Opinion Magazine
Number of visits: 9446552
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગમતાનો ગુલાલ સાંઈ મકરન્દ દવે

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|18 July 2023

સાંઈ મકરન્દ અને કુન્દનિકાબહેન સાથે મારો નાતો તેઓ અમેરિકા મારે ઘરે આવ્યાં તે પહેલાંનો. મકરન્દભાઈ અને કુન્દનિકાબહેન અંઘેરી વરસોવાથી નંદિગ્રામમાં સ્થાયી થયાં તે પહેલાં ઘાટકોપરમાં સાંઈનાથ નગરની સર્વોદય સોસાયટીમાં રહેતાં હતાં. સાંઈનાથ નગરની બાજુમાં જ આવેલ સંઘાણી એસ્ટેટમાં હું રહેતો હતો.

ન્યૂયોર્કથી એક સાંજે મને કુન્દનિકાબહેનનો ફોન આવ્યો કે અમે હમણાં ન્યૂયોર્ક આવ્યાં છીએ, સાંઈની ઈચ્છા છે નાયગરાના દર્શને જવાની જો તમને એકાદ વીકએન્ડમાં ફાવે એમ હોય તો અમે તમારે ઘરે તમારી અનુકૂળતાએ આવીએ. ચોથી જુલાઈના એક વિકએન્ડમાં કુન્દનિકાબહેન અને મકરન્દભાઈ મારા ઘરે રોચેસ્ટર શુકવારની સાંજે ન્યૂયોર્કથી ગેહામ બસમાં આવી પહોંચ્યાં.

અમેરિકામાં ભર ઉનાળો ચાલતો હતો, ગરમી કહે કે મારું કામ, ઘરમાં ફુલ ઍરકન્ડિશનર ચાલતું હોવાથી મકરન્દભાઈ અને કુન્દનિકાબહેનને જરા બેચેની લાગતી હતી. તેવો અહિંયાના આકરા ઉનાળે એરકન્ડિશનરમાં ઠંડી અનુભવતાં હતાં. તેમણે બંનેએ સમી સાંજે શાલ ઓઢી લીઘી હતી. આ જોઈ અમે ઘરનું ઍરકન્ડિશનર બંઘ કરી ઘરની બઘી બંઘ બારીઓ ખોલી નાંખી, પંખા શરૂ કરી દીઘા.

મારા આંગણાંમાં બે ધેઘૂર મેપલ વૃક્ષ આજે પણ અડીખમ ઊભાં છે. મેપલની રુમઝૂમ સાખો ઉનાળામાં સોળે કળાએ ખીલી ઊઠે. ઉનાળામાં અમને સામેના પડોશીનું ઘર મેપલની કુંજ ઘટાને કારણ ન દેખાય કે જોવા મળે અને શિયાળામાં સખત બરફ્ને કારણે. ઉનાળાના ચાર પાંચ મહિનામાં સવાર સાંજ વૃક્ષની ડાળે રંગબેરંગી પંખીના અઢળક ડાયરા મંડાય. સવારના હજી પાંચ સાડા પાંચ થયા ન થયા હોય ત્યાં તો અમારું આગણું નિતનવા પાંદડે પાંદડે ખીલેલાં રંગબેરંગી ફૂલો જેવાં પંખીના મઘુર ટહુકાથી છલકાઈ ઊઠે.

બારી ખુલ્લી હોવાથી સાંઈ અને કુન્દનિકાબહેનની આંખ ટહુકાના માઘુરવથી વહેલી સવારે ખુલ્લી ગઈ. મકરન્દભાઈએ બારીમાંથી એક નજર વૃક્ષમાં કરી તો! સાંઈ તો ખુશખુશાલ થઈ ગયા. રંગબેરંગી પંખીને ગાતાં જોઈ તેમણે પથારીમાં ચાદર ઓઢીને સૂતેલાં કુન્દનિકાબહેનને જગાડીને કહ્યું કુન્દનિકા, તમે બારીમાંથી એક નજર કરીને વૃક્ષમાં જુઓ તો ખબર પડે કે સ્વર્ગ જાણે આ ઘડીએ પૃથ્વી પર ઊતરી આવ્યું છે! અને આ પંખીડાં તેના આગમનમાં મજેથી ટહૂકી રહ્યાં છે.

કુન્દનિકાબહેન અને મકરન્દભાઈને ફરી બેડમાં ઝંપલાવવાનું મન ન થયું, તેવો બને શાલ ઓઢી, અમારા ઘરની પોર્ચમાં બહાર પડેલ બે ખુરશીમાં હરખાતાં આવીને બેઠાં ન બેઠાં ત્યાં જ ઠંડા પવન સાથે ઘીમે ઘીમે વિખરાતા અંઘકારમાં આંગણાંના મેપલ વૃક્ષ તળે તેમણે પાંચ છ હરણનું બેઠેલું એક ટોળું જોયું. હરણની આસપાસ સાતઆઠ બદામી રંગનાં સસલાં રમતાં કૂદતાં હરણાંની પીઠ પર ચઢ ઉતર કરતાં જોઈ મકરન્દભાઈ અને કુન્દનિકાબહેન આભા બની ગયાં. કુન્દનિકાબહેન અને મકરન્દભાઈના હોઠેથી શબ્દ સરી પડયા શું પરમેશ્વરની પરમ કૃપા છે, અહિંયાં!

આઠેક વાગે બીનાએ જાગીને ઘરનો દરવાજો ખોલ્યો તો સાંઈ અને કુન્દનિકાબહેનને પોર્ચની ખુરશીમાં બેઠેલાં જોઈ બીનાએ કહ્યું, બસ હમણાં જ ચા મૂકું છું.  કુન્દનિકાબહેન કહે, ‘બીના, આજે કદાચ ચા નાસ્તો કરવાની કોઈ ઈચ્છા નહિ થાય. અમે બંને પ્રકૃતિના પ્રેમમાં એટલાં બઘા ઘરાઈ ગયાં છીએ કે તેની તો વાત શું કરવી! આવી સવાર ભાગ્યમાં ક્યારે પાછી મળશે!’ મકરન્દભાઈ કહે, ‘વૃક્ષોની ડાળે ડાળેથી ટહુકતા પંખીના ટહુકામાં મસ્ત સમાધિમાં બેઠેલાં હરણો અને આસપાસમાં રમતાં ભમતા સસલાં આપણને ઈશ્વરના ખોળા સિવાય કયાં જોવા મળે? તમે તો બહુ ભાગ્યશાળી છો. ઈશ્વરના ભાગ્યમાં પણ આવું સુખ નહીં હોય! આજે અમે એટલાં બઘા ખુશ છીએ કે સાંજે આપણે  નાયગરા જવાનું  માંડી વાળીએ તો પણ કોઈ દુઃખ નથી! ભાગ્યમાં આવી રળિયામણી સવાર કયાં રોજ રોજ આવે છે?’

શનિવારની ઢળતી સાંજે અમે મારા ઘરથી ૬૦ માઈલ દૂર આવેલો નાયગરા ફોલ્સ જોવા ગયાં. નાયગરાથી પ્રભાવિત અને મનોમન છલકાઈ ગયેલાં મકરન્દભાઈના મુખેથી ઉદ્દગાર સરી પડ્યાં, વાહ શું પ્રકૃતિનું સૌન્દર્ય છે! ઈશ્વરે અમેરિકાને બે હાથે સૌન્દર્યની લહાણી કરી છે, ખરેખર અમેરિકા વિશ્વનો એક ભાગ્યશાળી દેશ છે. પ્રભુના હોઠોનું સ્મિત અહિંયા કણ કણમાં નીરખવા મળે છે! નાયગરાને જોઈ આપણને કવિ પ્રિયકાન્તની પેલી અદ્દભુત પંક્તિ અનાયાસે યાદ આવી જાય,’આ તે પાણી છે કે પ્રભુના હાથે વણાતું વસ્ત્ર?’

મોડી સાંજે નાયગરાની રંગીન લાઈટ જોઈ ઘરે પાછાં ફરતાં કોઈ કારણ વિના મકરન્દભાઈને મારાથી પૂછાઈ જવાયું કે અમણાં રમેશ પારેખના પર્વમાં વિનુભાઈ અને અનિલ જોશી વચ્ચે કેમ કોઈ કારણ વિના ચકમક ઝરી ગઈ? સાલું, મને તો એ વાત હજી સુઘી સમજાતી નથી. રમેશ પારેખ અને અનિલ જોશી આમ બંને અમરેલીના. રમેશ પારેખને ચાલુચીલાની વાર્તામાંથી બહાર કાઢી કવિ બનાવવામાં અનિલ જોશીનો સિંહ ફાળો. છતાં કવિઓમાં સાલી અદેખાઈ કયાંથી જન્મે છે!

“પ્રીતમ, અનિલ અમરેલીનો નહીં મૂળ મારા ગોંડલનો. અનિલના પિતાશ્રી રમાનાથ જોશી સરકારી અમલદાર હોવાને નાતે તેમની બદલી અમરેલી થયેલ. સદ્દભાગ્યે તેઓ રમેશ પારેખના ઓફિસર. તે વખતે અનિલ અમદાવાદ ભણતો. રજામાં અનિલ અવારનવાર અમરેલી આવે. આ કારણે રમેશ સાથે તેની દોસ્તી થઈ. આ દોસ્તીએ રમેશને વાર્તા છોડાવી કાવ્યને રવાડે ચઢાવ્યો. વાત આપણા સર્જકો અને કવિઓની અદેખાઈની તો તે આજની થોડી છે, આ અદેખાઈ તો મહાકવિ ન્હાનાલાલના વખતથી ચાલી આવે છે.

કવિ ન્હાનાલાલને બ.ક. ઠાકોર પ્રત્યે સાચો ખોટો પૂર્વગ્રહ. મહાકવિ કહેતા કે પ્રો. ઠાકોરે જિંદગીમાં બે જ સારાં કાવ્યો લખ્યાં છેઃ ‘એક ‘આરોહણ’ અને બીજું ‘ખેતી’. કવિ નરસિંહરાવ ભોળાનાથ દીવેટિયા અને કવિવર ન્હાનાલાલને તેમના સોનેટ પ્રત્યે રતિભારનો પણ કોઈ લગાવ કે ઊમળકો નહોતો! મહાકવિ પણ તેમના મિત્રો વિશે જ પ્રેમભાવ છલકાવતા, મિત્ર પ્રેમમાં પોતે એ પણ ભૂલી જતા કે પોતે કવિ નહિ પણ મહાકવિ છે. મિત્રોમાં ખાસ કરીને ગોવર્ધનરાવ માઘવરાવ ત્રિપાઠી, કાશીરામ દવે, કેશવ હર્ષદ ઘ્રુવ તેમ જ આંનદશંકર ઘ્રુવ, તેમના અગંત મિત્રો હતા. મહાકવિને ફકત બ.ક ઠાકોર પ્રત્યે જ પૂર્વગહ હતો તેવું નહોતું  કનૈયાલાલ મુનશીનું નામ સાંભળીને પણ  કવિનું નાકનું ટેરવું ચઢી જતું.”

મેં મકરન્દભાઈને પૂછયું, ન્હાનાલાલે ગાંઘીજીને “વર્ઘાનો વંઠેલો” કહેલ એ‌ સાચી વાત છે? મકરન્દભાઈ કહે તારી વાત સાવ સાચી, મહાકવિ સ્વભાવે થોડા ઉગ્ર હતા. કદાચ આ કારણે તેમણે ગાંઘીજી પ્રત્યે આવેશમાં આવી જઈ ને આવા ન બોલવાના શબ્દ બોલી નાંખ્યા હશે. તેનું પરિણામ મહાકવિને ભોગવવું પડ્યું હતું. કવિ ન્હાનાલાલે જ્યારે આ ફાની દુનિયામાંથી વિદાય લીઘી ત્યારે તેમની સ્મશાનયાત્રામાં રોકડા દસ બાર માણસ ભાગ્યે જ હશે!. મહાકવિની સ્મશાનયાત્રા કુમાર કાર્યાલય પાસેથી નીકળી ત્યારે હું ‘કુમાર’માં કામ કરતો હતો. મને હ્રદયમાં તેમના મૃત્યુથી પારાવાર દુ:ખ થયું. મનમાં થયું કે મહાકવિની અંતિમ યાત્રાનો એક ફોટો તો આપણી પાસે હોવો જોઈએ. મેં કવિની સ્મશાન યાત્રાને બેચાર મિનિટ માટે ત્યાં ઊભી રખાવી તેમની યાત્રાનો ફોટો લીઘો.

તે સાંજે ભોજન લેતા મેં કહ્યું મકરન્દભાઈ, કોઇ નવોદિતને કોઈ પીઢ કવિનું માર્ગદર્શન મળી જાય તો ? નવોદિતની કલમથી આપણે ન ઘાર્યા હોય તેવા સરસ મજાના કાવ્યો મળેને? મને કહે તારી વાત બહુ સાચી છે. અમારા ઘર પાસે રોજ એક બાવો ચીપિયો વગાડતો આવતો; અને મેં એક કવિતા લખી હતી ચીપિયો વગાડતો એક બાવો આવ્યો અને આ કવિતા મેં મેઘાણીભાઈ પાસે વાંચી તો મેઘાણીજીએ મારી કવિતામાં ચીપિયાવાળો બાવાને બદલે ઘુઘરિયાળો બાવો કરવાનું જણાવ્યું. આહ! એક નાનકડા માર્ગ દર્શનને કારણ આખા કાવ્યને એક અનોખો રંગ મળી ગયો!

એકવાર આપણાં મોટા ગજાના સાહિત્યકાર ગુણવંત શાહે મારા મિત્ર ડો. અશોક શાહની હાજરીમાં મને કહ્યું હતું કે હું કોઈને કદી ગુરુ બનાવતો નથી, પણ જો મને મારા ગુરુ તરીકે કોઈને સ્થાપિત કરવાની  ઈચ્છા થાય તો હું બેશક સાંઈ મકરન્દ દવેને ગુરુ તરીકે સ્વીકારું. ગુણવંતભાઈ ‘અસ્તિત્વનો ઉત્સવ, ઈશાવાસ્યમ્ લખી રહ્યા હતા ત્યારે મકરન્દભાઈએ ગુણવંતભાઈના આ પુસ્તકનાં ઘણા પ્રકરણો વાંચી નાના મોટા સૂચનો કર્યાં હતા અને ઘણાં પ્રકરણ ગુણવંતભાઈએ તેમના આદેશ/સૂચનને માન્ય રાખી હોંશે હોંશે ફરીથી લખ્યા હતાં.

ચાર પાંચ દિવસના રોકાણમાં એક સાંજે હું અને મકરન્દભાઈ મારી ઓસરીમાં બહાર બેઠા હતા, મને કહે કે મને ભજન જેટલો જ ગઝલ પ્રત્યે પ્રેમ લગાવ, મેં ‘ગઝલ” નામે ગઝલનું એક નાનકડી પુસ્તિકા જેવડું સામયિક શરૂ કરેલ. બેચાર અંકો બાદ સામયિકને સમેટી લેવું પડયું. વાતવાતમાં  મને મકરન્દભાઈએ કહ્યું કે, મનુભાઈ ત્રિવેદી, ‘ગાફિલ”ના નામે ગઝલ લખતા અને ‘સરોદ’ના નામે મરમીલાં ભજન લખતા. આમ તો મનુભાઈની કલમથી શું નથી લખાણું, ગઝલ તો ખરી જ પણ ગઝલ ઉપરાંત છંદોબદ્ધ કાવ્યો, વાર્તાઓ, નાટિકાઓ પણ તેમનો મુખ્ય રંગ તો ભજનનો! તેમની ગઝલમાં પણ ભજનના એકતારાનો રણકાર આપણને સંભળાય!

આ ટહુકતી સાંજે ગઝલ ભજનની વાત નીકળી છે તો તને હું એક વાત કરું. હું રાજકોટ ખાસ ઘાયલને મળવા ગોંડલથી જતો. હું અને ઘાયલ ગઝલની વાતોમાં ઘણી વાર મોડી સાંજ લગી ડૂબી જતાં ત્યારે વાતોમાં અમને સમયની ખબર રહેતી નહીં કે સાંજમાંથી મોડી રાત થઈ ગઈ છે. ઘણું ખરું અમે એક બેન્કના પગથિયા પર બેસીને વાતોમાં ખોવાઈ જતાં ત્યારે ઘણીવાર પોલીસવાળા આવી ચઢે અને પૂછપરછ કરતા, પણ ઘાયલસાહેબનો મિજાજ મજાકિયો એટલે પોલીસવાળાને મજાક ખાતર પજવે પણ ખરા. પછી તો પોલીસવાળાને ખબર પડી ગઈ કે આ તો કવિ/શાયરો છે એટલે તે પણ મોડી સાંજે અમારી પાસે શેર શાયરી સાંભળવા આવી ચડતા, ભાઈ, જુવાનીનો પણ કેવો મજાનો એક કેફ હોય છે!

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

18 July 2023 Vipool Kalyani
← Democracy and Nationalism in India: Global Image
કાશ, નવી દિલ્હી ‘દિલ્હીપણા’ને દિલી અલ્વિદા કહી શકે! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved