સેમ્યુઅલ બેકેટ દ્વારા મૂળ ફ્રેંચ ભાષામાં લખેલ નાટક “Waiting for Godot” વાચ્યું. આ નાટકનું પાછળથી અંગ્રેજીમાં રૂપાંતરણ સેમ્યુઅલ બેકેટે જ કર્યું હતું.
અંગ્રેજી સાહિત્યનો થોડો-ઘણો પણ પરિચય રાખનાર સેમ્યુઅલ બેકેટ વિશે જાણતા હશે. મારે મૂળ વાત તો આ નાટકની કરવી છે. માત્ર સાદું, સરળ સ્ટેજ અને થોડાક જ પાત્ર અને કોઈપણ આડંબર વગરનું આ નાટક પહેલીવાર જુવો કે વાંચો ત્યારે કંટાળાજનક કદાચ લાગે…!! આ નાટક એવા લોકો માટે નથી જે એક વખત વાંચીને કે સાંભળીને ભૂલી જતા હોય. આ નાટક એક અદ્ભુત સાહિત્ય કૃતિ છે. તેને પચાવવામાં વાર લાગે … વારંવાર વાગોળવી પડે .. સમજવી પડે ..
ચાલો જોઈએ નાટકની રૂપરેખા. જ્યારે પડદો ઉંચકાય છે ત્યારનું દૃશ્ય સાવ સામાન્ય છે. ધૂળનો ઢગલો છે. એક ઝાડ છે, જે સંપૂર્ણ સુકાઈ ગયેલું છે, અને બે પાત્ર ઊભા છે. Vladimir અને Estragon. સેમ્યુઅલ બેકેટનું માનવું હતું કે પ્રથમ દૃશ્યમાં જ આખા નાટકની થીમ રજૂ કરી દેવી જોઈએ. એટલે પહેલા જ સાંભળવા/વાંચવા મળે છે. “કંઈક કરી શકાય તેમ નથી”. Nothing to be done.
આ બંને પાત્રો ઘરબાર વગરના, રખડતા લોકો છે. જેને અંગ્રેજીમાં Tramp કહેવાય. આ બંને વ્યક્તિઓ ગોડોટની રાહ જોઈ રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેમને ગોડોટ કોણ છે, ખબર નથી. શા માટે રાહ જોઈ રહ્યા છે, તેની પણ ખબર નથી. ગોડોટ ક્યારે અને ક્યાં આવશે, તે પણ ખબર નથી. ગોડોટ આવશે, તો તેમની પાસે શું માંગવાના છે, તે પણ ખબર નથી. બસ, આખા નાટકમાં માત્ર રાહ જુએ છે.
નાટકમાં બીજા બે પાત્રો પણ વચ્ચે આવે છે. લકી અને પોઝો .. લકી પોઝોનો ગુલામ છે. અને પોઝો લકીથી છુટકારો મેળવવા માગતો હોય છે. બધા વચ્ચે થોડીક ડાયલોગબાજી થાય છે. પણ નાટક આગળ વધતું નથી. જો કે એક અર્થમાં આગળ વધતું ન હોવા છતાં ભરપૂર એક્શન થાય છે … જોક્સ થાય છે.
મૂળ વાત ઉપર આવીએ તો, નાટક ચાલુ થાય ત્યારથી અંત સુધી, જેની રાહ જોવામાં આવી રહી છે, તે ગોડોટ આવતો જ નથી. એક પણ દૃશ્યમાન નથી આવતો.
આખરે સેમ્યુઅલ બેકેટ આ રીતના વિચિત્ર નાટક દ્વારા શું સંદેશો આપવા માગતા હશે? પેલી વાર તો આ પાગલતાના હુમલામાં લખાયેલું નાટક લાગે. પણ જ્યારે તેને સમજવામાં આવે તો ખ્યાલ આવે છે કે માનવ જીવનનું કેટલીક નજીકથી વર્ણન કર્યું છે. ગોડોટ કોણ છે, તે ખબર નથી. શા માટે રાહ જોઈ રહ્યા છે, તે ખબર નથી. ક્યારે અને ક્યાં સ્થળે મળવા આવવાનો છે, એ ખબર નથી. આમ છતાં તેની રાહ જોવામાં આવી રહી છે. મનુષ્ય જીવન પણ આવું જ છે. જો નજીકથી આપણા જીવનનું અવલોકન કરવામાં આવે તો આપણે એક અંતહિન રાહ જોઇ રહ્યા છીએ. અંદરથી આપણને પણ ખબર નથી, આપણે કોઈની રાહ જોઈ રહ્યા છીએ. શા માટે રાહ જોઈ રહ્યા છીએ …. રાહ જોઈ રહ્યા છીએ તે મળી જશે તો શું કરીશું. કોઈ ખબર નથી.
બસ, અંતહીન રાહ … મોટા ભાગના આલોચકો પણ આવો મત ધરાવે છે. મારું માનવું છે સેમ્યુલ બેકેટ સંપૂર્ણ આશાવાદને રજૂ કરે છે. તેના પાત્ર ઘરબાર વગરના છે. તેની કોઈ રાષ્ટ્રીયતા નથી. તેમની પાસે કરવાનું કોઈ કામ નથી. તેઓ શારીરિક રીતે પીડાઈ રહ્યા છે. અને વધુ દુઃખદ વાત તો એ છે કે આ નાટકના પાત્રોને તેનો અહેસાસ નથી કે તેઓ આવી વિકટ પરિસ્થિતિમાં છે. છેલ્લાં 50 વર્ષમાં એમના જીવનમાં કોઈ જ ઘટના બની નથી. બસ, જીવી રહ્યા છે. સમય તેમના જીવનમાં થંભી ગયો છે.
આમ છતાં આશાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તે આશા સાચી છે કે ખોટી તેની પરવા નથી કરતા … તે કરી શકે તેમ પણ નથી. કારણ કે તેમની પાસે રાહ જોવા સિવાય કંઈ કરવાનું નથી. જો રાહ જોવાનું બંધ કરી દે, તો પછી શું વધે? કદાચ તેમનું જીવન એટલે જ બચ્યું છે કે તેમને આશા છે કે ગોડોટ આવશે. કંઈક પરિવર્તન થશે.
મારા માટે આ માનવ જીવનના સંઘર્ષને રજૂ કરતી કૃતિ છે. ચારે બાજુથી ઘેરાઈ ગયા હોવા છતાં, એક આશાનું કિરણ પૂરતું છે જીવવા માટે. બસ, તેને પકડી રાખવામાં આવે.
આખા નાટકમાં “કંઈ થઈ શકે તેમ નથી” આ વાક્ય વારંવાર આવે છે. સમગ્ર નાટકની થીમમાં તેનો સ્પષ્ટ પડઘો સંભળાય છે. આમ છતાં રાહ જોઈ રહ્યા છે. અને તે પણ ઉત્સાહ પૂર્વક.
યુટ્યુબ ઉપર હિન્દીમાં આ નાટક છે. એક વખત જોવા જેવું ખરું.
e.mail : hjrcv008@gmail.com