Opinion Magazine
Number of visits: 9446627
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક અફલાતૂન લેખકની અફલાતૂન આપકથા 

દીપક મહેતા|Opinion - Literature|7 April 2025

06 એપ્રિલ – આજે ચંદ્રવદન ચીમનલાલ મહેતાનો જન્મ દિવસ 

એ નિમિત્તે થોડીક વાત એમની આપકથા શ્રેણી ‘બાંધ ગઠરિયાં’ વિષે 

ચંદ્રવદન ચી. મહેતા

નાટ્યમહર્ષિ ચંદ્રવદન મહેતા એટલે ઉમાશંકર જોશીએ કહેલું તેમ ‘ચંદ્રવદન એક ચીજ, ગુજરાતે ના જડવી સહેલ.’ અને તેમની બીજી એક અનોખી ચીજ તે તેમની અફલાતૂન આત્મકથા. નિર્જન ટાપુ પર થોડો વખત સાવ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર એક જ ગુજરાતી પુસ્તક લઇ જવાની છૂટ હોય તો કયું પુસ્તક સાથે લઈ જવું તે નક્કી કરતાં આ લખનારને જરા ય વાર ન લાગે. હા, થોડી અંચઈ કરવી પડે, કારણ કે સાથે લઈ જવાનું એ પુસ્તક તે ૧૪ પુસ્તક રૂપે પ્રગટ થયેલી આપકથાની ગઠરિયાં શ્રેણી. 

પણ આ જ પુસ્તક કેમ? આ શ્રેણી સાથે હોય તો સુરત, મુંબઈ, ગુજરાત, દિલ્હી, ભારત તો સાથે હોય જ, પણ પોણી દુનિયા પણ સાથે હોય. સી.સી.ની આપકથા તો સાથે હોય જ, પણ ધ્રુવ પ્રદેશ સુધીની ભ્રમણ કથા સાથે હોય, દેશ વિદેશનાં નાટક, રંગભૂમિ, રંગકર્મીઓ, ફિલ્મો, સભા-સમારંભોની ઢગલાબંધ વાતો સાથે હોય, બાળપણમાં જે રેડિયો પરથી ચન્દ્રવદનનો અવાજ પહેલી વાર સાંભળેલો તે ઓલ ઇન્ડિયા રેડિયોની અવનવી વાતો સાથે હોય, અનેક જાણી-અજાણી વ્યક્તિઓની અંતરંગ વાતો સાથે હોય, ગણિતનો કોઈ ખેરખાં પણ ન કરી શકે એવો શૂન્યનો સરવાળો સાથે હોય. 

ગુજરાતી સાહિત્યમાં ચન્દ્રવદને પ્રવેશ કર્યો કવિતાથી. અને તેમને સૌથી વહાલું તે તો નાટક. પણ ચન્દ્રવદનનું હૃદય અને કલમ  સોળે કળાએ ખીલે અને ખૂલે છે તે તો ૧૯૫૪થી પુસ્તકરૂપે પ્રગટ થયેલી તેમની આ ૧૪ ગઠરિયાંઓમાં. હા, જાગ્રત અને કર્તવ્યનિષ્ઠ લાયબ્રેરિયન માટે આ શ્રેણી મોટી વિમાસણ ઊભી કરે તેવી છે. આ પુસ્તકોને આત્મકથાના ખાનામાં ગોઠવવાં? કે પ્રવાસવર્ણનોની છાજલી પર? નાટક અને રંગભૂમિ વિશેનાં પુસ્તકોની બાજુમાં રાખવાં? સાહિત્યના રૂઢ પ્રકારોમાંથી કોઈ એક પ્રકારમાં ફીટ થાય તેવું તેનું રૂપ નથી. ચંદ્રવદન પોતે જ ક્યારે ય કોઈ ચોકઠામાં ફીટ થાય એવા ક્યાં હતા? અનેક રૂઢ સાહિત્યપ્રકારોના અજબગજબના કોકટેલમાંથી અહીં ચન્દ્રવદને પોતાના વ્યક્તિત્વને અને વક્તવ્યને હાથ-મોજાંની જેમ બરાબર ફીટ થઈ જાય એવો આગવો ઘાટ નીપજાવ્યો છે. પરિણામે ચન્દ્રવદનના ઘટમાં જે કાંઈ હતું તે બધું જ આ ઘાટમાં ઠલવાયું છે. અહીં આપકથા (લેખક ‘આત્મકથા’ને બદલે ‘આપકથા’તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે) રેખાચિત્ર, પ્રવાસકથા, સ્મરણગાથા, નિબંધ, સમીક્ષા, વિવેચન, ટૂચકા, કિસ્સા, કવિતા, કથા, ઇતિહાસ, ભૂગોળ, જેવા અનેક જુદા જુદા પ્રકારોના ઘટકોનું અત્યંત મદીલું, મારકણું કોકટેલ તૈયાર થયું છે. 

‘બાંધ ગઠરિયાં’ના બે ભાગ ૧૯૫૪માં પુસ્તક રૂપે પ્રગટ થયા તે પહેલાં એમાંનું લખાણ ‘કુમાર’ માસિકમાં હપ્તાવાર પ્રગટ થતું હતું. જન્મ ૧૯૦૧ના એપ્રિલની છઠ્ઠી તારીખે. ૧૯૫૪માં ચન્દ્રવદનની ઉંમર બાવન વર્ષની. નેવું વર્ષની ઉંમરે ૧૯૯૧માં અવસાન થયું. તેને આગલે વર્ષે, ૧૯૯૦માં, છેલ્લી કડી ‘શૂન્યનો સરવાળો’ લખીને પૂરી કરી. અવસાન થયું ત્યારે તે ‘જન્મભૂમિ-પ્રવાસી’માં હપ્તાવાર પ્રગટ થઈ રહી હતી. ૧૯૯૧ના જૂનની ૧૬મી તારીખે તેનો છેલ્લો હપ્તો પ્રગટ થયો. પુસ્તકરૂપે તો છેક ૧૯૯૫માં આ છેલ્લો મણકો પ્રગટ થયો. એટલે કે ચન્દ્રવદનની લગભગ અડધી જિંદગી સુધી આ શ્રેણીનું લેખન-પ્રકાશન ચાલ્યું. ગુજરાતી આત્મકથાના લેખન-પ્રકાશનમાં આ એક રેકર્ડ ગણાય.

આટલા લાંબા ગાળામાં દુનિયા તો બદલાઈ જ, પણ ચંદ્રવદન જેવા ચંદ્રવદન પણ બદલાયા. એમની બદલાતી જતી તાસીર આ ચૌદ પુસ્તકોમાં બરાબરની ઝીલાઈ છે. પહેલાં, ચીડ, અફસોસ, દોષદર્શન વધુ જોવા મળે. પછીના ભાગોમાં શમ, ઉપશમ, અને છેવટે નિર્વેદ અને ‘શાન્તોપિ નવમો રસઃ’ સુધી પહોંચે છે તેમની લેખન જાતરા. ‘બાંધ ગઠરિયાં’ની પ્રસ્તાવનાનું છેલ્લું વાક્ય છે : “હે ભગવાન! જેવી રહી તેવી સહી, આ કાયાની ગઠરિયા હાથ-વાંસે બંધાવી ચિતામાં ખડકાવી દેજે.” સારે નસીબે તેમની આ અરજી ભગવાન સુધી પહોંચતાં ખાસ્સી વાર લાગી. કારણ ગુજરાતની જેમ સ્વર્ગમાં પણ કોઈ પુસ્તકો ખરીદતું કે વાંચતું નહિ હોય. અને ‘લખવાનું તદ્દન બંધ કરવું’ એવી પ્રસ્તાવનામાંની જોહુકમી ચન્દ્રવદનના હૈયા અને હાથે જ માની નહિ. 

આપણા દેશની આખેઆખી રેલવે-સૃષ્ટિને તો તેઓ ગળથૂથી સાથે જ મેળવીને પી ગયેલા. ચૌદ પુસ્તકોની આ આગગાડી પણ સતત બે પાટે ચાલતી રહે છે. એક પાટો છે પોતે જિંદગીમાં જે ભરપૂર જોયું, જાણ્યું અને માણ્યું તેનો, તેમના જીવનની આગગાડીના ડબ્બામાં જુદે જુદે વખતે જે છડિયાં ચડ્યાં-ઉતર્યાં તેમને વિશેનો. તો બીજો પાટો છે જીવનમાં સતત અને સખત રીતે જે નરી અને નકરી એકલતા અનુભવી તેનો. ‘શૂન્યનો સરવાળો’ના છેલ્લા પ્રકરણમાં લખે છે : ‘પચાસ વર્ષથી એ એકલતા સદી ગઈ છે.’ અલબત્ત, આ એકલતા જેટલી શબ્દોમાં પ્રગટ થઈ છે તેના કરતાં વધારે તો શબ્દો વચ્ચેના ખાલીપામાં પ્રગટ થઈ છે. 

પણ ગઠરિયાં શ્રેણીનું સૌથી વધુ આગવું અને મોહક તત્ત્વ તો છે તેની બહુરંગી ભાતીગળ ગદ્યશૈલી. જેવું શીલ તેવી શૈલી એ કથન આ ગદ્યશૈલીને પૂરેપૂરું લાગુ પડે. લેખકના વ્યક્તિત્વની એકેકેક રંગઝાંયનું આબેહૂબ અને પૂરેપૂરું પ્રતિબિંબ ઝીલતું આવું ગદ્ય આપણી ભાષામાં ક્યારેક જ જોવા મળે છે – નર્મદના લેખોમાં, ગાંધીજીની આત્મકથામાં, સરદાર પટેલનાં ભાષણોમાં, સ્વામી આનંદના નિબંધોમાં, — અને આ ગઠરિયાં-શ્રેણીમાં. એ વાંચતા હો ત્યારે જાણે ધસમસતી નદીના પ્રવાહમાં ખેંચાતી નાનકડી હોડીમાં તમે બેઠા હો તેવું લાગે. નદીના પ્રવાહ સાથે આગળ ને આગળ ખેંચાતા જાવ. ક્યારેક ડાબે-જમણે નજર જાય, ક્યારેક ઉપર, ક્યારેક તમારી અંદર પણ જાય. ક્ષણે ક્ષણે દૃશ્યો બદલાતાં જાય, હવાની રૂખ પણ બદલાતી રહે. ક્યારેક ગુલાબી ટાઢ, ક્યારેક કુમળો તડકો, ક્યારેક તાપ-સંતાપ પણ ખરો. તો ક્યારેક વરસાદ ભીંજવે. આવો અનુભવ થાય ગઠરિયાં વાંચતાં. પણ ગઠરિયાંના લેખકનો, અને તેથી તેમના ગદ્યનો મૂળ સ્વભાવ જાતે ભીંજાવાનો, અને બીજાને ભીંજવવાનો. ચન્દ્રવદનના પ્રિય કવિ આખાબોલા અખાની પંક્તિ જરા જુદા અર્થમાં વાપરીને આ ગઠરિયાં માટે કહી શકાય : ‘અક્ષયરસની ચાલે છે નદી.’ ગઠરિયાંનાં ૧૪ પુસ્તકો તો સી.સી., અને માત્ર સી.સી. જ, લખી શકે. અને જે પુણ્યશાળી હોય તે જ તેમની આ આપકથાની ગંગામાં નહાય. 

ચંદ્રવદનભાઈ નાના હતા ત્યારે વડોદરામાં સયાજીરાવ ગાયકવાડની બે દીકરીઓ મેનાબાઈ અને ઇન્દિરા રાજે સાથે રમતા. એક વાર બંને બહેનોએ લાકડાના ખોખા પર બેસાડી સી.સી.નો રાજ્યાભિષેક કરેલો. ઇન્દિરાબાઈએ પોતાની ફૂમતાંવાળી ટોપી પહેરાવેલી અને મેનાબાઈએ રાજતિલક કરેલું. તલવાર મળી નહિ એટલે જાંબુડાની ડાળખીથી કામ ચલાવેલું. જ્યાં તલવાર ન મળી ત્યાં તાજ તો ક્યાંથી લાવવો? પણ ના. આજે હવે ચંદ્રવદનભાઈને માથે મૂકવા તાજ ક્યાંથી લાવવો એવી વિમાસણ થાય તેમ નથી. કારણ ચૌદ રત્નોવાળો ગઠરિયાં શ્રેણીનો તાજ હવે ચંદ્રવદનભાઈને માથે શોભે છે.   

XXX XXX XXX

e.mail : deepakbmehta@gmail.com

Loading

7 April 2025 Vipool Kalyani
← વધારે જંગલી લોકો તો જંગલની બહાર વસે છે … 
ભારત માતા આજે શોકમગ્ન છે, તેનો સૌથી લાડલો રાજકુમાર ખોવાઈ ગયો : અટલ બિહારી વાજપેયી →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved