવાનું હોવાથી તેમણે બ્રિટન મોટાં શસ્ત્રોની નિકાસ કરે છે, તે વિષે માહિતી આપીને સરકારના સંરક્ષણ ખાતા માટે શસ્ત્રો અને તેને લગતા સરંજામ બનાવવાના ઉદ્યોગના વિકલ્પ વિષે વાત કરી. તેમાંથી કેટલીક માહિતી જાણવી રસપ્રદ થશે.

Campaign Against Arms Trade (CAAT) છેલ્લાં ચાળીસેક વર્ષથી શસ્ત્રોના વ્યાપારની વિરુદ્ધમાં ચળવળ ચલાવી રહ્યા છે. તેમની મુખ્ય દલીલો નીચે મુજબની છે:

1 ઘણું ખરું વિકાસ પામતા દેશો આ શસ્ત્રો ખરીદે છે. પોતાના દેશની મોટા ભાગની પ્રજા મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રહેતી હોય, ત્યારે તેમની શસ્ત્રો ખરીદવાની નીતિ એ પોતાની પાસેના સંસાધનોનો નર્યો દુરુપયોગ છે તેમ સહુ સ્વીકારી શકે. આમ થવા પાછળ કઇંક અંશે બ્રિટિશ સરકારની લશ્કરી સાધનોનો ઝગમગાટ બતાવવાની રીત અને શસ્ત્રો બનાવતી કંપનીઓની આક્રમક વેપારી વૃત્તિને જવાબદાર ઠેરવી શકાય. આ હકીકત જાણ્યા પછી વિમાસણ થાય; પોતાના દેશના નાગરિકોને આજીવિકા આપવાની કેવી વિધ્વંસક રીત!

2 જ્યારે દમનકારી શાસન તંત્રને શસ્ત્રો વેચવામાં આવે છે, ત્યારે એ વ્યાપારથી એવા શાસનકર્તાઓને માનવ અધિકારોનું ખંડન કરવામાં સહાય મળતી હોય છે. 2015-16ના એક અહેવાલ મુજબ 28 દેશો માટે માનવ અધિકારોની રક્ષા બાબતે સંદેહ ધરાવવામાં આવેલો. તેમાંના 18 જેટલા દેશોમાં શસ્ત્રોની નિકાસ કરવામાં આવી હતી, જેમાં ઇઝરાયેલ, લિબિયા, સાઉદી અરેબિયા અને ઈરાકનો સમાવેશ થાય છે. તમામ પ્રકારનાં શસ્ત્રો અને યુદ્ધ સામગ્રીઓ વેચવાથી એ દમનકારી સરકારોને તેમની હિંસક નીતિને આંતરરાષ્ટ્રીય અનુમતિ મળતી હોય છે. આ હકીકત જાણતા હોવા છતાં આપણે કહીએ છીએ કે બીજા દેશોએ લડાઈ અટકાવવી જોઈએ (તેને શસ્ત્રો વેંચનાર આપણો જ દેશ છે છતાં) અને એ ભયંકર સંહારથી બચી જવા પામેલ શરણાર્થીઓને આ દેશમાં પ્રવેશવા પરવાનગી નથી આપવી કેમ કે તેનાથી આપણી જીવન પ્રણાલીનાં સ્તરને ઠેસ પહોંચે! આ છે આપણી માનવતા!

3 જ્યાં કોમી કે ધાર્મિક તણાવ હોય ત્યાં શસ્ત્ર સરંજામ ઉપલબ્ધ હોય તો લડાઈ ફાટી નીકળવાની શક્યતા વધુ રહે, સંહાર અને યાતના અકલ્પ્ય પ્રમાણમાં વધે. 80% કે તેથી વધુ પ્રમાણમાં જાનહાનિ પ્રજાની થાય છે. કરુણતા તો જુઓ, સાઉદી અરેબિયાને હાલમાં સહુથી વધુ શસ્ત્રો વેચવામાં આવે છે અને તે પણ ‘The Dove’ અને ‘Peace’ શીર્ષકના પ્રોગ્રામ હેઠળ! સાઉદી અરેબિયા યમનના તેમની પરિભાષા અનુસાર ‘વિપ્લવ’ કરનાર Houthi પર આક્રમણ કરે ત્યારે સાઉદી અરેબિયાને વખોડીએ છીએ, પરંતુ બૉમ્બ અને મિસાઇલથી ભરેલા ટોર્નેડો અને ટાઈફૂન એરક્રાફ્ટ કયા કયા દેશ પૂરા પાડે છે? યુ.એન.નો અંદાજ છે કે યમનના આ સશસ્ત્ર સંગ્રામમાં આશરે દસ હજાર લોકોએ જાન ગુમાવ્યા અને ત્રણ મિલિયન વિસ્થાપિત થયા. શું બ્રિટિશ સરકાર એ નિરાશ્રિતોને આશ્રય આપશે? અર્ધા લાખ જેટલા લોકો કોલેરાના ભોગ બન્યાનો અંદાજ છે અને બે હજારથી વધુ દરદીઓએ એ રોગથી જાન ગુમાવ્યા. યમનમાં લડાઈ 2015માં શરૂ થઈ, ત્યારથી કરીને આજ સુધીમાં £3.3 બિલિયનનાં શસ્ત્રો સાઉદી અરેબિયાને વેંચ્યા તેનું ન્યાયીપણું પડકારવા CAATએ યુનાઇટેડ કિંગ્ડમની સરકાર પર હાઇકોર્ટમાં દાવો માંડ્યો છે. કોર્ટે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો, જેની નવાઈ ન લાગવી જોઈએ, પણ  CAAT હજુ અપીલ કરશે.

4 હજુ આ પૂરતું ન હોય તેમ શસ્ત્રોના વ્યાપારમાં લાંચ-રુશ્વત પારાવાર અપાય છે. આપણે જાણીએ છીએ કે BAE એ બ્રિટનની સહુથી મોટી અને દુનિયાની સહુથી વિશાળ કંપનીઓમાંની એક એવી ડિફેન્સ પેઢી છે. તેના પર એવો દાવો છે કે તેણે બ્રિટનના રાજકારણીઓ અને ઓફિસરોને સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશોને શસ્ત્રો વેંચવા સગવડ કરી આપવા તગડી લાંચ આપી છે. આમ પ્રજાને મન તો શસ્ત્રો બનાવતાં કારખાનાંઓમાં કામ કરતા કારીગરો, એ મહાકાય પેઢીના વાણોતરોથી માંડીને ઉચ્ચતમ અધિકારીઓ, સરકારી અમલદારો, પ્રધાનો સહુ સરખે ભાગે જવાબદાર (અને સાબિત થાય તો માનવ હત્યાના ગુનેગાર પણ) ઠરે.

CAAT દ્વારા થયેલ આટઆટલી દલીલો છતાં સરકાર શસ્ત્રોની નિકાસ માટે મારગમાં આવતા તમામ સંકુલોને ટેકો આપે છે. જ્યાં વાડ ચીભડાં ગળે ત્યાં કોને ફરિયાદ કરવી? સરકારના આંતરરાષ્ટ્રીય વેપાર વિભાગમાં સંરક્ષણ અને સલામતી સંકુલમાં 180 કર્મચારીઓ શસ્ત્રોનો વેપાર વધારવા માટે કામ કરે છે, જ્યારે બીજા બધા વિભાગો મળીને માત્ર 142 કર્મચારીઓ કામ કરે છે. રોયલ વિક્ટોરિયા ડોક પાસે આવેલ એક્સેલ સેન્ટરમાં દર એકાંતરે વર્ષે યુદ્ધ સરંજામનું પ્રદર્શન કરવાની જવાબદારી સંરક્ષણ અને સલામતી સંકુલની છે. આ વર્ષે લગભગ 1500 શસ્ત્રો બનાવતી પેઢીઓ પોતાની બનાવટોનું પ્રદર્શન દુનિયા આખીમાંથી આવેલ પ્રતિનિધિઓ પાસે કરશે. આ શસ્ત્રો બનાવતી પેઢીઓને સરકારના સંરક્ષણ ખાતાની સહાય મળે અને લાખોની સંખ્યાની સામાન્ય પ્રજા મોતના વેપારની વિરુદ્ધમાં હોવા છતાં મૌન રહી પોતાની નજર તળે ચાલતા દેખાડા અને વેપાર જોયા કરે. શસ્ત્રો બનાવવાં, વેંચવાં અને વાપરવાં એ જો હિંમતવાળાનું કામ ગણાતું હોય તો હિંસામાં ન માનતા હોવા છતાં તેને મૂંગે મોઢે જોયા કરવું તે જરૂર કાયરતાની નિશાની ગણાવી શકાય. CAAT દાયકાઓથી શસ્ત્રોના વ્યાપારનો સખત વિરોધ કરે છે, જેનું પરિણામ સૂન્ય આવ્યું, તો હવે તે માટેની રીત બદલીને વધુ અસરકારક પદ્ધતિ ખોલાવી રહી જેથી આ પાતકી ઉદ્યોગ અને વ્યાપાર અટકે.

સરકારની શસ્ત્રો વેંચવા પાછળની ઉત્સુકતાનો હજુ એક વધુ નમૂનો જોઈએ. વિદેશોમાં બ્રિટિશ એલચી કચેરીઓમાં લશ્કરના એક અમલદાર પણ આ જ સેવા ખાતર નીમવામાં આવે છે એટલું જ નહીં, વિદેશ પ્રવાસે જતા મંત્રીઓને શસ્ત્રોના વેપારને ઉત્તેજન આપવા માટે ખાસ પ્રોત્સાહિત કરવામાં આવે છે. લશ્કરી અમલદારોનો ઉપયોગ તો ગ્રાહકો સમક્ષ શસ્ત્ર સામગ્રી પ્રદર્શિત કરવામાં આવે જ છે, પણ જરૂર જણાય તો રાજ પરિવારના સભ્યોને પણ તેમાં શામેલ કરવામાં પાછું વળીને જોતા નથી. કેવી પ્રજાવત્સલ સરકાર!

આ રીતે કરવેરા ભરનાર પ્રજાની મૂડીમાંથી થોડો ઘણો ભાગ શસ્ત્રો બનાવવામાં અને વેંચવામાં તો વપરાય જ છે, વધારામાં શસ્ત્રોને કેમ વધુ સંહારક બનાવવાં એ અંગેના સંશોધન કાર્યમાં પણ પ્રજાના કરવેરામાંથી થયેલ આવક તેમની મંજૂરી વિના વપરાય છે. બ્રિટનના કરદાતાઓમાંથી કેટલા ટકા લોકો આ ખર્ચ સાથે સહમત હશે તે જાણવા મળે તો ખ્યાલ આવે. અને જો એ બધા પોતાના કરમાંથી શસ્ત્રો બનાવવા પાછળ લેવાતી રકમ આપવાની ‘ના’ પાડે તો સરકાર શું કરી શકવાની? તેને માટે ડેવિડ હેન્રી થોરો જેવું મનોબળ અને જાન ફના કરવાની ખુમારી જોઈએ.

કોઈ પણ સત્તાધારી અમલદાર એમ કંઈ સસ્તામાં પોતાની ટીકા સંભાળી ન લે. બ્રિટિશ સરકારનો બચાવ પક્ષ કહે છે, શસ્ત્રોની નિકાસ કરવાથી આ દેશના લશ્કરને શસ્ત્રો અને અન્ય યુદ્ધ સામગ્રીનો પુરવઠો સતત મળતો રહે તેવી જોગવાઈ થઈ શકે છે. દેશની આર્થિક પ્રગતિમાં પણ શસ્ત્રોની નિકાસનો ફાળો છે, એવો ગૌરવપૂર્વક દાવો કરાય છે. BAEની શાખાઓ 40 દેશોમાં છે અને ઘણી વિદેશી કંપનીઓ આ દેશમાં વિવિધ પૂર્જાઓ બનાવીને સંરક્ષણ ખાતાને માલ પૂરો પાડે છે, તો આવો ફાયદેમંદ વ્યાપાર કોણ હાથથી જતો કરે? વિદેશ મંત્રાલય તો એટલી હદે દલીલ કરે છે કે જે દેશોમાં શસ્ત્રોની નિકાસ થાય છે તે દેશોમાં બ્રિટનનો પ્રભાવ પડે છે; જો કે સાઉદી અરેબિયાના કિસ્સામાં આ સાબિત કરવું મુશ્કેલ છે. જ્યારે જ્યારે કોઈ રાજકારણીને સાણસામાં પકડવામાં આવે, ત્યારે તેઓ ડ્રગ્સ વેચનારાઓ પેઠે દલીલ કરીને કહે છે, જો આપણે નહીં વેંચીએ તો બીજા દેશો વેંચશે.

સરકાર દેખાવ તો એવો કરે છે કે માનવ અધિકારનો ભંગ ન થાય અને જ્યાં સંઘર્ષ થવાની વકી હોય તેવા જૂથ કે સરકારને શસ્ત્રો ન વેંચાય તેવી જોગવાઈ અસ્તિત્વમાં છે, પણ વાસ્તવિકતા એ છે કે સરકારની નીતિ એવી છે કે ગમે તે પ્રકારે વેપાર થતો હોય તો કરવો, સિવાય કે એમ કરવાથી કોઈ રાજનૈતિક કારણોસર નીચાજોણું થવા સંભવ હોય. તાજેતરમાં શસ્ત્રોના નિકાસ માટે 9,760 પરવાનાઓ અપાયા અને માત્ર 220ને મંજૂરી ન મળી. ભારત અને પાકિસ્તાને શસ્ત્રોના વ્યાપાર માટે 900 અરજીઓ કરી જેમાંની એક પણ નામંજૂર કરવામાં ન આવી. એ બે દેશો વચ્ચે ચાલતા અખંડ દીવા જેવા સંઘર્ષોથી શું બ્રિટિશરો અજાણ હોઈ શકે? એક વખત શસ્ત્રો વેંચી દેવામાં આવે પછી બ્રિટિશ સરકારની જવબદારી નથી એ કેમ વપરાય છે તે જોવાની. આ તો, તમને ઘાસ આપું, કેરોસીન આપું, દીવાસળી આપું; પછી કોનું ઘર સળગાવો તે તમે જાણો એવો ઘાટ થયો.

Democracy is for the People, by the People and to the People એવું એ શાસન પ્રણાલીના શ્રીગણેશ થયા ત્યારે પ્રજાને કહેવા આવેલું. આજે અહેસાસ થાય છે કે લોક્શાહીની ચોટલી કોર્પોરેટ જગતના મોટા મોટા ઉદ્યોગપતિઓ અને મલ્ટી નેશનલ વ્યાપારીઓના હાથમાં છે. બ્રિટન એમાંથી શા માટે બાકાત રહે? શસ્ત્રોના વ્યાપારને આટલો બધો ટેકો આપવા પાછળ એક બીજું કારણ છે; BAE સિસ્ટમની ડાઉનીંગ સ્ટ્રીટમાં અને હાઉસીસ ઓફ પાર્લામેન્ટમાં ધારાભ્યોને શસ્ત્રોના વ્યાપારની તરફેણમાં કામ કરતા કરવા માટેની સતત પેરવી. એ ઉદ્યોગના પ્રતિનિધિઓ વ્હાઇટ હોલ અને પાર્લામેન્ટની મિટીંગોમાં અવારનવાર હાજરી આપતા હોય છે.

સરકાર તરફથી શસ્ત્રોના નિકાસની તરફેણમાં એક છેલ્લી દલીલ કરવામાં આવે છે તે એ છે કે જો એના પર નિયંત્રણ મુકવામાં આવે તો રોજગારીની તકો ઓછી થઈ જાય! મારો રોટલો બીજા દેશની નિર્દોષ પ્રજાના મૃતદેહોની ચેહ પર પકવવા જેવી વાત છે. વાલિયા લૂંટારાને નારદે તેના પાપમાં તેના મા-બાપ, પત્ની કે બાળકો ભાગીદાર થશે કે કેમ એમ પૂછવા મોકલેલો. બ્રિટિશ સરકારના અધિક્ષકો, શસ્ત્રો બનવાતી કંપનીના માલિકો અને કર્મચારીઓએ ઘેર જઈને પોતાના પરિવારજનોને આ સવાલ પૂછ્યો હશે? શું આજીવિકા રળવાનો બીજો કોઈ વિકલ્પ નથી?

રોજગારીની તકો ગુમાવવાની શક્યતા ઊભી થાય તેવા ઉદ્યોગો બંધ કરવાનું કોઈ મુનાસીબ ન જ માને, પછી ચાહે તે ઉદ્યોગ શસ્ત્રો અને તેને લગતા સરંજામ બનાવવાનો કેમ ન હોય. ઈ.સ. 1976ની આ વાત છે. બ્રિટન સ્થિત લ્યુકસ નામની કંપનીમાં 18,000 કારીગરોને 17 ફેકટરીઓમાં કામ મળેલું. હવે એ કંપનીનું 70% ઉત્પાદન લશ્કરી વિભાગ માટે હતું. થયું એવું કે તેમાંના 20% કારીગરોને રોજગારીની તક ગુમાવવાનો ભય સતાવતો હતો. સરકાર એ કંપનીનું રાષ્ટ્રીયકરણ કરીને તેને દેવાળું કાઢતા બચાવી શકે તેમ નહોતી તેથી તેના કારીગરોને પોતાની કુશળતાઓ અને પોતાની પાસેના સાધનોની નોંધ કરી તેને સમાજોપયોગી વસ્તુઓના ઉત્પાદનમાં કેવી રીતે રોકી શકાય તેની મોજણી કરવા સૂચવ્યું. લશ્કરી સાધનો ઓછાં બનાવવાનું પરિણામ બેરોજગારીમાં જ આવે તે જરૂરી નથી, એ સાબિત કરવાનો તેનો હેતુ હોઈ શકે. એ કારીગરો પાસેથી તેઓ બીજી કઈ કઈ વસ્તુઓનું ઉત્પાદન કરી શકે તેની સૂચિ મળી તે રસપ્રદ હતી. સ્પાઈના બીફીડા(કરોડમાં થતો રોગ કે જેનાથી અપંગ બની જવાય)નો ભોગ બનેલ બાળકો માટે હોબક્રાફ્ટ બનાવવું, રસ્તા અને રેઇલવે લાઈન બંને પર ચલાવી શકાય તેવી બસ બનાવવી, હીટ પમ્પ બનાવવા, ડાયાલિસીસ મશીન બનાવવા (કિડની નિષ્ફળ જવાથી વર્ષે આશરે 3,000 મૃત્યુ નીપજે છે), વાહનોમાં ઇંધણનો વપરાશ અને પ્રદૂષણ ઘટાડવા હાઈબ્રીડ પાવર પેક બનાવવા, આ અને એવા અનેક નાનાં મોટાં સાધનો બનાવવાની એક મોટી યાદી એકઠી થઈ જે સૂચવે છે કે સંહારક સાધનો બનાવવાનો વિકલ્પ છે માનવને ઉપયોગી થાય, સહાયભૂત થાય તેવાં સાધનો બનાવવાં.

દુઃખની વાત એ છે કે લ્યુક્સ યોજના તરીકે ઓળખાયેલી આ યોજનાને ખાસ કોઈની સહાનુભૂતિ ન મળી, પરિણામે તેમાંની એક પણ વસ્તુના ઉત્પાદનનું સાહસ કરવા કોઈ આગળ ન આવ્યું. માનવીનું દિમાગ ચીલાચાલુ ઘરેડમાં કેવું ફસાઈ જાય છે એ સાબિત જરૂર થયું. દલીલ એવી થઈ કે જાણે કંપનીના માલિકો કહેતા ન હોય, ‘આ કંપની કોણ ચલાવે છે, તમે કે અમે?’

ગાંધી આજે હયાત હોત તો આ વિષે શું કહેત અને કેવાં પગલાં લેત? એક વાત નિશ્ચિત છે કે ગાંધીજીએ ઉપર કહ્યાં તે તમામ કારણોસર શસ્ત્રોનાં ઉત્પાદન અને વ્યાપારને સખત રીતે વખોડી કાઢ્યો હોત. ‘સર્વોદય’ની વિચારધારા આપનારા ગાંધીજીને ભારતને દુનિયાના સહુથી મોટા શસ્ત્રોની આયાત કરનાર દેશ – 2011-2015 દરમ્યાન દુનિયાના કુલ શસ્ત્ર વ્યાપારના 14% શસ્ત્રો ખરીદનાર તરીકે જોઈને તેમને કલેજે અકથનીય આઘાત લાગ્યો હોત. સત્યના એ પરમ ઉપાસકે પૂછ્યું હોત કે રાષ્ટ્ર શાનાથી મહાન બને? તેની નૈતિક આગેવાનીથી કે શસ્ત્ર બળથી? સ્વદેશી અને ગ્રામોદ્યોગના આગ્રહી તેવા મહાત્માએ સમાજને અને તે પણ સાવ છેવાડેના જન જનને જીવન નિભાવવા, જીવનને ઉત્કૃષ્ટ કરવા ઉપયોગી થાય તેવા સાધનો બનાવવા માટે પાયાનું કામ કરતા સંગઠનોને જ ટેકો આપ્યો હોત, નહીં કે શસ્ત્રો બનાવનારને.

દુનિયા અન્યાય અને યાતનાઓથી ભરપૂર છે. બ્રિટન અને તેના જેવા અન્ય દેશોની શસ્ત્ર વ્યાપાર નીતિનો માનવ જાતની હિતની તરફેણમાં પરિણામ ન આવે ત્યાં સુધી વિરોધ કરવો એ એક પુણ્યનું કામ બની રહેશે.

e.mail : 71abuch@gmail.com

Loading

7 March 2018 admin
← The Everest Experience
ઝવેરચંદ મેઘાણી : જેમની પાંચ આખી કૃતિઓનું અંગ્રેજી થયું હોય એવા એકમાત્ર ગુજરાતી લેખક →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved