Opinion Magazine
Number of visits: 9483899
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એકોક્તિ: હું, કનૈયાલાલ મુનશી

લેખન : દીપક મહેતા|Opinion - Opinion|30 December 2018

ભારતીય સાહિત્યના અગ્રણી સર્જક કનૈયાલાલ મુનશીનો જન્મ ૧૮૮૭ના ડિસેમ્બરની ૩૦મી તારીખે. આજે તેમની જન્મ જયંતી નિમિત્તે મુનશીના જીવન અને લેખનનો આછો ખ્યાલ તેમની પોતાની એકોક્તિ રૂપે આપવાનો પ્રયત્ન કર્યો છે.

હું છું મુનશી. કનૈયાલાલ માણેકલાલ મુનશી. આયુષ્યને અડધે રસ્તે ઊભા રહીને આત્મકથા લખી ત્યારે કોદાળી ને પાવડો હાથમાં લઈને ઊભો હતો તેમ જ આયુષ્યના અંત પછી ફરી એક વાર ઊભો છું. પણ આજે એક ફાયદો છે: આયુષ્યના અનુભવો કે અનુભવોનું આયુષ્ય આજે તો બેતાલીસ વર્ષ પાછળ છૂટી ગયાં છે. એટલે આજે કોદાળી ને પાવડો વધુ નિર્મમ બનીને ચલાવી શકાશે. શું ઉપાડું? શું ખોળું? શું ફેંકી દઉં? શું શું સંઘરું?

હું પાવડો લઉં છું, જોરથી પકડું છું, ઊંચો કરું છું, સહુથી ઉપર છે ‘બાપાજી’, ‘પપ્પાજી.’ માત્ર કુટુંબનો જ નહીં, ભવનના વિશાળ પરિવારનો પણ ‘બાપાજી’ કે ‘પપ્પાજી.’ મને યાદ છે, ૧૯૬૫ની સાલ હતી. ત્યારે ‘જનશક્તિ’ નામનું એક છાપું મુંબઈથી નીકળતું. તેમાં ‘વિદ્યાર્થી વિશ્વ’ નામની કોલમ આવતી. મારી ભવન્સ કોલેજના બધા વિદ્યાર્થીઓ મને ‘પપ્પાજી’ કહી બોલાવતા એની તેમાં ટીકા કરી એક નવા પત્રકારે. બીજે દિવસે તે મને મળવા આવ્યો અને કહે: ‘મારું નામ સુધીર માંકડ. તમને એક સવાલ પૂછવા આવ્યો છું.’ ‘શું?’ ‘તમને બધાં ‘પપ્પાજી’ કહે છે તે ખરેખર પૂજ્યભાવથી, કે પછી …’ મેં તેને અધવચ્ચેથી રોકીને કહ્યું: ‘આ તો ગાડરિયો પ્રવાહ છે એની મને ખબર છે.’ એટલે પાવડાને એક સપાટે પહેલાં તો દૂર ફેંકુ છું એ ‘બાપાજી’ કે ‘પપ્પાજી’ને.

તેની નીચે જડે છે સ્વતંત્ર પાર્ટીનો ઉપપ્રમુખ. સામ્યવાદી વલણ ધરાવતી કોન્ગ્રેસનો વિરોધ કરવા અને દેશમાં સાચી સ્વતંત્રતા લાવવા ભારતીય રાજકારણના ભીષ્મપિતામહ રાજાજી સાથે મળીને અમે એ નવો પક્ષ સ્થાપેલો. મેં આ દુનિયામાંથી વિદાય લીધી તે પછી ત્રણેક વર્ષે એ પાર્ટી પણ ભૂંસાઈ ગઈ. એના ઉપપ્રમુખનું નામ પણ છો ભૂસાઈ જતું. હા, અમે એ પાર્ટી દ્વારા નેહરુના સમાજવાદી સમાજરચનાના ધ્યેયનો વિરોધ કરેલો. પણ નેહરુ માટે અંગત રીતે તો મને માન જ હતું. અરે, હા. જવાહરલાલનું નામ આવ્યું તે પરથી એક વાત યાદ આવે છે. ૧૯૪૮ના જાન્યુઆરીની ત્રીસમી તારીખની એ ગોઝારી સાંજ. ગાંધીજીના અંતિમ સંસ્કાર કરવા માટે યોગ્ય જગ્યા શોધીને નક્કી કરવાની કપરી જવાબદારી જવાહરલાલ અને સરદારે મને અને હરુભાઈને, એચ.એમ. પટેલને, સોંપી. મોટરમાં અને પગપાળા, અમે જમના નદીને કિનારે ફરી વળ્યા. અગ્નિસંસ્કાર તો સ્મશાનભૂમિમાં જ થવા જોઈએ એવો કેટલાક સ્થાનિક નેતાઓનો આગ્રહ હતો. પણ તેમ કરવામાં રહેલી મુશ્કેલીઓ અમે તેમને સમજાવી. રાષ્ટ્રપિતાની સમાધિ કેવી હોવી જોઈએ, ભવિષ્યમાં એ સ્થળ કેવું પવિત્ર તીર્થધામ બની રહેશે તેનું કાલ્પનિક ચિત્ર મેં રજૂ કર્યું. છતાં કેટલાક લોકોએ જવાહરલાલ પાસે જઈ વિરોધ નોંધાવ્યો. વહેલે પરોઢિયે નેહરુ અને સરદાર એ જગ્યા જોવા ગયા. ઝાઝા ખુલાસાની જરૂર ન પડી. બંનેએ સંમતિની મહોર મારી દીધી. આ એ જ જગ્યા જે પછીથી ‘રાજઘાટ’ તરીકે ઓળખાઈ છે. પણ આજે તો એ રાજઘાટ ઉપવાસના ને વિરોધના છાશવારે થતા તમાશાનું થાનક બની ગયું છે. એટલે પાવડાને સપાટે ભલે ફેંકાઇ જતો એ ‘આઈ ફોલો ધ મહાત્મા’ કહેનારો મુનશી. અને એની આગળ-પાછળ ઓ જાય પેલા ઉત્તર પ્રદેશના ગવર્નર મુનશી, ને પેલા સેન્ટ્રલ ગવર્મેન્ટના ઓનરેબલ મિનિસ્ટર ઓફ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર કે.એમ. મુનશી.

આઝાદી મળતાંની સાથે દેશની સામે એક પછી એક મુશ્કેલીઓ ઊભી થવા લાગેલી. તેમાંની એક તે હૈદરાબાદની. નેહરુ અને સરદારે મને ભારત સરકારના એજન્ટ તરીકે હૈદરાબાદ મોકલ્યો. વાટાઘાટો નિષ્ફળ ગઈ એટલે ‘પોલીસ એક્શન’ લેવાનું નક્કી થયું. મારે માટે જીવન-મરણનો સવાલ ઊભો થયો. નિઝામનો દિવાન લાયકઅલી મારા પર છંછેડાયો હતો. એક દિવસ અમે બંને બારી પાસે બેઠા હતા અને તેણે મને કહ્યું: ‘તમને તો ઊંચકીને આ બારીમાંથી બહાર ફેંકી દેવા જોઈએ.’ મેં કહ્યું: ‘એ કામ અત્યારે જ પતાવો. ફરી તમને આવો લ્હાવો નહીં મળે.’ ત્યારે એણે તો મને ન ફેંક્યો, પણ આજે કોદાળીના એક ઘાએ હું જ ફેંકુ છું આઘો ભારત સરકારના એ એજન્ટ જનરલને.

કઈ સાલ હતી એ? હા, યાદ આવ્યું, ૧૯૩૭. આઝાદી પહેલાંના એ દિવસો. મુંબઈ રાજ્યમાં પહેલી વાર કોંગ્રેસની સરકાર બની. ત્યારે હજી મિનિસ્ટરને મંત્રી નહોતા કહેતા, પ્રધાન કહેતા હતા. એ સરકારમાં ગૃહ ખાતાનો પ્રધાન હતો કે.એમ. મુનશી. એ વખતે બોમ્બે હાઈકોર્ટ અને સરકારના ગૃહ ખાતા વચ્ચેના સંબંધો ઘણા તંગ હતા. ૧૯૩૮માં મુંબઈમાં ભયંકર કોમી રમખાણો થયાં. મેં કેટલાંક અખબારોને કોમવાર હત્યાઓના આંકડા અને સમાચાર છાપવા સામે ચેતવણી આપી. આજે તો હવે કોઈ કોમનું નામ પણ છાપી શકાતું નથી. પણ એ વખતે ત્રણ-ચાર અખબારોએ અમારી ચેતવણીનો અમલ ન કર્યો. એટલે મેં ફોજદારી ધારાની ૧૧૪મી કલમ હેઠળ રમખાણના અહેવાલોની આગોતરી ચકાસણી કરવાને લગતો હુકમ કઢાવ્યો. એનો હેતુ સર્યા પછી ત્રણ-ચાર દિવસમાં એ હુકમ પાછો ખેંચી લીધેલો. પણ એક અખબારે એ હુકમ સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી. અદાલતે સરકારની વિરુદ્ધ ચુકાદો આપ્યો. થોડા દિવસ પછી હું મુખ્ય ન્યાયમૂર્તિ જોહન બોમન્ટને મળ્યો. તેમણે વિજેતાની અદાથી કહ્યું: ‘મિસ્ટર મુનશી, તમારા હુકમને મેં ગેરકાયદે જાહેર કર્યો.’ મેં મક્કમતાથી કહ્યું: ‘જો ફરી રમખાણો થશે અને મને જરૂર લાગશે તો હું ફરી એવો જ હુકમ બહાર પાડીશ. મારી ફરજ કાયદો અને વ્યવસ્થા સ્થાપવાની છે. જો વ્યવસ્થા સ્થપાય તો જ તમે તમારી ફરજ બજાવી શકશો.’ જો કે આજના ઘણા પ્રધાનો, ભૂલ્યો, મંત્રીઓ, તો તેમની ફરજ અવ્યવસ્થા સ્થાપવાની હોય એ રીતે વર્તે છે. ન્યાયાધીશે મારો હુકમ ઉડાવી દીધેલો એમ કોદાળીના ઘા વડે ભલે ઊડી જતો ગવર્નમેન્ટ ઓફ બોમ્બેનો એ ઓનરેબલ મિનિસ્ટર મુનશી.

આજે પણ એ તારીખ મને યાદ છે. ૧૯૧૫ના માર્ચની ૧૨મી તારીખ. માથેરાનથી મુંબઈ ગયો ત્યારે પહેલી વાર સેકંડ ક્લાસમાં મુસાફરી કરેલી. કેમ ન કરું? એડવોકેટની પરીક્ષામાં પહેલી જ ટ્રાયલે પાસ થયેલો. માર્ચની ૧૫મીએ સવારે સાડા અગિયાર વાગ્યે કોઈનો કાળો ઝબ્બો ને કોઈના સફેદ ‘બેન્ડર્સ’ પહેરી ન્યાયમૂર્તિ બીમન સાથે હાથ મેળવી એ.ઓ.સી. — એડવોકેટ, ઓરિજિનલ સાઈડ, બન્યો. પણ કામ મળે નહીં. એ વખતના પ્રખ્યાત વકીલ ભુલાભાઈ દેસાઈની ચેમ્બરમાં રોજ જાઉં. એક ખૂણામાં બેસી રહું. રોજ જવાને વખતે તેમની નજર મારા પર પડે. કહે: ‘મુનશી, એમ કરો, કાલે મળો.’ પહેલી વાર થાણાની કોર્ટમાં કેસ ચલાવ્યો. ગભરાટના માર્યા બોલતાં જીભના લોચા વળ્યા. હું હતાશ થઈ બેસી ગયો. પણ પછી તરત ફરી ઊભા થઈ જજને કહ્યું: ‘નામદાર, મને મારી દલીલો ફરી રજૂ કરવાની એક તક આપો.’ અને એ જજે તક આપી. પછી તો એક વિશુદ્ધ બ્રાહ્મણને રૌરવ નરકનો અધિકારી બનાવે એટલી આવક થવા લાગી. કોદાળીના એક ઘાએ ભલે હવામાં ઊડે એ એડવોકેટ મુનશી.

પણ હજી ખોદવાનું બાકી છે. ૧૯૦૭નો જૂન મહિનો. એલ.એલ.બી.નો અભ્યાસ કરવા મુંબઈ આવ્યો. કેટલાક વિવેચકો કહે છે કે મારી પહેલી નવલકથા ‘વેરની વસૂલાત’ પર ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર’ની ઘણી અસર છે. પણ મારા જીવન પર પણ તેની અસર છે એ કોઈના ધ્યાનમાં આવ્યું છે? સરસ્વતીચંદ્રે ગૃહત્યાગ કર્યો ત્યારે તેની ખાલી ઘોડાગાડી મુંબઈના ચર્ની રોડ સ્ટેશન પાસેથી મળી આવેલી. એ જ ચર્ની રોડ સ્ટેશન પર સવારના પહોરમાં ઊતરી, મજૂરને માથે પેટી ચડાવી, હું પગે ચાલતો મારા સાવકા નાના મામાઓને ત્યાં પહોંચેલો. સ્ટેશનની બહાર ઘોડાગાડીઓ તો ઘણી ઊભેલી, પણ ખિસ્સામાં ભાડાના પૈસા ક્યાં હતા? પણ હવે તો એને પણ ઉડાડવો પડશે, કોદાળીના એક ઘાએ. અને ઓ જાય, પેલો બરોડા કોલેજના પ્રોફેસર અરવિંદ ઘોષનો માનીતો વિદ્યાર્થી મુનશી.  એનાથી થોડા વખત પહેલાંની વાત. મેટ્રિકની પરીક્ષા આપવા હું ગભરાતો ગભરાતો અમદાવાદ ગયેલો. પરીક્ષામાં નિબંધ લખવાનો આવ્યો: ‘માય ફેવરિટ પાસ્ટટાઈમ’. નહોતી મને ક્રિકેટ આવડતી, નહોતો ફૂટબોલ આવડતો, અરે, પતંગ ચગાવતાં ય ન આવડે. એટલે ખરું હતું તે લખ્યું: ‘રીડિંગ નોવેલ્સ.’ અને ભાર્ગવ છોકરાઓની ઉજ્જવળ પરંપરા તોડી હું મેટ્રિકમાં પહેલી ટ્રાયલે પાસ થયો. પણ આજે તો ભલે ઊડી જતું એ મેટ્રિકનું સર્ટિફિકેટ અને એમાંનો મુનશી.

ચારે તરફ ધૂળ ઊડે છે. ઢગ નાનો થતો જાય છે. હું પરસેવો લૂછું છું ને કોદાળી ટેકવીને મારાં પરાક્રમ જોઉં છું. ઢગને તળિયે સાત વર્ષનો છોકરો દેખાય છે. કેડે સાંકળી, હાથે સોનાની કલ્લી, કાને મોતીની કડી. દુબળો, ગંભીર, ને લાડકો. સુરતમાં, મોટા મંદિરના ઘરના ચોકમાં ધનુષ્ય-બાણે રમતો એ કનુભાઈ. હા, જડ્યો, એ કનુભાઈ આખરે પકડાયો. હું કનુભાઈ ન હોત તો બીજું શું હોત! કંઈ જ નહીં. આ સત્ય છે, હા, મારું સત્ય.’ લોપામુદ્રા’ના વિશ્વરથના શબ્દો આજે ય મારા કાનમાં ગુંજે છે: ‘મારું સત્ય એ મારું જ.’ ચાલો, ૮૪ વર્ષના આયુષ્યના પોપડા એક પછી એક ઉખેડી નાખ્યા. ગોવર્ધનરામના નવીનચંદ્ર ઉર્ફે સરસ્વતીચંદ્રનો જન્મ ૧૮૮૭માં, મારો જન્મ પણ એ જ સાલમાં, ડિસેમ્બરની ૩૦મી તારીખે બપોરે બાર વાગ્યે, ભરૂચમાં. કોદાળી-પાવડાથી ઘણું બધું તોડ્યું-ફોડ્યું, ઉખેડ્યું-ફેંક્યું પણ પાવડા-કોદાળીથી બચાવીને સ્વપ્નસિદ્ધિની શોધમાં  કરેલા પ્રવાસના માર્ગ પરના ત્રણેક માર્ગસૂચક સ્તંભો મેં સાચવી રાખ્યા છે. તેની થોડી વાત કરું?

તેમાંના પહેલા પર તારીખ લખી છે મે ૧૧, ૧૯૫૧. સવારના નવ ને છેંતાસનો સમય. તર્કતીર્થ લક્ષ્મણશાસ્ત્રી જોશી અને તેમના સાથીઓના વેદમંત્રોના ગાન સાથે વેરાવળના દરિયાનો ઘૂઘવાટ પોતાનો સૂર પુરાવી રહ્યો હતો. દેશના પહેલા રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્ર પ્રસાદને વરદ્દ હસ્તે સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી હતી. એ દિવસે મારું ‘જય સોમનાથ’નું સ્વપ્ન સાકાર થયું. ભારત સરકારના ખોરાક અને ખેતીવાડી ખાતાનો પ્રધાન મુનશી તે દિવસે ત્યાં હાજર નહોતો, તે દિવસે જે હાજર હતો તે તો હતો ‘જય સોમનાથ’નો સ્વપ્નદૃષ્ટા. મારી આંખો તે દિવસે એકઠા થયેલા મહાનુભાવોને નહોતી જોતી. કારણ મારી આંખો તો શોધી રહી હતી સોમનાથને સર્વસ્વ અર્પણ કરનારી નૃત્યાંગના ચૌલાને. ઓ આવે ચૌલા. ઝાંઝરને અવિરત ઝમકારે, વેગે સરતી સરિતાની માફક સીધી ગર્ભદ્વાર સુધી આવી. અને મૃદંગનો ઠેકો શરૂ થયો. તેણે ઊભા રહીને, બેસીને, નમીને, પૂજન કર્યું. હાથના અભિનય વડે અક્ષત-ચંદન છાંટ્યાં, બબ્બે હાથે પુષ્પો ચડાવ્યાં, પછી હાથ જોડી ઊભી રહી. ત્યારે મને ખ્યાલ નહોતો, પણ મારા હાથ પણ આપોઆપ જોડાઈ ગયા હતા. જાણે કોઈ સપનું જોતો ન હોઉં!

પણ સપનાં કાંઇ રાતોરાત સફળ થતાં નથી. સપનાંનું પણ વાવેતર કરવું પડે છે. મેં એક સપનાનું વાવેતર કર્યું ૧૯૩૮ના નવેમ્બરની સાતમી તારીખે. ત્યારે મારી ઉંમર હતી એકાવન વર્ષની. એ દિવસે તો મેં એક બીજ વાવ્યું હતું. પણ વખત જતાં તેમાંથી વટવૃક્ષ વિકસ્યું. આ વટવૃક્ષ તે ભારતીય વિદ્યા ભવન. કેવી રીતે એની શરૂઆત થયેલી? એક દિવસ એક મેલોઘેલો માણસ મને મળવા આવ્યો. મેલી પાઘડી, ઠેર ઠેર થીગડાં મારેલો કોટ, મોઢા પર દીનતા અને નમ્રતા. આવો માણસ મને કહે છે: ‘મારે છ લાખ રૂપિયાનું દાન આપવું છે.’ મને મનમાં શંકા હતી કે આવો દરિદ્રી માણસ ખરેખર દાન આપશે ખરો? મેં કહ્યું ‘જોઈશું.’ કશું બોલ્યા વગર એ ચાલતો થયો. થોડા દિવસ પછી પાછો આવ્યો. કહે: ‘તે દિવસે મેં છ લાખ રૂપિયાનું દાન આપવાની દરખાસ્ત કરી હતી, પણ આપે કહ્યું, જોઈશું. એટલે પછી એ પૈસા મેં તાતા ડીફર્ડ શેરમાં રોક્યા. હવે એના આઠ લાખ રૂપિયા થયા છે. આજે સોમવતી અમાસ છે. હિંદુ ધર્મમાં આજના દિવસે દાન કરવાનો મોટો મહિમા છે. માટે આ પૈસા લો અને સંસ્કૃતના ને ગાયોના ઉદ્ધાર માટે કંઇક કરો.’ એ નમ્ર ફિરસ્તો હતો મુન્ગાલાલ ગોયેન્કા. એમનું એ દાન બન્યું ભવનના સપનાનું બીજ.

અને હવે કોદાળી-પાવડાના ઘાથી બચાવીને રાખેલો છેલ્લો મહામૂલો પથ્થર. મારા જીવનની બીજી બધી વાતો ક્યારેક કદાચ ભૂલાઈ જશે. પણ તે દિવસે જોયેલા સપનાને સાકાર કરવા માટે મેં જે કર્યું તે તો લાંબા વખત સુધી ભૂલાશે નહીં. એ પથ્થર પર લખ્યું છે જૂન, ૧૯૧૨. એવું તે શું બન્યું હતું ત્યારે? ‘સુંદરી સુબોધ’ નામના માસિકના એ મહિનાના અંકમાં એક વાર્તા પ્રગટ થઈ હતી: ‘મારી કમલા.’ કનૈયાલાલ માણેકલાલ મુનશી, બી.એ. એલેલ.બી.એ લખેલી અને એ જ નામે પ્રગટ કરેલી ટૂંકી વાર્તા. ગુજરાતીમાં છપાયેલું મારું પહેલવહેલું લખાણ. પછી તો ‘કમલા’થી ‘કૃષ્ણાવતાર’ સુધીની લાંબી લેખનયાત્રા ચાલી. વાર્તાઓ તો થોડી જ લખી, પણ નવલકથા ઘણી લખી, નાટકો ઘણાં લખ્યાં, આત્મકથા લખી, બીજું પણ ઘણું લખ્યું. અનેક પાત્રોનું સર્જન કર્યું. એ બધાં મારાં સંતાનો જેવાં છે. તેમનામાં જીવ મેં મૂક્યો છે, પણ એ બધાં જીવે છે પોતાની રીતે. એમને વિશે ક્યારેક વિવેચકોએ, ક્યારેક વાચકોએ, તો ક્યારેક ખુદ પાત્રોએ જ ફરિયાદ પણ કરી છે. કરે. કયા સંતાનને તેનાં માતાપિતા સામે કોઈ ને કોઈ ફરિયાદ નથી હોતી?

માનશો? એક જમાનામાં મને નાટકનું ઘેલું લાગ્યું હતું. જૂની રંગભૂમિનાં નાટકો જોવા હું અચૂક જતો. કવિ ત્રાપજકારનો ‘સમ્રાટ હર્ષ’નો નાટક મેં લાગલાગટ પચાસ નાઈટ સુધી જોયો હતો! રાતે જમ્યા પછી અમે બધાં કુટુંબીઓ સાથે બેસી વાતો કરતાં, ગીતો ગાતાં. હું તબલાં વગાડતાં વગાડતાં જૂનાં નાટકોનાં ગીત ગાતો. માલવપતિ મુંજનું પેલું ગીત તો મારું ખાસ માનીતું: ‘એક સરખા દિવસ સુખના, કોઈના જાતા નથી.’ મારા દિવસો પણ નથી ગયા. ગુજરાતી અને અંગ્રેજીમાં આટઆટલું લખ્યું પણ કોઈએ મને ‘ચોર શિરોમણી’નો ઈલ્કાબ આપ્યો. ઘણા વિવેચકોએ અને અધ્યાપકોએ મારાં લખાણોમાં જાતજાતની ભૂલો શોધી બતાવી. વચ્ચે થોડો વખત તો ‘મુનશી કાંઇ મોટો લેખક નથી’ એવું કહેવાની ફેશન ચાલેલી. આવાં આવાં નાટક જોઈને પણ મને તો આનંદ આવતો.

ગ્રીક કવિ એસ્કાઈલીસે પ્રોમિથિયસ પાસે જે શબ્દો ઉચ્ચારાવ્યા હતા તે જ શબ્દો અંતે હું ઉચ્ચારું છું:

“જે કર્યું તે મેં કર્યું, સ્વેચ્છા વડે સત્કારીને, સ્વધર્મ શિર ચડાવીને,
એ કૃત્યનો અસ્વીકાર હું કદી નહીં કરું, કદી નહીં કરું હું. 

ચાલો, આવજો. અને હા, વિવેચકો ભલે ગમે તે કહે, તમે તો મારાં પુસ્તકો વાંચતા જ રહેશો એની મને ખાતરી છે, શ્રદ્ધા છે.

જય સોમનાથ !

*** *** ***

e.mail : deepakbmehta@gmail.com

Loading

30 December 2018 admin
← ૨૦૧૯ : થોડાંક ઇંગિત
આથમણી કોરનો ઉજાસ →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved