Opinion Magazine
Number of visits: 9449460
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક મુસલમાનની કૅઝ્‌યુઅલ ડાયરી

એ.ટી. સિંધી|Opinion - Opinion|16 September 2019

તા : ૨૩-૦૪-૨૦૧૯

ભારતદેશની ૧૭મી લોકસભા માટેની ચૂંટણી-પ્રક્રિયાના ત્રીજા તબક્કાના મતદાનનો દિવસ.

સ્થળ : વિકાસમાં ગુજરાતમાં પછાત ગણાતા એક સંસદીય વિસ્તારના નાના શહેરમાં મુસ્લિમ વસ્તીવાળો રહેણાક વિસ્તાર.

સમય : સવારના અગિયાર વાગ્યાની આસપાસનો. આ મહોલ્લામાં કાયમી ધોરણે લારી લઈને શાકભાજી વેચવા આવતાં સીતાબહેન સાથે મહોલ્લાવાસી મુમતાઝબહેનનો સંવાદ :

સીતા : ’કેમ મુમતાઝબુન વોટિંગ કરી આયાં ?’

મુમતાઝ : ’હા, જોને એટલે જ મોડું થયું … તું તો બાઈ ક્યારની મહોલ્લામાં આવી છે, તું વોટ કરવા નથી ગઈ !?’

સીતા : ’બસ એક-બે ઘરાકો પતાવીને હુંયે પાછી જવાની … અમારું તો ઘર દૂર … દાડો માથેથી ઊતરે પછી જ જવાહે …પણ તમે કુને આલ્યો ?’

મુમતાઝ : ’જેને આલ્યો એને ખરો, પણ બાઈ પહેલાંની જેમ તોફાનો ના થાય ને કાયમી શાંતિ રે તો બસ !’

સીતા : ’બુન, હું ય એ જ કું શું ! અમારી વાડમાં પણ બધાં ઇમ જ કેસે કે મોદી ની આવે તો ફેર પાછાં તોફાનો ને કડફ્‌યું … ને – ધંધા બંધ થઈ જાઇ હે … ધંધો નો કરીએ તો શું ખાઈએ ? … અમારે તાં તો બધા ઇમ જ કેસે કે એ આવી જાય તો બસ !… શાંતિ તો રે !’

મુમતાઝ : ’અમે ય એ જ કહીએ છીએ … બીજું બધું તો ઠીક પણ તોફાનોથી તોબા ! … અલ્લા બચાવે !’

સાંજના સમાચાર :  દેશની જેમ ગુજરાતમાં પણ’ શાંતિપૂર્વક’ મ … ત .. દા … ન.

*  *  *

તા : ૨૪-૦૪-’૧૯થી ...

મતદાન પછીના દિવસોમાં મસ્જિદોમાં મૌલવી, ઇમામો, નમાઝીઓ વગેરે પ્રાર્થના સાથે દુઆ કરે છે :

’હે ખુદા, તાઃ૨૩-૦૫-૨૦૧૯ના રોજ મુલ્કની હુકૂમત માટે ફેંસલો થશે. ઓ ખુદા, અમને મુન્સીફ (ન્યાય કરનાર) હાકેમની નવાજીશ કરશો. આમીન.’

’અમે મુજલીમ (પીડિત) છીએ, જાલીમ હુકમરાનોથી અમારો પીછો છોડાવ … અને ચોતરફ અમન-ઈમાનનો માહોલ સર્જાય એવી પરિસ્થિતિઓનું સર્જન કર. આમીન.’

’હે ખુદા … છેવટે તો સૌ ઇન્સાનો તારા બંદા છે … સૌનાં દિલ તારા કબજામાં છે … આગામી રમજાનમાસની બરકતથી તું સૌમાં પ્રેમ, હમદર્દી અને સદ્દભાવનું સિંચન કરી આપ. આમીન.’

*  *  *

તા : ૦૫-૦૫-૨૦૧૯

રમજાન માસનો ચાંદ, ઊગે છે … લોકો ચંદ્ર જોઈને … રોજાઓનો આરંભ કરે છે…ને આવનાર ઈદના ઇન્તજારમાં રાત-દિવસ ઇબાદતના જામ પીને ગમ ભૂલે છે. એમના ખયાલોમાં લોકતંત્રનાં બરકતી પરિણામોની આશાઓ પણ ઝૂલે છે…!

તા : ૧૬-૦૫-૨૦૧૯

વિચારપત્ર ’નિરીક્ષક’નો નિયમિત અંક મળ્યો છે. જાવેદ અખ્તર, ભરત મહેતા ને સંપાદક પ્ર.ન. શાહને વાંચીને એટલું સમજાયું કે ’પક્ષો વચ્ચેની નહીં પણ ’ભારત’ માટેની લડાઈ આ છે.’

તા : ૧૯-૦૫-૨૦૧૯

… ની સાંજે Exit Pollનાં વાદળો ઊમટી આવે છે.

તા : ૨૦-૦૫-૨૦૧૯

… ની સવારે ૫ઃ૦૦ વાગ્યે મિયાં સિદ્દીક મને મસ્જિદમાં મળે છે. ઉંમર વરસ પાંત્રીસેક.

’સાહેબ, અસ્સલામુઅલયકુમ’

’વઅલયકુમસ્સલામ, બોલો કેમ છો?’

’ખેરિયતમાં છું, પણ ગઈ રાત્રે અમારા પડોશની ઓરતોમાં ચર્ચા થતી હતી કે …. બધું વ્યવસ્થિત ને ઠેકાણે કરી લો … મહત્ત્વના ડૉક્યુમૅન્ટ્‌સની કૉપીઓ પણ કઢાવી લો … સાચવવા જેવું હોય એ બધું જ સુરક્ષિત ઠેકાણે રાખો … તા : ૨૩ મે,૨૦૧૯ આવી જ ગઈ છે !’

ખૂબ જ ગભરાઈ ગયેલા સિદ્દીકભાઈની આંખમાં નૂર ડૂસકાં ભરતું હોય તેવું લાગ્યું !

સિદ્દીકભાઈને પામી ગયા પછી એમને ખભે હાથ મૂકી એમને ભયમુક્ત કરવા મારે ખાસ્સી દલીલોનો સહારો લેવો પડ્યો. અંતે એમણે પૂછ્યું :

’સાહેબ,જયપુર જાઉં કે નહીં ?… તા. ૨૩મીનું રિઝર્વેશન છે,’

’કેમ?’

’ખરીદી કરવા … ઈદ આવે છે … નાનો વેપારી છું … કંઈક નવો માલ લઈ આવું તો તહેવારટાણે કમાણી થાય.’

’તે, જાઓને!’

’પણ, ટ્રેનમાં?’

’શું?’

’કહે છે કે હવે તો ગમે તે બહાને ગાડીઓમાં પણ તૂટી પડે છે … મારકૂટવાળી બ્રિગેડ … જાવેદને માથે ટોપી હતી ને એટલે જ ગાડીમાંથી બહાર ફેંકી દીધો હતોને.’

(તારીખ ૨૩મીએ પરિણામો આવે તે પહેલાં જ સિદ્દીકભાઈના વેપારની ગાડી પાટા પરથી ખડી પડી હોય તેમ લાગ્યું.)

*  *  *

તા : ૨૨-૦૫-૨૦૧૯

’હલ્લો, કવિ કિશોર કેમ છો ?…..

‘ઘણા દિવસો પછી ..!’

’દોસ્ત, તારે રમજાન છેને, રોજા મુબારક! …. કેવા દિવસો હતા … તમારા મુસ્લિમ મહોલ્લાના નાકે જ અમારું ઘર હતું. હવે તો જોને આ હાઈવે હાઉસિંગ સોસાયટીમાં તો કૅલેન્ડર જોઈએ ત્યારે જ ખબર પડે કે રમજાન માસની શરૂઆત થઈ ને હવે ઈદ આવશે ! .. ખૈર, કેમ છે?’

’તારો જો ફોન આવે તો હંમેશાં ઈદ જ છે ને … બાકી શું ચાલે છે? …. Exit Pollsનાં તારણો જોયાં કે નહીં?

’ઓ! બાપ’ રે! …. શું થવા બેઠું છે … આ બધું ..?’ ’જા .. દુ.’

’ચોક્કસપણે … જાદુ-નાટક … કીમિયાગીરી … દાદાગીરી … પ્રપંચ … જે કહો તે … રાહુલ ના જ પહોંચી શકે મદારીઓને. સીધો પડે. કેવો દમામ પાથર્યો છે. ભલભલા લપેટાઈ ગયા આ જાળમાં. છોડ યાર, ઢાળ હોય ત્યાં કોઈ સરળતાથી ઢળે તો કંઈ આપણે મુગ્ધપ્રેમીઓની જેમ તાળીઓ વગાડવાની ના હોય. મૂલ્યાંકન કરવાનું હોય!’

’પણ, આણે તો જબરું કર્યું!’

’હા, પણ આપણે અંજાઈ જઈશું તો ! ભારતનો ખયાલ જ ખતમ થઈ ગયો જાણો.’

’દોસ્ત, ભારતની બ્યુટી કોણ ખતમ કરી શકે?’

’મિત્ર, આપણે તો ’ઉમરાવજાન’, ’મુગલેઆઝમ’ ને વળી ’નવરંગ’ના રસિક મર્મીઓ. હમણાં ક્યાંક છાપામાં વાંચવામાં આવ્યું કે દિગ્દર્શક, નિર્માતા મુઝફ્‌ફરઅલીએ કહ્યું કે કવિતા જેવા ભારતદેશનો લય તૂટવાની શરૂઆત લગભગ બાબરી શહાદતથી થઈ જ ગઈ છે … કાવ્યાત્મક સંસ્કૃતિના આત્મા ઉપર કેવો જુલમ! ….. દુર્ભાગ્યે આપણે સાક્ષી થવાનું આવ્યું છે ..!’

’તા : ૧૬/૦૫ – નો ’નયામાર્ગ’ પાક્ષિકનો અંક જોયો?….. ઈંદુભાઈની સૂઝ પણ કમાલ છે, તા : ૧૮મી મે, જેમની જન્મતિથિ છે, એવા પૂરા કદના મુસ્લિમ ગુજરાતી કવિ મર્હૂમ આદિલ મન્સૂરી સાહેબની સુંદર ગઝલના બે શેર ૧૬/૫ના ‘નયામાર્ગ’માંથી વાંચીએ :

’વાંસળી પડઘાય આખા ગામમાં,

કૃષ્ણ એવું  શું છે  તારા  નામમાં !?’

’રોમરોમે મોરપીંછું ફરફરે,

કેવો જાદુ છે આ તારા નામમાં !’

… ને વળી સામે મારા ટેબલ પર ’ગુજરાત સમાચાર’ની ’શતદલ’ પૂર્તિમાં ડૉ. પ્રવીણ દરજીની કૉલમનો લેખ : ’મન તડપત હરિદર્શન કો’, કવિ શકીલ બદાયુની, ગાયક

: મહંમદ રફી, સંગીત : નૌશાદ … સુંદર લેખ!’

(એક સાથે આ બધુંયે ખંખેરી નાખવાના ઉપક્રમને એ લોકો હવે ’નયા ભારત’ કહેવા લાગ્યા છે. છી …  છી … કાલે વળી નવું શું કહેશે !? કહેવા દો … દર્દ કા હદ સે બઢ જાના દવા હો જાતા હૈ …)

*  *  *

તાઃ ૨૩, ૨૪, ૨૫, ૨૬ … સુધી ઊની-ઊની આંધી ચાલી … હા, સાંજે સેન્ટ્રલ હૉલમાં આગામી વડાપ્રધાનના પ્રવચન પછી કંઈક ઠંડક તો પ્રસરી પણ મૂંઝવણે કેડો ના મૂક્યો … નસ્તર મૂકતાં પહેલાં રસાયણ છાંટવામાં આવે છે એવું કંઈક … જે હોય તે!?…..’નવું ભારત’ કે Post Truth?

*  *  *

તા : ૨૭-૦૫-૨૦૧૯, માહે રમજાન પૂર્ણ થવામાં દિવસો દશ જ બાકી છે. બંદગી ને જિંદગી વચ્ચે મેળ સાધવા મથતો મુસ્લિમ સમાજ મસ્જિદોમાં હકડેઠઠ ઇબાદતોમાં મશરૂફ છે. ચૂંટણી-પરિણામોપૂર્વે કંઈક આશાસ્પદ ભાવથી દુઆ ગુજારતા બંદાઓ હવે ખામોશીથી સોશિયલ મીડિયા પર આશાના અંતિમ ઇલાજો શેર કરે છે :

‘શક્ય છે કે જે વસ્તુ તમને ના પસંદ હોય તે

તમારા માટે સારી હોય, અને જેને તમે પસંદ

કરતા હો છો, તે તમારા માટે નુકસાનકારક હોય.

અલ્લાહ (ગેબની વાતો) જાણે છે, તમે નથી જાણતા!’ (કુઑન : પારહ : ૨,સૂરએ-બકરહ)

‘હકૂમતોં કે આને સે ઔર જાને સે કુછ ફર્ક નહિ પડતા … અસલ મેં મકસદ પર નજર રહેની ચાહિયે … નજર હંમેશાં અલ્લાહ કી જાત પર રખેં … હાલાત બદલતે હૈ .. હમારે અલ્લાહ નહીં બદલતેપ. ઔર હાલાતકો અલ્લાહ હી બદલતે હૈ …’

(ચૂંટણી-પરિણામોના પ્રતિભાવમાં સૂફી પરંપરાના મૌલાના સલાહુદ્દીન સૈફીસાહેબની ટિપ્પણી)

*  *  *

તા : ૨૭-૦૫-૨૦૧૯ (ટી.વી. દૃશ્ય)

સ્થળ : શાંતિવન, દિલ્હી ક્યારે ય હતી નહીં, તેવી બોઝિલ શાંતિ વચ્ચે નેહરુ-ગાંધી પરિવારના સભ્યો પુણ્યતિથિ નિમિત્તે પંડિતજીને અંજલિ અર્પણ કરી રહ્યા છે.

(યાદ આવી ગઈ મને મારા વતનના ગામની ૧૯૬૪ની બળબળતી બપોર. ત્રણ-સાડા ત્રણ. દૂર મોટે ગામેથી સમાચારપત્રની થોકડી લઈ અમારા નાના ગામે થળમાં હાંફીને સાઈકલ પર આવતા ફેરિયાની વાટ જોવામાં મિત્રો સાથે ગોંદરે પસાર કરેલી ધગધગતી ક્ષણો … ને પછી છૂટા પૈસા આપી છાપું લઈ … દોડી ગયા હતા બાપા … દાદાની પાસે. વડીલો આશક હતા પંડિતજીના … અમે પણ રડ્યા હતા ચિતા પર મુકાયેલા પંડિતજીના મૃતદેહની તસવીર જોઈને!)

*  *  *

તા : ૨૮-૦૫-૨૦૧૯

વી. ડી. સાવરકર હા, જી વીર-સાવરકરની જન્મતિથિ. વરસે-વરસે જરા હટકે ઊજવાતી જાય છે. ક્યાંક-ક્યાંક કિશોર-કિશોરીઓમાં ખંજરો વહેંચવાનાં સમાચાર પણ વાંચ્યા.

*  *  *

તા : ૩૦-૦૫-૨૦૧૯

સ્થળ : નીચે ધરતી પર … દિલ્હીનું રાષ્ટ્રપતિભવન … નવા પ્રધાનમંડળની સોગંદવિધિનો સમારોહ : … મેં ઈશ્વર કો સાક્ષી માનકર શપથ … (કિન્તુ સૌગંધ ખાતે હૈં રામ કી … ઘર મે ઘૂસ ઘૂસ કે … અબ કી બાર …)

સ્થળ : ઉપર પરલોકે. ૧૫૦મી જન્મજયંતી ઉજવણીના શીર્ષકવાળી ટપાલ વાંચ્યા વિના જ મહાદેવભાઈ દેસાઈને સુપુર્દ કરી નેહરુ, સરદાર ને મૌલાના આઝાદથી આંખો મિલાવ્યા વગર ગાંધીજી કંઈક આવું બોલે છે :

’આપણે થોડી વધુ ધીરજ રાખી શક્યા હોત તો !’ વળી, નિસાસા સાથે, ’કાશ, ઝીણાના સવાલો વિશે … પૂરતું !!!’ …અને ત્યાં જ સરહદના ગાંધીનો ક્યાંકથી પોકેપોકે રડવાનો અવાજ સૌને વિહ્‌વળ કરી મૂકે છે. સૌ એમને સાંત્વના આપવાનું વિચારે છે, ત્યાં જ … વળી, દૂ … ર … દૂ … ર … થી (કદાચ સ્વર્ગ-નરકને જોડતા પુલ પરથી) વીર સાવરકર અને કાયદેઆઝમ ઝીણાના સંવાદ સંભળાય છે :

વીર સાવરકર : મિલાવો હાથ!

કાયદે આઝમ : હાથ! હાથ તો એ દિવસે કપાઈ ગયા. જે દિવસે વરુઓ વચ્ચે ધ્રૂજતા હૃદયે ને કાંપતા કલેજે મારે સહી કરવી પડી … નૉન-સૅન્સ !

વીર સાવરકર : દ્વિ-રાષ્ટ્ર, દ્વિ-રાષ્ટ્ર જોયું ! એક ઘા ને બે કટકા. પછી બ્રિટિશરોએ લીધા લટકા.

કાયદે આઝમ : અરે, ત્યાં સુધી તો ઠીક હતું, પણ વીર નીચે પૃથ્વી પર જો … વંદેમાતરમ્‌ને કે પાકિસ્તાન પયંમ્બાબાદ પૂરતું ચલાવી લેવાય ને કંઈક ચાલી પણ ગયું. પરંતુ … આ નવ્ય-સંસ્થાનવાદીઓ હજુ ય ક્યાં કેડો મૂકે છે ..!?

વીર સાવરકર : હું ને તમે તો દ્વિ-રાષ્ટ્રનું હુ … તુ. .. તુ … તુ … રમ્યા, પણ આ શું ! બૉટલોમાંથી નીકળેલા જીન જેવા ટ્રમ્પ, નેતાન્યાહુ ને વળી સત્તાલોલુપ ગલ્ફના મોહાંધ અરબી સુલતાનો સાથે આપણા નેતાઓની આંધળી સાંઠગાંઠ નવ્ય રાષ્ટ્રવાદના નામે ઉપખંડના હજુ કેટલા કટકા કરાવી નાંખશે, એની ચિંતા આપણને પરલોકે પણ ચેન લેવા દે એમ નથી. ચાલો, ગાંધીની માફી માંગીને પ્રાયશ્ચિત કરીએ.

હે, રામ …!                     

E-mail : atsindhimaulik@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 10-12

Loading

16 September 2019 admin
← ચલ મન મુંબઈ નગરી — 11
‘સ્ટૅચ્યૂ ઑફ યુનિટી’ મુલાકાત →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved