હૈયાને દરબાર
સંગીતનો પ્રભાવ એવો છે કે એ સ્મૃતિઓ સાથે આસાનીથી સંકળાઈ જાય છે. વાત છે લગભગ ૧૯૯૦ની આસપાસની. રાજસ્થાનના રેગિસ્તાનની સફરે અમે ગયાં હતાં. નદી, પર્વત અને દરિયાની જેમ જ રણનું પણ અપ્રતિમ સૌંદર્ય છે.
પ્રકૃતિના આ નવા સ્વરૂપને માણવા ઊંટસવારી કરીને વિશાળ સેન્ડ ડ્યુન્સ (રેતીના ઢુવા) સુધી અમારે પહોંચવાનું હતું. કેસરિયાળો સૂરજ એની પ્રિયતમા એવી ધરતીને મળવા જાણે આતુર હોય એમ ઝડપથી પૃથ્વી તરફ ઢળી રહ્યો હતો. એવામાં જ જોરથી પવન ફૂંકાયો. ધૂળની ડમરીઓ ઊડવા લાગી. પવન શાંત થાય ત્યાં સુધી અમને આગળ જવાની મનાઈ હતી એટલે ચોતરફ વિસ્તરેલા મૃગજળ સમાન અફાટ રણની વચ્ચોવચ સ્થગિત થઈ જવા સિવાય અમારી પાસે કોઈ ઉપાય નહોતો. સૂરજને ચૂમવા મથતી રેતીની રજકણોને જોઈને અચાનક મનમાં ગીત સ્ફૂર્યું : એક રજકણ સૂરજ થવાને શમણે, ઉગમણે જઈ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે …! ગુજરાતી સુગમ સંગીતના અત્યંત પ્રિય ગીતોમાંનું એક એવું આ ગીત એક રજકણ … આ સિચ્યુએશનમાં બરાબર બંધ બેસતું હતું. સૂરજ પાસે પહોંચવા મથતી પામર રજકણ એ શું માનવજીવનની પરિસ્થિતિને પ્રતિબિંબિત કરતી હતી?
આ ગીત સંદર્ભે એક કિસ્સો યાદ આવે છે. આ ગીતના કવિ હરીન્દ્ર દવે ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણતા હતા. પછીથી ૧૯૫૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. અને ૧૯૬૧માં એમ.એ.ની પદવીઓ મેળવી હતી. એમને ઉચ્ચ અભ્યાસ કરીને શૈક્ષણિક યોગ્યતા મેળવવાની તીવ્ર ઝંખના હતી. પરંતુ ઉચ્ચ અભ્યાસ માટે પસંદગી પામવામાં થોડાક માર્કસ ઓછા પડ્યા. પરિણામ જાણીને એમના હૃદયને ઊંડી ચોટ પહોંચી. પોતાની કિંમત ધૂળ બરાબર લાગી. એમની ક્ષમતા ઝીણામાં ઝીણી – જેનુ કશું ય મૂલ્ય નથી – એવી પામર, તુચ્છ રજકણ જેટલી જ હોવાનું કવિએ અનુભવ્યું અને એ અનુભૂતિનું પ્રાગટ્ય એટલે એક રજકણ સૂરજ થવાને શમણે.
આ ક્ષુદ્ર રજકણની જેમ સૂરજને આંબવાનું, એની જેમ ઝળહળવાનું, સર્વ શક્તિમાન થવાનું કેવું મોટું સપનું જોવાની ગુસ્તાખી કવિએ કરી અને પછી એમના જે હાલ થયા એ કરુણતા આ ગીતમાં ઝિલાઈ છે. પરીક્ષકના માર્ક્સથી હતાશ થયેલા કવિએ એ જ ક્ષણે પોતાની મનોવ્યથા ઠાલવતી આ કવિતા રચી દીધી અને તરત જ મિત્ર સુરેશ દલાલને સંભળાવી. સુરેશભાઈને કવિતામાં ઊંડાણ જણાતાં એમણે એ જ સાંજે યોજાનારા એક કાર્યક્રમમાં મિત્ર હરીન્દ્ર દવેને એ કૃતિ વાંચવા કહ્યું. આશ્ચર્યજનક હકીકત એ હતી કે એ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પેલા પરીક્ષક જ હતા. શ્રોતાઓએ આ રચનાને પ્રથમ પ્રસ્તુતિમાં જ એને વધાવી લીધી હતી. એ વખતે કદાચ ‘રજકણ’ સમાન પરીક્ષાર્થીના ‘સૂર્યવંશી કવિ’ થવાનાં એંધાણ વર્તાઈ ગયા હતા. સૂરજ થવાનું શમણું સાકાર થવાનાં બીજનું વાવેતર થઈ ગયું હતું.
માનવજીવન પણ કંઈક એવું જ છે ને! અનેક પ્રયત્નો છતાં ઘણીવાર આપણી મનોકામનાઓ અધૂરી રહી જાય છે અથવા તો બેરહમીથી એને કચડી નાખવામાં આવે છે. આમ થાય ત્યારે માણસ કાં તો સાવ નિરાશ થઈ જાય અથવા બમણા વેગથી સપનાં સાકાર કરવા મચી પડે. જેમની કલ્પના રવિથી પણ આગળ પહોંચી શકે એવા આપણા આ કવિ કંઈ હતાશ થાય એવા નહોતા.
શમણાં સાકાર કરવા મુંબઈ જેવું મોટું ફલક એમની પાસે હતું. એમની નવલકથા ‘માધવ ક્યાં ય નથી મધુવનમાં’ને આરંભમાં વિવેચકોની ટીકા સહન કરવી પડી હતી, પરંતુ વાચકરાજ્જાથી મોટું કોણ હોય? વાચકોએ એને એવી વધાવી કે ભાવનગરની આ કહેવાતી રજકણ મુંબઈના આકાશમાં આવીને સૂરજની જેમ ઝળકી ઊઠી.
‘રજકણ’ એ હરીન્દ્ર દવેએ ઈ.સ. ૧૯૬૧માં લખેલી સર્વકાલીન કૃતિ છે. આવી કોઈ મહાન કૃતિનું અર્થઘટન આપણે શું કરીએ? એ ગીતના ભાવજગતને અનુભવવાનું છે. એના સંગીતને માણવાનું છે અને લતાજીના કંઠની મધ જેવી મીઠાશ મનમાં ઉતારવાની છે. દિલીપકાકાનું રાગ પરમેશ્વરી (સિતારવાદક પંડિત રવિશંકરજી એ સર્જેલો રાગ) પર આધારિત સુમધુર સ્વરાંકન અને લતાજીના કંઠેથી અવતરતા પાવન સ્વરો હરીન્દ્ર દવેની કૃતિને યથોચિત ઊંચાઈ આપે છે.
ગીતના એકે એક શબ્દમાંથી ગૂઢાર્થ ટપકે છે. ઝીણી અમથી રજકણનું સપનું ય કેવું મોટું! એને ફક્ત સૂરજ નથી થવું, જળમાંથી ઘન એટલે કે વાદળ થવાની તથા બિંબ બનીને રોજ સાંજે સાગરમાં જઈને વસતા સૂરજની જેમ સાગરમાં સમાઈ જવાની ખેવના છે. પણ એ ક્ષુલ્લક રજકણને ખબર નથી કે જીવનની વાસ્તવિક્તા આ સપનાંથી વેગળી જ હોય છે. છતાં, એની આશા અમર છે. જ્યોત પાસે જઈને પ્રકાશ અને અગ્નિ પાસેથી અગનજ્વાલા માગે છે. ઝંઝાવાત પાસેથી એની તેજ ગતિ અને આકાશ પાસેથી એનું સૌંદર્ય મેળવીને સૂર્યની સમકક્ષ થવાનાં સ્વપ્નો જોતી રજકણનું ભાવિ આખરે છે શું? લોકોનાં ચરણોની નીચે?
આ ગીતમાં બે ભાવ છે. એક તો, રજકણની જેમ પોતાની હેસિયત ભૂલીને સૂર્યદેવની સમકક્ષ થવાનું સપનું જોતાં પામર મનુષ્યની વાત છે. મનુષ્યજીવનની તુચ્છતાનો અહેસાસ કવિ કરાવે છે. બીજો ભાવ એ છે કે ભલેને વમળમાં અટવાઈ જવાનો યા લોકોના ચરણ નીચે ચગદાઈ જવાનો ડર હોય, ભલેને આપણી હસ્તી એક રજકણ જેવડી સાવ નાની હોય, પરંતુ સપનાને ક્યાં સીમાડા હોય છે? સૂરજ જેવા મોટા અને તેજોમય થવાનું સપનું માણસે કદી છોડવું ન જોઈએ. સપનું હશે તો એ કોક દિવસ તો સાકાર થશે જ. અલબત્ત, દરેકને એમાં અંગત રીતે કોઈ નવો ભાવ કે નવું અર્થઘટન જાણવા મળે એ સ્વાભાવિક છે.
આ સ્વરાંકન કેવી રીતે તૈયાર થયું એની દિલીપકાકાએ રસપ્રદ વાત કરી હતી. "એ એક નવીન અનુભવ હતો. મંગેશકર કુટુંબ સાથે મારે ખૂબ સારા સંબંધો હતા. હું, લતા મંગેશકર અને બાળ એટલે કે હૃદયનાથ મંગેશકર સાથે બેસીએ, વાતો કરીએ અને સાથે જમીએ પણ ખરા. હૃદયનાથ બહુ મોટા ગજાના સંગીતકાર. સ્વરાંકનની એમની પોતાની એક સ્ટાઈલ. અમુક હદથી એ નીચે ન જાય. એ વખતે હૃદયનાથજી મીરાંના ભજનની કેસેટ ‘ચલા વાહી દેસ’, ગાલિબની ગઝલો, ‘ગીતા અને જ્ઞાનેશ્વરી’ પર લતાજી સાથે કામ કરતા હતા. એનું રેકોર્ડિંગ ચાલી રહ્યું હતું. એ વખતે એચ.એમ.વિ.ના ઇન્ચાર્જ વિજય કિશોર દુબે હતા. તેમણે કહ્યું કે આપણે લતાજી પાસે ગુજરાતી ગીત ગવડાવીએ. લતાજીએ રેડિયો પર મેં ગાયેલું એક રજકણ ગીત સાંભળ્યું હતું અને તેમને બહુ ગમ્યું હતું એટલે લતાજીએ કહ્યું કે આ ગીતનું સામાન્ય રીતે જે પ્રમાણે રિહર્સલ થાય છે એ રીતે નહીં કરીએ. હું પાંચ-છ વખત ગીત સાંભળીશ, આત્મસાત્ કરીશ, પછી જ ગાઈશ. લતાજીએ ખરેખર આત્મસાત્ કરીને ભાવપૂર્વક આખું ગીત ગાયું. ગીત સ્વરબદ્ધ કર્યું ત્યારે ખબર નહોતી કે એ રાગ પરમેશ્વરીમાં બન્યું છે. કડીઓ મળતી ગઈ અને ગીત રચાતું ગયું. રાગ પરમેશ્વરીને તમે શુદ્ધ ધૈવતની ભૈરવી અથવા કોમળ રિષભનો બાગેશ્રી પણ કહી શકો. મધ્યમ શુદ્ધ કરો તો રાગ કિરવાની બને. અસલમાં નોટ્સ સરખી લાગે પણ સ્વરૂપ જુદું હોય. દિલીપ ધોળકિયાએ પંદરેક વર્ષ પહેલાં આ કિસ્સો મારી સાથે શેર કર્યો હતો.
આ ગીતમાં માત્ર બે-ત્રણ વાદ્યો જ પ્રયોજાયા છે. ફ્લુટના ટુકડાઓ હૃદયનાથે કમ્પોઝ કર્યા છે. હાર્પ એટલે કે સૂરમંડલ પણ એમણે જ વગાડ્યું છે. ફ્લુટ અને તાનપુરો એકબીજા સાથે એટલા સુંદર રીતે મળી જાય છે કે ગીત નિખરી ઊઠે છે. જો કે લતાજી તો હંમેશાં એમ જ કહેતાં કે દિલીપ ધોળકિયાએ જે રીતે ગાયું છે એવી ઇફેક્ટ મારા ગીતમાં નથી આવતી. અલબત્ત, આપણે તો લતાજીનાં જ ગીતને ઘોળીને પી ગયાં છીએ.
દિલીપ ધોળકિયાનાં સ્વરાંકનો સ્વમુખે સાંભળવાનો લ્હાવો કદાચ બહુ ઓછાને મળ્યો હશે. અમે સદ્દભાગી છીએ કે દિલીપકાકાના સ્વમુખે આ અદ્ભુત સ્વરાંકન અમે સાંભળ્યું છે. લતા મંગેશકરને કંઠે ગવાય પછી પૂછવું જ શું? અલબત્ત, મારી ધારણા મુજબ લતાજી પછી સૌથી વધારે જો કોઈએ આ ગીત ગાયું હોય, એટલું જ નહીં, પૂરો ન્યાય આપ્યો હોય તો એ છે આલાપ દેસાઈ. આલાપ દેસાઈ પાસે આ ગીત સાંભળવાનું ચૂકાય નહીં. એક રજકણ … ગીત ગુજરાતી સુગમ સંગીતનું રૂપેરી મોતી છે. તમારે કંઠે પણ એને શણગારી-સજાવી શકો છો.
————————-
એક રજકણ સૂરજ થવાને શમણે
ઉગમણે જઇ ઊડે
પલકમાં ઢળી પડે આથમણે
જળને તપ્ત નજરથી શોષી
ચહી રહે ઘન રચવા
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન વસવા
વમળ મહીં ચકરાઇ રહે
એ કોઇ અકળ મૂંઝવણે
એક રજકણ!
જ્યોત કને જઈ જાચી દીપ્તિ
જ્વાળ કને જઇ લ્હાય
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય
ચકિત થઇ સૌ ઝાંખે એને
ટળવળતી નિજ ચરણે
એક રજકણ …
https://www.youtube.com/watch?v=d81TpJHj9jg
કવિ : હરીન્દ્ર દવે • સંગીતકાર : દિલીપ ધોળકિયા • સ્વર : લતા મંગેશકર
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 02 મે 2019
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=495861