ગુજરાતમાં અંદરોઅંદર ચર્ચાતો આ પ્રશ્ન છે : શું લાગે છે? આમ તો કોઈને કૈં લાગતું નથી, કારણ આ પ્રશ્ન ચૂંટણીનો છે. કૈં ન લાગતું હોય તો પણ બધાંને બધું જ લાગતું હોય તેમ સૌ વ્યસ્ત છે. આમ લાગવાનું કારણ એ પણ છે કે મતદાતાઓ તેમનું મન કળાવા દેતા નથી. બધે જ મતદાતાઓ દેખાય છે. બધા જ સભાઓમાં ભીડ કરે છે. બધી જ પાર્ટીઓને લાગે છે કે લોકો તેમની તરફ છે, પણ બધી જ પાર્ટીઓ કૈં ગાદી પર બેસવાની નથી, એટલે કોણ બેસશે તે સંદર્ભે પુછાયા કરે છે, ‘શું લાગે છે?’ ભા.જ.પ.ને બધી જ 182 સીટો મળશે એવું કહેનારાઓ અત્યારે આંકડો ઘટાડીને 150 પર આવ્યા છે, એટલું જ નહીં, ગૃહ મંત્રી જેવાને ભરોસો ન પડતાં તેમણે તો કહ્યું પણ ખરું, ‘તમે ભરોસો આપો પણ હું કેમ માનું? વાણિયો છું.’ એમણે એવો તોડ કાઢ્યો કે એક ઓળખીતો બીજા 20 ઓળખીતાને મત આપવાનો આગ્રહ કરે. એ પરથી અહીં એક એક મતની ચિંતા થતી હોય એમ લાગે છે. બીજી તરફ દિલ્હીના મુખ્ય મંત્રી ને આપના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ તો દાવો કરે છે કે ગુજરાતમાં આપની સરકાર આવે છે. કાઁગ્રેસનો અવાજ નથી સંભળાતો, પણ તેણે પણ આશા છોડી નથી.
આજકાલ ચૂંટણીનો ગરમાટો એટલો છે કે ગુજરાતમાં કોઈને ઠંડી લાગતી નથી. એ જ કારણ છે કે ગુજરાત જ ભારત થઈ ઊઠયું હોય તેમ મંત્રીઓ, મુખ્ય મંત્રીઓ, પક્ષ પ્રમુખો ને નાના મોટા નેતાઓ પોતાના પક્ષના ઉમેદવારોને જીતાડવા દોઢિયું કે દાંડિયા રાસ ખેલતા હોય તેમ જનતાને પણ હાથતાળીના ગરબા કરાવે છે ને લોકો સભાઓ અને રોડ શોમાં અળસિયાંની જેમ આગળપાછળ થતા રહે છે. આટલું ઓછું હોય તેમ સુરતની 12 સીટોને માપી લેવા વડા પ્રધાન પણ સુરતમાં ઊતરી પડ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને બીજા પણ ઘણા નેતાઓ સુરતમાં આવી ગયા છે ને બાકી હશે તે 1 તારીખ પહેલાં આવશે પણ ખરા. એ પછી આ ભરતી રહેવાની નથી. 8 તારીખે ચૂંટણીનું પરિણામ આવે તે પછી લાંબો વનવાસ જનતાએ પોતાને ખર્ચે ને જોખમે વેઠવાનો જ છે. અત્યારે તો નારેબાજી ને રોડ શોમાં ને ચૂંટણી કાર્યાલયોમાં મફતિયા નાસ્તાપાણીમાં દા’ડા ક્યાં જાય છે તેની ખબર પડતી નથી, પણ પછી બધાંને મોંઘવારી ને ગેસ સિલિન્ડર કે પેટ્રોલની વધઘટ ઘેરી વળવાની છે તે નક્કી છે. ટૂંકમાં, જનતાએ પોતાનું વજન પોતે જ ઉપાડીને જિંદગી ઢસડવાની છે.
અત્યારે તો પાર્ટીનો નેતા કે મંત્રી ભાષણમાં સામેની પાર્ટીની કેવી રીતે ધોલાઈ કરે છે તે જોવાની મજા પડે છે, એવી જ મજા સામેવાળો એની સામેવાળાની કેવી રીતે ફિરકી ઉતારે છે તેમાંથી પણ લેવાય છે. આમ તો આકાશમાં પરપોટા ફૂટતા હોય એવું વધારે લાગે છે. કોઈ પણ કૈં પણ કરી શકે છે. જેમ કે, રાજકોટ કાઁગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સભામાં અલ્લાહ અને મહાદેવને એક કરી દીધા છે. એમને અજમેરમાં મહાદેવ અને સોમનાથમાં અલ્લાહ દેખાય છે. આ કોઈ આધ્યાત્મિક અવસ્થા નથી, પણ હિન્દુ અને મુસ્લિમોના મત મળે એટલે એમણે અલ્લાહ-મહાદેવને એક કર્યા છે. ચાલો, મતને નામે તો એકતા થઈ ! આ એ ઇન્દ્રનીલ છે જે આપમાં 200 દિવસ ઝાડુ ફેરવીને કાઁગ્રેસમાં પરત થયા હતા અને રાહુલ ગાંધીની તેમણે આપમાં જવા બદલ જાહેરમાં માફી માંગી હતી. આટલું થાય અને ભા.જ.પ. ચૂપ રહે એવું તો બને જ કેમ? તેણે તરત જ કહી દીધું કે કાઁગ્રેસ તકવાદી છે. અહીં ગમ્મતી સવાલ એ થાય કે તકવાદી કોણ નથી? આ તો ડાહી સાસરે ન જાય ને…વાળો ઘાટ છે.
યોગી આદિત્યનાથે સુરતમાં ત્રણેક સભાઓ કરી. એમાં કામ તો પ્રચારનું જ હોય, પણ તે સામેવાળાને ભાંડ્યા વગર તો ન થાયને ! તેમણે આમ આદમી પાર્ટીના કેજરીવાલને એમ સંભળાવ્યું કે એ તો આતંકીઓના હિતેચ્છુ છે. તેને મત ન અપાય. તો, કેજરીવાલ બાકી રહે? એમણે ટ્વિટ કરીને કહ્યું કે ગાળાગાળી, ગુંડાગર્દી, ભ્રષ્ટાચાર જોઈતો હોય તો ભા.જ.પ.ને મત આપજો ને સ્કૂલ, હોસ્પિટલ, વીજળી, પાણી જોઈતાં હોય તો મને મત આપજો. સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ બોલાચાલી કરતાં હોય એવું નથી આ? બેની લડાઈમાં ત્રીજો ફાવે એમ કાઁગ્રેસ પણ ઘૂસ તો મારે જને ! તેણે પણ પંજો મારતાં કહ્યું કે બીજાને રેવડીની ટકોર કરતાં ભા.જ.પે. પણ, સંકલ્પ પત્રને નામે રેવડી પત્ર જ બહાર પાડ્યો છે. કાઁગ્રેસે જ સંકલ્પપત્રને ‘દગાપત્ર’ પણ કહ્યો. એમ પણ લાગે છે કે મતદાતાઓ પક્ષોને વિશ્વાસુ લાગતા નથી. એટલે જ અમિત શાહે ‘20-20’ નો ખેલ પડ્યો છે. ભા.જ.પ.નો ઢંઢેરો બહાર પડ્યો છે. વડા પ્રધાને પોતે કહ્યું છે કે બાળકથી લઈને વડીલો સુધીનાનું ધ્યાન રખાયું છે. એમણે કહ્યું નથી પણ જનતાને એ સંભળાય તો નવાઈ નહીં કે કોઈના મત રહી ન જાય એનું ધ્યાન વધારે રખાયું છે. એ પણ દેખાય છે કે ગરીબી અને મોંઘવારીનો મુદ્દો હવે કદાચ પ્રભાવક રહ્યો નથી. ન રહે એનું કારણ છે. આ વખતે નવેક ઉમેદવારો તો અબજોપતિ છે. કરોડપતિ તો હોય, પણ આ તો અબજોપતિ ! એમાંના 5 તો ભા.જ.પ.ના જ છે. માણસાના જયંતીભાઈ પટેલ 661 કરોડ સાથે સૌથી ઉપર છે. આ સ્થિતિ હોય તો ગરીબી કે મોંઘવારીની વાત તો આઉટડેટેડ જ લાગેને !
વડા પ્રધાન વરાછામાં રોડ શો કરે તેનું કારણ છે. કારણ એ કે અહીંના પાટીદારો નારાજ છે. પાટીદારોના મત નિર્ણાયક છે ને રાત્રિ રોકાણ સુરતમાં કરીને વડા પ્રધાને ડેમેજ કંટ્રોલનું કામ કર્યું હોય તો નવાઈ નહીં. 19 બેઠકો એવી છે જેની ભા જ પ ને ચિંતા છે, તેમાં પણ 9 બેઠકો પાટીદારોનો ગઢ ગણાય છે. એમાં પણ સુરત અને અમરેલી જિલ્લાની બેઠકો પર ભા જ પ ને જીત અંગે શંકા છે. શંકા એટલે છે કે કામરેજ, કતારગામ અને વરાછામાં ભા.જ.પ.ને આમ આદમી પાર્ટીનો સામનો કરવાનું અઘરું પડે એવો મજબૂત પ્રચાર તેનો છે. એટલે જ કદાચ વડા પ્રધાને સુરતનો આંટો માર્યો છે.
કતારગામ બેઠક પર વીનુ મોરડિયાને રિપીટ કરાયા છે ને તેમની સામે આપના ગોપાલ ઇટાલિયા છે. કાઁગ્રેસે કોર્પોરેશનની ચૂંટણી લડનાર પ્રજાપતિ સમાજના કલ્પેશ વરિયાને ટિકિટ આપી છે. એ પણ કાઁગ્રેસનો યુવા ચહેરો છે. 2017માં તો કાઁગ્રેસ અને ભા.જ.પ. વચ્ચે જ ટક્કર હતી. આ વખતે આપના ગોપાલ ઇટાલિયાનું આક્રમક તત્ત્વ ઉમેરાયું છે. એ જ કારણ છે કે ભા.જ.પ.ને જીત અંગે શંકા છે. કામરેજની વાત કરીએ તો ભા.જ.પે. અહીં પ્રફુલ્લ પાનસેરિયાને ઊભા રાખ્યા છે, એની સામે આપના રામ ધડૂક અને કાઁગ્રેસના પાટીદાર ઉમેદવાર નીલેશ કુંભાણી છે. ગઈ વખતે ભા.જ.પ.ની 28 હજાર મતે જીત થયેલી, પણ આ વખતે ત્રિપાંખિયો જંગ છે, વધારામાં ભા.જ.પ.ના જ ગઈ વખતના વિજેતા ઉમેદવાર વી.ડી. ઝાલાવાડિયાની ટિકિટ આ વખતે કપાઈ એટલે આંતરિક રોષ પણ કામ કરે છે. વરાછામાં તો જંગ જ પાટીદારો વચ્ચેનો છે. અહીં પાટીદારોના દોઢ લાખથી વધુ મત છે. આપે અહીં ગબ્બર નામે જાણીતા PAASના કન્વીનર અલ્પેશ કથીરિયાને મેદાનમાં ઉતાર્યા છે. નો રિપીટની થિયરીમાં માનનાર ભા.જ.પે. આ જંગમાં કુમાર કાનાણીને ફરી ચૂંટણી લડાવી છે. તો, કાઁગ્રેસના ઉમેદવાર છે, પ્રફુલ તોગડિયા. ગઈ વખતે કાનાણી કાઁગ્રેસી ઉમેદવાર સામે 13 હજારથી વધુ મતે જીતેલા, પણ આ વખતે અલ્પેશ કથીરિયા જીતનો દાવો કરી રહ્યા છે. એની સામે કાનાણીનો જોઈએ એવો દબદબો જણાતો નથી. આ બધાં કારણે વડા પ્રધાને સુરતમાં બે દિવસનો પડાવ નાખ્યો છે. એની અસર તો પડશે, પણ કેટલી પડશે તે તો 8મી ડિસેમ્બર જ કહી શકે.
પહેલીએ પહેલા તબક્કાનું મતદાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં થશે. આપની એન્ટ્રી સુરતમાં થઈ ચૂકી છે. આપના પ્રદેશના મુખ્ય નેતાઓ અહીંથી જ લડી રહ્યા છે અને પાટીદારો નારાજ છે એ સ્થિતિમાં વડા પ્રધાન સુરત આવ્યા છે. 2017 વખતે પણ એમને અહીં આવવાની જરૂર પડી ન હતી, પણ આજે અહીં છે. 2017માં પણ માર્જિન ઘટ્યો હતો. ત્યારે સામે કાઁગ્રેસ હતી, એમાં હવે આપનું ફેક્ટર ઉમેરાયું છે. સુરતમાં 6 બેઠકો એવી છે, જેમાં પાટીદારોના મત વધારે છે ને તેમાંની 3 તો વરાછા, કામરેજ અને કરંજની બેઠકો છે. કરંજની બેઠક પર 2017માં લીડ ઘટેલી. આ વખતે કરંજ બેઠક પરથી આપના ઉમેદવાર મનોજ સોરઠિયા છે ને એ ફેક્ટરનો ભા.જ.પે. સામનો કરવાનું મુશ્કેલ થાય એમ બને. એ ઉપરાંત કતારગામની બેઠક પણ ભા.જ.પ.ને મથાવે એમ તો છે જ ! ઈચ્છીએ કે વડા.પ્રધાનને ફેરો માથે ન પડે.
ટૂંકમાં, ‘શું લાગે છે’ એનો સ્પષ્ટ પડઘો ક્યાંયથી સાંભળાતો નથી….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 નવેમ્બર 2022