હું રાકેશ અસ્થાનાને ઓળખું છું. ગુજરાત કૅડરના કાબેલ પોલીસ અફસર છે. અને હું તેમના જેવા AGMUT (Arunachal, Goa, Mizoram and Union Territory) કૅડરના ઘણા અફસરોને પણ ઓળખું છું. અસ્થાનાની દિલ્હીના પોલીસ-કમિશનર તરીકેની નિમણૂકની મને તેમ જ ઘણાને નવાઈ લાગી છે, ખાસ તો ત્યારે, જ્યારે કે તેની નિવૃત્તિને માત્ર એક સપ્તાહ જ બાકી હતું.
ઘણાં રાષ્ટ્ર અને રાજ્યસ્તરની પરિષદોમાં અમે પોલીસ-અફસરોએ સુપ્રીમ કોર્ટના ૨૦૦૬ના પોલીસ-સુધારણા વિષયક અધિકૃત આદેશની ચર્ચા કરી છે. પોલીસ સહિતની જાહેરસેવાઓને રાજકારણીઓએ પોતાના પરિચિતોને ગોઠવી દેવાની વેતરણમાં જે નુકસાન પહોંચાડ્યું છે, તેના વિષે અમે વાતો કરી છે. ‘ઍસ્ટાબ્લિશમેન્ટ બોર્ડ’ રચીને રાજ્યના પોલીસ વડા પસંદ કરતી વખતે તેમાં UPSCને સામેલ કરવાની કોર્ટની માર્ગદર્શિકાને અમે આવકારી છે. તેમની નિયુક્તિની ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવાની વાતને પણ અમે આવકારી છે, જેથી સ્થાનિક રાજકારણીઓની મરજી અનુસાર તેમની નિયુક્તિ ચાલુ રહે કે બદલી થઈ જાય તેવું ન થાય, અને આમ છતાં, આજે નિવૃત્ત અને ફરજ પરના પોલીસ-અધિકારીઓ એકદમ ચૂપ છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કે પોલીસને એક સ્વતંત્ર સંસ્થા તરીકે ભાગ્યે જ આદર આપ્યો છે. તેણે એક ઝાટકે, દિલ્હી પોલીસના વડા તરીકેની નિયુક્તિ આપીને બતાવી આપ્યું છે કે તે કેટલી નિષ્ઠુરપણે જાહેરસેવાને નિયંત્રિત કરે છે. તેમનો એ સંદેશ એકદમ સાફ છે કે તે ‘માલિક’ છે.
કોઈ પણ શહેર/રાજ્યનો પોલીસ-કમિશનર તે પોલીસ-ફૉર્સનો વડો છે. અને તે તેના અફસરોથી સારી રીતે પરિચિત હોય છે. એક અફસર, જેણે કોઈ એક કૅડરમાં ૩૫ વર્ષ કામ કર્યું છે, તે કેવી રીતે તેના નિવૃત્તિના છેલ્લા વર્ષમાં અન્ય રાજ્યના પોલીસફૉર્સની પ્રકૃતિ અને સભ્યતાને સમજી શકે? જે અફસરોને અને કૉન્સ્ટેબલોને એ બિલકુલ ઓળખતો નથી, તેની સાથે કામ કેવી રીતે પાર પાડે કે તેમનું શ્રેષ્ઠ બહાર લાવવા પ્રોત્સાહિત કરી શકે? શું એવું નહીં બને કે ઘણા અફસરો તેને ‘બહારનો’ ગણશે? અને એવા ઘણા હશે, જેમણે, જે કમિશનર થવાને યોગ્ય હતા, તેમની સાથે કામ કર્યું હોય, તે આ ‘ઉપરથી ઠોકી બેસાડેલા’ને સહકાર નહીં આપે? રાજકારણીઓને દિલ્હીમાં એવી તો કોઈ આકસ્મિક કટોકટી દેખાઈ નથી, જેને કારણે કોઈ વિશેષ આવડતવાળો નવો કમિશનર લાવવો પડે અને તે કારણે તેને રાતોરાત નિયુક્ત કરી દીધો. અને જો એવું હોય, તો દિલ્હીના અત્યારના અફસરોમાં આવડતની કોઈ કમી તો દેખાતી નથી.
આપણે બધા જાણીએ છીએ કે કોઈ સંસ્થાને ઊભી કરતાં વર્ષો જાય છે, પણ તેને તોડી પાડવા કેટલાક દિવસો પૂરતા છે. રાજકારણીઓની સત્તાની ભૂખે જાહેર સેવાઓને બરબાદ કરી દીધી છે. જ્યારે મેં દિલ્હીના ભૂતપૂર્વ કમિશનર સાથે વાત કરી, તેણે ભારે રોષ સાથે જવાબ આપ્યો કે અગાઉ પાંચ વખત દિલ્હી પોલીસ પર બહારનો અફસર થોપી દેવામાં આવ્યો છે. આ માત્ર હાલની સરકારનું કામ નથી, કૉંગ્રેસની સરકારે પણ એમ જ કર્યું છે, જે આજે તેનો વિરોધ કરી રહી છે, તે પણ એટલી જ જવાબદાર છે.
નોકરીમાં ચાલુ હોઈએ ત્યારે અમારી વરદી અમને સરકાર વિરુદ્ધ બોલવાની છૂટ નથી આપતી. તેવું જ વરદી વગરની જાહેર સેવાઓ માટે પણ છે. બધા આ રીતે નોકરીના નિયમોથી બંધાયેલા છે. આ જવાબદારી કાં તો સામાજિક કર્મશીલોની છે અથવા નિવૃત્ત અધિકારીઓની છે, જે સત્તાના આ બેહૂદા શોષણ સામે અવાજ ઉઠાવે. નિવૃત્તોને હમણાં ધમકી મળી છે, કે તેમનું પેન્શન અટકાવી દેવામાં આવશે અને કર્મશીલોને વિવિધ નિયંત્રણ-એજન્સીઓ દ્વારા દબાવવામાં આવે છે. આજે જે ભારતીય પોલીસ સેવાનું થઈ રહ્યું છે તે કાલે અન્ય સેવાઓનું પણ થવાનું છે. તે ન્યાયતંત્ર અને સશસ્ત્રદળોની વિવિધ પાંખોને પણ થઈ શકે તેમ છે. સત્તા ભૂખ્યા રાજકારણીઓનું વિવિધ જાહેર સેવાઓ પર આ પદ્ધતિસરનું આક્રમણ છે.
તમે માર્ટિન નિમોલરના શબ્દોને ઇતિહાસમાંથી ભૂંસી શકવાના નથીઃ “તેઓ જ્યારે મારી પાસે આવ્યા, તે વખતે મને બચાવવા કોઈ બચ્યું ન હતું, મારી તરફે બોલે એવું કોઈ રહ્યું નહોતું.”
દિલ્હી પોલીસની સંસ્થાને તોડી નાખવા આ ખુલ્લો અને ર્નિલજ્જ પ્રયાસ છે. લોકશાહીમાં દરેક સંસ્થાએ પોતાનો વિશિષ્ટ પાઠ ભજવવાનો હોય છે અને તેનું સંતુલન જાળવવાનું હોય છે. આ બાબતમાં રાજકારણીઓ પોતાની હદ પાર કરી ગયા છે. તેમણે પોલીસના સ્વાતંત્ર્યમાં અને ન્યાયતંત્રની સમજદારીમાં બિનઅધિકૃત પ્રવેશ કર્યો છે. તેમણે હાઈકોર્ટના સ્પષ્ટ દિશાસૂચનનું ઉલ્લંઘન કર્યું છે અને તે નાગરિકોના કલ્યાણ માટે નહીં પણ પોતાની નિષ્ઠુર તાકાતનો પરિચય કરાવવા કર્યું છે. તે માટે મારા મિત્રો, મૌન એ વિકલ્પ નથી.
[અનુવાદ : મુનિ દવે, ‘ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’ ૩૧ જુલાઈ, ૨૦૨૧]
(લેખક પુણેના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર છે, બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટના ડીજી રહ્યાં છે.)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 13