ગયા અઠવાડિયે આપણે જોયું કે ઇઝરાયેલ બળુકો રાષ્ટ્રવાદ(મેચો નેશનાલિઝમ)ને અનુસરતું હોવા છતાં તે એક મર્યાદા પાળે છે. યહૂદીઓનો પક્ષપાત કરવાનો, મુસલમાનોને અન્યાય કરવાનો, પડોશી મુસ્લિમ દેશો સાથે માથા ફરેલ થઈને વર્તવાનું; પણ દેશની અંદર મર્યાદા પાળવાની. એટલું જ નહીં, દેશની અંદર એકંદરે બધા જ યહૂદીઓને સાથે રાખીને વિકાસલક્ષી અભિગમ અપનાવવાનો.
શા માટે ઇઝરાયેલના શાસકો બહુમતી યહૂદી રાષ્ટ્રવાદને અનુસરતા હોવા છતાં દેશની અંદર મર્યાદા પાળે છે? એક તો એ કે જો દેશની અંદર બહુમતી રાષ્ટ્રવાદીઓ માથાફરેલ બનીને ફરે તો બહુમતી રાષ્ટ્રવાદ બહુ ઝડપથી ફાસીવાદમાં પરિણમે. ઇટલી, જર્મની અને બીજા કેટલાક મુસ્લિમ દેશોને આનો અનુભવ થઈ ગયો છે. એ લાંબો સમય ટકી પણ ન શકે, કારણ કે તેની કિંમત લઘુમતી સાથે બહુમતી કોમને પણ ચૂકવવી પડતી હોય છે. નરી બર્બરતાનું આયુષ ટૂંકુ હોય છે. બીજું કારણ એ કે જો દેશની અંદર બહુમતી કોમમાં જ વિખવાદ હોય તો દેશ વિકાસ સાધી ન શકે અને સાચી શક્તિ લશ્કરી તાકાતમાં નથી, ભૌતિક વિકાસમાં છે. ત્રીજું કારણ એ કે દેશની અંદર બહુમતી પ્રજામાં જ શાસકો કે શાસક પક્ષ સામે તેના માથાફરેલ વલણને કારણે અસંતોષ પેદા થાય તો શત્રુ સામે ટકી ન શકાય. નાનકડો ઇઝરાયેલ દેશ મોટા મુસ્લિમ દેશોથી ઘેરાયેલો છે.
આટલી સમજદારી હોવાને કારણે ઇઝરાયેલના શાસકો (પછી તે ગમે તે પક્ષના હોય) દેશની અંદર મર્યાદા પાળે છે. ચાવીરૂપ જગ્યાએ તેજસ્વી માણસોને મૂકે છે, પછી ભલે તે ટીકા કરતો હોય કે આપણા કરતાં વધુ પ્રતિષ્ઠા ધરાવતો હોય. આપણી જેમ કોડીની આવડત નહીં ધરાવતા લોકોને મહત્ત્વનાં કામ સોંપવામાં નથી આવતાં.
ઇઝરાયેલની સ્થાપના થઈ ત્યારથી ભારતમાં ઇઝરાયેલના પ્રસંશકોની જમાત ઘણી મોટી છે. એ બધા જ હિંદુ છે એ કહેવાની જરૂર નથી. કૉન્ગ્રેસની અંદર પણ ઇઝરાયેલના પ્રસંશકો મોટી સંખ્યામાં હતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું તો પૂછવું જ શું! એ પ્રસંશાનું કારણ દુશ્મનોની વચ્ચે ઇઝરાયેલ ટકી રહ્યું એ હતું. એ પ્રસંશાનું કારણ વિકટ પરિસ્થિતિની વચ્ચે વિકાસ સાધવાની ક્ષમતા હતું. પણ આ એટલા માટે બની શક્યું કે દેશની અંદર મુસ્લિમ પ્રશ્ન છોડીને મર્યાદા પાળવાની નીતિ કોઈ ઇઝરાયેલી શાસકોએ છોડી નહોતી. સંઘવાળાઓ ઇઝરાયેલના પ્રસંશક છે તો તેમને ઇઝરાયેલની સફળતાના આ રહસ્યની પણ જાણ હોવી જોઈએ.
તો પછી શા માટે હિંદુ રાષ્ટ્રવાદીઓ દેશની અંદર માથાફરેલની જેમ વર્તે છે? શા માટે નિંદાને સાંભળવા તૈયાર નથી? શા માટે લોકતંત્ર અને સમવાય ઢાંચા સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે? શા માટે વિરોધ પક્ષોને કચડી નાખવામાં આવી રહ્યા છે? શા માટે નાના માણસોને મોટી જગ્યાએ બેસાડવામાં આવી રહ્યા છે? અમારું રાજ છે, અમે ગમે તે કરીએ એવું વલણ તેઓ શા માટે અપનાવી રહ્યા છે. અને આજનું તેમનું વલણ જોતાં સ્વાભાવિક સવાલ થાય કે તો પછી ઇઝરાયેલભક્તિ કઈ વાતની હતી? ઇઝરાયેલની સફળતા માટેની કે સફળતા માટેનાં કારણો માટેની. કોઈ ૯૦ વરસનો વૃદ્ધ જો તંદુરસ્ત નજરે પડતો હોય તો આપણે પહેલો પ્રશ્ન પૂછીએ કે તંદુરસ્તીનું રહસ્ય શું? તમે કેવી રીતે જિંદગી જીવ્યા? ઇઝરાયેલ ઇઝરાયેલ કેવી રીતે બન્યું એ દુનિયા જાણે છે. એનું રહસ્ય પૂછવા તેલઅવીવ જવાની જરૂર નથી.
તો પછી હિંદુ રાષ્ટ્રવાદીઓ દેશની અંદર, દરેક બાબતે અને હિંદુઓ સાથે પણ માથાફરેલ થઈને કેમ વર્તે છે?
આના બે ખુલાસા હોઈ શકે.
પહેલો ખુલાસો એવો છે કે તેઓ હિંદુઓની જાણીતી સંસ્કારિતા અને સભ્યતા માટે શરમ અનુભવે છે. ઇતિહાસમાં હિંદુઓ હારતા આવ્યા એનું કારણ છે; હિંદુઓની ઉદારતા, સહિષ્ણુતા, અહિંસા, વસુધૈવ કુટુંબમકમ્ ની ભાવના. બહુ થયું, સભ્યતા ગઈ ભાડમાં. જેવા સાથે તેવા થઈને જીવો. મહાન હિંદુ દેશ માટે ગર્વ અનુભવનારાઓ હિન્દુત્વવાદીઓ હિંદુ જેને માટે જગતમાં ઓળખાય છે તે હિંદુ વારસાને જ નકારે છે. ટૂંકમાં સભ્યતા માટે શરમ અનુભવે છે. વિનાયક દામોદર સાવરકરે મરાઠીમાં ‘સહા સોનેરી પાન’ નામનો નાનકડો ઇતિહાસગ્રંથ લખ્યો છે. એમાં હિંદુઓએ કરેલી હિંસા, વિધર્મીઓ સાથે કરેલા અન્યાય અને અત્યાચાર સુદ્ધાંને હિંદુઓનાં સોનેરી શૌર્ય તરીકે ઓળખાવ્યાં છે. ત્રણ હજાર વરસના ભારતના ઇતિહાસમાં તેમને આવાં માત્ર છ જ સોનેરી પૃષ્ઠો મળ્યાં! આ ઉપરાંત તેમણે બુદ્ધ અને મહાવીરની આકરી નિદા કરી છે. આના પરથી કલ્પના કરી શકો છો કે હિંદુઓનો પીંડ શેનો બનેલો છે. હિન્દુત્વવાદીઓ હિંદુઓના એ પીંડથી શરમાય છે. તેમને એ પીંડથી પીંડ છોડાવવો છે. તેમને એ પીંડ બદલવો છે. માથાફરેલપણાનો આ પહેલો ખુલાસો થયો.
બીજો ખુલાસો ફાસીવાદ છે. ફાસીવાદનાં લક્ષણ તો હવે દેશમાં લોકો જાણવા લાગ્યા છે. વિરોધ કરવાના અને રાજકીય પ્રતિસ્પર્ધા કરવાના દરેક પ્લેટફોર્મ્સ ખતમ કરી નાખવાનાં. લોકપ્રતિનિધિગૃહો, ન્યાયતંત્ર, મીડિયા, વિરોધ પક્ષોની ખસ્સી કરી નાખવાની એટલે આપણને જે અવાજો સાંભળવા નથી અને પ્રજા સાંભળે એમ ઈચ્છતા નથી તેને રૂંધી શકાય. માટે ઉદ્યોગપતિ રાહુલ બજાજને કહેવું પડ્યું છે કે દેશમાં ભયનું વાતાવરણ છે.
આ બે ખુલાસામાંથી તમને કયો ખુલાસો ગળે ઊતર છે? સભ્ય હોવા માટેની શરમ કે પછી હિંદુ જોહુકમીવાદ? ફાસીવાદ? ઇઝરાયેલના યહૂદી રાષ્ટ્રવાદનું એક લક્ષણ નોંધવું રહ્યું. તે લઘુતાગ્રંથિગ્રસ્ત નથી. આપણે ત્યાંનો બળુકો રાષ્ટ્રવાદ લઘુતાગ્રંથિજન્ય છે. માટે કોઈ બેફામપણે બોલે, કોઈ બેફામપણે જેનીતેની સાથે ધોલધપાટ કરે. અડધી રાતે ગેરબંધારણીય કામો કરવામાં આવે. ઇઝરાયેલમાં આવું થતું નથી અને એ તેના ટકી રહેવાનું મુખ્ય કારણ છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 05 ડિસેમ્બર 2019