Opinion Magazine
Number of visits: 9487397
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી, ગીતા પ્રેસ અને કલકત્તાના મારવાડીઓ

રમેશ ઓઝા|Gandhiana, Opinion - Opinion|26 June 2023

ગીતા પ્રેસ ગોરખપુરને કેન્દ્ર સરકારનો ગાંધી શાંતિ પુરકાર આપવાની ઘટના મૂળભૂત રીતે રાજકીય છે. ઇતિહાસનું શીર્ષાસન કરવા જાણીબૂજીને ગીતા પ્રેસની પસંદગી કરવામાં આવી છે.

રમેશ ઓઝા

ગીતા પ્રેસ ગોરખપુરનું કોઈ પુસ્તક ઘરમાં ન હોય એવો હિંદુ ભાગ્યે જ જોવા મળશે. સો વરસ જૂની આ સંસ્થા છે અને તેનો હિંદુ ધર્મગ્રંથોના પ્રચાર-પ્રસારમાં ઘણું મોટું યોગદાન છે. જેમ કે તમને ખિસ્સામાં રાખી શકાય એવો ભગવદ્ ગીતાનો કેવળ મૂળ પાઠ મળે. મોટી વયના લોકો માટે મોટા ટાઈપમાં મળે કે જેથી વાંચવામાં તકલીફ ન પડે. તમને ભગવદ્ ગીતા અન્વય અને સરળ અનુવાદ સાથે જોઈતી હોય તો એવી મળે. જો કોઈને શાંકરભાષ્ય અને તેના અનુવાદ સાથે જોઈતી હોય તો એવી મળે અને જો કોઈને રામાનુજાચાર્યના શ્રી ભાષ્ય સાથે જોઈતી હોય તો એવી મળે. આવું જ ઉપનિષદો, પુરાણો, ભક્તિસૂત્ર વગેરેનું. આ સિવાય છાપ ભૂલ, વ્યાકરણની ભૂલ કે અન્વય કરવામાં થયેલી ભૂલ ભાગ્યે જ જોવા મળે.

ગીતા પ્રેસનું આ પહેલું પાસું થયું. જેને હિંદુ ધર્મગ્રંથોની પ્રાથમિક જાણકારી મેળવવી હોય તેને ગીતા પ્રેસનાં પુસ્તકો દ્વારા મળી રહે. પણ એનાથી વિશેષ? ગીતા પ્રેસના પુસ્તકોમાં દ્વૈત-અદ્વૈતની મલ્લીનાથી જોવા નહીં મળે. ગીતા પ્રેસનાં પુસ્તકોમાં અર્થઘટનો જોવા નહીં મળે. તિલક, અરવિંદ, ગાંધી, વિનોબા વગેરેએ અલગ અલગ દૃષ્ટિકોણ દ્વારા ભગવદ્ ગીતાની જે વ્યાખ્યાઓ કરી છે એ બધું ગીતા પ્રેસનાં પુસ્તકોમાં જોવા નહીં મળે. ઉદ્દેશ છે હિંદુને માત્ર તેનાં ધર્મગ્રંથોનો પરિચય કરાવવાનો. એ પછી હિંદુ બનવાનું કામ તેણે પોતે કરવાનું.

પણ ના, સાવ એવું નથી. ગીતા પ્રેસ એક ‘કલ્યાણ’ નામનું માસિક કાઢે છે જે હિંદુ સનાતની વિચાર-પ્રસારનું કામ કરે છે. એમાં હિન્દુત્વની ફેક્ટરીને માફક આવે અને ઉપયોગી થાય એવા હિંદુને પેદા કરવાનું કામ કરવામાં આવે છે. એનાં વિશેષાંકો કેટલીકવાર તો સંગ્રહણીય હોય છે. તેનાં ગ્રંથો ભાષ્ય કે અર્થઘટનો વિના મૂળ સ્વરૂપમાં એટલા માટે પ્રકાશિત કરવામાં આવે છે કે જેથી હિંદુઓમાં વિભાજન ન થાય. એક વાર હિંદુ તરીકે દીક્ષિત થયા પછી તેને ખપનો હિંદુ બનાવવાનું કામ ‘કલ્યાણ’ કરે છે. ગીતા પ્રેસની દુકાને ગયેલો માણસ ‘કલ્યાણ’ ન બંધાવે એવું ભાગ્યે જ બને અને જે ‘કલ્યાણ’ વાંચતો થાય એટલે તે હિંદુ જૂનવાણી સનાતની અને હળવા સૂરમાં કોમવાદી સંસ્કાર ઝીલવા માંડે. આ લખનાર ગીતા પ્રેસની દુકાને નિયમિત જાય છે અને ખપનાં પુસ્તકો પણ ખરીદે છે, પણ ‘કલ્યાણ’થી દૂર રહે છે. હમણાં ભક્તનાં લક્ષણો સમજવા માટે ભક્તિસૂત્ર ખરીદવા ગયો હતો. પણ એમાં બતાવેલ ભક્તનાં લક્ષણો કંઈક જુદા જ છે. ઝનૂનરહિત જાતને ઓગાળી દેનારાં.

આજથી સો વરસ પહેલાં કલકત્તાના મારવાડીઓએ ગીતા પ્રેસની સ્થાપના થઈ હતી. જય દયાલ ગોએન્કા અને ઘનશ્યામદાસ જાલાને ગીતા પ્રેસની સ્થાપના કરી હતી. પાછળથી હનુમાન પ્રસાદ પોદ્દાર તેમાં જોડાયા હતા અને તેમણે જયદયાલ ગોએન્કા સાથે મળીને ગીતા પ્રેસનું સિંચન કર્યું હતું. આ બન્ને હિંદુ મહાસભાના સભ્ય હતા અને ગાંધીજીની હત્યા પછી દેશમાં જે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી એમાં આ બે મહાનુભાવોનો સમાવેશ થતો હતો.

હવે ઇતિહાસમાં એક સદી પાછા જઈએ. ૧૯૧૫માં ગાંધીજી ભારત પાછા આવ્યા અને કલકત્તા ગયા ત્યારે કલકત્તાના મારવાડી યુવક સંઘે ગાંધીજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એ યુવકોમાં જયદયાલ ગોએન્કા, હનુમાન પ્રસાદ પોદ્દાર અને જાણીતા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા અગ્રેસર હતા. મેધા મલિક કુદૈસિયાએ ઘનશ્યામદાસ બિરલાનાં લખેલાં જીવનચરિત્રમાં આ ઘટના નિરુપાયેલી છે. મારવાડી યુવકોએ ઘોડાગાડીના ઘોડા છોડી નાખ્યા હતા અને તેમણે ગાંધીજીની ઘોડાગાડી ખેંચી હતી. એ પછી એ પુસ્તકમાં ૧૯૪૮ ઘટના કહેવાઈ છે. ઘનશ્યામદાસ બિરલાના મોટાભાઈ રામેશ્વર પ્રસાદ બિરલાએ ઘનશ્યામદાસને વિનંતી કરી હતી કે તેમણે જયદયાલ અને હનુમાન પ્રસાદને છોડાવવા પ્રયાસ કરવો જોઈએ. એ બન્ને આપણા સમાજનાં છે, સનાતન ધર્મના પ્રચાર-પ્રસારનું કામ કરે છે અને તારા યુવાવસ્થાના મિત્રો છે. ઘનશ્યામદાસ બિરલાએ કહ્યું હતું કે આ ધરતી ઉપર પેદા થયેલા પવિત્રતમ માનવીની અને શ્રેષ્ઠ હિંદુની હત્યા કરનારાઓને અને હત્યામાં સાથ આપનારાઓને ક્ષમા ન હોય. તેઓ સનાતન ધર્મના પુરસ્કર્તા નથી, શૈતાની ધર્મના પુરસ્કર્તા છે.

જે યુવકોએ ગાંધીજીની ઘોડાગાડી ખેંચી હતી એ ગાંધીવિરોધી કેમ થઈ ગયા? ગાંધીજી અને હનુમાન પ્રસાદ પોદ્દાર વચ્ચેનાં ઘણાં પત્રો ગાંધીજીના અક્ષરદેહમાં મળે છે અને તેને જો સળંગ વાંચશો તો ખ્યાલ આવશે કે ઇતિહાસમાં થયેલો શ્રેષ્ઠતમ હિંદુ તેમની નજરે નાપાસ કેમ થયો? બે કારણ હતાં. એક તો એ કે ઇતિહાસનો શ્રેષ્ઠતમ હિંદુ નિર્વિરોધી હતો. હિંદુ ગાંધી મુસ્લિમ વિરોધી કે બીજા કોઈની પણ વિરોધી નહોતો. હિંદુ હોવા માટે કોઈના વિરોધી થવું પડે કે પોતાને બીજા કરતાં શ્રેષ્ઠ સમજવા પડે એ ગાંધીજીને અનિવાર્ય નહોતું લાગ્યું. બીજું કારણ ઇતિહાસનો શ્રેષ્ઠતમ હિંદુ માણસ પહેલા હતો અને એ પણ અખંડ માણસ હતો. કોઈ હિંદુ બીજા હિંદુને પોતાનાથી દૂર કેમ હડસેલી શકે? મારો ધર્મ માણસાઈની વિરુદ્ધ આચરણ કરવાનું મને કહેતો હોય અને ભગવાન ખુદ આવીને મને તેવી સલાહ આપે તો હું તે બન્નેની સામે બળવો કરું. ગાંધીજીએ ડૉ આંબેડકર સાથેની ચર્ચામાં આમ કહ્યું હતું. નિર્વિરોધી અને અખંડ માણસાઈનો પુજારી કોઈક રીતે રૂઢ અર્થમાં હિંદુ બની રહેવા માગતા હિંદુઓને પરવડતો નહોતો અને તેમનો મોહભંગ થવા લાગ્યો હતો. અમને તો એવો હિંદુ જોઈએ જે હિંદુ તરીકે નવી ઊંચાઈ મેળવી આપે, માણસાઈની ઊંચાઈ અમને ખપતી નથી, કારણ કે એમાં ક્યાં ય હિંદુ મટી જવું પડે છે.

માત્ર જયદયાલ ગોએન્કા અને હનુમાન પ્રસાદ પોદ્દાર નહીં, એવા બીજા અનેક હિંદુઓ હતા જેઓ ગાંધીભક્ત બન્યા પછી ગાંધીભક્તિ છોડી દીધી હતી અને તે ત્યાં સુધી કે કેટલાક તો ગાંધીવિરોધી બની ગયા. ખાસ કરીને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતાની અને અસ્પૃશ્યતાનિર્મૂલનની હિમાયત કરવા માંડી અને તેમાં સક્રિયતા દેખાડી એ પછી આ લોકો ગાંધીવિરોધી થવા લાગ્યા હતા. ગાંધીજીએ અસ્પૃશ્યતાનિર્મૂલન માટે હરીજનયાત્રા શરૂ કરી એ અરસાનો (૧૯૩૭નો) હનુમાન પ્રસાદ પોદ્દારનો ગાંધીજી પરનો એક પત્ર મજેદાર છે. હનુમાન પ્રસાદ પોદ્દાર લખે છે: “મને સપનામાં ભગવાન આવ્યા અને તેણે મને કહ્યું કે ગાંધીજીનું આયુષ પૂરું થવા આવ્યું છે એટલે તેમણે બાકીની જિંદગી બધું છોડીને ઈશ્વરસેવામાં વિતાવવી જોઈએ.” એ પછી તેઓ આગળ લખે છે કે સ્વપ્નની વાત તમને કહેવી કે કેમ એ વિષે મેં જાત સાથે ખૂબ ઝઘડો કર્યો હતો અને પછી થયું કે મારે આપને જણાવવું જોઈએ. અને હજુ આગળ લખે છે કે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મારું સપનું ખોટું પડે. મહેરબાની કરીને આ પત્ર વાંચીને ફાડી નાખશો.

ગાંધીજી જવાબમાં લખે છે કે આ તો તમારો પ્રેમ છે. મારા પ્રત્યેની લાગણી છે. ઈશ્વરભક્તિ કાંઈ મૃત્યુ નજીક આવે ત્યારે જ કરવાની થોડી હોય! એ તો અહર્નિશ કરવાની હોય. રહી વાત મૃત્યુની તો એ જન્મ સાથે જ લખાઈને આવે છે એટલે તમારે મારા મૃત્યુ માટે દુઃખી થવાની જરૂર નથી.

સપનાંની વાતની કોઈ અસર નહીં થઈ એટલે પછી ‘કલ્યાણ’માં ગાંધીવિરોધી પ્રચાર શરૂ થયો. જે દિવસે ગાંધીજીની હત્યા થઈ એ દિવસે પોદ્દાર દિલ્હીમાં હતા અને પછીથી તેમની ધરપકડ કરવામાં આવી. ૧૯૧૫માં ગાંધીજીની ઘોડાગાડીના ઘોડા સવળી દિશામાં હતા તે અવળી દિશમાં ગયા અને આજે અવળી દિશામાં ગયેલા ઘોડાઓને ગાંધી પુરસ્કાર આપીને સરકારે ગાંધીની ઘોડાગાડી સવળી કરી આપવાની ચેષ્ટા કરી છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 25 જૂન 2023

Loading

26 June 2023 Vipool Kalyani
← માણસની હેવાનિયતને કોઈ સીમા નથી … 
દૂર-દૂર ક્યાંક →

Search by

Opinion

  • કોમનવેલ્થ ગેઇમ્સ માટે અમદાવાદ યજમાનઃ ખેલ વિશ્વ એટલે વૈશ્વિક રાજકારણમાં સોફ્ટ પાવર અને કૂટનીતિ
  • તાલિબાની સરકારના વિદેશ પ્રધાન ભારતની મુલાકાત લે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ
  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી

Poetry

  • પિયા ઓ પિયા
  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved