થોડાએક વર્ષોથી અલગ અલગ ધર્મો પ્રત્યેની અસહિષ્ણુતા સારાયે વિશ્વમાં વધતી જાય છે એવું હું અનુભવું છું. ધર્મના ફાંટાઓ પણ એકબીજાને સહન કરી શકતા નથી. અને તેમાં આજે અન્ય ધર્મો પ્રત્યેનો આદર લગભગ લુપ્ત થતો જાય છે. મારા બાળપણની વાત યાદ આવે કે અમે અમારા મિત્રોને કોઈ દિવસ પૂછ્યું નહોતું કે તું કઈ નાતનો છે, કે કયા ધર્મનો છે. ત્યારે આજે બાળકને પણ ખબર પડે છે કે મારો ધર્મ મારા મિત્ર કરતાં જુદો છે કારણ કે સર્વધર્મસમાનત્વની વાત કયારે ય પણ શાળા-મહાશાળાઓમાં શીખવાડવામાં આવી નથી.
જાન્યુઆરી 2016માં બોસ્નિયામાં 1992માં થયેલ સામૂહિક હત્યાકાંડની વિગત મારા જાણવામાં આવી. ત્યાંની વિષમ પરિસ્થિતિથી ત્રસ્ત થયેલ કેટલાક લોકો યુનાઇટેડ કિંગ્ડમ આવેલા તેમાંની એક મહિલા ડુડિયા મને માન્ચેસ્ટરમાં મળવા આવેલી જેની વિગત વાચકો સમક્ષ મુકવા ધારું છું.
બોસ્નિયાના પાટનગર સારાયેવોથી 50 કિલોમીટર દૂર આવેલ ઓલોવો નામના ગામમાં એક સાધારણ કુટુંબમાં ડુડિયાનો જન્મ. પ્રાથમિક શિક્ષણ મેળવીને 19 વર્ષની ઉંમરે લગ્ન થયાં. પતિ એક બાંધકામની કંપનીમાં નોકરી કરે. બંને જણા માર્શલ ટીટોના સામ્યવાદી શાસન દરમ્યાન જન્મેલા અને રોજી રોટી કમાઈને સુખેથી રહેતાં. ડુડિયા એક કાપડની મિલમાં રસોડામાં રસોઈ કરવાનું કામ કરતી. રોજ 800 કામદારોની રસોઈ તેને હાથે થતી. તેણે કહ્યું કે બોસ્નિયામાં કેથલિક, ઓર્થોડોક્સ ક્રિશ્ચિયન અને મુસ્લિમો હળીમળીને સદીઓથી રહેતા હતા. લગભગ 48% લોકોએ તો આંતર્ધર્મી લગ્ન પણ કરેલાં. એ પોતે કયા ધર્મની અનુયાયી છે તે વિષે સભાન પણ નહોતી.
ઈ.સ. 1992માં ડુડિયાની પાડોશણ કે જે સર્બિયન હતી તેણે અચાનક કહ્યું, “હું જાઉં છું, આ લે મારા ઘરની ચાવી, જે જોઈએ તે લઈ લેજે, પણ મારો પતિ જો વર્દીમાં દેખાય તો તારાં બાળકોને લઈને આ ઘર અને ગામ છોડીને જતી રહેજે.” ડુડિયાને આ વાત માન્યામાં ન આવી. બીજે દિવસે નોકરી પર ગઈ ત્યારે વર્દીમાં સજ્જ થયેલ એ જ પાડોશીએ ડુડિયાને કહ્યું કે તું કામ પર નહીં જઈ શકે. સારાયેવોનો કબજો સર્બિયન લશ્કરે લઈ લીધો છે. ડુડિયાના પતિ તે વખતે રશિયામાં કામ કરતા હતા. બાજુના નાનકડા ગામમાં પોતાના પાંચ વર્ષના દીકરા, અઢી વર્ષની દીકરી અને બહેનની સાત વર્ષની દીકરીને સંભાળીને રહેતી પોતાની મા પાસે જઈને આ સ્ફોટક પરિસ્થિતિની વાત કરી. તેની માએ કહ્યું, “મેં તો જિંદગી જીવી લીધી, આ સર્બિયન લશ્કરના સૈનિકો બહુ બહુ તો મારા પર બળાત્કાર કરશે કે મને મારી નાખશે, તો શું થયું? પણ તું આ ત્રણેય બાળકોને લઈને અહીંથી સલામત જગ્યાએ જતી રહે.” ભારે હૃદયે પોતાની માને ઝાઝેરા જુહાર કરીને ત્રણ બાળકોને આંગળીએ વળગાડી ચાલતી નીકળી પડી.
માર્શલ ટીટોના રાજ્યમાં યુગોસ્લાવિયા પ્રમાણમાં સુખ શાંતિમાં જીવતું. પછી છ રાજ્યોમાં વિભાજન થતાં અશાંતિ વધી. સર્બિયાને રાજ્ય વિસ્તાર કરવાની ઘેલછાનું ભૂત વળગ્યું અને બોસ્નિયા સ્થિત મુસ્લિમ પ્રજાનો સંહાર કરી તે પ્રદેશને મુસ્લિમ વિહોણું બનાવી નાખવા સંહાર આદર્યો. ડુડિયા એક કાપડ લઈ જતી લોરીમાં બેસી ક્રોએશિયાના પાટનગર ઝાગ્રેબ પહોંચી, જ્યાં એક ઓરડામાં 30 નિરાશ્રિતો સાથે રહી. દિવસો સુધી સુવાની અને નાહવા-ધોવાની સુવિધા વિના અનિશ્ચિત દશામાં રહ્યાં. ત્યાર બાદ રેડક્રોસની સહાયથી તેમને યુનાઇટેડ કિંગ્ડમ લઈ જવામાં આવ્યાં. ડુડિયા માન્ચેસ્ટર આવી. થોડા સમય પછી તેની બે બહેનો પણ આવી.
માન્ચેસ્ટર આવી, ઈંગ્લીશ ભાષાના વર્ગોમાં ભરતી થઈ. એડલ્ટ એડ્યુકેશનની કોલેજમાં રસોયણ તરીકે નોકરી મેળવી, બંને બાળકોને શાળા-કોલેજનું શિક્ષણ અપાવ્યું. આજે તેનો પુત્ર બોલ્ટનની શાળામાં શિક્ષક છે અને પુત્રી પીએચ.ડી.નો અભ્યાસ કરે છે. તે દરમ્યાન તેના પતિ કે જે રશિયામાં હતા તેની બીમારી અને છેવટ મૃત્યુના દુઃખદ સમાચાર મળ્યા. ડુડિયાનો વલોપાત હવે તેના જ શબ્દોમાં: “મેં કોઈ ગુનો કર્યો હોય તેમ લાગે છે. મને વિચાર આવે કે મારા પતિ ભૂખ્યા રહ્યા હશે, તેને છેવટે પાણી કોણે પાયું હશે? હું મારી માને પણ એકલી મૂકીને આવી છું અને બાર વર્ષ પછી ફરી બોસ્નિયા ગઈ.” એમ કહી મારો હાથ પકડીને ખૂબ રડી અને મને પણ રડાવી.
મારું મન વિચારે ચડ્યું. શું ધર્મ આવો ક્રૂર હોઈ શકે? શું વિધર્મીઓ પ્રત્યે આવો અનાદર? હજારો નિર્દોષ લોકોની વિના કારણ હત્યા કરવામાં હાથ ધ્રૂજે નહીં? માનવતા સાવ આમ મરી પરવારી? એક વિચાર એવો પણ આવ્યો કે ભારતમાં પણ જુદા જુદા ધર્મના લોકો એકબીજાને પરાયા ગણે તો હિંસા ફાટી નીકળવામાં વાર શી લાગે?
આ વાતચીતને અંતે અમે બંને એકબીજાને સવાલ પૂછતાં રહ્યાં બોસ્નિયા અને અન્યત્ર આવા સંહાર શા માટે થયા કરે છે? એ સવાલ લાજવાબ રહ્યો. ડુડિયા મારી મિત્ર બની ગઈ. દેશ, ધર્મ અને ભાષાના વાડા તૂટી ગયા અને માત્ર માનવતા અમને બાંધી રહી. આ રહી એ મીઠડી મહિલાની તસ્વીર.