ફ્રાન્સ-માનવસભ્યતાને લોકશાહીની ભેટ આપનાર, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વનાં મૂલ્યો આપનાર ક્રાંતિની ભૂમિ … ૧૯૬૮માં જબરદસ્ત વિદ્યાર્થી-આંદોલનની ભૂમિ કે જેમાં દેશના એ સમયના બુદ્ધિજીવીઓથી લઈને તમામ વર્ગના લોકોની સામેલગીરી હતી. ફ્રાન્સ … એટલે એ ભૂમિ કે જ્યાં મજદૂરોના હક્ક માટે વિદ્યાર્થીઓ સડકો પર ઊતરે છે.
ફ્રાન્સનું નામ આજે ફરીથી ચર્ચામાં છે, એની જનતાના આંદોલનના કારણે. આજે ફ્રાન્સના લોકો ફરીથી સડકો પર ઊતરી આવ્યા છે. અમેરિકાના ‘ઑક્યુપાય વૉલસ્ટ્રીટ’ આંદોલનની જેમ ફ્રાન્સનું વર્તમાન ‘યલોવેસ્ટ’ આંદોલન આજે પોતાના દેશની સરહદો તોડીને દુનિયાના વિવિધ દેશોમાં ફેલાઈ રહ્યું છે. યલોવેસ્ટ એટલે કે પીળા રંગનાં જેકેટ – આ આંદોલનનું પ્રતીક બની ચૂક્યાં છે. ફ્રાન્સના લોકો માટે વાહન ચલાવતી વખતે આ પીળા (રેડિયમ) રંગનાં જેકેટ પહેરવા ફરજિયાત છે.
અલબત્ત, આ આંદોલનની શરૂઆત પેટ્રોલ-ડીઝલમાં થયેલા અસહ્ય ભાવવધારાના વિરોધમાંથી થઈ હતી. ફ્રાન્સમાં મોટા ભાગની કાર ડીઝલથી ચાલે છે. છેલ્લા ૧૨ મહિનામાં ડીઝલની કિંમતમાં ૨૩ ટકાનો વધારો થયો છે. તાજેતરમાં થયેલો પ્રતિ લિટરે ૧.૬૧ ડૉલરનો વધારો એ વર્ષ ૨૦૦૦ બાદના સૌથી ઊંચા સ્તરે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોન, જે ૨૦૧૭થી સત્તા પર છે, તેમણે ડિઝલ પર ૭.૬ સેન્ટ અને પેટ્રોલ પર ૩.૯ સેન્ટ પ્રતિ લિટર હાઇડ્રોકાર્બન ટૅક્સ લગાવ્યો છે. ઉપરાંત જાન્યુઆરી ૨૦૧૯થી ડીઝલ પર ૬.૫ અને પેટ્રોલ પર ૨.૯ સેન્ટ પ્રતિ લીટર ટેક્સ વધારવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ભાવવધારા પાછળ એવું કારણ દર્શાવવામાં આવ્યું હતું કે પરંપરાગત બળતણનો ઉપયોગ ઓછો થાય. આંદોલન શરૂ થયું, ત્યારે માત્ર આ ટૅક્સમાં વધારાનો વિરોધ હતો, પરંતુ આજે તો માંગણીઓ અનેક ગણી વ્યાપક બની છે, અને લોકો પોતાના રોજબરોજના પ્રશ્નોને લઈને ફ્રાન્સની સડકો પર ઊતરી આવ્યા છે.
ફ્રાન્સમાં હાલ સૌથી મોટો પ્રશ્ન બેરોજગારીનો છે. ફ્રાન્સ જેવા દેશોમાં બેરોજગારીનો પ્રશ્ન હોય એ સાંભળતા જ જરા અજુગતું લાગે. પણ પ્રશ્ન છે એ હકીકત છે. ૨૦૦૯થી અત્યાર સુધીમાં ફ્રાન્સમાં બેરોજગારીનો દર ૯થી ૧૧ ટકા સુધી રહ્યો છે. આ દર ૭ ટકાથી નીચે લઈ જવાનું વચન મેક્રોનના પક્ષે ચૂંટણીમાં આપેલું. આજે સત્તામાં આવ્યાને ૧૯ મહિના થઈ ગયા છતાં પણ બેરોજગારીને પ્રશ્ન ઉકેલવા માટે કોઈ અસરકારક પગલાં લેવાયાં નથી. ફ્રાન્સમાં અડધા ઉપરાંતના લોકોની માસિક આવક ૧૭૦૦ યુરોથી પણ ઓછી છે. જો કે ફ્રાન્સ સોશિયલ સિક્યૉરીટી બિલ પાછળ ૭૧૫ અબજ યુરો ખર્ચે છે. પોતાના કુલ ખર્ચનો ૧/૩ હિસ્સો લોકકલ્યાણ પાછળ ખર્ચતા હોવાનો દાવો હોવા છતાં ફ્રાન્સમાં ટૅક્સ સૌથી વધુ છે, તે પણ હકીકત છે.
ડીઝલમાં વધારાના ટૅક્સ અને તેની વધતી કિંમતો સામે શરૂ થયેલા આ આંદોલનમાં સમાજના તમામ વર્ગના લોકો જોડાયેલા છે. લઘુતમ વેતનવધારાની માંગણી સાથે સામાન્ય મજદૂરો-કામદારો પણ આ આંદોલનમાં સામેલ છે, તો બેરોજગાર યુવાનો પણ આ આંદોલનમાં સામેલ છે. કારણ કે ફ્રાન્સમાં ૨૦૦૦થી ૨૦૦૭ સુધીનાં ૭ વર્ષમાં ૬૫ ટકા જેટલી રોજગારી છીનવાઈ છે, જેમાં આજ સુધી વધારો જ નોંધાઈ રહ્યો છે. આ આંદોલનમાં ખેડૂતો પણ સામેલ છે. કારણ કે ફ્રાન્સની સરકાર આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશોની સ્પર્ધામાં ખેતપેદાશોની એટલી ઓછી કિંમત આપે છે કે બહારથી ઝાકઝમાળથી ભરેલ – ‘ફૅશનસેન્ટર’ ગણાતા દેશમાં રોજ સરેરાશ એક ખેડૂતની આત્મહત્યા થઈ રહી છે.
‘યલોવેસ્ટ’ આંદોલનમાં વૃદ્ધો પણ સામેલ છે કે જેઓ પેન્શન સહિતની અનેક સામાજિક કલ્યાણની યોજનાઓમાં મૂકાયેલા કાપનો વિરોધ કરી રહ્યા છે. અને સૌથી જોરદાર ભાગીદારી છે ફ્રાન્સના લડાયક વિદ્યાર્થીઓની. પોલીસના તમામ અત્યાચારો, લાઠીચાર્જ, ટિયરગૅસ, વૉટરકેનન – બધાનો સામનો કરીને વિદ્યાર્થીઓએ આ આંદોલનને વિશ્વવ્યાપી બનાવવામાં એક મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. ફ્રાન્સમાં વિદ્યાર્થી-આંદોલનનો ઇતિહાસ શાનદાર રહી ચૂક્યો છે. એ ૧૯૬૮નું આંદોલન હોય કે પછી હાલમાં ‘યલોવેસ્ટ’ આંદોલન અથવા તો ગયા દશકામાં મજદૂર-કામદાર વિરોધી નીતિઓ સામે ઉદ્ભવેલા આંદોલનમાં કામદારો સાથે ખભેખભા મિલાવીને લડવાની વાત હોય. શહીદ-એ-આઝમ ભગતસિંહનું એ વાક્ય સ્વાભાવિક જ યાદ આવે, ‘દરેક દેશમાં સામાજિક પરિવર્તન માટે ત્યાંના વિદ્યાર્થીઓ જ આગળ આવ્યા છે…’
આમ, પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં થયેલાં ભાવવધારાના કારણે અનેક જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો, જેથી આ આંદોલનમાં મજદૂરો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, ઑફિસ-કર્મચારીઓ, ગૃહિણીઓ, વૃદ્ધો સહુ કોઈ જોડાયેલાં છે. એક સમયે આંદોલનકારીઓ સામે સરકાર જરા ય ઝૂકશે નહીં, જરૂર પડશે તો આખા દેશમાં મિલિટરી રોકીને, કટોકટી જાહેર કરવામાં આવશે એવી ધમકી આપનાર મેક્રોન સરકારે ઘણા અંશે ઝૂકવું પડ્યું. ૨૦૧૯થી સરકારે ડીઝલ પર ટૅક્સ વધારવાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે. ઉપરાંત ચાલુ નવા વર્ષથી જ લઘુતમ વેતનમાં પણ વધારો કરવાનું વચન આપવામાં આવ્યું છે. જો કે આટલી જીત મેળવવામાં આ આંદોલનમાં ૧૦ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તો ૧૮૪૩ કરતાં વધુ નાગરિકો અને ૧૦૪૮ જેટલા અધિકારીઓ ઘાયલ થયા છે.
આત્મસમ્માનપૂર્વક જીવન જીવવા માટે જરૂરી એવી પ્રાથમિક સુવિધાઓની માંગણી સાથેના આ આંદોલનના પડઘા દુનિયાના અન્ય દેશોમાં પણ પડ્યા છે. બલ્ગેરિયા, કૅનેડા, ક્રોએશિયા, ઇજિપ્ત, ફિનલૅન્ડ, જર્મની, ઇરાક, આયરલૅન્ડ, ઇઝરાયેલ, ઇટાલી, નેધરલૅન્ડ, પાકિસ્તાન, પોલૅન્ડ, પોર્ટુગલ, રશિયા, સર્બિયા, તાઇવાન, ટ્યુનિશિયા, યુનાઇટેડ કિંગ્ડમ, વગેરે દેશોમાં પણ લોકો યલોવેસ્ટ પહેરીને પોતાની વાજબી માંગણીઓ સાથે વિરોધ-પ્રદર્શનો કરી રહ્યાં છે.
રશિયન ક્રાંતિની શતાબ્દી (૧૯૧૮-૨૦૧૮) ૧૭ નવેમ્બરથી શરૂ થયેલા આ આંદોલનનું ૧૧મું અઠવાડિયું ચાલી રહ્યું છે. ૨૦મી જાન્યુઆરીએ પૅરિસમાં ‘March For Life’માં પણ લાખો લોકો જોડાયા હતા.
બેરોજગારી જીવન સસ્તું પણ જીવન જીવવાની વસ્તુઓ મોંઘી આ પ્રશ્ન આજે ફ્રાન્સના લોકોને સતાવી રહ્યો છે એવું નથી. દુનિયાના તમામ દેશોના સહુ સાધારણ લોકો આજે આ પ્રશ્નથી પીડાય છે. વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિઓએ આજે તમામ દેશોના અર્થતંત્રની કમર તોડી નાંખી છે. વસ્તુઓની કિંમતમાં વધારો, પણ લોકોની ખરીદશક્તિમાં ઘટાડો – સમગ્ર દુનિયાની આજે આ સ્થિતિ છે. કાર્લ માર્ક્સની વાત યાદ આવે, ‘મૂડીવાદ પોતાની કબર ખુદ ખોદી રહ્યો છે…’ દુનિયાની તમામ સરકારોની નીતિઓ પણ અમીર તરફી છે, એ પણ સ્પષ્ટ થઈ ગયું છે. ૨૦૧૧માં ‘ઑક્યુપાય વૉલ સ્ટ્રીટ’ આંદોલનમાં પણ આ જ આર્થિક અસમાનતા સામે વિરોધની વાત હતી. દુનિયાના ૯૯ ટકા સામાન્ય લોકો પર માત્ર એક ટકા અમીરોનું શાસન છે. આપણો દેશ પણ આ સત્યથી પર નથી. ઑક્સફામના અહેવાલ અનુસાર ભારતના ૫૦ ટકા કરતાં વધુ સંપત્તિ માત્ર નવ ધનિકોના કબજામાં છે. આર્થિક અસમાનતાની આ વરવી વાસ્તવિકતા ફ્રાન્સના લોકો સમજ્યા છે અને એટલે જ ઇંધણ તેલમાં ભાવવધારાથી શરૂ થયેલું આ આંદોલન આજે મેક્રોન સરકારના રાજીનામાની માંગ સાથે, બેરોજગારીના રાક્ષસી પ્રશ્ન સામે બુલંદ બની રહ્યું છે, જે બેરોજગારીનો પ્રશ્ન એ મૂડીવાદી વિષચક્રની દેણ છે. દુનિયાના મોટા ભાગના લોકોનો એ સૂર હોય છે કે ક્યાં ય કશું થતું નથી. એમની સામે ‘ઑક્યુપાય વૉલસ્ટ્રીટ’ આંદોલન પણ એક જવાબ હતો અને ‘યલો વેસ્ટ’ આંદોલન પણ એક જવાબ છે. અલબત્ત, જવાબ હજુ અધૂરો છે. આ આંદોલનો સરહદ તોડીને દુનિયાના તમામ સાધારણ લોકોને સંગઠિત કરશે, ત્યારે આ જવાબ પૂરો થશે. એ દિવસ પણ બહુ દૂર નહીં હોય જ્યારે એ લોક જુવાળ ઊઠશે, ત્યારે જુલમી સત્તાધીશો સામે એક ચેતવણી બનીને આવશે.
એ ખાકનશીનો ઊઠ બૈઠો,
યે વક્ત કરીબ આ પહુંચા,
જબ તખ્ત ગીરાયે જાયેંગે,
જબ તાજ ઉછાલે જાયેંગે.
E-mail : vaghelarimmi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2019; પૃ. 08 – 09
 

