
રવીન્દ્ર પારેખ
‘એમાં, આપણે શું ?’- ક્યારેક ને ક્યારેક, કોઈક ને કોઈક આ સવાલ પૂછતું રહે છે. આમ તો આ સવાલમાં બેફિકરાઈ અને સ્વાર્થ છે. એ સૂચવે છે કે પ્રજા તરીકે આપણે બહુ મતલબી છીએ. કોઈ પણ રાજ કરે, એમાં આપણે શું? અદાણી, અમીરીમાં 34માં સ્થાને ઊતરી આવે, એમાં આપણે શું? સિસોદિયાએ રાજીનામું આપ્યું, એમાં આપણે શું? રાંધણ ગેસ ઘરમાં 50 રૂપિયા મોંઘો થઈ ગયો ને કોમર્શિયલ ગેસ 350 રૂપિયા મોંઘો થયો. ટૂંકમાં, એક વર્ષમાં ગેસનો બાટલો 203 રૂપિયા મોંઘો થયો, પણ બધા ભાવ જાણે કોઠે પડી ગયા છે. એવું નથી કે ગેસનો કોમર્શિયલનો વધારો સાધારણ માણસને નડવાનો નથી, પણ આપણો જવાબ, ‘એમાં આપણે શું?’- કે ‘એમાં આપણે શું કરી શકીએ?’થી આગળ જતો નથી. યુક્રેન ખતમ થઈ ગયું છે, પણ યુદ્ધ ખતમ થયું નથી, એમાં આપણે શું? બોર્ડની પરીક્ષામાં ચોરી પકડવા તંત્રો સજાગ થઈ ગયાં છે, એમાં આપણે શું? કૂતરાંઓને રાજ્યમાં કરડ-વા લાગ્યો છે ને છેલ્લાં ચાર વર્ષમાં 12.49 લાખ લોકોને કૂતરાંઓ ગુજરાતમાં જ કરડ્યાં છે … કરડે, એમાં આપણે શું? આપણને કરડે ત્યારે જોઈશું. ખરેખર તો કૂતરાંઓએ ઉપકાર માનવો જોઈએ કે માણસો, હજી માણસોને જ કરડે છે, એણે હજી એકાદ કૂતરાને બચકું ભર્યું નથી, જે દિવસે માણસ, કૂતરાને કરડશે ને, ત્યારે એને માણસ-વા એવો વળગશે કે પાણી માંગવા ય નહીં રોકાય.
આજના જ સમાચાર છે કે 472 કિલો કાંદા વેચીને ખેડૂતો ‘કાંદા’ કમાયા. નફો તો ઘેર ગયો, 131 રૂપિયા ભરવાના થયા. જો કે, સરકારે ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે અંગેનો વાયદો કરેલો, પણ 131ની ખોટ ખાવાની થઈ. એમાં થયું એવું કે સરકાર કૈં વિચારે તે કરતાં ખોટ વહેલી આવી ગઈ. આમ તો ખેડૂત 2 રૂપિયે કિલો કાંદા વેચે છે, પણ ત્યાંથી ગ્રાહક સુધી પહોંચતામાં ભાવ 12 રૂપિયા થઈ જાય છે. બધા જ પોતાનો નફો ચડાવે છે, પણ ખેડૂતને પૂરી કિંમત મળતી નથી ને ગ્રાહક સુધી પહોંચતામાં તેને 10 રૂપિયા, કિલોએ વધારે કાઢવાના આવે છે. એવું જ દૂધનું, અન્ય શાકભાજીનું ને અનાજનું છે. આ જ કાંદા 150 રૂપિયે કિલો પણ વેચાયા છે ને આજે ખેડૂતને કાંદાની પડતર કિંમત તો ઠીક, 131ની ખોટ ખાવી પડે એ સ્થિતિ છે. નફો તો ‘વચ્ચે’ જ રહે છે ને ખોટમાં ઉત્પાદક અને ગ્રાહક રહે છે. સરકારને પણ કમાણી તો થાય જ છે, ફેબ્રુઆરીનો જ દાખલો લઇએ તો ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી.) સરકારને 12 ટકા વધુ મળ્યો છે ને તેનું ફેબ્રુઆરીનું કલેક્શન 1.49 લાખ કરોડ થયું છે. કમાલ એ છે કે આમાં બધાં જ કમાય છે. ખોટમાં માત્ર ઉત્પાદક અને ગ્રાહક છે. પણ, આપણો મૂળભૂત જવાબ એ છે કે- એમાં આપણે શું કરી શકીએ? આપણે કરી શકીએ, પણ કોઈક કારણે આપણે કરવા માંગતા નથી.
ગુજરાતની દરેક શાળામાં ધોરણ એકથી આઠમાં ગુજરાતી ફરજિયાત કરાયું. જે સ્કૂલો ગુજરાતી નહીં ભણાવે એને દંડ થશે ને માન્યતા રદ્દ થશે એવો ખરડો વિધાનસભામાં પસાર થયો. ગુજરાતમાં, ગુજરાતી ભણાવવા કાયદો કરવો પડે એ જ સૂચવે છે કે પ્રજા ગુજરાતીને કેટલું ચાહે છે ! એ સાથે જ મેડિકલના વિદ્યાર્થીઓને બી.પી. માપતાં પણ નથી આવડતું એવી વાત પણ છે. હોય. એ ડૉક્ટર છે, કૈં નર્સ થોડો છે કે બી.પી. માપે? ટૂંકમાં, સ્થિતિ એવી છે કે દવાખાને જાય, તો માણસ વધારે માંદો પડે.
છેતરપિંડી, દુષ્કર્મ, છેડતી, આપઘાત, હત્યાના કિસ્સા રોજ જ પ્રકાશમાં આવતા હોય, તેની આકરી સજા પણ ફટકારાતી હોય, પણ સાધારણ માણસોને એ બહુ સ્પર્શતું નથી. બીજું બધું જવા દઇએ, તો પણ તેમને વધતી મોંઘવારી પણ સ્પર્શતી નથી, તે તો ‘હોય, આવું પણ હોય’, કે ‘એમાં આપણે શું કરી શકીએ? એ તો એવું જ ચાલવાનું’, બોલીને રહી જાય છે. આટલી નિસ્પૃહી ને હાથ ખંખેરી દેનારી પ્રજા બીજે જડવી મુશ્કેલ છે.
બીજી તરફ સરકાર, યુક્રેન-રશિયા યુદ્ધ રોકવા, મધ્યસ્થી કરવા તૈયાર છે – જેવું જાહેર કરે છે ને વિશ્વમાં વધી રહેલી શાખનો પુરાવો આપે છે. કોઈ બજેટ પ્રસ્તુત થાય છે તે રાજ્યને કે કેન્દ્રને તો પ્રજાહિત કરનારું જ લાગે છે, ત્યારે પ્રશ્ન થાય કે બજેટથી મોંઘવારીના જ સંકેત મળતાં હોય તો તેમાં પ્રજાનું કયું હિત સચવાય છે? રાજ્યપાલ પણ કહે છે કે 20 વર્ષમાં ગુજરાતે સર્વાધિક વિકાસ કર્યો છે, ત્યારે એ વિકાસમાં સાધારણ પ્રજા ક્યાંક છે કે કેમ એ પૂછવાનું મન થાય છે. પ્રશ્ન એ પણ છે કે આ કહેવાતો વિકાસ છે કોને માટે? એનાથી વિકસે છે તે કોણ છે? એમાં આ દેશની જ સાધારણ પ્રજા છે કે એનો લાભ બીજા જ લે છે? એ સાચું કે વિદેશમાં ભારતની વાહવાહી થઈ રહી છે, તે એ હદે કે પાકિસ્તાનની પ્રજા પણ ભારતના વડા પ્રધાનને ઈચ્છે છે, ભાષણ કરવા ભારતીય વડા પ્રધાનને બોલાવો – એવું પણ વિદેશમાં સૂચવાય છે. એટલે ભારતની છબી વિશ્વમાં તો ઊજળી થઈ જ છે એમાં શંકા નથી, પણ અહીંની પરિસ્થિતિનો સામનો તો અહીંની પ્રજા જ કરે છે એ પણ ખરું.
એ સાચું કે વિશ્વ આખામાં મોંઘવારી છે, પણ તેની તુલના ભારત સાથે કરવી યોગ્ય નહીં ઠરે. મોંઘવારી વધે છે, તે સાથે જ ગરીબી પણ વધે છે. એક તરફ સરકાર દાવો કરે છે કે ભારતની અર્થ વ્યવસ્થા ઝડપથી વધતી અર્થ વ્યવસ્થા છે. એ સાચું છે તો પ્રશ્ન એ થાય કે 81 કરોડ લોકોને વધુ એક વર્ષ મફત અનાજ આપવાની યોજના લંબાવવી કેમ પડી? સરકારે વધુ એક વર્ષ કરોડો લોકોને અનાજ મફત આપવું પડે એનો અર્થ એ થાય કે હજી એવા કરોડો લોકો છે જેમની અનાજ ખરીદવાની ક્ષમતા નથી. બીજા દેશોની તુલનામાં ભારતની મોંઘવારી ઓછી છે એવું સરકાર કહે છે, પણ મજૂરોનું વેતન ભારતમાં મોંઘવારી સાથે જોડાયેલું નથી, જ્યારે અમેરિકા જેવામાં મજૂરોનું વેતન મોંઘવારી સાથે જોડાયેલું છે. એટલે કે મોંઘવારી વધે તો તે પ્રમાણે વેતન પણ વધે. એવું ભારતમાં નથી એટલે બીજા દેશ કરતાં ભારતમાં મોંઘવારી ઓછી છે એ વાત ગળે ઊતરે એવી નથી.
ફુગાવાનો દર ઓછો થઈ રહ્યો છે એનો અર્થ એવો નથી કે કિંમત ઘટી છે. દાખલા તરીકે 100 રૂપિયાની વસ્તુ 110 સુધી વધીને 5 ટકા ઘટી હોય તો લાગે એવું કે 105નો ભાવ થયો છે, પણ સરવાળે એ વસ્તુ 115માં પડે એમ બને. તેનું કારણ એ છે કે મોંઘવારી વધે છે તેમ તેમ વ્યક્તિની ખરીદ શક્તિ ઘટે છે. એટલે કે ભાવ વધે તો વસ્તુ ઘરમાં ઓછી આવે. 20ના ભાવના 5 સફરજન આવતાં હોય, તે 25નો ભાવ થતા 4 આવશે ને પછી ભાવ ઘટીને 24 થશે તો પણ તે 25 કરતાં 1 રૂપિયો ઓછો થશે, પણ પેલા 20 કરતાં તો ચાર વધારે જ છે. એક વાત સ્પષ્ટ છે કે મોંઘવારી વધે તેનાં પ્રમાણમાં વેતન વધતું નથી ને જેમને મજૂરી મળે છે એમનું તો વધતું જ નથી. એટલે જીવન ધોરણ તો નીચું જ જાય છે તે સમજી લેવાનું રહે.
આ બધું જ સામાન્ય પ્રજાને પ્રભાવિત કરે છે, પણ કોણ જાણે કેમ પ્રજા મૂઢની જેમ વર્તતી જણાય છે. તે એટલી મૂઢ લાગે છે કે મોંઘવારી વાગે છે, પણ કોઈ અસર ન હોય તેમ ‘એમાં, આપણે શું?’ની જેમ તે બેફિકરાઈથી વર્તે છે. પ્રજા ભક્ત હોય તો પણ તેને પેટ્રોલ મોંઘું તો લાગે જ છે ને જો મફતથી તેનો કારભાર ન ચાલતો હોય તો, તે મોંઘવારીથી પ્રભાવિત ન થાય એવું તો બને નહીં, છતાં પ્રજા ચૂપ છે. વિરોધીઓની પણ એવી કોઈ પ્રતિક્રિયા નથી કે તેમનો અવાજ ધ્યાને ચડે. એ રીતે જોતાં લાગે છે કે પ્રજા તરીકે આપણને બહુ યોગ્ય સરકાર મળી છે. આપણે આ સરકારને લાયક છીએ એવું વગર જોયે પણ દેખાય છે. સરકારની ભક્તિ કરીએ કે તેને ગાળ દઇએ, પણ, આપણને પ્રજા તરીકેનું કોઈ ગૌરવ કે સ્વમાન નથી એમ લાગે છે. મોટે ભાગની પ્રજા તો અભણ, નિર્ધન અને નિર્માલ્ય જ છે. એને તો માથે કોઈ પણ હોય, બહુ ફેર પડતો નથી. એ પ્રજા પહેલાં માંગીને ખાતી હતી, તે હવે મફતનું ખાય છે ને ઓશિયાળી હોય તેમ ખૂણે પડીને હાંફે છે. જે સૌથી વધુ પીડાય છે તે સાધારણ માણસ ! એ એવો તટસ્થ થઈ ગયો છે કે જે કૈં વીતે છે તે કોઈ બીજાને વીતતું હોય તેમ એ પોતાને દૂર રાખીને જુએ છે. વારુ, જે ‘બનાવવા’માં માને છે તે તો સરકારને ને સ્વજનોને ય બનાવે જ છે. અત્યારની ચૂપકીદી કદાચ ઘણાંને બનાવવામાં જ ખર્ચાઈ રહી છે.
સચ્ચાઈ, અચ્છાઈ લગભગ આઉટડેટેડ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 માર્ચ 2023