
રમેશ ઓઝા
કમાલનો યોગાનુયોગ છે. બીજી ઓકટોબર મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે અને આ વરસે બીજી ઓક્ટોબરે જ દશેરા છે અને ૧૯૨૫ની સાલમાં દશેરાને દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નાગપુરમાં સ્થાપના થઈ હતી. સંઘ સો વરસનો થયો અને ગાંધીજી ૧૫૬ વરસના.
ગાંધીજીનું દર્શન અને સંઘના દર્શન વચ્ચે જમીન આસમાનનું અંતર છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ છે. મિયાં અને મહાદેવનો મેળ ન બેસે એમ જે કહેવાય છે એમ સંઘ અને ગાંધીનો મેળ ન બેસે અને એ એક હકીકત છે. વખતે મિયાં અને મહાદેવનો મેળ બેસે પણ ખરો, પણ આ બેનો મેળ તો ન જ બેસે. બન્નેની ફિલસૂફીમાં અંતર છે, માર્ગમાં અંતર છે, અભિગમમાં અંતર છે, સાધનમાં અંતર છે અને કૂળમાં પણ અંતર છે. ગાંધીનું ફૂળ સ્વેદેશી છે (વેદ, ઉપનિષદ, શ્રમણ-બ્રાહ્મણ પરંપરા, સંતો અને સૂફીઓ વગેરે) અને સંઘનું વિદેશી. (ઓળખ આધારિત બહુમતી રાષ્ટ્રવાદ પશ્ચિમની કલ્પના છે.)
જ્યારે સંઘની સ્થાપના થઈ ત્યારે, એટલે કે ૧૯૨૫માં, દેશ ગાંધીજીની મુઠ્ઠીમાં આવી ગયો હતો અને ગાંધીજીની મુઠ્ઠીમાંથી દેશને (હિંદુઓને) છોડાવવા માટે જ સંઘની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં સુધી ગાંધી અને તેનું દર્શન હિંદુઓને પ્રભાવિત કરે છે ત્યાં સુધી હિંદુઓની સર્વોપરિતા સ્થાપિત કરવી શક્ય નથી એ તેમને સમજાઈ ગયું હતું. હિંદુઓને ગાંધીજીની મુઠ્ઠીમાંથી છોડાવવા જોઈએ. ત્રણ હિંદુ નેતા હતા જેમની છબી હિંદુ હોવાની અને હિંદુઓ માટે બોલતા હોવાની હતી. એક લોકમાન્ય તિલક જેમનું ૧૯૨૦માં અવસાન થયું. બીજા લાલા લાજપત રાય જેમનું ૧૯૨૮માં અવસાન થયું. ત્રીજા મદનમોહન માલવિયા. તેઓ ૧૯૪૬ સુધી હયાત હતા, પરંતુ તેમની છબી હિદુ મવાળની હતી અને તેમની ગાંધીભક્તિ અપાર હતી. ટૂંકમાં ૧૯૨૫માં સંઘની સ્થાપના થઈ ત્યારે તેઓ ઈચ્છતા હતા એ રીતે આગ્રહપૂર્વક હિંદુની વાત કરનાર કોઈ રાષ્ટ્રીય નેતા નહોતો. એટલે તો લાલા લાજપત રાયના આવસાન પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર અને તેમના રાજકીય માર્ગદર્શક ડૉ. બી.એસ. મુંજે અરવિંદ ઘોષને યોગમાર્ગ છોડીને પાછા રાજકારણમાં પ્રવેશવા અને હિંદુઓનું નેતૃત્વ કરવા વિનંતી લઈને ખાસ પોંડીચેરી ગયા હતા. મહર્ષિ અરવિંદે ના પાડી દીધી હતી. (જો કે કેટલાક લોકોના મતે મહર્ષિ અરવિંદે રાજકારણમાં પાછા ફરવા કેટલોક સમય વિચાર કર્યો હતો.)
અહીં એક પ્રસંગ યાદ આવે છે જે ડૉ. હેડગેવારના મરાઠી ચરિત્રકાર એન.એચ. પાલકરે નોંધ્યો છે અને તેનું પ્રકાશન સંઘનું છે. આ પ્રસંગ સંઘને ઓળખવામાં ઉપયોગી છે. ધીકતી દાકતરી પ્રેક્ટીસ ધરાવતા ડૉ મુંજેએ પોંડીચેરી જવા પોતાના માટે ફર્સ્ટક્લાસની ટિકિટ લીધી હતી અને ડૉ. હેડગેવાર માટે થર્ડકલાસની ટિકિટ ખરીદી હતી. પ્રત્યેક મોટાં સ્ટેશને ડૉ. હેડગેવાર ખબરઅંતર પૂછવા અને ચાપાણી નાસ્તો અને ભોજન કરાવવા ફર્સ્ટક્લાસના ડબ્બામાં ડૉ મુંજે પાસે જતા હતા. એક સ્ટેશને બન્ને જમીને ટિફીન સમેટે એ પહેલા ટ્રેન રવાના થઈ ગઈ અને ડૉ હેડગેવાર પાછા પોતાના વર્ગના ડબ્બામાં નહીં જઈ શક્યા. એવામાં અંગ્રેજ ટિકિટચેકર આવ્યો અને ડૉ. હેડગેવારને ફર્સ્ટક્લાસમાં પ્રવાસ કરવા માટે દંડ કર્યો. ડૉ. મુંજેએ ગુસ્સે થઈને ઉગ્ર અવાજમાં દલીલો કરવા માંડી. ડૉ. મુંજે મોટી અને ફેલાયેલી દાઢી રાખતા અને કાળી ટોપી પહેરતા અને દેખાવમાં કાંઈક મુસ્લિમ જેવા લાગતા. (બાય ધ વે મોટાભાગના હિંદુઓએ સફેદ ગાંધીટોપી અપનાવી લીધી હતી, પણ હિન્દુત્વવાદીઓ ગાંધીને દરેક રીતે નકારતા હતા, એટલે તેઓ કાળી ટોપી પહેરતા હતા. આજે પણ પહેરે છે.) પેલા ટિકિટચેકરને લાગ્યું કે ડૉ. મુંજે મુસ્લિમ છે એટલે તેમણે તાડૂકીને કહ્યું કે એ મુલ્લે અપની ઔકાત મેં રહ કે બાત કર, ઇધર અંગ્રેજોં કા રાજ હૈ મુસ્લિમ કા નહીં. ડૉ. મુંજેને મુલ્લો સમજીને અંગ્રેજે તતડાવ્યો એ જોઇને બન્ને રાજીનારેડ થઈ ગયા હતા અને એ અંગ્રેજ સાથે આદરપૂર્વક વાત કરવા લાગ્યા હતા. મુસલમાનનું બુરું ઇચ્છનાર અને કરનાર કે તેને હલકી નજરે જોનાર ગમે તે હોય એ ચાલે પછી ભલે આપણને ગુલામ કરનાર અને તોછડાઈપૂર્વક વાત કરનાર અંગ્રેજ હોય. ગાંધીજીની દુ:શ્મની ગૈર યુરોપિયન વિશ્વદેશોને ગુલામ બનાવનાર અને ત્યાંની પ્રજાનું આર્થિક સાંસ્કૃતિક એમ સાર્વત્રિક શોષણ કરનાર સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદ સામે હતી જ્યારે આ લોકોની દુ:શ્મની કેવળ મુસલમાન સામેની હતી.
ખૈર, ગાંધીજીને નેસ્તનાબૂદ કરવાનો, તેમને અપ્રાસંગિક બનાવવાનો, તેમને ઇતિહાસમાંથી ભૂંસી નાખવાનો સંઘને પૂરો અધિકાર છે. સંઘને પોતાનું દર્શન અને દૃષ્ટિકોણ માંડવાનો, તેને લોકો પહોંચાડવાનો અને લોકોને તેને અનુકૂળ બનાવવાનો પણ અધિકાર છે. સંઘ સો વરસથી આ કરે પણ છે. પણ આજે યોગાનુયોગ બન્નેની જયંતી એક જ દિવસે આવી રહી છે અને એ પણ સો વરસના પ્રયાસના ઇતિહાસ સાથે ત્યારે સવાલ થાય છે કે સંઘ એ કરી શક્યો છે? સંઘના સ્વયંસેવકોએ અને નેતાઓએ આ વિષે વિચારવું જોઈએ. શું ગાંધીજી અપ્રાસંગિક બની ગયા છે? અને જો નથી બનતા તો તેમની પાસે એવી કઈ ચીજ છે જેમાં ચિરંતનતા છે. હત્યા, ચારિત્ર્યહત્યા અને અપપ્રચાર પછી પણ એ માણસ દૃષ્ટિપલટ પરથી ખસતો નથી તો એવું એમાં શું છે? તેમની મહાનતાને સ્થાપિત કરવા, તેને પ્રચાર દ્વારા લોકો સુધી પહોંચાડવા, ટકાવી રાખવા કોઈ સરકારી કે ગૈર સરકારી પ્રયાસ કરવામાં નથી આવતો (હકીકતમાં સરકારી અને ગૈર સરકારી પ્રયાસ તેને મીટાવવા માટે થઈ રહ્યો છે) અને છતાં એ માણસ અદૃશ્ય થતો નથી. એ પોતાની તાકાત પર જીવે છે અને કેટલાક લોકોને સતાવે છે. કઈ છે એ તાકાત?
આ તો ગાંધીજીની પ્રાસંગિકતાની વાત થઈ. એક નજર સંઘની સો વરસની યાત્રા પર કરીએ. શું આર.એસ.એસ. સો વરસના સંગઠિત પ્રયાસ પછી બહુમતી હિંદુઓ સુધી પોતાની ફિલસૂફી અને દૃષ્ટિકોણ પહોંચાડવામાં અને બહુમતી હિંદુઓને તેને અનુકૂળ કરવામાં સફળ થયો છે? પ્રામાણિકતાપૂર્વક સંઘે આ વિષે ચિંતન કરવું જોઈએ. એક બાજુ નોંધારો એકલોઅટૂલો માણસ અને બીજી બાજુ સત્તા અને સંસાધનોની પ્રચંડ તાકાત સાથેના પ્રયાસ. પ્રયાસ પણ પાછો થોડોઘણો નહીં, સો વરસનો. શું બહુમતી હિંદુઓએ હિન્દુત્વ અને હિંદુરાષ્ટ્રનો સ્વીકાર કરી લીધો છે? સો વરસ પછી બેલેન્સશીટ તપાસવી જોઈએ.
સત્ય શું છે? સત્ય એ છે ગાંધીજીએ ૧૯૧૫માં ભારતમાં પગ મુક્યો અને માત્ર બે વરસમાં બહુમતી હિંદુઓને (અને બહુમતી અન્ય કોમોને પણ) જીતી લીધા હતા. હા, માત્ર બે વરસમાં અને એ પણ માત્ર પોતાની તાકાત દ્વારા. આ બાજુ સંઘે સત્તાનો ઉપયોગ કરીને હિન્દુત્વનો અને હિંદુરાષ્ટ્રનો વિરોધ કરનારાઓને “મેનેજ” કરવા પડે છે. કોણ વિરોધ કરે છે? બહુમતી હિંદુઓ. ગાંધીજીની ભારતીય રાષ્ટ્રની કલ્પના લોકોએ સ્વીકારી લીધી હતી. એ સ્વયંભૂ સ્વીકાર હતો. જ્યાં સ્વયંભૂ સ્વીકાર હોય ત્યાં વિરોધને “મેનેજ” કરવાની જરૂર નથી પડતી. આ બાજુ હિન્દુત્વવાદીઓની સ્થિતિ જુઓ. બહુમતી હિંદુઓનો વિરોધ એટલો પ્રચંડ છે કે તેમણે તેને રોકવા અને દબાવવા મીડિયાને, સોશ્યલ મીડિયાને, સંસદને, ન્યાયતંત્રને, ચૂંટણીપંચને, વિરોધ પક્ષોને, મુખર વિચારકોને, યુનિવર્સીટીઓના છાત્રોને, એન.જી.ઓ.ને, પ્રગતિશીલ સંગઠનોને, “મેનેજ” કરવા પડે છે. ગાંધીજીની, સર્વોદયવાળાઓની અને અન્ય સેક્યુલર લોકોની સંસ્થાઓ પર કબજો કરવો પડે છે. જો બહુમતી હિંદુઓએ હિન્દુત્વનો સ્વયંભૂ સ્વીકાર કર્યો હોત તો વિરોધીઓને “મેનેજ” કરવા ન પડ્યા હોત અને હકથી હિંદુરાષ્ટ્રને આકાર આપવામાં આવતો હોત. જે થનગનાટ અને આત્મવિશ્વાસ જવાહરલાલ નેહરુમાં જોવા મળતો હોત એ નરેન્દ્ર મોદીમાં જોવા મળત. સતત વિરોધને “મેનેજ” કરવામાં ઉર્જા ન ખર્ચાતી હોત અને એ પણ અનૈતિક રીતે.
આ સંઘની નિષ્ફળતા નથી? સો વરસ પછી પણ બહુમતી હિંદુઓ સુધી પહોંચી શક્યા નથી અને પોતાના કરી શક્યા નથી. શું કર્યું સો વરસ? શું ખૂટે છે? એવું નથી લાગતું કે સો વરસના અનુભવ પછી હવે વિચાર કરતા અને પ્રશ્ન પૂછતા શીખવું જોઈએ? એક માણસની ભારતીય રાષ્ટ્રની કલ્પના બે વરસમાં સ્વીકાર્ય બને અને એક સદી પછી પણ એ કાયમ રહે અને હિન્દુત્વવાદીઓને કવરાવતી રહે અને બીજી તરફ એક સંસ્થા સો વરસ પછી પણ હિંદુરાષ્ટ્રની કલ્પના બહુમતી હિંદુઓ સુધી પહોંચાડી ન શકે એને નિષ્ફળતા કહેવાય કે બીજું કાંઈ? વિરોધ અને વિરોધીઓને “મેનેજ” કરીને કેટલોક વખત ટકી શકાય, પણ કાયમ માટે ટકવું હોય તો બહુમતી પ્રજાનો સ્વીકાર જોઈએ. શાશ્વતી સ્વીકારમાં છે.
અહી એક બીજો સવાલ પણ ઉપસ્થિત થાય છે. સેવાના ક્ષેત્રમાં, શિક્ષણના ક્ષેત્રમાં, આરોગ્યના ક્ષેત્રમાં, વિજ્ઞાનના ક્ષેત્રમાં, રચનાત્મક કામના ક્ષેત્રમાં, પર્યાવરણસંરક્ષણના ક્ષેત્રમાં, ઉર્જા, ખેતી વગેરેના પ્રયોગના ક્ષેત્રમાં એવી કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ છે જે હિન્દુત્વવાદી હોય અને સંઘે આપી હોય? કોઈ મૌલિક વિદ્વાન કે પ્રયોગવીર? હિંદુ હોવા માટે તેઓ ગર્વ ધરાવે છે તો સ્વાભાવિક અપેક્ષા રહે કે હિંદુદર્શન, હિંદુ પરંપરા, હિંદુ ધર્મશાસ્ત્ર, હિંદુ સંસ્કૃતિ, સંસ્કૃત ભાષા વગેરે ક્ષેત્રોમાં તો તેમનું યોગદાન હશે જ હશે. તપાસ કરી જુઓ, અથવા કોઈ સંઘના નેતાને પૂછી જુઓ કે આ આપણા ભાવતા ક્ષેત્રમાં સંઘે કોઈ મૌલિક વિદ્વાન આપ્યો છે. એ છોડો, શાંતિનિકેતન, કલાક્ષેત્ર, ગુજરાત વિદ્યાપીઠ, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, લોકભારતી (સણોસરા), સસ્તું સાહિત્ય જેવી કોઈ સંસ્થા છે જે સંઘે સ્થાપી હોય અને તેનું અનોખું યોગદાન હોય? તેઓ બીજાઓએ સ્થાપેલી સંસ્થાઓને કબજે કરે છે, પોતાની કોઈ સંસ્થા વિકસાવી નથી શક્યા. ન વિચારક, ન વિદ્વાન, ન પ્રયોગવીર કે ન સંસ્થા.
કારણ? કારણ કે વીરડીમાં સમુદ્રનું પાણી ન સમાય. બહુમતી પ્રજા સુધી પહોંચવું હોય અને તેને પોતાનાં કરવા હોય તો લઘુતાગ્રંથિ છોડીને ડર્યા વિના સમુદ્રમાં તરતા આવડવું જોઈએ. રવીન્દ્રનાથ, ઉમાશંકર, પ્રેમચંદ સમુદ્રમાં જન્મે, વીરડીમાં નહીં.
તો પછી સંઘની સો વરસની યાત્રા વિષે શું કહીશું?
જવાબ છે શોકાંતિકા. “મેનેજ” કરી કરીને કેટલો વખત કરશો? શાશ્વતને ઓળખો અને અપનાવો.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 સપ્ટેમ્બર 2025