
રવીન્દ્ર પારેખ
14 માર્ચ, 2025 ને રોજ હોળીની રાત્રે, દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરે, સાડા અગિયારે લાગેલી આગમાં ફાયર બ્રિગેડને 15 કરોડથી વધુ રોકડ રકમનો જથ્થો હાથ લાગ્યો.
6 જાન્યુઆરી, 1969ને રોજ અલ્હાબાદમાં જન્મેલા જસ્ટિસ વર્મા દિલ્હી હાઈકોર્ટના સૌથી મોટા બીજા ન્યાયાધીશ છે. તેઓ 2016થી 2021 સુધી અલ્હાબાદ હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. જસ્ટિસ વર્માના સરકારી બંગલામાં આગ લાગી ત્યારે તેઓ ઘરે ન હતા એટલે પરિવારે ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયરબ્રિગેડને ઘરના એક રૂમમાંથી રોકડ નોટોનો ઢગલો મળ્યો. આગ તો 15 મિનિટમાં કાબૂમાં આવી ગઈ, પણ 15 કરોડનો ધુમાડો દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તો પહોંચ્યો જ ને કોઈક રીતે આ સમાચાર લીક થતાં દેશ ભરમાં પણ ફેલાયો.
આ દરમિયાન 20 માર્ચે સુપ્રીમના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ 5 સભ્યોના કોલેજિયમની એક બેઠક કરી અને જસ્ટિસ વર્માને ફરી અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ મૂક્યો. 21 માર્ચે સુપ્રીમે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે જસ્ટિસ વર્માની ટ્રાન્સફરના પ્રસ્તાવને અને બંગલામાંથી મળી આવેલ રોકડને કોઈ સંબંધ નથી. બંનેની આંતરિક તપાસ અલગ અલગ છે. તપાસનું તો એવું છે કે સુપ્રીમના કે હાઈકોર્ટના જસ્ટિસ સામે કાર્યવાહી કરવા માટે સુપ્રીમ પાસે આંતરિક તપાસ સમિતિ (ઇન હાઉસ) છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઉપાધ્યાયે આ મામલે તપાસ કરીને 21 માર્ચે સુપ્રીમના સી.જે.આઈ. સંજીવ ખન્નાને રિપોર્ટ સોંપી પણ દીધો.
જો કે, જજો પર આઇ.પી.સી.ની કલમ 77 અને બી.એન.એસ. એક્ટની કલમ 15 મુજબ સામાન્ય માણસની જેમ ફોજદારી કેસ કરી શકાતો નથી. આમાં તો ન્યાયાધીશ રાજીનામું આપે અથવા તો મહાઅભિયોગથી તેમને દૂર કરી શકાય, એટલું જ થઈ શકે. 1999માં સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી ગાઈડ લાઇન મુજબ સુપ્રીમના ચીફ જસ્ટિસ સંબંધિત જજ પાસેથી જવાબ માંગે છે. જવાબ સંતોષકારક ન હોય તો આંતરિક તપાસ સમિતિની રચના કરવામાં આવે છે. તપાસમાં જજ દોષિત ઠરે તો સુપ્રીમના ચીફ જસ્ટિસ તેમને રાજીનામું આપવાનું કહી શકે. જજ તેમ કરવા ન માંગે તો સુપ્રીમના સી.જે.આઈ. તેમની સામે મહાઅભિયોગની ભલામણ સરકારને કરી શકે. સંસદમાં મહાભિયોગ પસાર થાય તો રાષ્ટ્રપતિના આદેશથી જજને તેમના પદ પરથી દૂર કરવામાં આવે છે.
સી.જે.આઈ. ખન્નાએ જસ્ટિસ વર્માની અલ્હાબાદ હાઇકોર્ટમાં બદલીની દરખાસ્ત મૂકી તો હાઇકોર્ટ બાર એસોસિયેશને તેનો એમ કહીને વિરોધ કર્યો કે અલ્હાબાદ હાઈકોર્ટ ડસ્ટબિન નથી કે ભ્રષ્ટ લોકોને ન્યાય આપવા અહીં મોકલી આપવામાં આવે. ટૂંકમાં, બાર એસોસિયેશન જસ્ટિસ વર્માના સ્વાગત માટે ઉત્સુક નથી. જસ્ટિસ વર્મા અત્યારે તો રજા પર છે, પણ તેમનું નામ અગાઉ સી.બી.આઈ.ની એફ.આઇ.આર.માં પણ ખૂલ્યું હતું. 2018માં યશવંત વર્મા સામે કેસ નોંધાયો હતો. તે વખતે તેઓ સિમ્ભોલી સુગર્સ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સે મિલમાં ગોટાળાઓ અંગે એવી ફરિયાદ કરી હતી કે સુગર મિલ દ્વારા બેન્ક સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.
15 કરોડની રોકડ મળવા અંગે દિલ્હી ફાયર સર્વિસના વડા અતુલ ગર્ગે પહેલાં તો નન્નો ભણ્યો, પણ પછી તેમણે નિવેદન પાછું ખેંચ્યું ને એમ કહ્યું કે રોકડ ન મળવા અંગેનું નિવેદન તેમણે આપ્યું નથી. એની સામે આગના ફોટો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં 500ની નોટનાં બળેલાં બંડલો ફાયર બ્રિગેડના માણસો દ્વારા બહાર કઢાતાં દેખાય છે. જસ્ટિસ વર્માનું કહેવું છે કે મેં કે મારા પરિવારના કોઈ સભ્યે ક્યારે ય સ્ટોર રૂમમાં રોકડ રાખી નથી. આ રકમ મારી નથી. ઘટનાના દિવસે હું ને મારી પત્ની ભોપાલ હતા. મારી પુત્રી અને વૃદ્ધ માતા ઘરે હતાં. હું 15 માર્ચે પત્ની સાથે દિલ્હી પાછો ફર્યો. આ તો મને ફસાવવાનું ષડયંત્ર છે. એમને ષડયંત્ર કઈ રીતે લાગે છે એનો ફોડ એમણે પાડ્યો નથી. આ રકમ તેમની ન હોય, તો કોઈ આટલી રકમ શું કામ મૂકી જાય? એ દ્વારા રોકડ મૂકનારે શું મેળવવું હોય એના જવાબો મળતા નથી. જો કે, 22 માર્ચે સુપ્રીમના સી.જે.આઈ. સંજીવ ખન્નાએ જસ્ટિસ વર્મા વિરુદ્ધ આરોપોની આંતરિક તપાસ માટે 3 સભ્યોની કમિટી બનાવી છે ને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાયને જસ્ટિસ વર્માને કોઈ ન્યાયિક કાર્ય ન સોંપવા જણાવ્યું છે.
એક બાબત સ્પષ્ટ છે કે કશુંક ધૂંધળું છે. સી.બી.આઈ. કે ઇ.ડી.ના દરોડા પડ્યા ત્યારે વર્મા સાહેબના ઘરેથી રોકડ નહોતી પકડાઈ, તે આગ લાગવાથી બહાર આવી. કોલેજિયમમાં લેવામાં આવેલા નિર્ણયો અંગે આગોતરી તકેદારી પણ કશુંક ધૂંધળું છે તેનો જ સંકેત આપે છે. જસ્ટિસ વર્માની ટ્રાન્સફર અને કોલેજિયમનો નિર્ણય એકબીજા સાથે સંબંધિત નથી કે અફવાઓથી દૂર રહેવાની વાતો પારદર્શી જણાતી નથી. વર્મા સાહેબને ત્યાં સી.બી.આઈ. કે ઇ.ડી.ના દરોડા પડવાનું એમ જ બન્યું હતું? એ તો ઠીક સુગર મિલ મામલામાં તેમની સામે સી.બી.આઈ.એ એફ.આઇ.આર. કરી છે તે પણ એમ જ થઈ છે? સી.બી.આઇ.ની એફ.આઇ.આર.માં તેમનું દસમું નામ હતું ને આરોપ એવો હતો કે ખેડૂતો માટે લેવાયેલી લોન અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દેવાઈ હતી. સવાલ તો એ પણ છે કે 14 માર્ચની મધરાતની આ ઘટનાની જાણ સુપ્રીમને છેક 20 માર્ચે થાય છે, કેમ? 15 કરોડ જેવી રકમ રાખ થઈ છે ને તે તો હવે હાથમાં રહી નથી, તો વર્મા સાહેબ તે રકમ પોતાની છે એવું કબૂલવાનું ડહાપણ પણ કેમ દાખવે, ખાસ તો વાત દુનિયામાં ચોળાઈ ચૂકી હોય?
એ જે હોય તે, વધુ તો તપાસ પૂરી થયે ખબર પડશે, પણ સુપ્રીમનો, બદલી અને રોકડ વચ્ચે કોઈ સંબંધ ન હોવાનો ખુલાસો ગળે ઉતારવાનું મુશ્કેલ છે. વારુ, બદલી પણ અલ્હાબાદ હાઇકોર્ટમાં જ કેમ? ત્યાંથી જ તો દિલ્હી હાઇકોર્ટ આવ્યા હતા ! સુપ્રીમ કોલેજિયમે તો જે નિર્ણય કરવો હોય તે ભલે કરે, પણ માત્ર બદલી તો સજાને બદલે સંરક્ષણ પૂરું પાડવા જેવું થશે. સ્પષ્ટ વાત તો એ જ હોય કે બદલી કે કામ ન કરાવવાને બદલે રાજીનામું માંગી લેવાય કે મહાઅભિયોગના પ્રસ્તાવ દ્વારા તેમને હટાવવામાં આવે.
આશ્ચર્ય તો એનું પણ છે કે અનેક વિસંગતિઓ છતાં કોલેજિયમ સિસ્ટમ અસ્તિત્વમાં છે. આ સિસ્ટમ ન્યાયિક સ્વતંત્રતા માટે હોય તેનો તો શો વાંધો હોય, પણ તેમાં ન્યાય સંદર્ભે જ બીજા પ્રશ્નો પણ ઊઠ્યા છે. વડા પ્રધાનથી માંડીને ક્લાર્ક સુધીની નિમણૂક પારદર્શી હોય, તો એવી પારદર્શિતા ન્યાયાધીશોની નિમણૂક બાબતે પણ અપેક્ષિત હોય. 15 કરોડ કોઈ ક્લાર્કના ઘરમાંથી મળે તો તેની બદલી કરવાથી ચાલી જશે? તો, ન્યાયાધીશને ત્યાંથી 15 કરોડ મળે તો તેની બદલીથી જ બધું સમેટાઈ જવું ન જોઈએ.
કોલેજિયમ સિસ્ટમમ, સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ, અને અન્ય ચાર કે પાંચ ન્યાયાધીશોની બોડી છે. તેનું મૂળ કામ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોની નિમણૂક કરવાનું છે. આમ તો એ નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, પણ તે ઔપચારિકતા જ વધુ છે. કોલેજિયમ ન્યાયાધીશોનાં નામની ભલામણ કેન્દ્ર સરકારને કરે છે. કાયદા મંત્રી તે નામો વડા પ્રધાનને મોકલે છે. વડા પ્રધાન તે નામો રાષ્ટ્રપતિને મોકલે છે. રાષ્ટ્રપતિ તે પછી નોટિફિકેશન બહાર પાડીને જે તે નામની ન્યાયાધીશ તરીકે નિમણૂક કરે છે. આમાં સરકારની ભૂમિકા, ઇન્ટેલિજન્સ બ્યૂરો-IB દ્વારા ચકાસણી બાદ, નામો રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવાથી વિશેષ નથી. સરકારને કોઈ નામ ઠીક ન લાગે તો તે પુનર્વિચારણા માટે કોલેજિયમને મોકલી શકે ને કોલેજિયમ એ જ નામ ફરી મોકલે તો, સરકાર તેની નિમણૂક કરવા બંધાયેલી છે. એક તબક્કે નિમણૂકનો અંતિમ નિર્ણય સરકાર પાસે હતો, પણ સરકારનો નિર્ણય રાજકીય હેતુઓ યુક્ત હોય તો ન્યાયિક સ્વતંત્રતા પ્રભાવિત થાય, એટલે કોલેજીયમનો મહિમા જળવાઈ રહે એ પણ જરૂરી હતું, પણ એમાં ય વિસંગતિઓ પ્રવેશી છે, તો કોલેજિયમ સિસ્ટમ અંગે પુનર્વિચાર થવો ઘટે.
આશ્ચર્ય તો એ વાતે પણ છે કે વિસંગતિઓ જાણવા છતાં જજોની નિયુક્તિની પ્રક્રિયામાં કોઈ પરિવર્તન આવ્યું નથી. એક તબક્કે ભા.જ.પ.ની કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ બનાવવાની કોશિશ કરી જોઈ, પણ સર્વોચ્ચ ન્યાયાલયે તેને અસંવૈધાનિક ઠેરવીને છેદ ઉડાડી દીધો. આયોગમાં ફેરફાર કરવાને બદલે તેનો છેદ એટલે ઉડાવાયો કે જજની નિમણૂક જજ જ કરે એવું વધુ યોગ્ય લાગ્યું હોય, પણ કોલેજિયમ દ્વારા થતી નિયુક્તિ ઉપરાંત ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર સંદર્ભે સવાલો ઉદભવ્યા છે. એવું તો નથી કે ન્યાયતંત્ર ભ્રષ્ટતાથી પર છે? બીજું કૈં નહીં તો, સાધારણ માણસનો ભરોસો ન્યાયતંત્ર પર ટકી રહે એટલી ચિંતા તો થવી જોઈએ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 માર્ચ 2025