Opinion Magazine
Number of visits: 9484088
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇંગ્લેન્ડમાં ગુજરાતી સાહિત્યનાં ચાળીસ વર્ષ

સંજય સ્વાતિ ભાવે|Diaspora - Reviews|31 December 2023

પુસ્તક પરિચય

‘ચાળીસીએ ઓચ્છવ’ મુખપૃષ્ઠ

‘ચાળીસીએ ઓચ્છવ’ એ વક્તવ્ય-સંચયનું લાંબું પેટામથાળું તેનો વિષય સ્પષ્ટ કરે છે – ‘યુનાઈટેડ કિંગ્ડમમાં ચાળીસ વર્ષમાં રચાયેલાં વિવિધ ગુજરાતી સાહિત્ય સ્વરૂપોનાં લેખાંજોખાં’. પુસ્તક 16 ઑગસ્ટ 2018ના રોજ, ઇંગ્લેન્ડની ગુજરાતી સાહિત્ય અકાદમીએ યોજેલા પરિસંવાદમાં અભ્યાસીઓએ રજૂ કરેલાં વક્તવ્યો પરથી બન્યું છે.

તેમાં માતૃભાષા માટે વસાહતીઓની આસ્થા અને 12 ફેબ્રુઆરી 1977 સ્થપાયેલી અકાદમીની કાર્યનિષ્ઠા પ્રગટે છે. વક્તવ્યોમાં સાહિત્યની સમજ, વિષય માટેની સજ્જતા અને સંભવત: મર્યાદિત સામગ્રી છતાં પણ ખાંખતથી કરેલો સ્વાધ્યાય દેખાય છે. કેતન રૂપેરાનું આ સવાસો પાનાંનું સંપાદન વ્યાખ્યાનો પર આધારિત પુસ્તક કેવું અભ્યાસપૂર્ણ અને સંયત રીતે આકર્ષક બનાવી શકાય તેનો એક નમૂનો છે.

‘બ્રિટનની ગુજરાતી કવિતા’ પરના વક્તવ્યમાં અકાદમીના મહામંત્રી કવિ પંચમ શુક્લ ગઈ અરધી સદીમાં દેશના અનેક શહેરોમાં કાવ્યક્ષેત્રે સક્રિય વિવિધ જૂથો વિશે શહેરોનાં નામ સાથે માહિતી આપે છે. ‘અકાદમીએ જાતજાતની રીતે કાવ્ય સાથે પોતાનાં મૂળિયાં જોડી રાખ્યાં’ તેની વિગતો પંચમ ટૂંકમાં આપે છે.

‘મહત્ત્વના અંગ’ તરીકે ‘મુશાયરા’ની નોંધ લીધા પછી પ્રમુખ કવિઓ અને કૃતિઓના ઉલ્લેખો મળે છે. વિસ્તાર અને કવિતાના જ છંદ સાથેના જોડાણની માહિતી રસપ્રદ બને છે. સામયિકો અને કાવ્યવિષયોની વાત આવે છે. નોંધપાત્ર નિરીક્ષણોમાં એક છે : ‘ગુજલીશ’ નામાભિધાન ધરાવતી આંગ્લ-ગુજરાતીમાં ‘સંકર-4 બ્રાન્ડને ગઝલો લખાય છે. તેમાં બ્રિજરાતી સેન્સિબિલિટી છે.’

શાળાકાળથી કથાસાહિત્ય લખનાર વલ્લભ નાંઢા ‘નવલકથા જેવા સાહિત્યસ્વરૂપનું ખેડાણ ઓછું થયું છે’ એમ જણાવીને આ સ્વરૂપનો 1984થી લઈને સુરેખ આલેખ આપે છે. તેમની દૃષ્ટિએ ‘ચર્ચાક્ષમ નવલકથાઓ’નો ‘આંકડો પંદર-સત્તરથી માંડ આગળ વધે’. તેમાંથી સાત નવલકથાઓની તેમણે વિગતે સમીક્ષા કરી છે જેમાં તેમની પોતાની ‘કાળજે કોતરાયેલી પીડા’ આવી જાય છે. પાંચેક કૃતિઓ વિશે ટૂંકી નોંધ મળે છે. નવલકથાકારોમાં ‘ફાવટ આવી નથી’ અને ‘તેમની સૂઝ  કેળવાઈ નથી’ એવી નુકતેચીની પણ વલ્લભભાઈ કરે છે.

તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા વાર્તાકાર અનિલ વ્યાસ સાઠ ઉપરાંતના લેખકોને સમાવતાં પાંચ વાર્તાસંગ્રહોને આધારે સરવૈયું રજૂ કરે છે. તેમાં તે દસેક કર્તાઓ અને તેમની નોંધપાત્ર કૃતિઓ  તપાસે છે. ત્યાર બાદ તેઓ બે નિરીક્ષણો આપે છે – ભારતના સર્જકો વિવેચકો દ્વારા ડાયાસ્પોરાની નવલિકાઓની ઉપેક્ષા અને વસાહતી સર્જકના કૌટુંબિક-સંઘર્ષને ચાતરીને થતું તેના લેખનનું મૂલ્યાંકન. વાર્તાકારો માટે તેમના બે રચનાત્મક સૂચનો છે : ‘Healthy વતનઝૂરાપો’ અને ‘વર્તમાન સાહિત્ય સાથેનો સંપર્ક’.

આત્મકથા સાહિત્ય પરના વક્તવ્યમાં વ્યવસાયે તબીબ કૃષ્ણકાન્ત બૂચ ત્રણ પુસ્તકોનો વાચનીય પરિચય આપે છે. ‘આલીપોરથી OBE-આપવીતી’ના લેખક ‘અદ્દભુત વ્યક્તિ અહમદ લુણાત ‘ગુલ’ છે. નવસારી જિલ્લાના અલિપોરથી 1963માં બ્રિટન આવેલા અહમદભાઈને સમાજસેવાના કામ માટે Order of the British Empire(OBE)થી સન્માનિત છે.

રમણભાઈ પટેલના પુસ્તક ‘મારા અબ્રામાનું મીઠું ઝરણું’ નામે છે. તેમણે વિલાયતમાં ગુજરાતી ભાષાના શિક્ષકની નોકરી ઉપરાંત ‘અનેક જ્ગ્યાએ ઠેબાં ખાધાં’ તેનું બયાન છે. ઊંચા ગજાની વ્યક્તિ’ દીપક બરડોલીકરની આત્મકથા બે ભાગમાં છે – ‘ઉછાળાં ખાય છે પાણી’ અને ‘સાંકળોનો સિતમ’. આ પુસ્તકોની વાત ‘ટૂંકાણમાં થઈ શકે તેમ નથી’ એમ કૃષ્ણકાન્તભાઈએ કહ્યું હોય તો પણ તેમણે લેખકના ઘટનાપૂર્ણ જીવનની પ્રતીતિજનક ઝલક તેઓ આપી શક્યા છે.

નાટકનાં સરવૈયામાં વ્યવસાયે ગ્રંથપાલ અને દુકાનદાર વ્યોમેશ જોશી ત્રણ તબક્કાની છણાવટ તે દરમિયાન થયેલાં નોંધપાત્ર નાટકોનાં મીતાક્ષરી સ્મરણો સાથે કરે છે. તે લખે છે : ‘પહેલો તબક્કો 1960-80, પછી બીજો 80-90 અને ત્રીજો 90 પછીની નવી સદી સુધીનો. ’પહેલા તબક્કાનો તખ્તો રમેશ પટેલે સ્થાપેલા ‘નવકલા કેન્દ્ર’ને કારણે વિકસ્યો.

તેના પછીના દોરમાં ‘બધાં  કૉમર્શિયલ નાટકો’ આવ્યાં. ત્યાર બાદ નટુ પટેલ ઉર્ફે ‘નટુભાઈ નાટકિયા’ ફેડરેશન ઑફ પાટીદાર’ અને મંચનકલાઓ માટે એન.સી. અકાદમી સ્થાપી, જેના નેજા હેઠળ ‘જુદાં જ સ્તરનાં નાટકો આવ્યાં’. નટુભાઈનાં સમજ, નિસબત અને મહેનતપૂર્વકના રંગકર્મ વ્યોમેશ વિશેષ આદરથી લખે છે. વ્યોમેશના મતે ‘એના પછીનો દોર’ થોડો થોડો મંદ થતો  જાય છે, અને પછી હવેનું તો તમે પેપરમાં વાંચતા જ હશો.’ વ્યાખ્યાનના રેકૉર્ડિંગમાં જે પ્રશ્નોત્તરી છે તે પણ સંપાદકે સમાવી છે.

શિક્ષિકા આશાબહેન બૂચ એટલે ‘ગુજરાતી ડાયસ્પોરિક સમાજનું એક વડેરું નામ’. તેમણે ‘પાંચ શ્રેણીના નિબંધો’નું સરવૈયું આપ્યું છે – ‘વિચારપ્રધાન નિબંધો, ચરિત્રચિત્રણ, પ્રવાસવર્ણનો, અહેવાલ અને માહિતીપ્રદ નિબંધો’. તેમણે જે પ્રમુખ નિબંધકારોના લેખનનો પરિચય આપ્યો છે તેમાં બળવંત નાયક, વિપુલ કલ્યાણી, અમૃત દેસાઈ, દીપક બારડોલીકર, વલ્લભ નાંઢા અને ઇમ્તિઆઝ પટેલનો સમાવેશ થાય છે. ‘ઓપિનિયનના અંકોની પટારી ખોલીએ તો અનેક નિબંધો હાથમાં આવે’ એમ કહીને આશાબહેને વિવિધ વિષય અને નિબંધકારોનો ઉલ્લેખ કર્યો છે.

‘અકાદમી દ્વારા ચાલેલાં ભાષાશિક્ષણ પ્રકલ્પ’ એ સંસ્થાનું અત્યંત મહત્ત્વનું પ્રદાન. તેના વિશે ‘વિલાયતમાંના એક ઉત્તમ ગુજરાતી શિક્ષક’ વિજયાબહેન ભંડેરીએ વાત કરી છે. તેમાં અકાદમીએ સાતત્યપૂર્વક હાથ ધરેલી અભ્યાસક્રમો, પાઠ્યપુસ્તકો પરીક્ષાઓ અને શિક્ષક તાલીમ શિબિરો અંગે રસપ્રદ માહિતી આપી છે.

‘ઉત્તર વિલાયતની ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ અને તેમની પ્રવૃત્તિઓ’ વિશેનું વક્તવ્ય વિલાયતના એક ઊંચેરા શહેરી’ અહમદભાઈ લુણત ‘ગુલ’ દ્વારા અપાયું. તેનો મુખ્ય હિસ્સો યૉર્કશાયરના બાટલી (Batley) નગરની સાહિત્યિક પ્રવૃત્તિઓનો 1971થી લઈને અત્યાર સુધીનો આલેખ આપે છે.

વ્યવસાયે ગ્રંથપાલ એવાં લેખક, અનુવાદક અને ગાયક ભદ્રાબહેન વડગામા બ્રિટનમાં ગુજરાતી સુગમ સંગીતના ચાર દાયકાની ઝાંખી આપે છે. સહુ પ્રથમ તેઓ ચંદુ મટાણીને ‘બ્રિટનના પુરુષોત્તમ ઉપાધ્યાય’ તરીકે બિરદાવીને શ્રુતિ આર્ટ્સ’ સંસ્થા થકી તેમણે કરેલી પ્રવૃત્તિઓને યાદ કરે છે. અકાદમીએ પણ મહત્ત્વના ફાળા તરીકે યોજેલા માતબર કલાકારોના કાર્યક્રમોનો તે ઉલ્લેખ કરે છે.

નવરાત્રીના ગરબા અને સંપ્રદાયોના સંત્સંગમાં ‘ભજનોની લ્હાણ’ને ભદ્રાબહેન ચૂકતાં નથી. ‘શિશુકુંજ’ અને અન્ય સંસ્થાઓનાં બાળગીતો, જૂથોના નેજા હેઠળની નૃત્યનાટિકાઓ અને ‘ખલીફા સંગીતકારો’નો સમાવેશ અહીં થયો છે.

વિપુલ કલ્યાણીના આવકાર લેખનો પહેલો અરધો હિસ્સો રણજિતરામ વાવાભાઈ મહેતા અને ભીખુ પારેખના અવતરણોથી વ્યાપેલો છે. ત્યાર બાદ તેઓ અકાદમીના ભાષાશિક્ષણ ઉપક્રમ વિશેની વાત ‘2002માં  અકદામીએ પરીક્ષાઓ સ્થગિત કરવી પડી’ એમ લખીને પૂરી કરે છે. જો કે તેઓ એમ પણ નોંધે છે આ ઉપક્રમમાં ‘અકાદમીનું સૂત્ર : ‘ગુજરાતી સાંભળીએ – ગુજરાતી બોલીએ – ગુજરાતી વાંચીએ – ગુજરાતી લખીએ – ગુજરાતી જીવીએ’ ધમધમતું રહ્યું.’

અતિથિ વિશેષ સ્થાનેથી અદમ ટંકારવી ડાયસ્પોરા સાહિત્યનો ટૂંકો ઓવરવ્યૂ આપે છે. અને અંતે નોંધે છે : ‘વિપુલભાઈએ જે ‘જોખાં’ કરવાની વાત કરી છે તે પ્રક્રિયા ક્યારેક  નિર્મમ  કે આત્મગ્લાનિ ઉપજાવનાર બની રહે, પણ આપણા સર્જનને સત્ત્વશીલ, પ્રાણવાન બનાવવા માટે તે અનિવાર્ય છે.’

વિપુલ કલ્યાણીનું ઉમાશંકર જોશી વિશ્વ ગુર્જરી અવૉર્ડ (2018) મળ્યા બદલ ચાળીસીના પરિસંવાદ દરમિયાન સન્માન કરવામાં આવ્યું. એના પ્રતિભાવ તરીકે તેમણે આપેલા પ્રવચન વાંચવા મળે છે .તેમણે એ મતલબની વાત કરી કે આ સન્માન તેમનું એકલાનું નહીં સંસ્થા સાથે જોડાયેલા સહુ કાર્યકરોનું પણ છે.

એકસો અઠ્ઠાવીસ પાનાંના પુસ્તકમાં એકવીસમા પાને આવતી અનુક્રમણિકામાં સોળ વક્તાઓ અને તેમના વિષયોનો ઉલ્લેખ છે, પણ પુસ્તકમાં વક્તવ્યો ચૌદ છે. દરેક વક્તાનો તસવીર સહિત સમુચિત પરિચય છે. જે બે વિષય પરના વક્તવ્યો નથી, તે વક્તાઓનો પણ યથાક્રમ પરિચય આપીને પછી સૌજન્યભરી સ્પષ્ટતા સાથેની સંપાદકીય નોંધ છે : ‘વિષયાન્તરને કારણે આ વક્તવ્ય લઈ શક્યાં નથી તેનો રંજ છે.’

કેતન રુપેરા

સંપાદકીય લેખ ‘ગુજરાતીતા – સમ અને સમાન ભૂમિકાએ’ સંપાદકની વસાહતી સાહિત્ય અંગેની વિભાવના રજૂ કરે છે. કોઈ સંપાદક પોતે જે પુસ્તક પર કામ કરે તેમાં કેવાં ઊંડા ઊતરી શકે છે તે આ લેખમાંથી દેખાય છે (કેતનભાઈને અમદાવાદમાં ઘણી વાર ‘યુ.કે.ની ટ્રૅડિશનલ ફ્લૅટ કૅપ’ પહેરેલા પણ જોયા છે, જે વિષય સાથે તાદાત્મ્ય સાધવા માટે હશે, એમ માનવાનું મન થાય).

વળી કેતને ગયા પાંચેક વર્ષમાં ડાયસ્પોરા સાહિત્યના પાંચ પુસ્તકોના સંશોધનપૂર્ણ સંપાદનથી લઈને પુસ્તક નિર્માણ સુધીની કામગીરી નિભાવી છે, અને આ સિદ્ધિ મેળવનાર સંભવત: તેઓ એકલા જ છે. દરેક વક્તવ્ય સાથે તેમણે ચોરસ અને ત્રિકોણાકારના બૉક્સેસમાં મૂકેલી સામગ્રી અને પાંચ પરિશિષ્ટો નોંધપાત્ર છે. 

પરિસંવાદની બેઠકોનાં સંચાલકો તરીકે નયનાબહેન પટેલ અને શૂચિબહેન ભટ્ટનાં વક્તવ્યો પણ પુસ્તકમાં સમાવાયાં છે. નયનાબહેને તેમની વાતના આખરે કહ્યું છે : ‘અહીં થોડાં કાળાં માથાં સિવાય વધારે સફેદ માથાં જ દેખાય છે. કાળાં માથાં વધારે લાવવા માટે અથાગ મહેનત અને પ્રયોગો કરવા પડશે.’ પણ પહેલાં એ કાળાં માથાંવાળાંએ શરૂ કરવા પડશે. બાકી ચાળીસીએ ધોળાં તો પરિપક્વતાની નિશાની ગણાઈ શકે.

‌‌‌‌‌‌‌—————————–

‘ચાળીસીએ ઓચ્છવ’, સંપાદક : કેતન રુપેરા પ્રકાશક : હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ, યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત ગુજરાતી સહિત્ય અકાદમી, પહેલી આવૃત્તિ – 2023; રૂ. 200, £ 5 (UK) 

મુખ્ય વિક્રેતા : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ માર્ગ, અમદાવાદ 

સંપર્ક : 79-26587949, 9879762263

31 ડિસેમ્બર 2023 
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 31 ડિસેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

31 December 2023 Vipool Kalyani
← રાષ્ટૃની રચના રાજકીય માર્ગે નહીં પણ આધ્યાત્મિક માર્ગે થાય છે
ટૅક ટ્રેન્ડ્ઝ 2023થી 2024 : ડિજીટલ સેવાઓની સરળતા સાથે છેતરપીંડીની શક્યતાઓ અનિવાર્ય અનિષ્ટ →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved