
રમેશ ઓઝા
લખવા બેસતા પહેલાં મનમાં ગડમથલ ચાલતી હતી કે ઇવેન્ટજીવી વડા પ્રધાન દ્વારા યોજવામાં આવેલી એ.આઈ. સમિટ (કૃત્રિમ બુદ્ધિમત્તા માટેની વૈશ્વિક શિખર પરિષદ) વિષે લખવું કે બંગલાદેશની ચૂંટણીનાં પરિણામો વિષે. પહેલી ઘટના બહુ જલદી ભુલાઈ જવાની છે અને બીજી ઘટનાના દૂરગામી પરિણામો આવી શકે છે. લાંબાગાળાના દૃષ્ટિકોણ વિના, લાંબાગાળાના આયોજન વિના, પોતાનાં હિતોને ગણતરીમાં લીધા વિના, પોતાનાં હિતોને સાકાર કરવાની કે સ્થાપિત કરવાની કોઈ યોજના વિના માત્ર સ્વની ઉજવણી કરવા અને વાહવાહી મેળવવા માટે ઇવેન્ટો યોજવામાં આવે તો તેનું ભુલાઈ જવું અવશ્યંભાવી છે. ઇવેન્ટજીવી વડા પ્રધાને કેટલી બધી ઇવેન્ટો યોજી જે તમને યાદ પણ નથી.
શરમાયા વિના જૂઠ બોલો, અતિશયોક્તિ કરો, દેખાડો કરો, કોઈની બદનામી કરો એ આજના યુગનો સ્વભાવધર્મ છે અને તેની શરૂઆત વર્તમાન શાસકોએ કરી છે. પ્રમાણ આપવા હોય તો સો બસો સેહેજે આપી શકાય. જો વડા પ્રધાન અને અન્ય શાસકો શરમસંકોચ વિના જૂઠ બોલી શકતા હોય તો બીજા તેનું અનુકરણ શા માટે ન કરે! ગલગોટિયા યુનિવર્સિટીએ તો હદ કરી. ભારતનું અને ભારત સરકારનું નાક કાપી નાખ્યું અને ચીન ફદિયું ખર્ચ્યા વિના બાજી મારી ગયું. જે વાચકો માત્ર ગોદી મીડિયાનું સેવન કરે છે એને એ વાતની જાણ નહીં હોય કે એ.આઈ. સમિટ માત્ર એક વ્યક્તિને પ્રોજેક્ટ કરવામાં અવ્યવસ્થા અને અરાજકતાનો શિકાર બની ગઈ છે અને ઓછામાં પૂરું ગલગોટિયાએ તો દેશનું નીચાજોણું કર્યું.
ગલગોટિયા યુનિવર્સિટી એક પ્રાઈવેટ યુનિવર્સિટી છે. આજકાલ દેશમાં દર વર્ષે એક પ્રાઈવેટ યુનિવર્સિટી સ્થાપાય છે. તેનો હેતુ શિક્ષણનો વેપાર કરવાનો છે. આ ઉપરાંત દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓનો તેમ જ શિક્ષણનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કબજો કર્યો છે ત્યારે તેનાથી બચવા માગતા માબાપો પોતાનાં સંતાન માટે પ્રાઇવેટ યુનિવર્સિટીઓનો કે વિદેશમાં ભણવા મોકલવાનો માર્ગ અપનાવે છે. ૨૦૧૪ પછી સંપન્ન પરિવારોનું જે પ્રમાણમાં વિદેશમાં સ્થળાંતર થઈ રહ્યું છે અને જે પ્રમાણમાં તેઓ ભારતનું નાગરિકત્વ છોડી રહ્યા છે એટલું પ્રમાણ આ પહેલાં ક્યારે ય જોવા મળ્યું નથી.
ખેર, ગલગોટિયા યુનિવર્સિટીના સાહસની વાત આગળ વધારીએ. ગલગોટિયાએ દાવો કર્યો છે કે તેણે ૩૫૦ કરોડ રૂપિયાનું રોકાણ એ.આઈ.ના વિકાસ અને શિક્ષણ માટે ફાળવ્યા છે. વિશ્વની બેસ્ટ ફેકલ્ટી તેની પાસે છે. મંગળવારે દેશભરનાં છાપાઓમાં એક પાનું ભરીને એડવર્ટાઈઝમેન્ટ આપી જેમાં કેન્દ્ર સ્થાને એ.આઇ.નિર્મિત એક કૂતરાની તસ્વીર હતી. સમિટમાં ગલગોટિયાએ એક સ્ટોલ લીધો જેમાં એ કૂતરાને રાખવામાં આવ્યો હતો. એ કૂતરો ચાલતો હતો, ભસતો હતો, હાથ મેળવતો હતો અને એટલે સમિટમાં આકર્ષણનું કેન્દ્ર હતો તે ત્યાં સુધી કે દેશના માહિતી અને પ્રસારણ ખતના પ્રધાન અશ્વિની વૈષ્ણવે એક્સ મેસેજમાં એ.આઈ.ના જગતમાં સ્વઘોષિત વિશ્વગુરુનો જયજયકાર કરવા એ કૂતરાનો પ્રમાણ તરીકે ઉપયોગ કર્યો. હવા એવી બની કે એ કૂતરો ગલગોટિયા યુનિવર્સિટીના એ.આઈ. વિભાગે ભારતમાં બનાવ્યો છે. વાહવાહીનો પણ એક નશો હોય છે અને નશામાં સાહસનું પ્રમાણ વધે છે એટલે ગલગોટિયા યુનિવર્સિટીના પ્રાધ્યાપકે દૂરદર્શનના કેમેરામેનને કહ્યું કે આ કૂતરો ગલગોટિયા યુનિવર્સિટીના એ.આઈ. વિભાગે બનાવ્યો છે. વાત વહેતી થઈ. આ બાજુ ગોદીમીડિયાએ વિશ્વગુરુના દિગ્વિજયનો શંખનાદ શરૂ કર્યો ન કર્યો કે દેશદ્રોહીઓએ દૂધમાં નમક નાખી દીધું. તેમણે કૂતરાની તસ્વીર, એ કૂતરો બનાવનારી ચીની કંપનીનું નામ, કંપનીએ કૂતરાને આપેલું નામ (જે ગલગોટિયાઓએ બદલીને ‘ઓરિયોન’ આપ્યું હતું જેનો અર્થ થાય છે; દૈવી પ્રકાશ) ચીનના સ્ટોરોમાં વેચવા માટે મૂકેલા કૂતરાની તસ્વીર અને તેની કિંમતની વિગતો આપી દીધી. દેશદ્રોહીઓએ કશું જ બાકી ન રાખ્યું. સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે એ કૂતરો ચીની બનાવટનો હતો અને ચીનથી આયાત કરવામાં આવ્યો હતો. આયાત કરવા સિવાય એ,આઈ, માટે ૩૫૦ કરોડ રૂપિયા ખર્ચનાર યુનિવર્સિટીએ કશું જ કર્યું નહોતું.
પહેલાં તો યુનિવર્સિટીએ જૂઠ બોલનારાઓ જે ચીજનો આશ્રય લે છે એનો આશ્રય લીધો. ‘દેશદ્રોહીઓ’ છે, સાલ્લા. પણ કલાક બે કલાકમાં દેશદ્રોહીઓની સંખ્યા વધતી ગઈ અને પ્રમાણોનો પણ મારો શરૂ થયો. હવે બચાવ થઈ શકે એમ નહોતો એટલે કહેવામાં આવ્યું કે મેડમ પ્રોફેસર બરાબર બરાબર રજૂઆત કરી નહોતા શક્યાં. એ બહેનને પણ બોલવા ફરજ પાડવામાં આવી કે હા, હું સરખી રીતે વાત નહોતી કરી શકી અથવા મારી વાર સરખી રીતે સમજાઈ નહોતી. આ કૂતરો ચીની છે અને વિદ્યાર્થીઓને ભણાવવા માટે આયાત કરવામાં આવ્યો હતો. ખરીદો અથવા ડરાવો અને જે જોઈએ તે બોલાવડાવો. એક એ.આઈ. કંપનીના માલિકે એક્સ મેસેજ કર્યો કે ધક્કામુક્કી અને અવ્યવસ્થાને કારણે અમારા સ્ટોલમાં જે ચીજવસ્તુઓ હતી એ ચોરાઈ ગઈ. એ પછી પાંચ જ મિનિટમાં બીજો મેસેજ આવ્યો કે ચોરાયેલી ચીજો મળી ગઈ. દેશદ્રોહ નહીં કરવાનો. દેશ આગળ વધી રહ્યો છે, ઓલરેડી વિશ્વગુરુ બની ગયો છે ત્યારે તમે રસ્તામાં રોડા નાખો એ કેમ ચાલે!
આજકાલ દેશદ્રોહીઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો અહેવાલ પ્રસારિત કરી રહ્યા છે. એ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં ૪૦ લાખ કરોડ રૂપિયાની ચલણી નોટો ફરે છે અર્થાત્ ૪૦ લાખ કરોડ રૂપિયાનું રોકડ અર્થતંત્ર અસ્તિત્વ ધરાવે છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે રોકડ અર્થતંત્ર માટે ૧૧ લાખ ૮૦ હજાર કરોડ રૂપિયાની નોટો ફરતી હતી. ૨૦૧૬માં નોટબંધી આવી ત્યારે ૧૬ લાખ ૬૦ હજાર કરોડ રૂપિયાની નોટો ફરતી હતી. નોટબંધી પછી તેમાં માત્ર ત્રણ લાખ કરોડનો ઘટાડો થયો હતો (આમ કેમ બન્યું એનો ખુલાસો કોઈ કરતું નથી) અને અત્યારે ૪૦ લાખ કરોડ રૂપિયાની નોટો. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગયા વરસના પ્રમાણમાં રોકડ અર્થતંત્ર માટે ફરતી નોટોમાં ૧૧ ટકાનો વધારો થયો છે. દેશના અર્થતંત્રમાં પણ રોકડ અર્થતંત્રનો હિસ્સો ૧૧.૨ ટકા છે. અને જો રોકડ ઉપરાંત યુ.પી.આઈ. દ્વારા કરવામાં આવતા વ્યવહારને ઉમેરવામાં આવે તો દેશનું રોકડ અર્થતંત્ર લગભગ ૬૦ ટકાનું છે.
તો પછી નોટબંધી શેને માટે કરવામાં આવી હતી? કાળુંનાણું કાયમ છે. રોકડ અર્થતંત્ર કાયમ છે, બેનામી વહેવાર કાયમ છે, નકલી નોટ કાયમ છે, ત્રાસવાદ કાયમ છે. આને નેસ્તનાબૂદ કરવાનું કહેવામાં આવ્યું હતું ને! એક દિવસ નોટબંધીનું રહસ્ય પણ બહાર આવશે.
આની વચ્ચે બંગલાદેશની ચૂંટણીની ઘટના તપાસવી જોઈએ. કોઈ દૈવીપુરુષના આભામંડળ વિનાની, સ્વઘોષિત અને ઉપજાવેલી ન હોય એવી, કૃતક જયજયકારના ઘોંઘાટ વિનાની શુદ્ધ વાસ્તવિક ઘટના. ભારતીય ઉપખંડમાં કાચબાઓ આગળ નીકળી રહ્યા છે. પહેલા શ્રીલંકા અને હવે બગલાદેશ.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ફેબ્રુઆરી 2026
![]()

