રાષ્ટૃવાદ એ પૂરો જવાબ નથી એવી પરોક્ષ સ્વીકૃતિરૂપે દીનદયાલના આ વિચાર વ્યાયામને તમે જોઈ શકો
જરી નાટ્યાત્મક રીતે શરૂ કરવા ચહું તો કહી શકું કે વીરક્ષેત્ર એવું જે વડોદરું, એની સંકલ્પભૂમિમાં આજે શનિવારે ઊભી આંબેડકર એકસો પચીસીના માહોલમાં સોમવારની દીનદયાળ શતવર્ષી (ખરું જોતાં એકોત્તરશતી) આસપાસ વૈચારિક ઊહ અને અપોહનો ખ્યાલ છે. અને, પાછું આ બધું ગાંધી એકસો પચાસીના ઉપલક્ષ્યમાં વૈચારિક રીતે ખાસો સર્જનાત્મક તનાવ પણ જગવે છે.
જેમ બેરિસ્ટરમાંથી ‘મહાત્મા’ બનતા ગાંધીજીવનની કટ ઓફ લાઈન દક્ષિણ આફ્રિકાની રેલઘટના ગણાય છે, તેમ સપ્ટેમ્બર 1917માં વડોદરામાં છતી અફસરીએ બેઘર રહેવાની જે નિયતિ આંબેડકરની રહી એને એક એવી જ કટ ઑફ લાઈન તરીકે ઉપસાવવાની (ભલે આંબેડકરનો પોતાનો કોઈ એવો પૂરા કદનો મંથનસ્રોત સુલભ ન હોય તો પણ) કોશિશ કરાઈ રહી છે. અામ પણ, ગોળમેજી પૂર્વે ગાંધીજી સાથેની પ્રથમ મુલાકાતમાં અમારે માટે અહીં ક્યાં વતન છે એવી ફરિયાદલાગણી પ્રગટ કરનાર આંબેડકર બેવતનપણાની લાગણી સુધીનો આલેખ પ્રતીતિકર જણાય છે.
જન્મનું કે પછી કર્મનું જે પણ વતન તે યથાર્થમાં વતન જેવું ક્યારે અનુભવાય, દક્ષિણ આફ્રિકાની રેલઘટનામાં કે વડોદરાની 1917ની ઘટનામાં, આ પ્રશ્ન સામો આવે છે. ઉલટ પક્ષે, શતવર્ષીથી એકોત્તર શતીના આ ગાળામાં, દ્વિતીય સરસંઘચાલક ગોળવેલકર જેમને ‘સોએ સો ટકા સ્વયંસેવક’ કહેતા તે જનસંઘના સ્થાપક-મંત્રી દીનદયાળ ઉપાધ્યાયે જીવનમાં આ પ્રકારે કોઈ વતનશોધ કરવાની આવી નહોતી. તેજસ્વી છાત્રજીવનમાં દીનદયાલને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પરિચય થયો અને દેશની એક રેડીમેડ પરિભાષા અને આકૃતિ આવી મળી. હિંદુ રાષ્ટ્ર માટે કોઈ રુમાની કવિતાથી માંડીને ધગધગાટ બલિદાની ભાવ એમણે જરૂર અનુભવ્યો ને સેવ્યો હશે, પણ ન્યાયપુરસ્સર જિંદગી બસર કરવા મળે એ અર્થમાં સંઘર્ષ સહ નિત્યવિકસનશીલ વ્યાપક વતનપ્રીતિ – અને વંચિતમાત્ર સાથે પોતાને જોડતી વૈશ્વિક ગતિમતિ-એનું મળતાં મળે એવું વરદાન નિયતિની કૃપાએ ગાંધી અને આંબેડકરને જે મળ્યું એ પોતાની રીતે અનોખું ને અનેરું હતું.
રાષ્ટ્ર, રાષ્ટ્રપ્રીતિ, રાષ્ટ્રવાદ એવું બધું ગાંધી અને આંબેડકરનાં વિચારમંથનોમાં અને કાર્યકલાપમાં આવતું રહ્યું આવશ્ય, પણ એમને સારુ ન્યાયી સમાજ અને ન્યાયી દુનિયાના સંદર્ભમાં રાષ્ટ્ર હતું. જ્યારે દીનદયાલની સંઘવશ નિયતિ બાકી સૌ વાનાંને રાષ્ટ્રના સંદર્ભમાં જોવા મૂલવવાની હતી. ભગવદ્ ગીતાની સહાય લઈને કહેવું હોય તો કહી શકાય કે આંબેડકર અને ગાંધીને માટે ઉત્કટ દેશપ્રીતિ છતાં તેમાં ઇતિ નહોતી, કેમ કે રાષ્ટ્ર તો ઇશ્વરની અનેક વિભૂતિઓ પૈકી એક છે, એક માત્ર નથી તે નથી. સંઘગત સમજ, એની પરાકાષ્ઠાએ રાષ્ટ્ર તે એક માત્ર વિભૂતિ(બલકે એ જ ઇશ્વર સાક્ષાત્)ની તરજ પર ચાલે છે.
સ્વરાજનું પહેલું પ્રધાનમંડળ રચવાનો પ્રસંગ આવ્યો ત્યારે ગાંધીજીનું વલણ એ હતું કે સ્વરાજ કૉંગ્રેસને નથી મળ્યું, સૌને મળ્યું છે. આ ભૂમિકાએ મુખર્જી અને આંબેડકર તેમ જ બીજા પણ બિનકૉંગ્રેસી સભ્યો પ્રધાનમંડળમાં હતા. આગળ ચાલતાં મુખર્જી છૂટા પડ્યા પણ હિંદુ મહાસભામાં પાછા ન ફર્યા. કેમ કે સ્વરાજ પછી કોઈ પક્ષ હિંદુઓ સિવાયને માટે ખુલ્લો ન હોય એ એમને બરાબર લાગતું નહોતું. હિંદુ રાષ્ટ્રનો સિદ્ધાંત અલબત્ત યથાવત્ હતો. બીજી પા, ગાંધીહત્યા પછી પોતે જ્યારે જાહેર જીવનમાં એકલા પડી ગયાનો અનુભવ થયો ત્યારે કેટલાંક સંઘ વર્તુળોને રાજકીય પ્રવેશબારીની જરૂરત જણાઈ. આ સંજોગોમાં મુખર્જી-ગોળવેલકર વાટાઘાટોમાંથી જનસંઘ આવ્યો, અને એમાં દીનદયાલનો સ્થાપક-મંત્રીને નાતે પ્રવેશ થયો.
નેહરુ ગયા અને ઇંદિરા (વચમાં ટૂંકા શાસ્ત્રીકાળ પછી) આવ્યાં. 1967માં સ્વરાજની વડી પાર્ટી કૉંગ્રેસના વિકલ્પની રાજનીતિએ સંવિધ (સંયુક્ત વિધાયક દળ) રૂપે દેખા દીધી. આ દોર સમાજવાદી નેતા લોહિયા અને જનસંઘ નેતા દીનદયાલને બહુધા આભારી હતો. સંવિધ સરકારોમાં જનસંઘ અને સામ્યવાદી પક્ષ બેઉ સાથે હોય એવું પણ બનતું. જનસંઘની સ્થાપનાથી સંવિધ સરકાર લગી પહોંચતાં દીનદયાલને શું શું સમજાયું હશે તે પાછળ નજર કરતાં તરત ખયાલમાં આવવું જોઈએ: (1) વિકલ્પ તરીકે છેક છેડાની રાજનીતિમાં કૉંગ્રેસનો જવાબ શક્ય નથી. (2) બીજા શબ્દોમાં, ડાબાજમણા અંતિમ વાદોને બદલે મધ્યમાર્ગી, સેન્ટરિસ્ટ વલણ જરૂરી છે. (3) દેશભક્તિના નારાને આર્થિક-સામાજિક કાર્યક્રમની જરૂર છે.
નેહરુ પટેલે જો છેડાઓ છાંડીને મિશ્ર અર્થતંત્રનો અને આગળ ચાલતાં (પટેલ સદેહે નહોતા ત્યારે) વિધિવત્ લોકશાહી સમાજવાદનો રાહ લીધો હતો. એ જ અભિગમ (અને એ જ ગાંધી પિછવાઈ) પર દીનદયાલ એકાત્મ માનવવાદ લઈ આવ્યા. સંઘમાં ગીતા, બાઇબલ, કુરાન જેવો દરજ્જો ભોગવતી કિતાબ ‘વી આર અવર નેશનહૂડ ડિફાઇન્ડ’માં નહીં એવું અને એમાં બેસી નહીં શકે એવું પણ ઘણું અહીં ઠીક ઠીક હતું. મધોકે અનુદારપણે અગર અન્યથા કહેલું તેમ ‘ઇન્ટિગ્રલ’ એ અરવિંદના યોગદર્શનમાંથી, તો ‘હ્યુમેનિઝમ’ એ રોયદર્શમાંથી અહીં અામેજ કરાયાં હતાં. દિવસરાત, ઊઠતાંબેસતાં, આરડીઆરડીને જેનું નામ લેવાય છે તે રાષ્ટ્રવાદ એ પૂરો જવાબ નથી એવી પરોક્ષ સ્વીકૃતિરૂપે પણ તમે દીનદયાલના આ વિચાર વ્યાયામને જોઈ શકો. ગમે તેમ પણ , એકાત્મ માનવવાદમાં સંઘી બાઇબલથી હટી યુરોપીય લોકશાહી સમાજવાદી આંદોલન માટે કંઈક ખુલ્લાપણું હતું. 1977-1979ના જનતા અવતાર પછી ભાજપ જે કાર્યક્રમ સાથે વાજપેયીના નેતૃત્વમાં બહાર આવ્યો તેમાં તે જોઈ શકાય છે.
સમજવાનું એ છે કે દીનદયાલની તંગ દોર પરની વિચારચાલ અને એ જ ધારામાં વક્તૃત્વ શક્તિના વરદાન સાથેની વાજપેયીચાલ, બંનેમાં કશીક ગળથૂથીગત મર્યાદા ને મુશ્કેલી રહી છે. જે પ્રકારનો રાષ્ટ્રવાદ સંઘસ્થાનોમાં ઘૂંટાયો અને ગંઠાયો છે તે પોતે કરીને આ પરિવર્તન ઝીલી શકે તેમ નથી, અને પરિવર્તનની જે કોશિશ દીનદયાલ-વાજપેયી ધારામાં થઈ તેણે પેલા રાષ્ટ્રવાદની ‘મિથ’ને ઝાઝી જફા પહોંચાડ્યા વગર જ ચાલવાનું હતું.
યોજનાઓને દીનદયાલનું નામ અપાશે, બાવલાં બન્યાં છે અને બનશે, એકાત્મ માનવવાદનું નામ (વણવાંચ્યે વિચાર્યે) લેવાતું રહેશે. પણ દીનદયાલે કરેલા દેશમાં તો ઠીક, પણ વિશેષે કરીને પક્ષપરિવારમાં પુનર્વિચાર અને નવવિચારની પ્રક્રિયાના પ્રારંભનું શું. પહેલાં ગાંધી, સરદાર, આંબેડકર, જેપી, લોહિયા આદિને પરબારા કો-ઓપ્ટ કરવાની વ્યૂહકારી અને હવે, દીનદયાલ મહિમામંડન … પણ ક્યાં છે. પુનર્વિચાર અને નવવિચાર. કાશ, આ પરિવારને વતનશોધનો એ વીંછુડો ડંખી શકે જે એક રીતે ગાંધીને તો બીજી રીતે આંબેડકરને ડંખ્યો હતો.
સૌજન્ય : ‘એકાત્મ માનવવાદ’, “દિવ્ય ભાસ્કર”, 23 સપ્ટેમ્બર 2017