અવસર : ઉમાશંકર જયંતીની ઉજવણી
કાવ્યગાન અને કાવ્યપઠનના અતિ વચ્ચે એક મૂલગ્રાહી સંશોધક અને એથીયે વિશેષ તો જાહેર જીવન અને સામાજિક નિસબતના જે જણ, એનાં ધોરણસરનાં ઓસાણ ક્યાં ને કેટલાને

પ્રકાશ ન. શાહ
માનો કે અતિવ્યાપ્રિત લાગે, પણ નાનાલાલ પછી એક ઉમાશંકર આવ્યા જેમણે કવિ તરીકે ગુજરાતના ચિત્ત પર એક અસર જગવી અને પડને જાગતું રાખ્યું. બંને મોટ્ટા કવિ અને બલ્લુકાકાની કસોટીએ પોતપોતાની ઇતિહાસદૃષ્ટિ ધરાવતી પ્રતિભાઓ. બહુ સરસ કહ્યું હતું એકવાર બ.ક.ઠા.એ કે, ઉમાશંકર હવે ઇત્યાદિ પ્રકારના કવિઓ પૈકી નથી.
મુંબઈ-ગુજરાતમાં આ છેડેથી પેલે છેડે કેટકેટલે ઠેકાણે, ખાસ તો વિદ્યાસંસ્થાઓમાં, હમણેથી ઉમાશંકર જયંતી ઉજવવાનો ચાલ કંઈક વેગે વરતાય છે. અખબારોમાં એનું બિંબ ઝિલાય, ન ઝિલાય, પણ હાલ હાથવગા સોશિયલ મીડિયા પરની લગરિક લટારથીયે એના વ્યાપનો અંદાજ જરૂર આવે છે. પણ આ ઉજવાતાગવાતા ઉમાશંકર રિયા છે?
‘ભોમિયા વિના’ના કવિ હશે કે પછી વધીવધીને વિશાળે જગવિસ્તારે એકલો માનવી નથી એવું દાયકાઓ પૂર્વ કવનાર પર્યાવરણપટુ કવિ હશે. ભલું હશે તો કોઈક ક્યાંક યાદ પણ કરશે કે કાકાસાહેબે એમને માટે એ મતલબનું કહેલું કે, તું કવિ છો, પણ તારો પિંડ વિચારકનો છે. પણ કાવ્યગાન ને કાવ્યપઠનના ‘અતિ’માં – હા, ‘અતિ’માં – એક મૂલગામી તો જાહેર જીવન અને સામાજિક નિસબતના જણ, એનાં ધોરણસરનાં ઓસાણ ક્યાં ને કેટલાને.

ઉમાશંકર જોશી
હમણેનાં વરસોમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ જરા વધુ જ જોસ્સાથી ઉમાશંકર જયંતી મનાવે છે ત્યારે કંઈક વિલક્ષણ રીતે ઉપેક્ષિત ઉમાશંકરનું ચિત્ર આપણી સામે આવે છે. એમણે સરકારી અકાદમીનું સન્માન લેવાની ના પાડી હતી અને દેશની અકાદમીના ચૂંટાયેલા પ્રમુખ પોતે રહ્યા છે, એ એક માર્ગદર્શક વિગત નમૂના દાખલ ટાંકીને સ્વાયત્ત અકાદમીનો સંદેશ આપ્યો હતો. પછીનાં વરસોમાં દર્શકના યોજકત્વમાં સ્વાયત્ત અકાદમી શક્ય બની, અને અન્ય રાજ્યોમાં ત્યારે કે અત્યારે નહીં એવું નવું ને નરવું ગુજરાત મોડેલ એણે પૂરું પાડ્યું; પણ આજે અકાદમી ચૂંટણી વગરની રચનાઓથી નકરી સરકારગ્રસ્ત બની ગઈ છે અને સંબંધિત સૌ ગયેલી સ્વાયત્તતાના ખટકા વગર મોટે મોટે ઉમાશંકર-ઉજવણાં કરે છે. (ડોલરરાય માંકડે એક વાર આબાદ સંભાર્યું હતું. ઋગ્વેદના વસિષ્ઠ સૂક્તને કે, વર્ષાકાળે ડ્રાંઉં ડ્રાંઉં કરતાં દેડકાં પેઠે દક્ષિણાકાળે ઋષિઓ મંત્રોચ્ચાર કરવા લાગે છે.)
આ માહોલમાં એક આછુંપાતળું પણ હૈયાધારણ અને અંશ પણ આશાકિરણ, ઉમાશંકર જોશી ગુજરાત અધ્યયન કેન્દ્રની પ્રવૃત્તિઓના પ્રારંભનું છે. હમણેની બેઠકમાં એક રાઠવા શોધ છાત્રાએ પોતાની વાત મૂકી તે એલિટ ગુજરાતને બહુજન ગુજરાત સાથે મુખોમુખ મૂકી આપતો પ્રસન્નકર અનુભવ હતો. રજની કોઠારીના માર્ગદર્શક સહયોગમાં અચ્યુત યાજ્ઞિકે ‘સેતુ’ મારફતે ઉપાડેલા કામ પછી આ બીજું એક મોટું પ્રસ્થાન છે, જે આશા જગવે છે અને સરકારી ગુજરાતના ઉપેક્ષિત ઉમાશંકરને ન્યાય બલકે અર્ધ્ય આપી શકે. દલિત મિત્રો સાથે અહીં ચાલેલી અભ્યાસ આપલે તો ઘનશ્યામ શાહ, કાનજી પટેલ, સરૂપ ધ્રુવ, ઇંદિરા હિરવે, સરખાં અભ્યાસીઓની સક્રિય સંડોવણી પથ્ય છે, અને પાથેય પણ છે. ઉમાશંકર શતાબ્દીની ગેરસરકારી ઉજવણી વખતે ચંદુ મહેરિયા, મનીષી જાની, સ્વાતિ જોશીના સંપાદનમાં તૈયાર થયેલા અનુત્તમ ગ્રંથ ‘ઉમાશંકર જોશીની વિચારયાત્રા’ વાંચતા જે અપેક્ષાઓ જાગી હતી એના અનુસંધાનમાં આ કેન્દ્ર અવશ્ય એક આવકાર્ય પ્રસ્થાન છે.
સ્વાતંત્ર્યના મુદ્દે ઉમાશંકરે ભરકટોકટીએ રાજ્યસભામાં કરેલ ઊહાપોહ આ અરસામાં સ્વાભાવિક જ સવિશેષ યાદ આવે છે. પણ તે સાથે, કદાચ અધોરેખિતપણે સંભારવા જેવો વિગતમુદ્દો એ છે કે, રાજ્યસભામાં નિયુક્ત થયા પછીનું એમનું પ્રથમ પ્રવચન ‘હરિજનો અને ગિરિજનો’ની સમસ્યા પરનું હતું. રાજકીય કટોકટી (ઇમરજન્સી) તો બરોબર પણ આપણા હાડમાં પેંધેલી ગેરબરાબરી, એ જે કટોકટી (ક્રાઇસિસ) છે એનું શું.
જેની હમણાં જિકર કરી તે અધ્યયન કેન્દ્ર આ ચિંતામાં ઊભું થઈ રહ્યું છે, તે જ તેના પહેલકારોનો આપણા કવિને અંજલિ આપવાનો અધિકાર સૂચવે છે … આ ઉપક્રમનું અભિવાદન!
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 23 જુલાઈ 2025