હૈયાને દરબાર
વાતાવરણમાં વરસાદી ભીનાશ વરતાઈ રહી છે. ભીનાં ભીનાં વાયરા અને વાદળ સાથે વાતો કરતું મન અત્યારે જઈ પહોંચ્યું છે કવિ રવિ ઠાકુરની કર્મભૂમિ શાંતિ નિકેતન, જ્યાં બહુમુખી પ્રતિભા ધરાવતા આપણા મૂર્ધન્ય સાહિત્યકાર કૃષ્ણલાલ શ્રીધરાણીએ ઉત્તમ વર્ષાગીતો લખ્યાં હતાં. શાંતિનિકેતનને તેઓ કવિઓનું સ્વર્ગ માનતા હતા. તેઓ હંમેશાં કહેતા કે અહીંનું પ્રકૃતિમય વાતાવરણ કવિ હ્રદયને ખૂબ વિસ્તરવાનો મોકો આપે છે. લીલાંછમ વૃક્ષો, પંખીઓનો કલરવ, વૈતાલિકોનાં સવારનાં ગીતો, વેદનાને ઝંઝોળતી અને પ્રસન્ન કરતી વર્ષા કવિ હૃદય માટે પ્રેરક બની રહેતી. કૃષ્ણલાલ શ્રીધરાણીએ ‘વર્ષા મંગલ’માં વર્ષાનાં અલગ અલગ રૂપો દર્શાવતાં સુંદર કાવ્યો અને ગીતો લખ્યાં. ગગન ઘનશ્યામની મધુર મોરલી … ગીતમાં કલ્પનાશક્તિ જાણે રાસ રમતી હોય એવું લાગે છે. આ ગીતમાં ઝૂલણાના લય સાથે ભાવ, શબ્દ, લય, સૂરનું પૂર્ણ સામંજસ્ય રચાયું છે. ગોરંભાતા ગગન અને વર્ષાની હેલી સાથે કૃષ્ણ-ગોપીનાં હૈયાં હિલ્લોળા લે છે. છેલ્લા પદમાં તો પ્રણયની પરાકાષ્ઠા રૂપે કવિએ કેવી નાજુક પંક્તિઓ રચી છે :
નયન નયને ઢળ્યાં, વીજ ચમકા થયા,
મદનમદ નૈન મરજાદ મેલે
હાસ્ય-મોજાં ચડ્યાં, ગાલ ગોળા થયા
હર્ષ-અશ્રુ ખરી પૃથ્વી રેલે
આનંદના અશ્રુમાં જ જાણે આખી પૃથ્વી ભીંજાઈ ગઈ.
આ વર્ષાગીતને સ્વરબદ્ધ કરી ગાનાર કવિની ત્રીજી પેઢીની કાકા ભત્રીજી જ હોય એય કેવો સુભગ સંયોગ! સુપ્રસિદ્ધ ગાયિકા, જેમને તાજેતરમાં જ પ્રતિષ્ઠિત રાવજી પટેલ યુવા સંગીત પ્રતિભા એવોર્ડ પ્રાપ્ત થયો છે એ શ્રદ્ધા શ્રીધરાણી કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીની કાકા ભત્રીજી થાય. સૂર સિંગાર સંસદ એવોર્ડ સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત કરવા ઉપરાંત ઝી ટીવી સારેગમ અને સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયામાં શ્રદ્ધાએ પરફોર્મ કર્યું છે. ૧૨ વર્ષની વયથી સંગીત કારકિર્દી શરૂ કરનાર શ્રદ્ધા હિન્દી, ગુજરાતી ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ ખૂબ આસાનીથી ગાઈ શકે છે એટલું જ નહીં, એમણે પોતે ગીતો સ્વરબદ્ધ કર્યાં છે તેમ જ કેળવાયેલા કંઠ સાથે અભિનય પણ કરી જાણે છે. હિન્દી ક્ષેત્રે અનેક જાણીતા કલાકારો સાથે એ પ્લેબેક આપી ચૂક્યાં છે. કાકા દાદાજી વિશેનાં સંભારણાં યાદ કરતાં શ્રદ્ધા કહે છે,
"હું કૃષ્ણલાલ શ્રીધરાણીની ભત્રીજા દીકરી થાઉં. હું એમને મળી નથી, પરંતુ એમનાં ઉત્તમ સાહિત્યસર્જનો મેં વાંચ્યાં છે. મારાં મા-બાપ સહિત અમારા સમગ્ર કુટુંબમાં સાહિત્યના સંસ્કાર. એક સફળ સાહિત્યકાર, કવિ, ચિત્રકાર, નાટ્યકાર, પત્રકાર તરીકે કૃષ્ણલાલ શ્રીધરાણીની બહુમુખી પ્રતિભા હતી. જાજરમાન અને પારદર્શી વ્યક્તિત્વ. નાટ્યક્ષેત્રમાં વડલો, મોરનાં ઈંડાં જેવાં મૌલિક અને કાવ્યનાટકો લખી નાટ્યસર્જકની વિલક્ષણતાનો એમણે પરિચય આપ્યો હતો. બાળપણમાં તેઓ ગણિતનું પેપર કોરું મૂકી નોંધ લખતા કે મને સ્વચ્છતાના દસ ગુણ આપજો. વિજ્ઞાનના પેપરમાં કવિતા લખી આવે. આ વાંચીને જ દાદાજી સાથે મારી આત્મીયતા બંધાઈ ગઈ હતી. તેમનાં કાવ્યો દીર્ઘજીવી અસર કરનારાં છે. તેમનાં ઘણાં કાવ્યોને સ્વરબદ્ધ કરીને મેં ગાયાં છે. વાસ્તવમાં બન્યું એવું કે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ભાવનગરમાં દાદાજી કૃષ્ણલાલનું જન્મ શતાબ્દી વર્ષ ઉજવવાનું નક્કી થયું હતું. મને ગીત તથા વક્તવ્ય માટે આમંત્રણ મળ્યું એટલે રાત દિવસ એક કરી મેં ગીતો સ્વરબદ્ધ કર્યાં. કાર્યક્રમમાં એ ખૂબ લોકચાહના પામ્યાં એ જ મારી સ્વરકાર તરીકેની સફળતા હતી. ‘શુક્ર’ નામનું નખશીખ સુંદર કાવ્ય રાગ યમનમાં તથા અમે તો સૂરજના છડીદાર, અમે તો પ્રભાતના પોકાર રાગ બૈરાગી-અહિર ભૈરવમાં મેં સ્વરબદ્ધ કર્યાં છે. રાગ મલ્હાર મેઘ એટલે કે વરસાદને લાવવાનું સામર્થ્ય ધરાવે છે. તેથી જ આ ગીત ગગન ઘનશ્યામ … મેં મેઘ-મિયા મલ્હારમાં સ્વરબદ્ધ કર્યું. સંગીત એ ઈશ્વરની વિભૂતિ છે. ઈશ્વરનું જ આ સુંદર સ્વરૂપ જ્યારે ગાઉં કે રિયાઝ કરું ત્યારે હું ઈશ્વર સમીપે હોઉં છું.
કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળામાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં અને માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાં થયું. ૧૯૨૯માં તેઓ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં જોડાયા. ૧૯૩૦ની ઐતિહાસિક દાંડી કૂચના એક સૈનિક તરીકે એમની પસંદગી થઈ. ધરાસણા જતાં કરાડીમાં એમની ધરપકડ થતાં સાબરમતી અને નાસિકમાં કારાવાસ થયો. વિદ્યાપીઠનું શિક્ષણકાર્ય સ્થગિત થવાથી તેઓ ૧૯૩૧માં વિશ્વભારતી – શાંતિનિકેતનમાં દાખલ થયા. ૧૯૩૩માં ત્યાંથી સ્નાતક થયા. બીજે વર્ષે રવીન્દ્રનાથ ટાગોર તેમ જ એક અમેરિકન શિક્ષકની સલાહથી વધુ અભ્યાસાર્થે અમેરિકા ગયા. ૧૯૩૫માં ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયોમાં એમ.એ., ૧૯૩૬માં કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ જર્નાલિઝમમાંથી એમ.એસ. તથા ચાર વર્ષ પછી એ જ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને રાજકીય તત્ત્વજ્ઞાનના વિષયોમાં અભ્યાસ કરી પીએચ.ડી. દરમિયાન અમેરિકામાં હિન્દને આઝાદ કરવાની લડતનો મોરચો રચી, અમેરિકી પ્રજાને સમજણ આપી લોકમત જાગ્રત કર્યો હતો. ૧૯૪૫ પછી ‘અમૃતબાઝાર પત્રિકા’ માટે લખવાનું શરૂ કર્યું. ૧૯૪૬માં ભારત આવ્યા પછી પત્રકારત્વ એમની મુખ્ય પ્રવૃત્તિ હતી. તેઓ ૧૯૪૬માં રાજકોટ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ રહ્યા હતા. ૧૯૫૮નો રણજિતરામ સુવર્ણચંદ્રક એમને મરણોત્તર એનાયત થયેલો. આવું વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા કૃષ્ણલાલ શ્રીધરાણીની અન્ય બે રચનાઓ પણ ઘણી લોકપ્રિય છે. ભથવારીનું ગીત તો સૌરાષ્ટ્રમાં ઘણી લોકચાહના પામ્યું છે. કૃષ્ણલાલ શ્રીધરાણી વિશે વાંચતાં પહેલી વાર જ મેં ભથવારી શબ્દ સાંભળ્યો હતો. મને બહુ ગમી ગયો હતો. ભથવારી એટલે ખેતરમાં પતિ માટે ભાથું લઈ જતી સ્ત્રી. ભથવારીના ગીત ઉપર તો ચંદ્રવદન મહેતા એટલું બધું રીઝ્યા હતા કે એમણે લખ્યું કે, "સેંથડે સિંદૂર, આંખમાં આંજણ, નાકમાં નથણી, હાથમાં કડલાં, ઘેરવાળો ઘાઘરો, કસુંબલ ચૂંદડી, માથે મહીની મટુકી ને ઉપર ભાતની પોટલી જેવું કવિનું વર્ણન રોમાંચક, લલિત ભાવ ભર્યું ભર્યું, લટક-મટક શબ્દોથી લટકાળું, અભિનયના મરોડ થકી સાંભળે અને જુએ તે મનમાં ચિરકાળ ગુંજ્યા કરે તો ગાનારી, થનગનતી ભથવારીની મનોભૂમિમાં ન ઘૂમ્યા કરે? અનાયાસ જ આ ગીત રંગભૂમિનો શણગાર બની રહે છે.
આટલા બધા વખાણ ચંદ્રવદન મહેતા કરે એ જ બહુ મોટી વાત કહેવાય કારણ કે હંમેશા ખીજાતા ચંદ્રવદન મહેતા આ ગીત પર ભરપૂર રીઝી ગયા હતા. આજની પેઢી માટે તો આવી નખરાળી, લટકાળી ભથવારી જોવા મળે એ જ દુર્લભ ગણાય. ગુજરાતી લોકગીતોમાં રાગ સારંગનો પ્રયોગ ઘણી વખત થયો હોવાથી તેમ જ ભગવાન કૃષ્ણનો પણ આ પ્રિય રાગ હોવાથી શ્રદ્ધાએ આ ગીત રાગ સારંગમાં કમ્પોઝ કર્યું હતું.
"વહેતા પાણીની દિશામાં તો સૌ કોઈ તરે છે પણ ઉછળતાં ઘોડાપૂરની સામે તરનારનું વ્યક્તિત્વ આગવું હોય છે. કવિ હરીન્દ્ર દવેના આ ઉદ્દગાર કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીની સાચી ઓળખ આપે છે.
કવિ પોતે છંદમાં નવા નવા પ્રયોગો કરતા હતા. નવાક્ષરી અનુષ્ટુપ છંદમાં રચેલું ‘શબ્દબ્રહ્મ’ કાવ્ય નવતર પ્રયોગ હતો. રાગ તોડીમાં શ્રદ્ધાએ કર્ણપ્રિય રીતે એને કમ્પોઝ કર્યું છે. શાસ્ત્રીય- ઉપશાસ્ત્રીય ગીતો સરળતાથી ગાઈ શકનાર શ્રદ્ધા કહે છે, "હું અને સંગીત અવિભાજ્ય છીએ. મારે માટે સ્વર એ જ ઈશ્વર છે. પરિવાર અને શ્રોતાઓનો પ્રેમ પ્રોત્સાહન મારા જીવનનું ચાલક બળ છે. એમાં ય કૃષ્ણલાલ શ્રીધરાણી જેવા મોટા ગજાના કવિનો સંસ્કાર વારસો મળ્યો હોય એ તો ઈશ્વરની કૃપા જ છે ને!
સુગમ સંગીતના સામાન્ય ચાહકો અને ભાવકો માટે કૃષ્ણલાલ શ્રીધરાણીનાં ગીતો કદાચ થોડાં અપરિચિત હોઈ શકે પરંતુ, આ તમામ ગીતો અત્યંત મધુર અને ગમી જાય એવા છે. ‘ટહુકો’ પર તમને એ સાંભળવા મળી શકશે.
ગહન ઘનશ્યામની મધુર રવ મોરલી
ગગનપટ ઊભરતી પ્રણયનાદે
ઉભય અશ્વિન કરે તાલ મરદંગના
ગગન-ગોરંભ ભરી મેઘનાદે
દિવ્ય સૂર-તાલ સૂણી ગગનની ગોપિકા,
મૂર્છના વાદળી-વૃંદ જાગે;
તાલ કરતાલ ધરી, પ્રણય નયને ભરી,
મલપતી સરકતે નૃત્ય-પાદે
સહુ દિશા આવરી રાસકુંડળ રચ્યું
ઝડપ પદતાલથી રાસ જામે;
અંગ કટિભંગ કરી, નયન નર્તન કરી,
કાન ગોપી હૃદય ઐકત્ર પામે
નયન નયને ઢળ્યાં, વીજ ચમકા થયા,
મદનમદ નૈન મરજાદ મેલે:
હાસ્ય-મોજાં ચડ્યાં, ગાલ ગોળા થયા
હર્ષ-અશ્રુ ખરી પૃથ્વી રેલે
• કવિ : કૃષ્ણલાલ શ્રીધરાણી • સંગીતકાર અને ગાયિકા: શ્રદ્ધા શ્રીધરાણી
———————
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 20 જૂન 2019
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=530342