Opinion Magazine
Number of visits: 9504444
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક સૌજન્યશીલ અધિકારીની સ્મરણકથા

ડંકેશ ઓઝા|Opinion - Opinion|19 April 2016

વહીવટની વાતો : કુલીનચંદ્ર યાજ્ઞિક : વિતરક – ‘રંગદ્વાર’, G-15, University Plaza, Navrangpura, Ahmedabad – 380 009 : પ્રથમ આવૃત્તિ 2015 : પાનાં 410 : કિંમત રૂ. 400

જાણીતા સનદી અધિકારી, સંસ્કૃતસાહિત્યના અભ્યાસી અને ગુજરાતી સાહિત્ય પરિષદમાં ઉપપ્રમુખની કક્ષાએ પહોંચેલા, ઇન્દુલાલ યાજ્ઞિકના કુટુંબીજન કુલીનચંદ્ર યાજ્ઞિક જાહેરજીવનમાં ઠીકઠીક જાણીતા છે. દૈનિક ‘ગુજરાત સમાચાર’માં તેમણે જે નામે લાંબો સમય સુધી કૉલમ લખી, તે જ નામે હવે તેમના વહીવટનાં સંસ્મરણો ‘વહીવટની વાતો’ નામના પુસ્તકમાં આપણી સમક્ષ મૂક્યાં છે. ૩૫ વર્ષની જાહેર વહીવટની સેવાયાત્રા દરમિયાન જે મહાનુભાવો નીચે તેમણે કામ કર્યું તે બધાં પ્રત્યેનો તેમનો ઋણભાવ પાને પાને પ્રગટતો દેખાય છે. ભાવિ કર્મશીલોને આ સંભારણાં રસપ્રદ અને ઉપયોગી જણાશે, એવી તેમને આશા છે. આખરે કલ્યાણરાજ્યમાં વહીવટી તંત્રનો લાભ પ્રજાને મળવો જોઈએ. તેથી અંતિમ લાભાર્થી એવી ગુજરાતી પ્રજાને આ ૪૦૦ પાનાંનો ગ્રંથ તેમને ‘અર્પણ’ કરવામાં આવ્યો છે.

અગાઉ, ગુજરાત રાજ્યના છેલ્લા ICS લલિતચંદ્ર દલાલના ‘સનદી સેવાનાં સંભારણાં’ પ્રગટ કરવામાં યાજ્ઞિક સાહેબે ઘણો રસ લીધેલો. તેનાથી જાહેર બાબતોમાં સારું એવું મૂલ્યવાન પ્રદાન થયું હતું. હવે તેમણે ખુદ પોતાનાં સંસ્મરણો થકી પણ જાહેર જીવનને રળિયાત કરવાનો ઉપક્રમ દાખવ્યો છે. ‘દર્શક’ ઇતિહાસનિધિ દ્વારા આ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે. અગાઉની માફક ગ્રંથની વિતરણવ્યવસ્થા રઘુવીર ચૌધરીના રંગદ્વાર પ્રકાશન દ્વારા થઈ રહી છે. રોજનીશી વિના માત્ર યાદદાસ્ત ઉપરથી સાડા ચાર વરસ ચાલેલી લેખમાળા લખવી તે લેખકની સાબૂત સ્મૃિતનો અચ્છો પરિચય આપે છે! લેખકની ઉંમર અત્યારે નેવું વર્ષની છે.

રઘુવીર ચૌધરીએ તેમના વિશે લખતાં લખેલું કે “નિર્વ્યાજ સાહિત્યપ્રીતિના માણસ. નાગરોના દોષોથી મુક્ત, ગુણોથી વિભૂષિત.” આ પુસ્તકના વાચકને તેની ખાતરી થયા વિના નહીં રહે.

પંદર પ્રકરણોમાં પુસ્તક વિભાજિત છે. માહિતીખાતું, જ્યાં તેમની નોકરીની શરૂઆત થાય છે, પેટલાદ અને રાજકોટ, જ્યાં તેઓ તાલીમ પામે છે, કચ્છ, જ્યાં તેઓ સ્વમાનના પાઠ શીખે છે, વસતીગણતરી, જ્યાં તેઓ ગુજરાતની સંસ્કૃિતને લગતાં બે મહત્ત્વનાં પુસ્તકો આપે છે, ડભોઈ, અમદાવાદ, ભરૂચ, ડાંગ, વડોદરાનાં પ્રકરણો રસપ્રદ છે. રાજભવનનો તેમનો અનુભવ અને વિવિધ રાજ્યપાલોનાં વલણો અને વૃત્તિ તરફ તેમણે સારું ધ્યાન દોર્યું છે. માધવસિંહ સોલંકીના સમયમાં મુખ્યમંત્રીની કચેરીનો અનુભવ તેમણે પ્રગટ કર્યો છે. છેલ્લે શિક્ષણ વિભાગથી લઈને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જોડાયા, ત્યાં આ પુસ્તક પૂરું થાય છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રકલ્પ સાથે જોડાવું તેમને ગમ્યું છે. તેની ઉજ્જ્વળ પરંપરાનો પાયો નાખવામાં તેઓ નિમિત્ત બન્યા, એ ઇતિહાસ તો હજુ બહુ દૂરનો નથી.

રસપ્રદ રીતે પુસ્તકની શરૂઆતના પ્રકરણ પહેલી મુલાકાતના શબ્દો છે : ‘સરકારે મારું પાણિગ્રહણ કર્યું (એટલે કે હાથ ઝાલ્યો) તે પહેલાં, ૧૯૪૯માં મેં હાથ લંબાવેલો ખરો, પણ તે કમજોર પડ્યો હતો.’ તેમનું કહેવું એમ છે કે IASની સીધી પરીક્ષા તેમણે આપેલી પરંતુ ઇન્ટરવ્યૂમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. જો કે પછીથી કાળક્રમે નોકરી દરમિયાન IASમાં નિયુક્તિ પામ્યા હતા. નિષ્ફળતા એ જ સફળતાનો પાયો છે, જો આપણે શીખવા તૈયાર હોઈએ તો. આ વાત પુસ્તકના પહેલા પ્રકરણથી તેમણે સ્પષ્ટ કરી આપી છે. નોકરી દરમિયાનના વિવિધ અનુભવોને પણ તેમણે એ દૃષ્ટિએ જ જોયા છે.

અંગ્રેજ વહીવટ, ICS અધિકારીઓનો વહીવટ, સૌરાષ્ટ્ર રાજ્યનો વહીવટ અને ગુજરાતનો વહીવટ આ બધાનો વાચકને ખ્યાલ આવે છે, એટલું જ નહીં, આ બધાં વચ્ચે વિવેકબુદ્ધિથી તે તોલ કરી શકે એવી વિગતો સમગ્ર પુસ્તક દરમિયાન તેઓ પીરસતા રહ્યા છે. સરકારી નોકરીનાં ૩૫ વર્ષમાંથી ત્રણ ભાગ મહેસૂલમાં અને બાકીના બે ભાગ આઠ કચેરીઓમાં અને વિભાગોમાં એમ તેમણે જણાવ્યું છે. નર્મદાના બંને કાંઠે કલેક્ટર તરીકે કામ કરવા મળ્યું તેમાં તેમણે ગૌરવ જોયું છે. ICS અધિકારી પિંપૂટકર પાસેથી ઘણું શીખવા જેવું છે, એમ તેમણે કહ્યું છે. મુખ્ય સચિવ કપૂર સાહેબ જેટલો લાંબો ગાળો અન્ય કોઈ મુખ્ય સચિવને મળ્યો નથી કે મળશે નહીં તે પણ તેમણે નોંધ્યું છે. મોરારજી દેસાઈએ કમિશનરોની જગ્યા નાબૂદ કરી તેનાં બીજ ડેપ્યુટી કલેક્ટર મોરારજીભાઈના અનુભવમાં પડ્યાં હતાં, એમ તેમણે ઠીક સંશોધન કર્યું છે!

૧૯૫૬માં દ્વિભાષી મુંબઈ રાજ્ય રચાયું, ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિકે કરેલો કટાક્ષ તેમણે બરાબર નોંધ્યો છે : “દીકરી (મુંબઈ) ભેગી મા(ગુજરાત)ને પણ વળાવી!” યાદ રહી જાય તેવું નિરીક્ષણ છે.

રાજકાજમાં રમૂજ, વિનય, સદ્‌ભાવ, કર્મયોગ જેવાં પ્રકરણો આખી વાતને રસપ્રદ બનાવે છે. પાયજામા વગર આવેલા કમિશનર માટે મામલતદાર રાતોરાત તે સિવડાવી લાવે એવા કમાલના અનુભવો પણ ઘણા બધા છે. રજવાડાંનો વહીવટ પણ કેવો હતો, તે વાત સમયે  સમયે જોડતાં રહેવામાં તેમને આનંદ આવ્યો છે. પ્રામાણિકતા વિશેના નાનકડા પ્રકરણની શરૂઆતમાં તેમણે લખ્યું છે : “મારી કર્મકુંડળીમાં ભાગ્યેશ ગ્રહ પરાક્રમભુવનમાં નહીં, પણ પરિશ્રમભુવનમાં પડેલો હતો.” રસપ્રદ અનુભવો તેમણે બહુ લાઘવથી રજૂ કર્યા છે. અત્યારે આપણે ખેમકા પ્રકરણ વિશે જાણીએ છીએ. પરંતુ તે સમયે પણ પિંપૂટકરને સહી ન શકનારા પ્રધાનોએ તેમને તાલીમના નિયામક મોકલી આપ્યા ત્યારે તેમણે કહેલું : “એમને ખબર નથી હું દર વર્ષે ૨૫-૨૫ પિંપૂટકર તૈયાર કરીશ !” (એ.ડી. ગોરવાલા જેવા યાદ આવે છે જેમણે કહેલું : I have nothing to declare but my ‘OPINION’!)

આઝાદી પછી પણ, ૧૯૬૧ની વસતીગણતરી વખતે, યાજ્ઞિકસાહેબે જોયું કે પંચમહાલના લુણાવાડા તાલુકાનાં લાકડીપોઇડા અને ખેચપુર ગામોએ આઝાદી આવી, તેની સાથે જ પોતાને સ્વતંત્ર જાહેર કરી દીધાં હતાં. છેલ્લાં ૧૨ વરસથી આ લોકો કોઈ પણ સરકારી કરવેરા ભરતા નહીં; એટલું જ નહીં, પણ કોઈ પણ સરકારી કર્મચારીને સાદી તપાસ કે પૂછપરછ માટે પણ ગામમાં પેસવા દેતા નહીં. તેમણે આ કિલ્લો કેવી રીતે ભેદ્યો અને મિશન પાર પાડ્યું, તે સહેજ પણ સિદ્ધિ કે અભિમાનના ભાવ વિના ટૂંકમાં લખ્યું છે.

‘નિરખને ગગનમાં’ નામનું પ્રકરણ પાન ૧૦૦-૧૦૧ ઉપર છે. તે તો જાણે એક નાનકડો લલિત નિબંધ હોય એવું છે. જેમાં સ્થળનું અને કુદરતનું વર્ણન છે અને અધિકારીનો લિઝર અને પ્લેઝર છે. આજના રાજકારણીઓ અને આજનો સમય કથળતો જાય છે, એવું કહેવું આપણને બહુ ફાવે છે, પરંતુ વર્ષોપૂર્વે કલેક્ટરની બદલી સંદર્ભે હિતેન્દ્ર દેસાઈએ કાર્યકરને આપેલો જવાબ સૂચવે છે કે ત્યારે પણ સારા મનાતા રાજકીય નેતાઓ તો આવા જ હતા.

નવનિર્માણ વખતે વડોદરામાં તેઓ કલેક્ટર હતા. કલેક્ટર અને ડીએસપી વડોદરામાં લશ્કર ઊતર્યાનું જાણતા ન હતા, પણ સરકારી ‘આકાશવાણી’ દિલ્હીથી એવા સમાચાર આપતી હતી! લશ્કર ક્યાં લડે છે અને નિર્ણયો ક્યાં થાય છે, તેની ખબર જિલ્લાને કે રાજ્યને પણ પડતી નથી હોતી તે વાત આ કિસ્સો બરાબર પ્રતિપાદિત કરે છે.

પાને-પાને સુરુચિની, શિષ્ટાચારની, સદ્‌ભાવની, વિવેકની ચિંતા અધિકારીને છે અને તે આખા પુસ્તકમાં ‘અંડર કરન્ટ’ રૂપે અનુભવાતી રહે છે. ક્યારેક એવું લાગે કે આ તો અનુભવો છે અને તેનું બયાન છે, પરંતુ એ અનુભવતા બયાન પાછળ પ્રજાકીય વહીવટ અને લોકકલ્યાણની ભાવના અનુસ્યૂત છે. આવા અનુભવો થકી વહીવટી કિલ્લાઓમાં શું રંધાય છે, તેનો કંઈક અંદાજ સામાન્ય પ્રજાને થતો રહે છે. અહીં કોઈ વહીવટી પ્રશ્નો અને તેના ઉકેલો કોઈ ‘ગાઇડ’ની રીતે મળી જાય એવું તો ન જ બને. પરંતુ નવીપેઢીના જાહેર સેવકોને વહીવટની પરંપરા અને તેનાં શિખરો કેવાં હોઈ શકે, તેનો અંદાજ અવશ્ય મળે.

‘વહીવટી’ શબ્દોમાં રેકર્ડ (વહી) અને સ્ટેટસ બંને જોડાયેલા છે. આ બેની વચ્ચે પ્રજા અને પ્રજાના સવાલો ભીંસાતા રહે છે. લોકોના પ્રશ્નો ઊકલતા નથી. કલ્યાણકારી સરકારો અને અધિકારો તેને ક્યારેક વધુ ગૂંચવે છે. કામ કરતાં અધિકારીઓ અને નવા દાખલ થતાં અધિકારીઓએ આવા અનુભવોના બયાનમાંથી ઘણું-ઘણું દિશાસૂચન અને માર્ગદર્શન મેળવવાનું શક્ય છે, જો તે ઇચ્છે તો. નહિ તો, પ્રજા અને મીડિયા તો પોતપોતાની ભૂમિકા ભજવવાનાં જ છે. આશા રાખીએ, આવા અનુભવો તંત્ર અને પ્રજા વચ્ચે અંતર ઘટાડવામાં નિમિત્ત પણ બને.

સ્વાગત સિટી, અડાલજ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2016; પૃ. 08-09

Loading

19 April 2016 admin
← IS INDIA A SECULAR NATION?
અન્યાય સામે અડીખમ લડાઈ →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved