હું વચગાળાનો માણસ …
જોરથી બોલવા જાઉં તો
બૂમ પાડવા જેવું લાગે.
ધીમે બોલું તો સંભળાય નહીં.
દૂરદૂર હોય તેને બોલાવવા માટે તો
બૂમ પાડવી જ પડે.
પણ બૂમ પાડવાનું પાલવે તેમ નથી.
હું વચગાળાનો માણસ …
ગામનો નહીં કે નહીં શહેરનો.
એમ તો શહેરો ગામોમાંથી બન્યાં છે.
પણ પછી તો ગામો ઓગળી ગયાં છે.
કેટલાક ગામમાં જન્મીને શહેરમાં રહે છે.
જોકે શહેરમાં જન્મીને
ગામમાં રહેનારા બહુ નથી.
હું જન્મ્યો’તો શહેરમાં
પણ આજે શહેરમાં નથી.
હું વચગાળાનો માણસ …
દૂધમાં નથી કે નથી દહીંમાં.
દહીં જોકે દૂધમાંથી જ બને છે.
દૂધ મોળું હોય છે અને દહીં ખાટું.
પણ દૂધ અને દહીં બંને દેખાય ધોળાં.
શું લેવું તે નક્કી કરવું મુશ્કેલ છે.
હું વચગાળાનો માણસ …
ઘરનો નથી કે ઘાટનો નથી.
હું છું રસ્તા પર.
ઘરમાં રહી શકું તેમ નથી.
ઘાટ પર પણ ઠરીઠામ નથી.
હું ગઈ કાલનો નથી
કે નથી આવતી કાલનો.
અને હવે
આજનો પણ નથી રહ્યો.
9-A, Sauramya, Vunukaka Marg, Bakrol, ANAND – 388 315, India
સૌજન્ય : “એતદ્દ”, 246 : જૂન 2025
 

