આજકાલ શાહરૂખ ખાનની નવી ફિલ્મ ‘પઠાણ’ ચર્ચામાં છે. શાહરૂખ ખાન તેમાં એક એવા જાંબાઝ ખુફિયા પોલીસ ઓફિસર પઠાણની ભૂમિકા કરે છે, જે દેશવિરોધી માફિયાઓ સામે એકલા હાથે જંગ કરે છે. અફઘાનિસ્તાનની પશ્તુન જાતિમાંથી આવતા પઠાણ પાત્રોની હિન્દી ફિલ્મોમાં હાજરી એટલી જ જૂની છે, જેટલી જૂની સ્વતંત્રતા છે. જે વર્ષે ભારત એક આઝાદ દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો, એ જ વર્ષે, 1947માં, પૃથ્વીરાજ કપૂરના પૃથ્વી થિયેટરે ‘પઠાણ’ નામનું નાટક ભજવ્યું હતું. નાટકમાં, એક પઠાણ તેના હિંદુ મિત્રના દીકરાને વિભાજનની હિંસામાંથી બચાવવા માટે પોતાના એકના એક દીકરાનું બલિદાન આપે છે તેવી વાર્તા હતી.
પૃથ્વીરાજના પેશાવરના મિત્ર ચંદ બિસ્મિલે, પઠાણ લોકો ‘વ્યાજખોર’ અને ‘ચોકીદાર’ હોય છે તેવી વ્યાપક માન્યતાને તોડવા માટે આ નાટક લખ્યું હતું અને પૃથ્વીરાજને તત્કાલીન રાજકીય વાતાવરણમાં એ નાટક ભજવવા જેવું લાગ્યું હતું. એમાં પૃથ્વીરાજ કપૂરે જ પઠાણની ભૂમિકા કરી હતી. કપૂર આમ તો ખત્રી હિંદુ હતા, પરંતુ પેશાવરમાં તેમના વડવાઓ પશ્તુ બોલતાં હતા એટલે તેઓ પોતાને ‘હિંદુ પઠાણ’ તરીકે ઓળખાવતા હતા.
આ કપૂર પઠાણને ફિલ્મો કે કળા સાથે કોઈ લેવાદેવા નહોતી, પરંતુ પૃથ્વીરાજના પિતા બશેશ્વરનાથ કપૂર, જે બ્રિટિશ પોલીસમાં સબ-ઇન્સ્પેકટર હતા, તેમણે સહપરિવાર મુંબઈ આવીને ફિલ્મી દુનિયામાં નસીબ અજમાવાનો પ્રયાસ કર્યો હતો (તમને જો યાદ હોય તો રાજ કપૂરની ‘આવારા’ ફિલ્મમાં તેમની ભૂમિકા હતી). તે વખતે ‘ફિલ્મ ઇન્ડિયા’ નામનું ફિલ્મ સામયિક ચલાવતા અને તીખી કલમ માટે જાણીતા ફિલ્મ વિવેચક બાબુરાવ પટેલે લખ્યું હતું, “આ પઠાણો એક્ટર્સ બનવા આવ્યા છે, પણ એમના માટે અહીં જગ્યા નથી.”
એ વખતે યુવાન પૃથ્વીરાજે પટેલને કહ્યું હતું, “બાબુરાવ, આ પઠાણને ચેલેન્જ ન આપતા. ભારતની ફિલ્મોમાં જગ્યા નહીં હોય તો સાત સમંદર પાર કરીને હોલિવૂડ જઈને એક્ટર બનીશ.” બહુ ઓછા લોકોને જાણ હશે કે પૃથ્વીરાજનો નાના ભાઈ ત્રિલોક કપૂર પણ એકટર હતો. 1933માં, ‘ચાર દરવેશ’ નામની ફિલ્મથી તેણે સફળ શરૂઆત કરી હતી.
સંભવત: હિન્દી સિનેમાના પડદા પર પઠાણની પહેલી ભૂમિકા, પૃથ્વીરાજ કપૂરના દીકરા રાજ કપૂરની જ ફિલ્મ ‘છલિયા’(1960)માં એક્ટર પ્રાણની હતી. મનમોહન દેસાઈ નિર્દેશિત ‘છલિયા’ના નિર્માતા તરીકે આમ તો તેમના ભાઈ સુભાષ દેસાઈનું નામ છે, પરંતુ મૂળે આ ફિલ્મનો વિચાર રાજ કપૂરનો હતો. રાજ ત્યારે હિરો તરીકે સ્થાપિત હતા. વિભાજનમાં પતિ-પરિવારથી છૂટી ગયેલી સ્ત્રી શાંતિ(નૂતન)ની આનંદ રાજ આનંદની વાર્તા રાજ કપૂરને પસંદ પડી ગઈ હતી અને તેના પરથી ફિલ્મ બનાવાનું નક્કી કર્યું હતું.
આનંદ રાજ આનંદ (તે ટીનુ આનંદના પિતા થાય) પૃથ્વીરાજ કપૂરના પૃથ્વી થિયેટરનું સર્જન હતા. તેમણે રાજ કપૂરની ‘આગ,’ ‘આહ,’ ‘અનાડી’ અને ‘સંગમ’ લખી હતી. આનંદે રશિયન લેખક ફ્યોદોર દોસ્તોવયસ્કીની નવલકથા ‘વ્હાઈટ નાઈટ’ પરથી ‘છલિયા’ની પ્રેરણા લીધી હતી. ફિલ્મની સફળતામાં કલ્યાણજી-આણંદજીના સંગીતે બહુ મોટો ભાગ ભજવ્યો હતો. ‘છલિયા મેરા નામ,’ ‘ડમ ડમ ડિગા ડિગા,’ ‘તેરી રાહોં મેં ખડે હૈ,’ અને ‘મેરે તૂટે હુએ દિલ સે’ આજે પણ એટલાં જ લોકપ્રિય ગીતો છે.
તે વખતે હિન્દી ફિલ્મોમાં ખલનાયક તરીકે જાણીતા થઇ ગયેલા પ્રાણ કિશન સિકંદ ઉર્ફે પ્રાણે ‘છલિયા’માં અબ્દુલ રહેમાન નામના પઠાણની ભૂમિકા કરી હતી. એ પઠાણ આમ રહેમદિલ હતો, અને આમ નિર્મમ હતો. તેણે શાંતિને તોફાનીઓથી બચાવી હતી એટલું જ નહીં, તેની બહેન તરીકે ઘરમાં આશરો આપ્યો હતો પઠાણની ખુદની બહેન સકીના ભારતમાં રહી ગઈ હતી. તેણે ઘરમાં રહેતી શાંતિનો ચહેરો જોવાનો પણ ઇન્કાર કરી દીધો હતો, જેથી તેની બહેન ભારતમાં જ્યાં પણ હોય ત્યાં તેની સાથે પણ કોઈ ‘હિંદુ કે શિખ’ એવો જ વ્યવહાર કરે. પઠાણે આવી રીતે પાંચ વર્ષ સુધી શાંતિને ઘરમાં રાખી હતી, પણ પાછળથી છલિયા સાથે જૂનું વેર વસુલવા શાંતિનું જ અપહરણ કરવાની ધમકી આપી હતી.
તે વખતે કોઈને અંદાજ પણ નહીં હોય કે પ્રાણનો આ અબ્દુલ રહેમાન વર્ષો પછી ‘ઝંઝીર’નો દિલેર શેરખાન પઠાણ બનીને દર્શકો પર છવાઈ જશે. પઠાણ લોકો અત્યંત વિશ્વાસપાત્ર હોય છે તેવી છાપ ઊભી કરવામાં બે ફિલ્મોનો મોટો ફાળો છે; એક, હેમેન ગુપ્તા નિર્દેશિત અને બલરાજ સાહની અભિનીત ‘કાબૂલીવાલા’ (1961) અને બીજી ‘ઝંઝીર’ (1973). યોગનુગોગ, ‘કાબૂલીવાલા’માં પઠાણનું નામ પણ અબ્દુલ રહેમાન જ હતું. આ ફિલ્મ રવીન્દ્રનાથ ટાગોરની ટૂંકી વાર્તા પરથી બનાવામાં આવી હતી. ટાગોરે ૧૮૮૨માં, તેમના બંગાળી મેગેઝીન ‘સાધના’ માટે ‘કાબૂલીવાલા’ વાર્તા લખી હતી.
પ્રાણ પંજાબી હિંદુ હતા પરંતુ ઊંચી પડછંદ કાયા અને ઘેઘૂર અવાજના કારણે કોઈને પણ પઠાણ હોવાનો ભ્રમ થઇ જાય તેવા હતા. ઇન ફેક્ટ, સલીમ-જાવેદની પટકથા પરથી પ્રકાશ મહેરાએ ‘ઝંઝીર’ બનાવાનું નક્કી કર્યું ત્યારે સૌથી પહેલાં શેરખાનના પાત્ર માટે પ્રાણનું નામ નક્કી થઇ ગયું હતું. પ્રકાશ મહેરાએ ‘છલિયા’માં પ્રાણનું કામ જોયું હતું, એટલે ‘ઝંઝીર’ની વાત આવી ત્યારે તેમણે સૌથી પહેલાં શેરખાન માટે પ્રાણની જ કલ્પના કરી હતી.
એ વખતે હીરો વિજયની ભૂમિકા કોણ કરશે એ નક્કી નહોતું કારણ કે તે વખતના મોટા ભાગના હીરોએ ‘ઝંઝીર’ કરવાની ના પાડી હતી. સલીમ ખાન એક ઇન્ટરવ્યૂમાં કહે છે, “રાજ કુમાર અને ધર્મેન્દ્રએ વિજયની ભૂમિકા કરવાની ના પાડી તે પછી પ્રાણ સાહેબે જ પ્રકાશ મહેરાની અને દેવ આનંદ સાથે મિટિંગ ગોઠવી હતી, પરંતુ દેવ સાહેબે (હીરોનું કોઈ ગીત ન હોવાથી) પણ ના પાડી એ પછી પ્રાણે નવોદિત અમિતાભનું નામ સૂચવ્યું હતું.”
વિતરકોએ પ્રાણના નામ પર જ ફિલ્મ હાથમાં લેવાની હા પાડી હતી, કારણ કે અમિતાભનું નામ ત્યારે મોટું નહોતું અને તેના નામે લાઈનબંધ ફ્લોપ ફિલ્મો બોલતી હતી. લોકો ફિલ્મમાં પ્રાણને જોવા માટે જ થિયેટરમાં આવ્યા હતા પણ બહાર નીકળ્યા ત્યારે તેમને ભાવિ સુપરસ્ટાર અને એન્ગ્રી યંગ મેન અમિતાભ બોનસમાં મળ્યો હતો.
બોક્સ ઓફિસ પર પ્રાણનો કેવો ભાવ હતો તેની સાબિતી એ વર્ષે આવેલી મનોજ કુમારની ફિલ્મ ‘શોર’ છે. એ ફિલ્મમાં રાણી(જયા ભાદુરી)ના પિતા ખાન બાદશાહની ભૂમિકાની પણ પ્રાણને ઓફર થઇ હતી. ‘ઝંઝીર’ માટે પ્રાણે હા પાડી તેના થોડા જ દિવસો પછી મનોજ કુમારે તેમનો સંપર્ક કર્યો હતો અને ‘શોર’ના પઠાણની ભૂમિકા સૂચવી હતી. એક ઇન્ટરવ્યૂમાં પ્રાણે કહ્યું હતું, “ઉપકાર’ અને ‘પૂરબ ઔર પશ્ચિમ’ પછી મને મનોજ કુમાર સાથે કામ કરવાનો મોકો મળ્યો નહોતો. ‘શોર’માં તેમણે મને પઠાણનો રોલ ઓફર કર્યો હતો, પરંતુ મેં તે વખતે ‘ઝંઝીર’ માટે હા પાડી હતી એટલે પઠાણને બે રોલ કરું એ યોગ્ય નહોતું.”
ત્યાં સુધી કે પ્રાણે મનોજ કુમારને એવું સૂચન કર્યું હતું કે તે જો પઠાણના પાત્રમાં ફેરફાર કરે તો તે ફિલ્મ કરવા તૈયાર છે. મનોજ કુમારે ત્યારે જવાબમાં કહ્યું હતું, “પ્રાણસાબ, તમે પ્રકાશ મહેરા સાથે બંધાયેલા હો તો હું પણ મારી પટકથા સાથે બંધાયેલો છું. વાંધો નહીં, હું બીજા કોઈને લઈશ. અને એ રીતે ‘શોર’માં એ ભૂમિકા પ્રેમનાથ પાસે ગઈ હતી.”
1992માં, અમિતાભ બચ્ચને ‘ખુદા ગવાહ’ ફિલ્મમાં બાદશાહ ખાનની ભૂમિકા કરી હતી, એ કદાચ પડદા પર આવેલો છેલ્લો લાર્જર ધેન લાઈફ પઠાણ હતો. કંઇક અંશે તેમાં ‘ઝંઝીર’ના શેરખાન જેવી જ દિલેરી અને નિષ્ઠા હતી. ‘ખુદા ગવાહ’ના બાદશાહનો એક સંવાદ, ફિલ્મોના પઠાણોના ચરિત્ર્યને ઉજાગર કરે છે; “મેરા નામ બાદશાહ ખાન હૈ … ઈશ્ક મેરા મજહબ, મોહબ્બત મેરા ઈમાન .. ઉસી મોહબ્બત કે લિયે કાબુલ કા પઠાણ સર ઝમીં-એ-હિન્દુસ્તાન સે મહોબ્બત કા ખૈર માંગને આયા હૈ .. આઝમાઈશ કડી હૈ, ઇમ્તિહાન મુશ્કિલ, લેકિન હૌંસલા બુલંદ … જીત હંમેશાં મહોબ્બત કા હુઆ હૈ … સદીઓં સે યહી હોતા હૈ, યહી હોગા … ખુદા ગવાહ હૈ.”
પ્રગટ : ‘સુપરહિટ’ નામક સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 04 જાન્યુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર