
રાજ ગોસ્વામી
ગુજરાતી ભાષાની પ્રસિદ્ધ ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી પરિવારના વારસ સલિલ ત્રિપાઠીએ ગુજરાતી સંસ્કૃતિ પર અંગ્રેજીમાં એક પુસ્તક લખ્યું છે. તે નિમિત્તે, એક્ટર અને એન્કર સાયરસ ભરૂચા સાથે તેમનું એક પોડકાસ્ટ સાંભળવાનો મોકો મળ્યો હતો. તેમાં, દેશ-વિદેશના ગુજરાતીઓની ઘણી વાત થઇ હતી.
તે દરમિયાન, ગુજરાતીઓના પહેલા વિદેશી ડેસ્ટીનેશન ઇસ્ટ આક્રિકાની વાત નીકળી. તેમાં સલિલભાઈએ ગુજરાતીઓ કેવી રીતે આફતમાંથી ઊભા થાય છે અને પ્રગતિ કરે છે તેની એક રસપ્રદ વાત ટાંકી. જેણે ગુજરાતીઓને પહેરેલે લૂગડે હાંકી કાઢ્યા હતા તે યુગાન્ડાના તાનાશાહ ઈદી અમીન પાછળથી બીમાર પડ્યા અને સાજા થવા માટે સાઉદી અરેબિયા ગયા, ત્યારે ત્યાં વાસંતી મકવાણા નામની એક નર્સે તેમની સારવાર કરી હતી અને ઈદી અમીનને કહ્યું પણ હતું કે, “તમે અમને લોકોને તગેડી મુક્યા હતા અને હવે અમે તમારો જીવ બચાવી રહ્યા છીએ.”
આ વાત બહુ જાણીતી નથી લાગતી. ગુજરાતીઓ અને ગુજરાતીઓને લગતાં પુસ્તકોમાં તેનો ઉલ્લેખ નથી. થોડી છૂટીછવાઈ માહિતી પત્ર-પત્રિકાઓમાં પડેલી છે. કોણ હતી આ વાસંતી મકવાણા અને શું હતી ઈદી અમીનની વાર્તા?
રાજકોટથી નીકળતા ‘અબતક’ નામના સાંધ્ય દૈનિકના એક લેખ અનુસાર, વર્ષો પહેલાં પોરબંદરનો એક દલિત યુવાન, જહાજમાં મજૂર તરીકે આફ્રિકા ગયો હતો અને તેના શેઠના કહેવાથી યુગાન્ડામાં રોકાઈ ગયો હતો. પાછળથી તેણે તેની પત્નીને પણ બોલાવી લીધી હતી. તેને એક દીકરો થયો હતો અને તે યુગાન્ડાના નાગરિક તરીકે મોટો થયો હતો. આ દીકરાએ યુગાન્ડાની એક દલિત છોકરી સાથે લગ્ન કર્યાં હતાં. તેને એક દીકરી થઇ તેનું નામ વાસંતી મકવાણા.
1971માં, યુગાન્ડાની સેનાના કમાન્ડર ઈદી અમીને, ઇઝરાયેલની મદદથી, બળવો કરીને પોતાને ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે સ્થાપિત કર્યા હતા. તેનું શાસન યુગાન્ડાના ઇતિહાસમાં સૌથી ઘાતકી હતું. યુગાન્ડાની સેનામાં વિરોધીઓને દબાવવા માટે થઈને ઈદીએ મોટા પાયે વંશીય સાફ-સફાઈ શરૂ કરી હતી અને થોડા જ સમયમાં તે વંશીય નરસંહાર બની ગયો હતો. કહેવાય છે કે તેના આઠ વર્ષના શાસનમાં 80 હજારથી લઈને 3 લાખ લોકોની કત્લેઆમ કરવામાં આવી હતી. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ 5 લાખનો આંકડો આપે છે.
1972માં, ઈદીએ યુગાન્ડામાં રહેતા ભારતીયોને 90 દિવસમાં દેશ છોડી દેવાનો હુકમ કર્યો હતો. તે વખતે ત્યાં 80 હજાર ભારતીયો રહેતા હતા. આ લોકો યુનાઇટેડ કિંગ્ડમ, કેનેડા, કેન્યા, પાકિસ્તાન અને ભારત રવાના થઇ ગયા હતા.
1986માં, યોવેરી મુસેવેની નામના ઉદારવાદી નેતાએ દેશની કમાન સંભાળી, ત્યારે ઘણા ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ, યુગાન્ડા પાછા ફર્યા હતા.
મુસેવેનીએ ત્યારે કહ્યું હતું કે, “યુગાન્ડાના સામાજિક અને ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતીઓએ આગળ પડતી ભૂમિકા ભજવી છે. મને ખબર છે કે આ પ્રજા મારા દેશમાં જાદુ કરે તેવી છે.”
1972માં જે સ્થળાંતર થયું, તેમાં પેલો દલિત પરિવાર પણ હતો. તે થોડા સમય સુધી શરણાર્થી શિબિરમાં રહ્યો હતો અને પછી બીજા અસંખ્ય પરિવારોની સાથે બ્રિટન જતો રહ્યો હતો. તે વખતે વાસંતીની ઉંમર 14 વર્ષની હતી. તેની સાથે તેનાં બીજાં ચાર ભાડુંઓ હતાં. તે બ્રિટનમાં ભણીને ડોકટર બની હતી અને મિશનરીઓની મદદથી વધુ ભણવા માટે કેનેડા ગઈ અને ત્યાં જ સ્થાયી થઇ હતી.
1979માં, સેનાના જનરલ અને દેશના ઉપરાષ્ટ્રપતિ મુસ્તફા એદ્રિસીએ અમીન સામે બળવો કર્યો અને તેમને પદભ્રષ્ટ કર્યાં. તેઓ લીબિયા ભાગી ગયા અને અંતત: સાઉદી અરેબિયામાં શરણ લીધું. પાછલાં વર્ષોમાં તેમનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. 19 જુલાઈ, 2003માં તે કોમામાં જતા રહ્યા હતા અને જેદ્દાહમાં કિંગ ફૈસલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
યોગાનુયોગ, તે સમયે વાસંતી મકવાણા એ જ હોસ્પિટલમાં વધુ મેડિકલ અનુભવ માટે આવેલી હતી. આ અંગે, ‘ન્યુ ઇંગ્લિશ રીવ્યુ’ નામની એક પત્રિકામાં વાસંતીનું લાંબુ બયાન પ્રગટ થયેલું છે. તેમાં તે કહે છે કે તેને એક રાતે અઢી વાગે એક વી.આઈ.પી. દર્દીની સારવાર માટે ઈમરજન્સી યુનિટનો ફોન આવ્યો હતો.
વાસંતી જ્યારે ઈમરજન્સી વોર્ડમાં પહોંચી ત્યારે તેના આઘાત અને આશ્ચર્ય વચ્ચે સ્ટેચર પર ઈદી અમીન હતા. વાસંતી કહે છે, “એ એક દુ:સ્વપ્ન જેવું હતું. આ માણસે હજારો એશિયન લોકોને તગેડી મુક્યા હતા. અને હવે મારી નજર સામે શ્વાસ લેવા માટે ઝઝૂમી રહ્યો હતો. મારું દિલ જોર જોરથી ધડકતું હતું. મેં જાતને કહ્યું હતું – વાસંતી, જાતને સંભાળ! આ માણસ ઘરડો થઇ ગયો છે, એ તને કશું નહીં કરે, તેને તારી મદદની જરૂર છે.”
વાસંતી કહે છે કે ઈદી અમીને તેનો હાથ પકડીને કમજોર અવાજમાં કહ્યું હતું, “પ્લીઝ હેલ્પ મી … હું બહુ બીમાર છું.” વાસંતીએ હિંમત ભેગી કરીને તેમના હાથ પર હાથ મૂકીને કહ્યું હતું, “સર, તમે કાબેલ હાથમાં છો અને અમે તમને સાજા કરવા માટે બનતું કરીશું.”
તેમને આઈ.સી.યુ.માં લઇ જવા પડે તેમ હતા. તેના માટે તૈયારી ચાલતી હતી તે વખતે વાસંતી પાસે થોડી મિનિટો હતી. તેમની સાથે વાત કરવાનો આ જ એક મોકો હતો. કદાચ તેને અંદેશો હતો કે અમીન બચવાના નથી. તે કહે છે, “મેં સીધું જ તેમની ડરેલી આંખોમાં જોયું અને સ્પષ્ટ રીતે કહ્યું – મારી સામે જુવો. હું પણ એ જ એશિયનોમાંથી એક છું જેમને તમે વર્ષો પહેલાં દેશ બહાર તગેડી મુક્યા હતા.”
ઈદી અમીનની આંખો પહોળી થઇ. તેમના મગજમાં વર્ષો જૂની યાદોનાં ઝાળાં સાફ થતાં હોય તેવું મોઢા પર દેખાતું હતું. તેમની આંખોમાં જે ડર દેખાતો હતો તે વાસંતીથી ભૂલાય તેમ નહોતો. તે કહે છે, “તેમનો એ ચહેરો મારા મનમાં કાયમ માટે જડાઈ ગયેલો છે. થોડીક જ સેકન્ડોની વાત હતી, પણ આ માણસને લગતાં મારાં બાળપણનાં દુ:સ્વપ્ન એ ક્ષણે ઓગળી ગયાં. મને મારી તાકાત પાછી મળી ગઈ હતી.”
“મેં તેમની સાથે નજર મિલાવી રાખી,” વાસંતી કહે છે, “મેં શ્વાસ લીધો અને સ્પષ્ટ રીતે કહ્યું – ગભરાશો નહીં. હું તમને નુકસાન નહીં પહોંચાડું. હું તમને સાજા થવામાં મદદ કરીશ. પણ તમારે એ જાણવું જોઈએ કે મારા પિતા વર્ષો સુધી યુ.કે.માં રહ્યા હતા. એ એમનું ઘર નહોતું અને તેમણે તમને ક્યારે ય માફ કર્યા નહોતા. તમે અન્યાય કર્યો હોવા છતાં, મોટા ભાગના એશિયનોએ બહેતર જીવન બનાવ્યું છે. “
એ પછી ઈદી અમીનને આઈ.સી.યુ.માં લઇ જવામાં આવ્યા. 16 ઓગસ્ટ 2003ના રોજ ઈદી અમીને શ્વાસ છોડી દીધો. તેમની ઉંમર 80 વર્ષની હતી. તેમને જેદ્દાહના કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા હતા અને તેની ખબર પરિવાર સિવાય કોઈને નહોતી. એ એક ગુમનામ મોત હતું.
(પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’, નામે લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 23 માર્ચ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર