Opinion Magazine
Number of visits: 9446502
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી અને મુંબઈ

ઉષા ઠક્કર|Gandhiana|20 October 2021

મુંબઈના મણિ ભવનથી નમસ્કાર.

સૌ પ્રથમ સંધ્યા (મહેતા) અને મારા તરફથી આ આમંત્રણ માટે યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો આભાર, અને વિપુલભાઈ – કુંજબહેન, પંચમભાઈ અને નીરજભાઈનો વિશેષ આભાર.

મને અને સંધ્યાને ‘ગાંધી અને મુંબઈ’ વિશે વાંચવાનું ગમે, તે વિશે સંશોધન કરવું ગમે. અને તેમાંથી ઉદ્દભવ્યું આ પુસ્તક – ‘ગાંધી ઈન બૉમ્બે – ટૉવર્ડ્ઝ સ્વરાજ’.

મુંબઈ એવું મહાનગર છે જે સદા પ્રગૃત્તિમય રહે છે, નથી જંપતું આ મહાનગર જે અર્થવ્યવસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને તે સાથે ઊંચી ઈમારતો અને ચમકદમકવાળી આ અલબેલી મોહમયી નગરી રાજકીય ચેતનાથી પણ ભરપૂર રહી છે. સ્વાતંત્ર્ય આંદોલનમાં તેનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. અને મહાત્મા તથા મુંબઈનો સંબંધ તો અનોખો છે.

આમ તો ગાંધીજી ઇંગ્લાંડ અહીંથી જ ગયા. વકીલાત શરૂ કરવાનો અસફળ પ્રયત્ન પણ અહીં જ કર્યો. તે પછી તે દક્ષિણ આફ્રિકા પણ અહીંથી જ ગયા વિદેશી પોષાકમાં અને પોતાના કાર્યથી પ્રસિદ્ધિ પામી કાઠિયાવાડી પોષાકમાં પાછા ફર્યા 1915માં. ચોક્કસ કહું તો 09 જાન્યુઆરી 1915માં.

હું અહીં ગાંધી અને મુંબઈના સંબંધની આ સમયથી રજૂઆત કરવા માગું છું. 1915 સુધીમાં તો મુંબઈ વ્યાપારધંધાનું કેન્દ્ર બની ગયેલું. આ શહેરમાં ઉર્જા હતી − આર્થિક પરિબળોની, શિક્ષણની સંસ્થાઓ તથા મંડળોની અને નવજાગરણની. ગાંધીમાં શક્તિ હતી − સત્યાગ્રહની, પોતાના અનુભવોની, મૂલ્યોની અને દેશભક્તિની.

મગનલાલ ગાંધી પરના 11 જાન્યુઆરી 1915ના પત્રમાં ગાંધીએ લખ્યું કે, ‘મુંબઈ પહોંચતા જ્યારે કિનારો જોયો ત્યારે હર્ષના આંસુ આવેલાં. હજુ હર્ષઘેલો છું. છતાં મુંબઈ નથી ગમતું. મુંબઈ લંડનનો ઉતાર લાગે છે. તેમાં લંડનની બધી એબો અનુભવું છું, પણ ત્યાંની સગવડોનો મને લાભ નથી મળ્યો, એ પણ હિંદમાં રહેવાનો લાભ છે.’

આ સમયે ગાંધીમાં આત્મવિશ્વાસ અને દેશ માટે કંઈ કરવાની તમન્ના છલોછલ ભરેલા હતા. તેમના માનમાં ઘણા મેળાવડાઓ અને સભાઓનું આયોજન થયું. લોકોને લાગ્યું કે આ વ્યક્તિ કંઈ જુદા પ્રકારની છે. અને ગાંધીજી પોતાની આગવી દૃષ્ટિથી પરિસ્થિતિનું અવલોકન કરવા લાગ્યા. આર્થિક રીતે વિકસિત, બૌદ્ધિક સાધનોથી ભરપૂર અને સામાજિક – સાંસ્કૃતિક વિવિધતાઓથી ભરેલા મુંબઈ શહેરમાં તેમને પોતાનાં કાર્યો માટે કંઈક શક્યતાઓ દેખાઈ અને તેમને આ શહેરનો સુદૃઢ અને સુદીર્ઘ સાથ મળ્યો.

આમ તો ગાંધીજીને શહેરો નહોતા ગમતાં. એક ઠેકાણે તો તેમણે મુંબઈ અને કલકત્તા જેવા શહેરોને real plague spots – મહામારી ફેલાવનારા – ગણાવ્યા છે. 1919 પહેલાં તેમણે સત્યાગ્રહ માટે ચંપારણ, ખેડા અને બારડોલી જેવાં સ્થળો પસંદ કરેલાં. જો કે સત્યાગ્રહનો તખ્તો અમદાવાદ પણ હતો. પણ 1919માં રોલેટ કાયદાના પ્રતિકારમાં થયેલ સત્યાગ્રહનું સ્થળ બન્યું મુંબઈ. અહીં સામાજિક, આર્થિક અને બૌદ્ધિક પરિબળો (તેને કારણે ઉદ્દભવતા પરિબળો) મોજૂદ હતા. રોલેટ કાયદો પ્રજાની સ્વતંત્રતા અને અધિકારો પર ઘણી મર્યાદા લાવતો હતો. આવા કાયદાનો વિરોધ કરવો એટલે બ્રિટિશ સામ્રાજ્ય સાથે સીધો સંઘર્ષ. પણ ગાંધી અને તેમના સાથીઓએ વિચારપૂર્વક સત્યાગ્રહનું આયોજન કર્યું અને સક્રિય થયા.

1919ની 6 ઍપ્રિલે મુંબઈમાં ચોપાટી તટ પર રોલેટ સત્યાગ્રહ છેડાયો. ત્યારે ગાંધી મણિ ભવનમાં તેમના સાથી રેવાશંકર ઝવેરીના મકાનમાં હતા. અહીં મણિ ભવનમાં 1917થી 1934 સુધી ગાંધી આવતાજતા વસવાટ હતો. આ સત્યાગ્રહનું સચોટ વર્ણન 07 ઍપ્રિલના “બૉમ્બે ક્રૉનિકલ”માં અપાયું છે. લોકો સવારથી જ ભેગા થવા લાગેલા. ચોપાટીથી સેન્ડહર્સ્ટ પુલ સુધી લગભગ દોઢેક લાખ લોકો ભેગા થયા. સભા પૂરી થતાં લોકો ચોપાટીથી માધવબાગ ગયા. લોકોમાં એક અદમ્ય શક્તિનો આવિર્ભાવ થયો.

સરકારે ‘હિંદ સ્વરાજ’, રસ્કિનના Unto the Last, અને Defence of Socratesના ગાંધીજીએ કરેલા અનુવાદ અને મુસ્તફા કમાલ પાશાના પુસ્તક The Life and Address of Mustafa Kamal પર પ્રતબંધ મૂકેલો. પ્રતિકારના દિવસે સ્વયંસેવકો તો આવાં પુસ્તકો વેચવાં નીકળેલાં. એક ગાડીમાં ગાંધીજી અને સરોજિની નાયડુ નીકળી પડ્યાં. ચાર ચાર આનાનાં પુસ્તકો 5 – 10 રૂપિયામાં વેચાયાં. એક પુસ્તક તો 50 રૂપિયામાં વેચાયું એવું ગાંધીજીએ આત્મકથામાં નોંધ્યું છે.

•••

આ સમયે ગાંધીજીને શંકરલાલ બેંકર, ઉમર સોબાની, બેન્જામિન હોર્નિમન અને સરોજિની નાયડુ જેવાં નેતાઓનો સાથ હતો.

07 ઍપ્રિલ 1919ના દિવસે ગાંધીજીએ ‘ઇન્ડિયન પ્રેસ એક્ટ’ના વિરોધમાં અડધા પાનાની, ‘સત્યાગ્રહી’ નામની, એક પત્રિકા પ્રગટ કરી. તેમાં સંપાદક તરીકે ગાંધીજીનું નામ હતું. અને લેબરનમ રોડનું સરનામું હતું. તેમાં જણાવાયેલું કે આ પત્રિકાની કાયદેસર નોધણી (registered) નથી થઈ. માટે તેનું લવાજમ નથી.

આ સત્યાગ્રહ પછી ગાંધીજી સશક્ત નેતા તરીકે રાષ્ટૃના રાજકારણમાં ઉપસી આવ્યા. રાજકારણ વિશેનો તેમનો આગવો દૃષ્ટિકોણ, જુદા જ પ્રકારની રણનીતિ અને જુદા જુદા વૈચારિક પ્રવાહોને એક સાથે લાવવાની ક્ષમતા લોકપ્રિય બન્યા. ફિરોજશાહ મહેતા ને ગોપાળકૃષ્ણ ગોખલેનું નિધન 1915માં થયું. દાદાભાઈ નવરોજીનું મૃત્યુ 1917માં અને બાળ ગંગાધર તિલકનું 1920માં. દેશના રાજકારણમાં શૂન્યાવકાશ થયો ત્યારે ગાંધીજીનો તેમાં પ્રવેશ થયો. 12 ઍપ્રિલ 1919ના પત્રમાં તો ટાગોરે ગાંધીજીને મહાત્મા તરીકે સંબોધ્યા.

ગાંધીજીના દેશવ્યાપી અસહકાર આંદોલનનો આરંભ થયો મુંબઈમાં 1920માં.ગાંધીજીએ મણિ ભવનથી જ 22 જૂન 1920ના વાઇસરોયને પત્ર લખ્યો કે ‘બધા મુસ્લિમો અને હિંદુઓ બ્રિટિશ શાસનના ન્યાય અને પ્રતિષ્ઠામાંથી વિશ્વાસ ગુમાવી બેઠા છે. એટલે હવે અસહકાર એ જ એક માત્ર બંધારણીય માર્ગ રહે છે.’ 

•••

01 ઑગસ્ટ 1920ના ખિલાફતના મુદ્દા સાથે સંકળાયેલ આ આંદોલનનો ઔપચારિક આરંભ થયો. ઉપવાસ, હડતાળ અને તિલકના મૃત્યુને દિવસે કાઢેલી શાંતિયાત્રા તેનો ભાગ હતા. મહમ્મદઅલી અને શૌકતઅલી પણ સાથે હતા. અસહકાર સમિતિઓ લોકોને માર્ગદર્શન આપેલું કે હોદ્દા અને માનપત્રો – ચાંદો છોડવા, સરકારી લોન યોજનાઓમાં ભાગીદાર ન થવું, સરકારી વકીલોએ વકીલાત છોડવી, લોકોએ પોતાની તકરારો પોતાની મેળે પતાવવી. સરકારી મિજલસોમાં ન જવું, મેસોપોટેમિયામાં નાગરિક કે લશ્કરી સેવા આપવા ન જવું, સૈન્યમાં અને ખાસ તો તુર્કી ક્ષેત્રોમાં ન જવું, અને સ્વદેશીનો પ્રચાર કરવો.

01 ઑગસ્ટના ગાંધીજીએ વાઇસરોય પર પત્ર લખી પોતાને મળેલા કેસર-એ-હિંદનો ખિતાબ અને સુવર્ણચંદ્રક પાછા આપ્યા.

પ્રોફેસર ભીખુ પારેખના શબ્દોમાં ગાંધીજીની અહિંસક લડતે લોકોનું સશક્તિકરણ કર્યું. એક તરફ તેમનું સંગઠન કરી સામૂહિક પગલાં લેવાનાં નવા માર્ગો ખોલ્યા. અને બીજી તરફ નૈતિક કે ભૌતિક મદદ સ્વીકારવાનો ઈન્કાર કરી દમનકારી શાસનને નબળું પાડ્યું. શાસનનો આત્મવિશ્વાસ હલાવી નાખ્યો અને તેની નિર્બળતા ખુલ્લી કરી.

આંદોલન સાથે વિદેશી કાપડનો બહિષ્કાર અને ખાદી પ્રચાર ગાંધીજીના પ્રમુખ રચનાત્મક કાર્યો રહ્યાં. તેમણે મુંબઈના વેપારીઓ અને નેતાઓ સાથે ચર્ચાવિચારણા કરી. શહેરમાં પત્રિકાઓ વહેંચાઈ, લોકોને વિદેશી કાપડનો ત્યાગ કરવા અને ખાદી પહેરવા માટે સમજાવાયા. અને વિદેશી કપડાંની પ્રથમ હોળીનું આયોજન પરેલમાં આવેલી સોબાનીની એલ્ફિન્સ્ટન મિલ પાસે 31 જુલાઈ 1921ના રોજ થયું. ગાંધીજીના શબ્દોમાં ‘આજે આપણે આપણા શરીર પરથી એક પાપ દૂર કરી રહ્યા છીએ. પરદેશી કાપડ આપણી ગુલામીની નિશાની છે. એનો ત્યાગ કરીને આપણે આપણી જાતને પવિત્ર બનાવી રહ્યા છીએ … … પરદેશી કાપડ બાળવાની વિધિને હું એક પવિત્ર યજ્ઞ ગણું છું. અને આજે આ પવિત્ર વિધિ મારે હાથે થવાની છે એને હું મારું અહોભાગ્ય સમજું છું.’

લોકો તો સમાતા નહોતા. 10,000 થી 12,000 લોકો ભેગા થયેલા.

વિદેશી કાપડની બીજી હોળી 09 ઑક્ટોબરના તે જ સ્થળે પ્રગટાવવામાં આવી. સરોજિની નાયડુ, લાલા લાજપતરાય, મૌલાના આઝાદ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને ઉમર સોબાની જેવાં નેતાઓ હાજર હતાં. 17 નવેમ્બરના ફરી એલ્ફિન્સ્ટન મિલના કમ્પાઉન્ડમાં હોળી થઈ. તે જ દિવસે પ્રિન્સ ઑફ વેલ્સ મુંબઈ આવેલા. તેમને આવકારવા ગયેલા લોકો કાઁગ્રેસ અને ખિલાફતના સ્વયંસેવકો સામસામા થયા. તારદેવથી ગિરગામ અને પરેલ રોડના પશ્ચિમ સુધી અશાંતિ વ્યાપી, રમખાણ થયું. વ્યથિત થઈને ગાંધીજીએ 19 નવેમ્બરથી ઉપવાસ શરૂ કર્યા. બધા સાથીઓએ, હિંદુઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ તથા પારસીઓએ શાંતિ જાળવવાની ખાતરી આપી, ત્યારે ગાંધીજીએ 21 નવેમ્બરના ઉપવાસ છોડ્યા. આ ઉપવાસ પણ મણિ ભવનમાં થયેલા.

06 ઍપ્રિલ 1919ના રોલેટ સત્યાગ્રહ શરૂ થયેલો અને 13 ઍપ્રિલ 1919માં જલિયાવાલા બાગમાં નિર્દોષોના લોહીની નદી વહેલી. ગાંધીજીએ સૂચવેલું કે આ સપ્તાહને રાષ્ટૃીય સપ્તાહ ગણી આ દિવસો દરમિયાન સત્યાગ્રહ, હિંદુ-મુસ્લિમ એકતા ને સ્વદેશી સંબંધી કાર્યક્રમો યોજાવા જોઈએ. અને મુંબઈના લોકોએ તેમ જ કર્યું.

પછી તો 12 માર્ચ 1930ના દાંડીકૂચનો આરંભ થયો. ગાંધીજીએ દાંડીના તટ પર મીઠું ઉપાડ્યું અને મુંબઈ સક્રિય બન્યું. આ સમયે ગાંધીજી સદેહે મુંબઈમાં હાજર નહોતા. પણ મુંબઈનો પ્રતિસાદ અપૂર્વ હતો. વિલે પાર્લે અને ગિરગામ પ્રતિકારના કેન્દ્રો બન્યાં. જમનાલાલ બજાજ, કિશોરલાલ મશરૂવાળા, ગોકુળદાસ ભટ્ટ, શંકરરાવ દેવ, એસ.ડી. જાવડેકર, કેતકર અને કે.એફ. નરીમાન જેવા નેતાઓ મોખરે હતા.

વરલી, ચોપાટી અને અન્ય સ્થળોએ મીઠું પકવવાના કાર્યક્રમો થયા. 08મી ઍપ્રિલે કાઁગ્રેસ હાઉસની અગાસીમાં ખાસ સિમેન્ટની ચોકીઓમાં મીઠું પકાવાયું.

•••

અવંતિકાબાઈ અને કમલાદેવી આગળ રહેલાં. નરીમાન અને બજાજની ધરપકડ ઉજવવા પછી તો સભાઓ અને સરઘસોની કતાર થઈ. માટે ચોપાટી પર 3૦,૦૦૦ લોકોની સભા ભરાઈ. 13 ઍપ્રિલના રાષ્ટૃીય સપ્તાહના છેલ્લે દિવસે ચોપાટી પર સરઘસ કાઢી 50,000 લોકો ભેગા થયા. ભૂલાભાઈ દેસાઈ, કે.એમ. મુનશી અને મંગળદાસ પકવાસા જેવા વકીલોએ સ્વદેશી આંદોલનને જાહેર સમર્થન આપ્યું. અને 20 ઍપ્રિલના તો ચોપાટી પર જંગી સભા ભરાઈ. સરકારી આંકડા મુજબ 8,000 લોકો હતા, ‘બૉમ્બે ક્રોનિકલ’ના હેવાલ મુજબ એક લાખ હતા. સરોજિની નાયડુ, અવંતિકાબાઈ ગોખલે, કમલાદેવી, કે.એમ. મુનશી અને લીલાવતી મુનશી જેવાં વક્તાઓ હતાં. વડાલામાં સત્યાગ્રહે દેશનું ધ્યાન ખેંચ્યું. 15,000 લોકોએ તેમાં ભાગ લીધેલો.

ગણપતિ ઉત્સવમાં કાઁગ્રસનો ધ્વજ દેખાતો. તો ક્યાંક ગણપતિની મૂર્તિ પર ગાંધી ટોપી પણ દેખાતી.

આ સમય દરમિયાન પ્રભાત ફેરીઓ અને તે સમયે ગવાતાં ગીતો લોકપ્રિય થયાં. ‘નહીં નમશે, નહીં નમશે નિશાન ! ભૂમિ ભારતનું …’; ‘ડંકો વાગ્યો લડવૈયા, શૂરા જાગજો રે, શૂરા જાગજો રે, કાયર ભાગજો રે … ડંકો વાગ્યો …’

1930ની હજુ એક વાત કહેવી બાકી છે. વિદેશી કાપડના બહિષ્કાર માટે લોકો પ્રતિબદ્ધ હતા. 12 ડિસેમ્બર 1930ના કાલબાદેવી વિસ્તારમાં બાબુ ગેનુ નામના એક કામદારે વિદેશી કાપડ ભરેલી ટૃકને અટકાવી અને તેને રોકવા માટે આે ઊભો રહ્યો. પણ ટૃક તેને કચડી ચાલી ગઈ. મુંબઈ આ શહાદતથી વ્યથિત બન્યું. શાંતિપૂર્ણ દેખાવો થયા અને તેમાં સ્ત્રીઓ અગળ રહી. દેશ સેવિકા સંઘના એક દુર્લભ અહેવાલમાં જણાવાયું છે કે સ્ત્રીઓએ નિષ્ઠાપૂર્ણ નેતૃત્વ પૂરું પાડ્યું. પરંપરાઓ તોડી. તેમણે શહીદની અંતિમયાત્રામાં ભાગ લીધો ને શહીદની ચિતાને અગ્નિદાહ આપ્યો.

રાજકીય પ્રવાહો બદલાયા. ગાંધીજી મુંબઈથી 29 ઑગસ્ટ 1931ના ‘એસ.એસ. રાજપૂતાના’ નામની સ્ટીમરમાં ગેળમેજી પરિષદમાં ભાગ લેવા માટે લંડન ગયા. અને ડિસેમ્બરના પાછા ફર્યા.  મુંબઈની જનતાએ તેમનું ઉષ્મામભર્યું સ્વાગત કર્યું. ગાંધીજી મણિ ભવનમાં રહ્યા. 04 જાન્યુઆરી 1932ની વહેલી સવારે 03 વાગે અહીંથી તેમની ધરપકડ થઈ. પોલિસ કમિશ્નર જી.એસ. વિલ્સન તેમની ટુકડી સાથે આવેલા.

•••

તેમણે આ ઘટનાનું તાદૃશ વર્ણન કર્યું છે. કેવી રીતે મણિ ભવનના દરવાના ખુલ્લા હતા. નાના જૂથમાં લોકો ઊભા હતા. કેવી રીતે દેવદાસ ગાંધી સાથે તેઓ અગાસી પર ગયા અને ગાંધીને જગાડ્યા. પોલિસ કમિશ્નરે તેમના ખભાને સ્પર્શ કરી તેમને કહ્યું કે તેમની ધરપકડ કરવામાં આવે છે અને તૈયારી માટે અડધો કલાક આપ્યો. મૌન હોવાથી ગાંધીજીએ લખ્યું, બરાબર અડધા કલાકમાં હું તૈયાર થઈ જઈશ. મીરાંબહેને સામાન તૈયાર કર્યો અને સામાનમાં તો શું હોય ? એક શેતરંજી, બે થેલી, ફળોની ટપલી, પગની ચાખડી અને દૂધની શીશી. પ્રાર્થના થઈ. ‘વૈષ્ણવજન તો તેને કહીએ રે …’ ગવાયું અને ગાંધીજી વિદાય થયા.

અને હવે વાત કરીએ 1942ની લડતની − ‘ક્વીટ ઇન્ડિયા મૂવમેન્ટ’ની, ત્યારે મુંબઈ રાજકીય ચેતનાથી ધમધમતું શહેર હતું. 07 અને 08 ઑગસ્ટના ગોવાળિયા ટેંકના મેદાનમાં − આજના ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં − અખિલ હિંદ કાઁગ્રેસ મહાસમિતિનું અધિવેશન ભરાયેલું, જ્યાં ‘ક્વીટ ઇન્ડિયા’નો ઐતિહાસિક ઠરાવ પસાર થયેલો. જવાહરલાલ નહેરુએ તેને મૂકેલો અને સરદાર પટેલે તેને અનુમોદન આપેલું. ગાંધીજીના શબ્દોએ પ્રજામાં નવચેતનાનો સંચાર કર્યો. તેમણે કહેલું કે ‘જે ઘડીએ ગુલામ એમ માને કે હું સ્વાધીન છું, તે જ ઘડીએ તેની જંજીર તૂટી જાણવી.’

અને તેમના ન ભૂલી શકાય તેવા શબ્દો −

‘હું તમને ટૂંકો મંત્ર આપું છું. તેને તમારા હૈયે કોતરી રાખજો અને શ્વાસે શ્વાસે તેનો જાપ ચાલવા દેજો. એ મંત્ર છે – Do or Die – કરેંગે યા મરેંગે. હિંદને કાં તો આઝાદ કરીશું નહીં તો મરી ફીટશું.’ 09 ઑગસ્ટના ગાંધીજી અને અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી. હવે લોકો પોતે જ પોતાના નેતા બન્યા, નિર્ણયો લેવા લાગ્યા. અને લડત આગળ વધવા લાગી. મુંબઈમાં હડતાળ, સરઘસ અને દેખાવો યોજાવા લાગ્યા. એલ્ફિન્સ્ટન કૉલેજ, રૂઈઆ કૉલેજ, ખાલસા કૉલેજ, વિલ્સન કૉલેજ તથા અન્ય શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક લડતમાં ભાગ લીધો. સરકારી ઈમારતોમાં તોડફોડ થઈ, ટેલિફોન – તારનાં દોરડાં કપાયાં, વાહનવ્યવહારમાં અવરોધો મૂકાયા. રેલ માર્ગોની પટ્ટીઓ ઉખાડવામાં આવી. શહેરમાં ગોળીબાર થયો અને થોડી જગ્યાએ બોમ્બ પણ ફૂટ્યા. મુંબઈ પર ઑગસ્ટ ક્રાન્તિનું પૂર ફરી વળેલું. તે સાથે ગાંધીજી પ્રત્યેનો પ્રેમ પણ અકબંધ રહ્યો. ઑક્ટોબરમાં ગાંધીજીના જન્મ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ગાંધી સપ્તાહનું આયોજન કરવામાં આવેલું.

02 ઑક્ટોબર − સંપૂર્ણ હડતાળ

03 ઑક્ટોબર − ત્રિરંગી દિવસ – ધ્વજના રંગ પહેરવાના

04 ઑક્ટોબર − Do or Die દિવસ – પ્રભાત ફેરીઓ

05 ઑક્ટોબર − Quit India દિવસ

06 ઑક્ટોબર − આઝાદ દિવસ

07 ઑક્ટોબર − ધ્વજ વંદન

08 ઑક્ટોબર − સંપૂર્ણ હડતાળ અને પાંચ વાગે પ્રાર્થના

09 ઑક્ટોબર − પ્રજાના પ્રતિસાદ પર આધારિત. ગાંધિજીની ધરપકડને બે મહિના પૂરા

•••

30 જાન્યુઆરી 1948ના દિવસે ગાંધીજીની હત્યા થઈ અને મુંબઈ શોકમાં ડૂબી ગયું. તેમની ચિતા દિલ્હીમાં પ્રગટી ત્યારે મુંબઈના દરિયા કિનારે ત્રણ લાખ લોકોએ સ્નાન કર્યું. ફેબ્રુઆરી 1948માં તેમના અસ્થિકુંભને દર્શન માટે ટાઉન હૉલમાં ખાદીથી આચ્છાદિત સ્થળ પર રાખવામાં આવ્યો. લોકોએ અશ્રુભરી અંજલિ પોતાના લાડકા નેતાને આપી. લોકોના ઘરોમાં રસોઈ ન થઈ. 12 ફેબ્રુઆરીના તેમના અસ્થિને ચોપાટીના દરિયામાં પધરાવવામાં આવ્યા, ત્યારે પાંચ લાખથી વધુ લોકો ભેગા થયેલા. વાતાવરણ મહાત્માના પ્રિય ભજનો, ગીતા અને કુરાનના પાઠ અને અવેસ્તાની પંક્તિઓથી ભરાઈ ગયું.

રચનાત્મક કાર્યો માટે અને ખાદી પ્રચાર માટે મુંબઈ ગાંધી સાથે રહ્યું. અહીં સ્વદેશી અને રાષ્ટૃભાષાને લગતા ઘણા કાર્યક્રમો થયા. બનતા સુધી દેશનો પહેલો ખાદી ભંડાર 1920માં ખૂલ્યો મોરારજી ગોકુલદાસ મારકેટમાં. તેનું ઉદ્દઘાટન ગાંધીજીએ કરેલું.

સ્ત્રીઓનું ગાંધીપ્રેરિત કાર્યોમાં અપૂર્વ યોગદાન રહ્યું. તેમણે ખાદી અપનાવી અને પોતાના ઘરમાં જ ગાંધીવિચારની જ્યોત જલાવી. નાનામોટા વેપારીઓ, દુકાનદારો, દલાલો અને તેમના સંગઠનોએ ગાંધીને સમર્થન આપ્યું. બી.આર. નંદાએ નોંધ્યું છે કે પૈસાદાર કરતાં ગાંધી નાના માણસો પાસેથી વધુ આશા રાખતા અને તેમની આ આશા સફળ થતી. (યુવા પેઢીએ ગાંધીને સાથ આપ્યો. કૉલેજ છોડી, સલામત ભવિષ્યનો વિચાર છોડ્યો, પરિણામની પરવા ન કરી.)

દેશહિત માટે રચનાત્મક કાર્યો માટે ગાંધીજીને જ્યારે પણ ધનરાશિની જરૂર પડી, ત્યારે મુંબઈએ સરસ પ્રતિસાદ આપ્યો. તિલક સ્વરાજ ફંડ માટે ગાંધીજીએ એક કરોડ રૂપિયાની રકમ નક્કી કરેલી, અને સમય હતો 1921ના જૂન મહિનાના અંત સુધી. મુંબઈમાં 1921નું રાષ્ટૃીય સપ્તાહ (06 થી 13 ઍપ્રિલ) આ કાર્ય માટે સમર્પિત રહ્યું.  ગાંધીજીને મુંબઈની પ્રજા પાસેથી મોટી આશા હતી અને લોકોએ પણ તેમને નિરાશ ન કર્યા. ઉદ્યોગપતિઓ, વેપારીઓ, કામદારો, કલાકારો, સ્ત્રીઓ અને પુરુષો − બધાંએ યથાશક્તિ ફાળો આપ્યો, જે કુલ 37,50,000 રૂપિયાનો થયો. ગાંધીજીએ 06 જુલાઈ 1921ના ‘યંગ ઇન્ડિયા’માં લખ્યું કે :

‘Bombay is beautiful, not for its big buildings for most of them hide squalid poverty and dirt, not for its wealth for most of it is derived from the blood of the masses, but for its world renowned generosity … Bombay’s charity has covered a multitude of her sins. In respect of the Tilak Swaraj Fund, Bombay has beaten her past records …. She enabled India to keep her promise.’

મુંબઈની જનતાએ જલિયાવાલા મેમોરિયલ માટે, હરિજન ફંડ માટે અને કસ્તૂરબા ગાંધી નેશનલ મેમોરિયલ ફંડ માટે પણ સારું યોગદાન કરેલું.

મુંબઈ ગાંધીજીના સ્વાસ્થ્યને સુધારવા માટે પણ સ્થળ બનેલું. 1918ના અંતમાં અને 1919ના આરંભમાં મણિ ભવનમાં રહેલા અને 1944માં ગાંધીગ્રામ જૂહુમાં નરોત્તમ મોરારજીના પ્રાંગણમાં જહાંગીર પટેલે બાંધેલી કુટિરમાં.

29 ઑગસ્ટ 1924 અને 18 ઑપ્રિલ 1931ના બૉમ્બે મ્યુનિસિપલ કોરપોરેશને ગાંધીજીને માનપત્ર આપેલ.

ગાંધી અને મુંબઈનો સંબંધ અર્થપૂર્ણ રહ્યો, સ્નેહપૂર્ણ રહ્યો, મહત્ત્વપૂર્ણ રહ્યો. મુંબઈએ તેમના નેતૃત્વને સ્વીકાર્યું અને યોગ્ય પ્રતિસાદ આપ્યો. મુંબઈના નામી – અનામી દેશપ્રેમીઓનું અનેરું યોગદાન હતું. સત્યાગ્રહમાં સભાઓ યોજવામાં, સરઘસ કાઢવામાં, રચનાત્મક કાર્યોમાં, પ્રભાત ફેરીઓ અને મિટિંગો યોજવામાં અને દૈનિક જીવનમાં ગાંધીવિચારનાં તત્ત્વોનો સમાવેશ કરવામાં.

ગાંધીએ મુંબઈને નવી દિશા આપી, નવી ઉર્જા આપી.

ગાંધી અને મુંબઈને એકબીજાને સાથ હતો. આઝાદી મેળવવા માટે તેઓ રાહ શોધતા ગયા, પામતા ગયા અને ધ્યેય માટે આગળ વધતા ગયા.

મણિ ભવનનો અને ગાંધીનો ખાસ સંબંધ રહ્યો. 1917થી 1934 સુધી, જ્યારે પણ મુંબઈ આવ્યા ત્યારે અહીં જ રહ્યા. અને અહીંથી રાજકીય પ્રવૃત્તિઓ કરી.

અને આ ઇતિહાસની − આ સંબંધની થોડીક ઝલક હવે બતાવશે સંધ્યાબહેન મહેતા સ્લાઇડ્ઝ દ્વારા. ગાંધીજીને મુંબઈમાં આપણે જોયું તેમ ઘણા નેતાઓનો સાથ મળ્યો. અને તે સાથે રસપ્રદ વાત તો એ છે કે ઘણાં સ્થળોને તથા ખૂલી જગ્યાઓને તેમણે રાજકીય રંગ આપ્યો, – જેમ કે મોરારજી ગોકલદાસ હૉલ, મુઝફરાબાદ હૉલ, કાઁગ્રેસ હાઉસ, મણિ ભવન અને ચોપાટી તટ, જૂહુ તટ, શાંતારામ ચાલ અને ફ્રેન્ચ બ્રિજ પાસેની જગ્યાઓ, ગોવાળિયા ટેંક મેદાન, વગેરે.

[2,373]

Mani Bhavan Gandhi Sangrahalaya, Mani Bhavan, 19 Laburnum Road, Gamdevi, MUMBAI – 400 007   

[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની શનિવાર, 02 ઑક્ટોબર 2021ની વર્ચૂઅલ બેઠકમાં રજૂ કરાયેલું વક્તવ્ય.]

મુદ્રાંકન : વિપુલ કલ્યાણી

Loading

20 October 2021 admin
← વિવેચન વિશે મારાં મન્તવ્યો (3)
આ તે કેવું ન્યાયતંત્ર જેનો વર્ષો સુધી દુરુપયોગ થાય, ને કોર્ટ ચૂપ રહે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved