Opinion Magazine
Number of visits: 9446641
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફ્રોઇડિયન વલણ ધરાવતી સુન્દરમ્‌ની વાર્તાઓ

અરવિંદ વાઘેલા|Opinion - Literature|25 August 2019

ગાંધીયુગના સમર્પિત સર્જક સુન્દરમ્‌ની પ્રમુખ ઓળખ તો કવિ તરીકેની છે. છતાં વાર્તાકાર તરીકે તેમનું પ્રદાન પણ વિશેષ નોંધપાત્ર અને મહત્ત્વનું છે. પ્રવાસલેખક, નાટકકાર અને સાધક તરીકે પણ તેમની પ્રતિભા વિશેષ ખીલી છે. અધ્યાત્મના યાત્રી સુન્દરમ્‌ના સાહિત્યસર્જનના કેન્દ્રમાં છે 'માણસ'. માણસમાં પડેલી માનવતાની શોધ એ એમનાં કાવ્યો અને ટૂંકીવાર્તાઓનો વિષય છે. માણસના આંતરમનમાં ઝાંખતી એમની રચનાઓ ગાંધીયુગનો નવોન્મેષ ગણી શકાય. માણસની ખૂબીઓ અને ખામીઓ, તેની ગતિ અને તેની આસપાસના પરિવેશથી રચાતા Psychological fieldનું ચિત્રણ સુન્દરમ્‌ બખૂબી કરે છે. માણસ વિશેની માન્યતા, માણસના સમીકરણ યુગેયુગે બદલાતા રહે છે. વીસમી સદીનો માણસ એકવીસમી સદીમાં આવી ગયો, પરંતુ એવું ઘણું બધું એણે ગુમાવી દીધું જેનો ખ્યાલ સુધ્ધા તેને નથી ! અસ્તિત્વની લેબરિન્થમાં અટવાતો માણસ પોતાની ઓળખ માટે ઝાંવા નાખી રહ્યો છે. કદાચ એટલે જ સુન્દરમે કહ્યું હશે કે – ‘હું માનવી માનવ થાઉં તો ઘણું'. કવિ તરીકે સુન્દરમ્ પોતાની કાવ્ય રચનાઓમાં માનવ્યનો મહિમા તો કરે જ છે. પરંતુ ટૂંકી વાર્તાના સર્જક તરીકે તેઓ માણસના મનનું Psycho-analysis કરી માણસના આંતરમનને ઊંડાણથી પરખે છે.

ગુજરાતી સાહિત્યમાં વાસ્તવવાદી નવલિકાઓની શરૂઆત બકુલેશ અને સુન્દરમ્ દ્વારા થઇ. સુન્દરમ્‌ની વાર્તાકળાએ એમને સફળ અને લોકપ્રિય વાર્તાકાર બનાવ્યા. 'હીરાકણી અને બીજી વાતો' , 'ખોલકી અને નાગરિકા', 'ઉન્નયન' અને 'પિયાસી' જેવા વાર્તાસંગ્રહોમાં સંગ્રહિત જિન્સી તત્ત્વો, જાતીયતાને આલેખતી વાર્તાઓમાં સિગમંડ ફ્રોઇડની સ્પષ્ટ અસર સર્જક પર જોઈ શકાય છે. સુરેશ દલાલ સંપાદિત સંગ્રહ 'કેટલીક વાર્તાઓ'માં  ફ્રોઇડિયન વલણ ધરાવતી વાર્તાઓ પર નજર નાખીએ તો 'ખોલકી', 'લાલ મોગરો', 'પ્રસાદજીની બેચેની', 'આશા' અને 'મા ને ખોળે' આ પ્રકારની વાર્તાઓ છે. આ વાર્તાઓમાં ફ્રોઇડની અસરનો અર્થ માત્ર psycho-analysis નહિ પણ શોષણની અનૈતિકતા અને જાતીયવૃત્તિઓનો ઉન્માદ પણ ખરો. સમાજના દુરાચારો, બેફામ રીતે વધી રહેલ જાતીય વિકૃતિની વિષમ કરુણ પરિસ્થિતિ અને તે અંગેનો સમાજનો પ્રત્યાઘાત આ વાર્તાઓમાં દેખાય છે.

ગાંધીયુગમાં ઉદ્દભવેલ ટૂંકીવાર્તાનાં સ્વરૂપનું સદ્દનસીબ રહ્યું કે આ યુગમાં અને પ્રારંભિક સમયે જ તેને ધૂમકેતુ, દ્વિરેફ, ક.મા. મુનશી, ઉમાશંકર જોશી અને સુન્દરમ્‌ જેવા સમર્થ વાર્તાસર્જકો પ્રાપ્ત થયા. ગાંધીજીના પ્રભાવથી સાહિત્યમાં આલેખતું થયેલું ગામડું ધૂમકેતુ જેવા સર્જકે ભાવનાવાદી દ્રષ્ટિકોણથી આલેખ્યું. જ્યારે સુન્દરમે તેમનાથી તદ્દન વિપરીત ગ્રામીણ જીવનની કુત્સિતતા અને કુટિલતાને વાસ્તવની પરિપાટી પર આલેખી. સુન્દરમ્‌ એક અર્થમાં આ યુગના પરંપરાભંજક વાર્તાકાર છે. 'જિન્સી તત્ત્વોવાળા, નાવીન્યપૂર્ણ કથાવસ્તુને લઈને જાતીય પ્રશ્નોને જુદે જુદે રૂપે વાર્તાઘાટ આપવામાં તેઓ પ્રગલ્ભ વલણ દાખવે છે. (પૃ. ૨૪૩ શબ્દયોગ). જાતીયતાને આલેખતા પ્રસંગોના નિરૂપણમાં 'સર્જક જો કૌવતવાળો ન હોય તો એની નાની અમથી ચૂક વાર્તાના આખા નકશાને વેરવિખેર કરી નાખવા પર્યાપ્ત બની રહેતી હોય છે'.  (પૃ. ૨૪૩ શબ્દયોગ). પરંતુ સુન્દરમ્‌ તો જિન્સી વિષયોના આલેખનમાં શિષ્ટતાપૂર્ણ કળાકસબ દાખવે છે. એમની આ વિષયની વાર્તાઓ એનું ઉદાહરણ છે.

'ખોલકી' આ વિષયની ઉત્તમ કલાત્મક વાર્તા છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી એને 'બીભત્સ રસની બેનમૂન વાર્તા' કહે છે. (ટૂંકીવાર્તા શિલ્પ અને સર્જન) ગ્રામીણ પરિવેશમાં વિકસતી આ વાર્તામાં નાયિકા, બાળપણમાં વિધવા થયેલી મુગ્ધા ચંદનનું પાત્ર છે. અને તેની સામે બુઢ્ઢો ખખ ત્રીજવર મૂકીને વાર્તાકારે વિરોધાભાસ ઊભો કર્યો છે. ગ્રામીણ જીવનનો નકરો વાસ્તવ રજૂ કરતી આ નવલિકાની કથા એક ગ્રામીણ નારીના આત્મકથાનક રૂપે રજૂ થાય છે. ગુજરાતી નવલિકા સાહિત્યમાં સીમાચિહ્ન રૂપ સાબિત થયેલી સુન્દરમ્‌ની આ ઉત્તમ વાર્તા છે.

અંતરના ઊંડાણમાં પડેલી દમિત વાસનાને ઉજાગર કરતી 'ખોલકી'ની વાર્તા સંરચના વિષે વિવેચન કરતાં જયંત કોઠારી એને ત્રણ ઘટકોમાં વિભાજીત કરે છે. (૧.) 'પછી ફળિયામાં કૂતરાં ભસવા લાગ્યાં 'થી શરૂ થતો પ્રથમ ઘટક નાયકના પ્રવેશ સાથે પૂરો થાય છે. (૨) બીજા ઘટકમાં નણંદ-ભાભીની મુલાકાત – 'ચાલો ચાલો બેસીએ ઘડીવાર' કહી ભાભી એને બારી પાસે લઇ જઈ બેસે છે અને વાતચીત કરે છે. ત્યાં પડોશણની બૂમ સંભળાતા ભાભી, ચંદનને જવા સમજાવે છે અને – 'જે બને તે મને રજે રજ કહેવાનું' કહી ચંદનને ભિયા પાસે મોકલવા સાથે બીજો ઘટક પૂરો થાય છે. અને (૩) – 'અને હું ગઈ' થી શરૂ કરીને 'આમ ફર ને ખોલકી' જેવા પતિ ઉવાચ સાથે ત્રીજો ઘટક પૂરો થાય છે.

વાર્તાનો પ્રારંભ 'કૂતરાં ભસવાની' ચોંકાવનારી ઘટનાથી થાય છે. ચંદન વિચારે છે કે બધાને નિરાંતે જોવા હોય તો મેડે ચડવું પડે. બાળવિધવા ચંદનને પોતાના ભાવિ પતિને જોવાની તાલાવેલી, ઉત્કંઠા છે. એક બાજુ શરમસંકોચ છે તો બીજી બાજુ આકર્ષણ. લગ્નજીવનના ભાવિ અરમાનો સાથે ચંદન બારીની તિરાડમાંથી જુએ છે. – 'બધા ભાયડા બીડીઓ પીતા પીતા આવ્યા અને આંગણામાં ઢાળેલા ખાટલા પર આડા અવળા બેસી ગયા …. ….હું બધાય ભાયડામાં એમને શોધ્યા કરતી હતી'. (પૃ.૧૩ 'ખોલકી')માં નાયિકાની એક પુરુષ માટેની પ્રતિક્ષા પ્રગટ થાય છે કેમ કે …. ભાભી ચંદનની ઇંતેજારીનો અંત લાવતાં તેના ભાવિ પતિની ઓળખ કરાવે છે.  – 'પેલો ગળાનો હૈડિયો મોટો ખારેક જેવો દેખાય સે ને તે ' (પૃ. ૧૪ 'ખોલકી') પછી નાયિકા પાણી પીતા પતિના ગળાનો હૈડિયો ઉંદરડી પેઠે ઊંચો નીચો થતો જુએ છે. પાણી પીતાં ઉધરસ આવતાં ગળફો બહાર કાઢે છે. સતત ખાંસતો, થૂંકતો અને ધુમાડા કાઢતો પતિ જોઈ જુગુપ્સા અનુભવે છે. છતાં નાયિકા રાત્રે પડોસણના ઘરમાં જાય છે.

ત્રીજા ઘટકમાં રાત્રીના સમયે નાયિકા પડોશણના ઘરમાં ભિયાને મળવા જાય છે. 'હું ગઈ' એ નાનકડા વાક્યમાં નાયિકાની તાલાવેલી, ઉત્સુકતા જોઈ શકાય છે. પડોશણનો ચોખ્ખો ચંદન જેવો ઓરડો ચંદનના કૌમાર્યપૂર્ણ વૈધવ્યની વ્યંજના પ્રગટાવે છે. જ્યારે સામે પક્ષે બે સિગારેટ પી ચુકેલો (બે વારનો વિધુર) બુઢ્ઢોખખ ત્રીજવર પ્રતીકાત્મક રીતે – ‘ઘાસતેલનો ખડિયો ભખ ભખ ધુમાડો કાઢતો હતો’. એમ વાસનાની આગમાં સળગી રહેલો નિરુપયો છે. વાસનાગ્રસ્ત વરની સામે નિર્દોષ નાયિકા ચંદનને મૂકી વાર્તાકારે વિરોધાભાસની વાસ્તવિકતા નિરૂપી છે. નાયકના આવેગની ઇન્દ્રિયપ્રત્યક્ષતા સ્પર્શની આ આક્રમક અનુભૂતિમાં દેખાય છે. – 'એમણે હાથની બે આંગળીઓ એ પહેરેલી વીંટીઓ મારા આંગળા ને કચડતી હતી'. (પૃ.૧૯ ‘ખોલકી') સિગારેટ સળગાવતાં દીવાસળીની મોટી ઝાળમાં દેખાતું ભિયાનું વ્યક્તિત્વ સર્જકે ચંદનની નજરે આલેખ્યું છે. ચંદન પણ દિલચોરી કર્યા વિના રજે રજ કહેવાની શરત નિભાવતી હોય એમ કહે છે. – '… મૂછોના આંકડા થોડા થોડા વળેલા હતા અને મોઢાના હાડકાં ઊંચા નીકળી આવ્યા હતા’. સિગારેટના ધુમાડા કાઢતા ભિયાની સહેજ વાંકી વળેલી કરોડ અને છાતીના મોટાં પાંસળા તેમ જ થૂંક ગળતાં ઊંચો નીચો થતો ગળાનો હૈડિયો અને સૂપડી જેવી મૂછો. ચંદન નિષ્ઠુર બનીને સાક્ષી ભાવે ભિયાના ખોખલા શરીરને વર્ણવે છતાં સ્ત્રી સહજ લજ્જા જાળવી યોગ્ય ક્ષણે અટકી જાય છે.

કુત્સિત અને જુગુપ્સાજનક યથાર્થ સામે આવતાં નાયિકાના આકર્ષણનું ભ્રમ નિરસન થાય છે. ભિયાના આક્રમક વલણ અને પ્રથમ સમાગમના ભયથી ડરી ગયેલી ચંદન ખાટલાની ઈસને વળગીને સૂઈ જવા મથે છે, ત્યારે વાસનામાં અંધ ભિયા ચંદનને જોરથી પોતાના તરફ ખેંચતા – 'આમ ફરને ખોલકી' કહે છે. (પૃ.૨૧ 'ખોલકી') નાયિકાનો વધતો સંકોચ અને પતિનું આક્રમક બળ, એક સ્ત્રી અને પુરુષ વચ્ચેના સમાગમ પૂર્વેની પ્રતિક્રિયાના  યથાર્થનું દર્શન કરાવે છે. ઈસ છૂટી ગયા પછી, પતિને સમર્પિત થતી નાયિકાનું ચિત્ર લેખકે ભાવક પર છોડ્યું છે. વાર્તા અશ્લીલતાની હદમાં પ્રવેશે તે પહેલાં લેખક વાર્તાનો અંત લાવે છે.

નગદ સૌન્દર્ય અને નકરા વાસ્તવના વાર્તાકાર છે સુન્દરમ્‌. ગ્રામજીવનનું સૌન્દર્ય અને નિર્દોષપણાની સાથે સાથે એની કુત્સિતતા અને કુટિલતાને પણ કલાત્મક રીતે આલેખનાર સુન્દરમ્‌ 'લાલ મોગરો' વાર્તામાં ગ્રામજીવનના યથાર્થને જુદી પરિપાટી પર રજૂ કરે છે. જાતીય વિષયોને આલેખતી સુન્દરમ્‌ની વાર્તાઓનું કથાબીજ જીવનની તરસ કે તૃષા પર આધારિત હોય છે. 'લાલ મોગરો' એ જ કથાબીજ પર રચાયેલી વાર્તા છે. પૂર્વે  'ખોલકી અને નાગરિકા' સંગ્રહમાં 'કૂતરાં' શીર્ષકથી પ્રગટ થયેલી આ વાર્તાને પ્રાણીપ્રેમ દર્શાવતાં  'ધોળા ગલૂડિયાનું નામ 'મોગરો' પાડીને વાર્તાકાર પોતે કવિ તેની પ્રતીતિ કરાવે છે .' ( પૃ. ૭૦ ટૂંકીવાર્તા શિલ્પ અને સર્જન)  એટલું જ નહિ 'લાલ મોગરો' જેવું યથાર્થ શીર્ષક પણ આપે છે.

શનિયા નામના એક સામાન્ય માણસના પોતાના કૂતરા મોગરા પ્રત્યેના પ્રેમની આ કથા છે. જે ધીરે ધીરે માણસના કૂતરાપણાની વાત સુધી પહોંચે છે. ગામમાં કૂતરાંઓને ઝેર આપી મારી નાખનાર ટુકડીનું આગમન થાય છે. ખેતરેથી આવતા શનિયાની નજર મરેલાં કૂતરાં પર પડે છે. તે પોતાના  મોગરા માટે ચિંતિત થાય છે. પરંતુ વિધિની વિડંબના એ છે કે ઝેર પાનારથી બચી ગયેલો મોગરો પરમ વૈષ્ણવ જમના ગોરાણીને હાથે મૃત્યુ પામે છે. મોગરો ઝેરથી બચવા ગોરાણીના ઘરમાં ઘૂસી જાય છે. પરંતુ પોતાની પૂજાને અભડાતી બચાવવા જમના ચંદન ઘસવાનો પથ્થર મોગરાના માથામાં મારે છે અને મોગરો મરણને શરણ થાય છે. આ ઘટનાથી દુ:ખી શનિયો સમાજ પ્રત્યે આક્રોશ દર્શાવતાં કહે છે કે – 'લો મારી નાંખો તમારા બાપને’. (પૃ.૨૭ 'લાલમોગરો') ગુસ્સામાં તલાટીના કૂતરાને મારી નાખવાને કારણે શનિયો તલાટીના ષડ્યંત્રનો ભોગ બને છે. તલાટીના કૂતરાને મારી નાખવાને કારણે ગામ લોકો શનિયાને દોષી  ગણે છે.  જ્યારે મોગરાને મારનાર ગોરાણીને નિર્દોષ !!

શનિયો અને જમના વિધિની વક્રતાએ કલેકટરને ત્યાં નોકરી નિમિત્તે ભેગા થાય છે. છતાં બંને વચ્ચે વૈમનસ્ય તો જીવતું જ રહે છે. કલેકટરના ઘરમાં તક અને એકાંત મળતાં વિધવા જમના ગોરાણી અને સાહેબ વચ્ચે જાતીય આકર્ષણ થાય છે. એકાંતના ઉદ્દીપનથી બંનેની વૃત્તિઓ બહેકી ઊઠે છે. સુન્દરમ્‌ કૂતરાંના પ્રતીક દ્વારા, અશ્લીલતાની હદ ઓળંગ્યા વગર શિષ્ટતાથી આખીયે અનૈતિક ઘટનાને કલાત્મક ઊઠાવ આપે છે. સાહેબના ધોળિયા કૂતરાના મૃત્યુ પછી શનિયો સાહેબ માટે એક કૂતરી લાવે છે. શનિયા પાસે પણ એક કૂતરો છે લાલિયો. સાથે રહેવાને કારણે સાહેબની કૂતરી અને લાલિયા વચ્ચે ઘનિષ્ઠતા વધતી જાય છે. આ નિમિત્તે વાર્તાકાર જમના ગોરાણી અને સાહેબના શરીર સંબંધને ઈંગિત કરી દે છે. જે વાર્તામાં પછીથી જમનાના બાહ્ય પરિવર્તન(Body language)થી  સિદ્ધ થાય છે. લાલચટક પોમચો પહેરીને સાહેબના ઓરડામાં જતી વિધવા જમના, દૂધવાળી રબારણની શનિયા સાથેની ચેષ્ટા, બદામી – લાલિયાનું લપાઈને બેસવું … આખોયે પરિવેશ ઉદ્દીપન સર્જે છે. જાતીયવૃત્તિઓને બહેકાવતા આ વાતાવરણમાં સાહેબ અને જમનાના મિલનમાં લાલિયો વિક્ષેપ પાડે છે, લાલિયો સાહેબના ગુસ્સાનો ભોગ બને છે અને  સાહેબની ગોળીએ વીંધાઈને મૃત્યુ પામે છે. મોગરા અને લાલિયાના મૃત્યુ માટે ધાર્મિકતાનો દંભ કરતી પરમ વૈષ્ણવ જમના નિમિત્ત બને છે. 'મરોને અહીંથી, કહીંથી આ કૂતરાં' (પૃ.૨૨ ‘લાલમોગરો') માણસની વૃત્તિઓ ખાસ કરીને સેક્સની ભૂખ અને નૈતિકતા વચ્ચેના સંઘર્ષમાં પ્રાકૃત બળો, આદિમ આવેગોનો વિજય અને નૈતિકતા કે વફાદારીનો પરાજય / મોત. કૂતરાને સંદર્ભે વાર્તાકાર માણસની મનોસ્થિતિનું યથાર્થ દર્શન 'લાલ મોગરો'માં કરાવે છે.

'પ્રસાદજીની બેચેની' વાર્તાના શીર્ષકમાં જ સર્જકે વાર્તાનો મુખ્ય ભાવ દર્શાવી આપ્યો છે. જયંત કોઠારી આ વાર્તાનું વિવેચન કરતાં એને બેચેનીની વાર્તા કહે છે. બેચેની એટલે વ્યાકુળતા, અસ્વસ્થતા, મનની અશાંત સ્થિતિ ભરતના રસસૂત્ર પ્રમાણે ‘બેચેની એ સ્થાયીભાવ નથી એને સંચારીભાવ જ ગણવો પડે.’ (પૃ. ૨૧૬ શબ્દયોગ) વાર્તાના નાયક પ્રસાદજી એક ચુસ્ત કર્મકાંડી બ્રાહ્મણ છે. ભગવાનની નિયમિત પૂજા અર્ચના કરતા શિવપ્રસાદજીને એક વિચિત્ર આદત છે વેશ્યાગમનની. આ એમનો નિત્યક્રમ છે પરંતુ એક વાર એક મુસ્લિમ સ્ત્રી સાથેના જાતીય સંબંધ પછી બનેલી ઘટનાએ એમની બેચેની વધારી દીધી . રતિસુખ પછીની નિદ્રાધીન અવસ્થામાં વેશ્યાસ્ત્રીના મુખમાંથી નીકળેલા -'યા રહીમ ! ય રસૂલ !'(પૃ.૪૮ પ્ર.ની બે.)ના ઉદ્દગાર એક હિંદુ કર્મકાંડી બ્રાહ્મણનો ભ્રમ ભાંગી નાંખે છે. ઊંઘમાં પ્રસાદજી એ રાત્રીના શૃંગારની સ્મૃતિઓમાં મસ્ત હોય છે – 'એ સુંદરીને જોતાં જોતાં થાકી જઈ પોતે ઘડી આંખો મીંચી લેતા ત્યારે એ બાઈના શરીરની હિલચાલ થતાં તેનાં કંકણ કેવાં રણકી ઊઠતા હતાં ! જાણે બુલબુલો ! અને તેની મીઠી મીઠી ઉર્દૂ જબાં, ગુલાબના અત્તરની માફક કેવી ધીમે ધીમે ફેલાતી હતી ! એના કપડાંમાંથી  મહેકી ઊઠતો હિનો ! જાણે એની મહેકને પાંખે ચડાવીને ક્યાં ય અધ્ધર લઈ જતો, એ રોશની, એ સાજ, એ મુસ્કુરાહટ, એ અદા, એ બદન', (પૃ. ૪૭ પ્ર.ની બે.) એના સુગંધીદાર પાનવાળા મોંની ખુશબોએ આ રાતને રળિયામણી કરી મૂકી હતી. શિવપ્રસાદજી રતિની આ મીઠી યાદોમાં ખોવાઈ જાય છે. તે સમયે સ્ત્રીના મુખમાંથી નીકળતા અલ્લાહને યાદ કરતા શબ્દો – 'યા રહીમ ! યા રસૂલ' પ્રસાદજીને બેચેન કરી મૂકે છે.

દરરોજ પત્ની અને બાળકોને છેતરતાં પ્રસાદજી રાત્રે જાણે કશુ જ બન્યું ન હોય એ રીતે સ્વસ્થ થઈ દેવપૂજા કરતા, પરંતુ આજે પેલી બજારુ સ્ત્રીના બે શબ્દોએ એમના મનોજગતમાં ઘમાસાણ મચાવ્યું હતું. ઘરે આવ્યા પછી પોતાના ઇષ્ટ દેવની પૂજાના સમયે – 'યા રહીમ ! યા રસૂલ !'નો નાદ સંભળાયા કરે છે. બાહ્ય કર્મકાંડ, બાહ્ય દેખાવ, બાહ્ય જીવનની ભ્રમણાઓ પર ભારે પડે છે અંતરના ઊંડાણ માંથી આવતો આ અવાજ. મુસ્લિમ સ્ત્રીનું વેશ્યાપણું એનું બાહ્ય – દુન્યવી વ્યક્તિત્વ છે. જ્યારે એનું આંતરિક વ્યક્તિત્વ તો ખુદામાં લીન છે. બીજી તરફ પ્રસાદજીને પ્રશ્ન થાય છે કે પોતે, એમની ધાર્મિકતા, પૂજા પાઠ, કર્મ કાંડ માત્ર એક ઢોંગ કે પાખંડ માત્ર છે ? બાળકો અને પત્નીને છેતરવાની દંભીવૃતિ એમના વ્યક્તિત્વ સામે પ્રશ્ન ઊભો કરે છે. પોતાના વિશેની ભ્રમણા ભાંગતા એમને સાચા વ્યક્તિત્વનું આત્મભાન થાય છે. પ્રસાદજી પ્રભુને પ્રશ્ન કરે છે – 'દયાલો, ઉસ ઔરત કો આપસે ક્યાં નિસ્બત હૈ ?’ (પ્ર.૫૦ પ્ર.ની બે.) પરંતુ ખરેખર તો આ પ્રશ્ન એમણે પોતા વિશે પૂછવો જોઈએ. સુન્દરમ્‌ આ વાર્તા દ્વારા માનવમન અને માનવહૃદયનાં ઊંડાણોને તાગે છે. 'પ્રસાદજીની બેચેની', ‘આશા', 'માને ખોળે' જેવી વાર્તાઓમાં 'પાત્રોના માનસિક જગતનો સફળ કાર્ડિયોગ્રામ સર્જકે કાઢી આપ્યો છે.’ (પૃ. ૭૧ ટૂંકીવાર્તા શિલ્પ અને સર્જન) 

'આશા' એક સુંદર, સુશીલ કન્યા છે. એના વેવિશાળથી એનું કન્યામાંથી કુલવધૂમાં રૂપાંતર થશે એ વિચારે આશા મનોમંથન અનુભવે છે. કુટુંબીજનો કોઈ સારા લખેશરી કુટુંબમાં લગ્ન થાય એમ ઈચ્છે છે.પણ આશાની ઈચ્છા કોઈ પૂછતું નથી.'સાસરે જવાનું  ન હોય તો કેવું સારું' ? એવું વિચારતી આશા સ્ત્રીત્વની પરિપૂર્તિ માતૃત્વમાં જુએ છે. આત્મીયતાના અભાવે ભાવિ પતિ પ્રત્યે સ્નેહ ઉત્પન્ન કરી શક્તિ નથી અને લગ્ન જીવનથી Escape શોધે છે. 'આશા' વાર્તા એક મુગ્ધા કન્યાનાં મનના ઊંડાણમાં તાગતી લાઘવયુક્ત  મનો વૈજ્ઞાનિક નવલિકા છે.

'માને ખોળે' ફ્રોઇડિયન વલણ ધરાવતી સુન્દરમ્‌ની શ્રેષ્ઠ નવલિકા છે. એમની વાર્તાઓની વિશિષ્ટ લાક્ષણિકતા રહી છે કે તેઓ સામાન્ય સ્તરના પાત્રો સર્જી તેમની કોઈ તીવ્ર ઝંખના કે તરસનું નિરૂપણ કરે છે. 'મા ને ખોળે' સ્ત્રીની સનાતન ઝંખના માતૃત્વ પ્રાપ્તિની અને શંકા જેવી મનોવૃત્તિના કારણે કરુણ અંજામ સુધી પહોંચે છે. સુન્દરમ્‌ સામાજિક સમસ્યાઓનું યથાર્થ આલેખન કરી વ્યંગ અને કટાક્ષ દ્વારા નગ્ન વાસ્તવનું દર્શન કરાવે છે.

'માને ખોળે'ની નાયિકા છે શબૂ, બાળલગ્નનો ભોગ બનેલી શબૂને સાસરી કરતાં પિયરમાં રહેવું વધુ પસંદ છે, કારણ એનો પતિ છે. જે માવડિયો તો છે જ પણ સાથે સાથે નમાલો અને કાયર છે. એટલે પોતાની પત્ની પ્રત્યે પ્રેમ પણ દર્શાવી શકતો નથી. શબૂનો સસરો ક્રૂર અને ઘાતકી માણસ છે. એણે મોટા દીકરાની વહુ પર બળાત્કાર કરી મોતને ઘાટ ઊતારી દીધી હતી. સસરાની બીક અને જમાઈના નમાલાપણાને કારણે શબૂના મા-બાપ એને સાસરે મોકલવા તૈયાર નથી. શબૂના પિતા ભારાડી છે, લૂંટફાટ અને ધાડ એનો ધંધો છે. એટલે જ તો એકવાર સાસરીમાં આવેલ ભિયાને તેઓ પોતાની સાથે ધાડમાં આવવા કહે છે અને ટોણો મારે છે કે  -'બાપ આગળ તો કશું બનતું નથી, ને મારી દીકરી પર શૂરવીર બનવું છે ? મારી દીકરી નહિ આવે તમારે ત્યાં … ચાલો, જોર હોય તો મારી જોડે ધાડમાં, બતાવો બહાદુરી મારી બીજી દીકરી ય તમને આપું.’ (પૃ.૧૦૪ માને ખોળે) પરંતુ ડરપોક મેઘો ડરી ગયો તે ધાડમાં ન ગયો, પણ રાત રોકાઈ ગયો. ઘણા વરસે પતિને જોઈ શબૂની વૃત્તિઓ જાગી ઊઠી, તે રાત્રે બંનેએ સમાગમસુખ માણ્યું ….પરિણામ સ્વરૂપે શબૂ ગર્ભવતી થઈ. વિધિની વક્રતા એ હતી કે ધાડમાં ગયેલા પિતાની હત્યા થઇ ગઈ તો પણ શબૂનો પતિ તો વહેલી સવારે ઊઠીને છાનો માનો ચાલ્યો ગયો. ભારાડી પિતાના જવાથી કુટુંબ અનાથ થઈ ગયું . બબ્બે દીકરીઓની જવાબદારી વિધવા માને માથે આવી, આથી તેણે શબૂને સાસરે એને તેડી જવા કહેણ મોકલ્યું. શબૂને નમાલા પતિનું ઘર માંડવું નહોતું પણ પેટ સામે જોઈ એ તૈયાર થઈ. શબૂના જીવનમાં સંઘર્ષ અને સમસ્યા સર્જાવાનો પ્રારંભ અહીંથી થાય છે.

વાર્તાની નાયિકા શબૂ મહિસાગરને કાંઠે વસતી એક ગ્રામીણ કન્યા છે. મુગ્ધા શબૂનું મન હજુ તો ચણોઠી, બોરડી અને અનુરીની આસપાસ ભમે છે. ભેંસના પોદળાને બોટવા (પોતાનો હક સ્થાપિત કરવા) દોડતી શબૂને પિયરનાં ઝાડવાં, નદીના કોતર, નદીની રેતી જાણે રોકી રાખવા પ્રયત્ન કરે છે. એના પગ આગળ વધે છે પણ મન પાછળ ખેંચે છે. શબૂની વિદાય પ્રસંગે આડી ઊતરતી બિલાડી પ્રતીકાત્મક રીતે અમંગળ ભાવિનું સૂચન કરે છે.

સગર્ભા શબૂને નદીના ભાઠામાં ચાલતાં થાક લાગે છે. તે પતિ અને સસરાને ધીમે ચાલવા વિનંતી કરે છે પરંતુ ક્રૂર સસરાનો પ્રત્યુત્તર – 'ચરી ખાવું છે … નહિ હિંડાય ?… તું મારા ઘરમાં ન હોય !’ (પૃ. ૧૦૮ 'માને ખોળે') શબૂને તરસ લાગતાં પતિને પાણી માટે કહે છે. તક મળતાં જ શબૂનો સસરો પાણીને બહાને અવળે રસ્તે, એકાંતમાં લઇ જઈ એને મારવા મેઘાને પગ પકડવા કહે છે. – 'અલ્યા એ ય હીજડા ! શું જોઈ રહ્યો છે પકડ, પકડ એના પગ .' (પૃ. ૧૦૮ માને ખોળે.) પતિ શબૂના પગ પકડી ઊભો રહે છે અને સસરો એનું ગળું દબાવી દે છે. મેઘાનો બાપ શબૂની ગર્ભાવસ્થાને પારકા હમેલ ગણી, એના પતિની હાજરીમાં કહેવાતી સામાજિક આબરૂને કારણે ગળું દબાવી હત્યા કરે છે. ઓનર-કિલિંગની આ ઘટનામાં નમાલો દીકરો બાપને, શબૂ પોતાનાથી ગર્ભવતી થઇ હોવાની સાચી હકીકત પણ કહી શકતો નથી. ખરેખર વાર્તામાં સુન્દરમે કરેલો 'બાપ દીકરો' શબ્દપ્રયોગ યથાર્થ ઠરે છે. બાપ જાણે દીકરાને ગળી ગયો છે. કાયર પતિ શબૂના જીવનની કરુણતા છે. નવલિકામાં શબૂનું પાત્ર સુરેખ બન્યું છે. ભારાડી પિતાની ભારાડી પુત્રી, પ્રકૃતિના ખોળે ઉછરતી મુગ્ધા, ગર્ભાધાનથી પ્રસન્નતા અનુભવતી, પેટમાં જીવ લગાડીને સાસરે જવા નીકળેલી એક કોડભરી કન્યા સંસારિક જીવનના પ્રથમ પગથિયે જ નિષ્ઠુર નિયતિ અને કોઈ દુરિતનો ભોગ બની, ક્રૂર અને બળાત્કારી સસરાને હાથે મોત પામી, મહિસાગર માના ખોળામાં પોઢી જાય છે.

'કેટલીક વાર્તાઓ' સંગ્રહમાંની ઉપરોક્ત ટૂંકી વાર્તાઓ સુન્દરમ્‌ને નવોન્મેષ પ્રગટાવનાર વાર્તાકાર તરીકે સ્થાપી આપે છે. સમયના સંદર્ભે સર્જકના આ પરંપરાભંજક વલણે ગુજરાતી સાહિત્યને જિન્સી તત્ત્વના આલેખનવાળી ઉત્તમ વાર્તાઓ આપી છે.

સી.યુ. શાહ આર્ટસ કોલેજ, અમદાવાદ.

સંદર્ભ ગ્રંથ :

૧. 'કેટલીક વાર્તાઓ'         સંપાદક –  સુરેશ દલાલ

૨. 'શબ્દ યોગ'               સંપાદક  મફત ઓઝા અને સુધા પંડ્યા

૩. ટૂંકીવાર્તા : સાહિત્ય -સર્જન. સંપાદક – જયંત પાઠક, રમેશ શુક્લ 

૪. ટૂંકીવાર્તા : શિલ્પ અને સર્જન . ડૉ. ભરતકુમાર ઠાકર 

e.mail : arvindvaghela1967@gmail.com     

Loading

25 August 2019 admin
← કિસાનોના હમદર્દ, ક્રાંતિદૂત : મહાત્મા જોતીરાવ ફૂલે
ચલ મન મુંબઈ નગરી — 7 →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved