Opinion Magazine
Number of visits: 9504815
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક ક્રાંતિકારી એન્જિનિયરના ‘ખેતીના પ્રયોગો’

વિશાલ શાહ|Opinion - Opinion|4 July 2017

દેશભરના ખેડૂતો સરકાર સામે રોષે ભરાયેલા છે, આત્મહત્યાઓમાં વધારો થઈ રહ્યો છે, વિજ્ઞાન-ટેક્નોલોજીનો ખેડૂતોને પૂરતો ફાયદો નથી મળી રહ્યો અને કૃષિજગતમાં સુધારા કરવા સરકારના હાથ પણ નાના પડી રહ્યા છે, ત્યારે એક એવી વ્યક્તિની વાત કરીએ જે ખેડૂત બનીને ખેડૂતો સુધી પહોંચ્યો છે. એ વ્યક્તિએ એકલપંડે હજારો ખેડૂતોનું જીવન બદલી નાંખ્યું છે અને આ કામ હજુયે ચાલુ છે.

નામ એમનું આર. માધવન. દર વર્ષે દેશભરની ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી દ્વારા જુદી જુદી થીમ પર પાન-આઈ.આઈ.ટી. ઈવેન્ટનું આયોજન થાય. આ કાર્યક્રમમાં દુનિયાભરમાં ફેલાયેલા આઈ.આઈ.ટી.ના વિદ્યાર્થીઓ આવે અને પોતાની વાત કરે. વર્ષ ૨૦૦૮ના પાન-આઈ.આઈ.ટી. ઈવેન્ટની વાત છે. એ ઈવેન્ટમાં રૂરલ ટ્રાન્સફોર્મેશન એટલે કે ગ્રામ્ય પરિવર્તનને લગતો એક કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોર્પોરેટ રેટ રેસ છોડીને ગામડાંના લોકોનું જીવન પરિવર્તિત કરવા કંઈક નવા જ પ્રકારના કામ-ધંધા-વ્યવસાય અપનાવ્યા હોય એવા લોકોની વાત હતી. આ કાર્યક્રમના સ્ટાર હતા, વર્ષ ૧૯૮૬ની આઈ.આઈ.ટી.-મદ્રાસ મિકેનિકલ એન્જિનિયરિંગની બેચના વિદ્યાર્થી આર. માધવન. માધવન દેશની પ્રીમિયમ એન્જિનિયરિંગ ઈન્સ્ટિટયુટના વિદ્યાર્થી હતા અને દેશની અગ્રણી કંપનીમાં આરામની નોકરી છોડીને ખેડૂત બની ગયા હતા.

કલામ સાથેની મુલાકાત પછી ઉત્સાહ વધ્યો

જો કે, માધવન કોઈ સામાન્ય ખેડૂત ન હતા. વર્ષ ૨૦૦૧માં અબ્દુલ કલામ પણ માધવન વિશે સાંભળીને તેમના ખેતરે પહોંચી ગયા હતા. કલામે માધવનના ખેતર પર બે કલાક વીતાવ્યા હતા. માધવનનું કામ નજરોજર જોઈને કલામે કહ્યું હતું કે, આજે દેશને એક નહીં પણ એક લાખ માધવનોની જરૂર છે. આ મુલાકાત પછી માધવને કહ્યું હતું કે, હું ફક્ત એક ખેડૂત માટે પ્રેરણા બની શકું તો પણ એ મારા માટે બહુ મોટી વાત હશે કારણ કે, ડૉ. કલામ પણ મારી પાસે આવી જ અપેક્ષા રાખી રહ્યા છે …

જો કે, માધવનના મુખમાંથી આ શબ્દો સરી પડ્યા ત્યારે તેમને પણ ખ્યાલ ન હતો કે, તેઓ ભવિષ્યમાં એક સામાન્ય ખેડૂત જ નહીં, પણ અનેક સામાજિક કાર્યકર્તાઓ, કૃષિ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો અને કૃષિ ક્ષેત્રે બદલાવ (ચેન્જ) લાવવા માંગતા અનેક લોકો માટે પ્રેરણા બનવાના છે.

માધવનને નાનપણથી જ કુદરત અને કૃષિની દુનિયામાં ઊંડો રસ હતો. ખેતરોની દુનિયા તેમને હંમેશાં આકર્ષતી. કિશોરવયે જ માધવને આંગણામાં બગીચો બનાવ્યો હતો, જેમાં તેમણે ઘરની જરૂરિયાત માટેનાં શાકભાજી પણ ઊગાડ્યાં હતાં. સ્કૂલનો અભ્યાસ કર્યા પછી માધવનને ખેડૂત બનવું હતું. એ માટે તેમણે માતા-પિતાને વાત પણ કરી, પરંતુ તેમનું કશું ચાલ્યું નહીં. છેવટે માધવને જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન પાસ કરીને આઈ.આઈ.ટી.-મદ્રાસમાં એડમિશન લીધું. જો કે, ટેકનિકલ બાબતોમાં ઊંડો રસ ધરાવતા માધવને મિકેનિકલ એન્જિનિયરિંગમાં પણ સારું એવું કાઠું કાઢ્યું. આ ડિગ્રી થકી જ માધવનને ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન(ઓ.એન.જી.સી.)માં ઉચ્ચ હોદ્દે નોકરી મળી.

એન્જિનિયર થયા પછીયે જંપ નહોતો

આ નોકરી વખતે પણ માધવનને વિચાર આવ્યા કરતા કે, હું મારા મિકેનિકલ એન્જિનિયરિંગના શિક્ષણનો ખેતીમાં કેવી રીતે ઉપયોગ કરી શકું! કૃષિમાં સામાન્ય ખેડૂતને ખૂબ વૈતરું કરવાનું આવે છે, પૈસા ઓછા મળે છે અને અનેક લોકો ભૂખે મરે છે. આ બધું કેવી રીતે અટકાવી શકાય! આ પ્રકારના વિચારો વચ્ચે માધવને એક દિવસ ખેતી કરવા માટે પિતા પાસે થોડાઘણાં પૈસા માંગ્યા, પરંતુ માધવનની યોજના સાંભળીને જ પિતા ભડક્યા. છેવટે માધવને ઓ.એન.જી.સી.માં પોતાના બોસને વિનંતી કરીને દરિયા કિનારાની સાઇટ પર બદલી લઈ લીધી. આ પ્રકારની સાઇટ પર ૧૪ દિવસ સળંગ કામ કરવાનું રહેતું પણ એ પછી સળંગ ૧૪ રજા મળતી. માધવનનો ત્યાં જવાનો હેતુ નોકરી સિવાયના ૧૪ દિવસનો ઉપયોગ કરીને ખેતીનું શિક્ષણ મેળવવાનો તેમ જ બચત કરવાનો હતો. દરિયાકિનારાની સાઇટ પર માધવને સળંગ નવ વર્ષ કામ કર્યું. જો કે, એ સ્થળે ચારેક વર્ષ કામ કરીને માધવન સારી એવી બચત કરી, જેમાંથી તેમણે ૧૯૮૯માં ચેન્નાઇ નજીક ચેંગેલપેટમાં છ એકર જમીન ખરીદીને ખેતી કરવાનું શરૂ કર્યું.

માધવને રોડ કનેક્ટિવિટી અને પાણીની સુવિધા બધું જ જોઈને હોંશે હોંશે જમીન ખરીદી હતી. એ દિવસોમાં માધવન જેવા એક શહેરી એન્જિનિયરને જોઈને આસપાસના ગ્રામજનો શંકાની નજરે જોતા કારણ કે, માધવન તેમના પેન્ટ-શર્ટ પહેરતા અને અસ્ખલિત અંગ્રેજી બોલતા. માધવન આસપાસના ગામના ખેડૂતોથી ‘જુદા’ હતા. ગ્રામજનો કદાચ એવું વિચારતા કે, અમારી જમીન હડપ કરી લેવાનું આ સરકારી કાવતરું તો નથી ને! માધવનને ખેતીને લગતું ટેકનિકલ જ્ઞાન જોઈતું હતું. એ માટે તેઓ આસપાસની કૃષિ યુનિવર્સિટીમાં ગયા પણ કોઈ જ મદદ ના મળી. ખેતીવાડીને લગતું પ્રાથમિક અને પ્રેક્ટિકલ જ્ઞાન ખેડૂતો પાસેથી જ મળે, પરંતુ એક પણ ગ્રામજન માધવનને કશું શીખવાડવા તૈયાર ન હતો. વળી, ગામડિયાં અને શહેરી ખેડૂત વચ્ચે મોટો ‘કોમ્યુિનકેશન ગેપ’ પણ હતો. આ સ્થિતિમાં માધવને છ એકર જમીન પર સૌથી પહેલા ડાંગર ઊગાડી, જેમાંથી તેમને માંડ બે ટન ચોખા મળ્યા. માધવન સ્વાભાવિક રીતે જ સખત નિરાશ થયા, પરંતુ આ નિષ્ફળતા પછી તેઓ વધારે આક્રમક અને જિદ્દી બન્યા.

એટલે માધવનના પિતા પણ તેમના પર ગુસ્સે હતા. તેઓ માધવનને મૂર્ખ કહેતા, પરંતુ માધવન અઠંગ એન્જિનિયરની અદામાં જવાબ આપતા કે, હું ભૂલમાંથી ઘણું શીખું છું. હજુ મારે 'ટ્રાયલ એન્ડ એરર' પદ્ધતિથી ખેતીના પ્રયોગો ચાલુ રાખવા છે. જો કે, માધવનના 'ટ્રાયલ એન્ડ એરર' સળંગ ત્રણ વર્ષ ચાલ્યા અને દર વર્ષે તેઓ કંઈક નવું શીખ્યા. માધવન ૧૯૯૩માં જ નોકરી છોડીને ફૂલટાઇમ ખેડૂત બનીને ખેતીવાડીના ધંધામાં અસ્તિત્વ ટકાવતા શીખી ગયા હતા.

ઈઝરાયેલમાં મળી આઘાતજનક માહિતી

આ દરમિયાન વર્ષ ૧૯૯૬માં માધવને કૃષિ ટેક્નોલોજી વિશે માહિતી મેળવવા ઇઝરાયેલની મુલાકાત લીધી. માધવને ઇઝરાયેલમાં જોયું કે, આ દેશ પાણી અને સિંચાઈને લગતી ટેક્નોલોજીમાં ઘણો જ ઈનોવેટિવ છે. જેમ કે, ઇઝરાયેલી ખેડૂતો એક એકરમાં સાત ટન મકાઇનો પાક લેતા, જ્યારે ભારતમાં એક એકરમાં એક ટનથી પણ ઓછી મકાઇ પાકતી. ઇઝરાયેલ એક એકરમાં ૨૦૦ ટન ટામેટાંનો પાક લેતું, જ્યારે ભારતીય ખેડૂતો માંડ છ ટન. ઈઝરાયેલમાં કોઈ પણ શાકભાજી કે ફળનાં વૃક્ષ-વેલા તેમ જ જમીનના એક નાનકડા ટુકડાને પણ મોટા ઉદ્યોગગૃહની જેમ સાચવવામાં આવતું. ભારતમાં પાણી પણ વધારે વપરાતું અને પાક ઓછો ઉતરતો. ઈઝરાયેલ ટપક સિંચાઇ પદ્ધતિથી પાક લેતું અને પાણીનો બિલકુલ વ્યય ન થતો. કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે, ભારતના ખેતરોમાં એક લિટર પાણીના બદલે ૭૫૦ લિટર પાણી વપરાય છે.

આ પ્રકારની આંકડાકીય માહિતી આઈ.આઈ.ટિયન એન્જિનિયર માધવન માટે આઘાતજનક હતી. ઇઝરાયેલની ઇનોવેટિવ કૃષિ અને સહકારી પદ્ધતિનો ઊંડો અભ્યાસ કરવા માધવન ૧૫ દિવસ ઇઝરાયેલમાં રહ્યા. ઇઝરાયેલની મુલાકાતના બીજાં જ વર્ષે, ૧૯૯૭માં, માધવન થોડા ઘણાં સંપર્ક-સરનામાં લઈને ખેતીનું શિક્ષણ મેળવવા અમેરિકા પહોંચ્યા. અમેરિકામાં તેઓ કેલિફોર્નિયામાં ખેતી કરતા ડૉ. લક્ષ્મણનને મળ્યા. લક્ષ્મણન ૫૦થી ૬૦ હજાર એકરમાં ખેતી કરવાનો ૩૫ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા હતા. આ મુલાકાત માધવનની તો ઠીક, ભારતના હજારો ખેડૂતોની તકદીર બદલી નાંખવાની હતી. લક્ષ્મણન પાસેથી માધવન પાક ફેરબદલી, સિંચાઈ અને જમીનને લગતું ઊંડું ટેકનિકલ જ્ઞાન લઈને ભારત પરત ફર્યા. આ સિવાય પણ ભારતની સ્થિતિને ધ્યાનમાં રાખીને લક્ષ્મણને માધવનને ઘણાં બધા સૂચનો કર્યા. એ દિવસને વીસેક વર્ષ થઈ ગયાં છે, પરંતુ માધવન હજુયે ઇ-મેઇલ, સ્કાયપ અને ગૂગલ ટૉકની મદદથી લક્ષ્મણન પાસે ખેતીવાડીના પાઠ શીખી રહ્યા છે.    

કૃષિ ભારતની બરબાદીનો જવાબ

અમેરિકાથી પાછા આવતા જ તેમણે લક્ષ્મણન પાસેથી શીખેલી પાક ફેરબદલ પદ્ધતિથી ખેતી કરવાનું ચાલુ કર્યું. જેમ કે, માધવને ઓગસ્ટમાં ડાંગર વાવી અને ડિસેમ્બરમાં લણણી કરી. ડિસેમ્બરમાં શાકભાજીનો પાક લીધો અને ફેબ્રુઆરી સુધી તગડી કમાણી પણ કરી લીધી. એ પછી મગફળી અને તલ જેવા રોકડિયા પાકો લીધા કારણ કે, મે મહિનો આવતા સુધીમાં તો ચેન્નાઇમાં પાણીની તંગી હોય, પરંતુ આ બંને પાક ઓછાં પાણીએ પણ લેવાઈ જતા. એ પછી તો માધવનનો આત્મવિશ્વાસ એવો વધ્યો કે, તેમણે ૧૯૯૯માં બીજી ચાર એકર જમીન ખરીદી. હવે તેઓ કુલ દસ એકર કૃષિલાયક જમીનના માલિક છે અને દર વર્ષે પ્રતિ એકર સરેરાશ એકાદ લાખ રૂપિયા કમાઈ લેતા. આટલાં વર્ષોની અથાક મહેનત અને કારકિર્દી જોખમમાં મૂકીને ખેતીવાડી શીખ્યા પછી માધવન બે દાયકાથી દેશભરના ખેડૂતોનું જીવન બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

માધવન નાના અને સીમાંત ખેડૂતોનું એક જૂથ તૈયાર કરીને તેમને ભાડાપટ્ટે જમીન અપાવે છે. આ જૂથના સભ્યોને માધવન વાવણી, લણણી, જંતુનાશક દવાઓનો છંટકાવ અને માર્કેટિંગ જેવાં કામની વહેંચણી કરી દે છે. માધવન દરેક સભ્યના દિલોદિમાગમાં એક વાત ઠસાવી દે છે કે, તમારું જૂથ જેટલું મોટું, એટલો તમને ફાયદો. તમે જેટલા વધારે હશો, એટલી વધારે મોટી જમીન ભાડાપટ્ટે લઈ શકશો અને જેટલી જમીન વધારે લેશો એટલો તમને વધારે ફાયદો. આવું એક જૂથ સ્વનિર્ભર થઈ જાય પછી માધવન બીજા કોઈ સ્થળે જઈને નવું જૂથ બનાવે છે. માધવને તમિલનાડુમાં ૧૦,૮૦૦ નાના ખેડૂતોનું જૂથ તૈયાર કર્યું છે, જ્યારે કેરળના એક જૂથમાં ૪,૫૦૦ ખેડૂતો છે. આ તમામ ખેડૂતો સારી કમાણી કરે છે અને બીજા ખેડૂતોને પણ મજબૂત બનાવી રહ્યા છે. આ જૂથના લોકોને લોન કેવી રીતે લેવી અને પોતાનું જ પ્રોસેસિંગ યુનિટ કેવી રીતે ઊભું કરવું એ પણ શીખવવામાં આવે છે. માધવન પોતાના ઉત્પાદનો પોતે જ જીપ લઈને મિલ સુધી વેચવા જતા. હવે તેઓ ખેડૂતોના જૂથોને પણ કૃષિપેદાશો વેચવાનું શીખવે છે, જેથી શોષણખોર વચેટિયા જ નીકળી જાય છે.

***

આર. માધવન એક ક્રાંતિ છે. ગ્રામીણ ભારતની બરબાદી, વચેટિયાઓનાં શોષણ, નાના ખેડૂતોની આત્મહત્યાઓ, પંચવર્ષીય યોજનાઓ તેમ જ કૃષિ યુનિવર્સિટીઓ અને ખેડૂત પરિવારો વચ્ચેની ખાઈનો જવાબ પણ માધવન છે. આજે ય માધવન પ્રતિ એકર દસેક ટકા જમીન પર ટ્રાયલ એન્ડ એરર પદ્ધતિમાં વિશ્વાસ રાખીને સંશોધનો કરી રહ્યા છે, જેનો લાભ ફક્ત તેઓ નથી લેવા માગતા, પણ આ પ્રયોગો કરીને તેઓ ભારતના દરેક ખેડૂતનું જીવન બદલવા માગે છે.

માધવનનું કહેવું છે કે, ખેતીમાંથી મને સારી એવી કમાણી થઈ એ વાત ખરી, પરંતુ આ કામમાંથી મને ઘણો આનંદ અને સુખ મળ્યાં છે. પૈસા માટે કામ કરવું અને આનંદ માટે કામ કરવું એ બેમાં ફર્ક છે. ખેતીમાંથી મને બંને મળે છે. આનાથી વધુ મોટી વાત કઈ હોઈ શકે! હું ઇચ્છું છું કે, આપણે કૃષિ વિજ્ઞાનની મદદથી ખેડૂતોને સદ્ધર બનાવી શકીએ છીએ. એ માટે શિક્ષિત યુવાનોએ કૃષિમાં કારકિર્દી બનાવવી જોઈએ અને ભૂખથી પીડાતા દેશમાંથી અન્નની નિકાસ થાય એ માટે રાષ્ટ્રીય સ્તરનું આંદોલન છેડવું જોઈએ …

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ; ‘ફ્રેન્કલી સ્પીકિંગ’ 

http://vishnubharatiya.blogspot.co.uk

Loading

4 July 2017 admin
← ભારતીય સંસ્કૃિતમાં કામનું ‘સ્ખલન’
Decoding new India →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved