ચીને જે આજથી પચાસ વર્ષ પહેલાં કરી લીધું તે હવે આપણે કરવા જઇશું તો સામાજિક, આર્થિક, કુદરતી વ્યવસ્થાને હાનિ પહોંચાડી બેસીશું
૧લી ઑક્ટોબરે પિપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના(પી.આર.સી.)ની સ્થાપાનાને ૭૦ વર્ષ પૂરાં થયાં. પ્રગતિ, વૈશ્વિક સ્તરે મજબૂત સ્થાન બનાવવું, સંસ્કૃતિ અને સંસ્કારોને વળગી રહેવું પણ પછાત કે હિંસક હોવાની છાપ ક્યારે ય ન ખડી કરવી વગેરે ચીનની લાક્ષણિકતાઓ છે. આપણે આ બધા જ મામલે ચીન પાસેથી કેટલીક ચીજો શીખવા જેવી ખરી. કોઇ તરત એમ કહી શકે કે ચીન અને ભારતમાં તો શાસનની નીતિ અને પદ્ધતિ સુધ્ધાં સાવ જુદાં છે તો તેની સરખામણી કેવી રીતે થઇ શકે? ભારત અને ચીનનાં સ્વતંત્ર સ્થાપન વચ્ચે બે-ત્રણ વર્ષનો માંડ ફેર છે અને બંન્નેની આગવી પ્રાચીન સંસ્કૃતિ છે. સરકાર અને શાસન એકબીજાથી જુદા હોવા છતાં પણ ચીન અને ભારતમાં વહીવટ અને આર્થિક વિકાસને મામલે કેટલીક સામ્યતાઓ છે. આટલી બધી સમાનતાઓ હોવા છતાં પણ હજી ૯૦ના દાયકા સુધી ભારત કરતાં જી.ડી.પી.ની સરખામણીએ ‘ગરીબ’ ગણાતો આ દેશ આજે આખા વિશ્વની ‘ફેક્ટરી’ બની ચુક્યો છે. ચીનનો પર કેપિટા જી.ડી.પી. આજે ૨૦૧૯માં ભારત કરતાં ૪.૬ ગણો છે. ચીનની આ સફળતાનાં કારણો અને આપણાં વિકાસની મંદ ગતિ પાછળનાં તર્કને સમજવા જરૂરી છે. છેલ્લાં ૭૦ વર્ષમાં ચીને ૮૫૦ મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર ખેંચી કાઢ્યા છે અને દર આઠ વર્ષે ચીનનું અર્થતંત્ર સાચા અર્થમાં બમણું થતું જાય છે.
ચીનનો આધુનિક ઇતિહાસ જોઇએ તો ચીનના કૉમ્યુનિસ્ટ નેતા માઓ ઝેડોન્ડ આર્થિક વિકાસનાં રસ્તે કંઇ બહુ આગળ ન વધી શક્યા. પરંતુ તેમના મૃત્યુ પછી જે શાસક આવ્યા, તેણે ખાસ કરીને દરિયા કાંઠાનાં વિસ્તારોમાં આયાત-નિકાસ સરળ બને તેમ વિદેશી રોકાણ માટે દરવાજા મોકળા કર્યા. કૃષિ ઉદ્યોગ સરકારનાં નિયંત્રણમાંથી મુક્ત કરાયો તો માત્ર એક જ બાળકનો કાયદો વસ્તી વિસ્ફોટનાં ધડાકાને પહેલેથી જ રોકવામાં સફળ રહ્યો, જેથી રાષ્ટ્રનાં ડૅમોગ્રાફિક ડિવિડન્ડનો યોગ્ય ઉપયોગ થઇ શકે. વસ્તી વધારાને મામલે આમ તો સિત્તેરના દાયકામાં કુટુંબ નિયોજનની વાત કરનાર દેશ તરીકે ભારત વિશ્વનાં અન્ય રાષ્ટ્રોની સાથે હતો પણ છતાં ય જાગૃતિ અને પ્રચાર-પ્રસારને અભાવે વસ્તીને મામલે આપણે ત્યાં કોઇ કાબૂ ન રહ્યો.
ચીનમાં વહીવટી ખાતું કે અમલદારીશાહી ઘણી જડ રહી છે પણ છતાં ય ટૅક્નોલૉજીમાં આવતા પરિવર્તનોનો સ્વીકાર કરવામાં તેઓ કશે પાછા નથી પડ્યા. ચીનની કાર્ય કુશળતાની પ્રસંશા થાય છે કારણ કે પરિવર્તનનો માત્ર સ્વીકાર જ નહીં પણ તે માટે જરૂરી અમલીકરણ પણ જોવા મળે છે. ચીન કદાચ ક્યારે ય પણ બધાને ગમે એવો, આખી દુનિયામાં બધા સાથે મૈત્રી રાખનારો દેશ નહીં બને, પણ તેણે એટલું તો સાબિત કર્યું છે કે પોતે એવો દેશ તો છે જ જ્યાં પ્રોજેક્ટ માત્ર વિચાર જ નહીં પણ વાસ્તવિકતા બને છે. એશીના દાયકા પછી સ્થાનિક પબ્લિક એજન્ટ્સ અને ઉચ્ચ વર્ગનાં લોકો વચ્ચે વિશ્વસનિયતા અને સ્પર્ધા પર ધ્યાન અપાયું અને પરિણામે આખી સિસ્ટમ ‘કૉર્પોરેટાઇઝ્ડ’ થઇ ગઇ જેને કારણે ચીનનું અર્થતંત્ર સડસડાટ વિકસવા માંડ્યું.
આપણે ત્યાં જવાહરલાલ નેહરુએ સમાજવાદી આર્થિક માળખું અપનાવ્યું જ્યાં સંપત્તિ એકઠી કરવી અને મોટા ખાનગી ઉદ્યોગોને મહત્ત્વ આપવું પ્રાથમિકતા નહોતી. આઝાદી પછી તરત આવેલી સરકારે ભારત સ્વતંત્ર બજાર તરીકે ખડું થાય, આયાત થતી ચીજોનો વિકલ્પ દેશમાં જ ખડો થાય તેવું ધાર્યું ખરું પણ આપણે લાંબા સમય સુધી આયાતો પર આધાર રાખ્યો. અંતે એવી સ્થિતિ આવી કે આપણે ગુણવત્તાસભર કે આંતરરાષ્ટ્રીય વિકલ્પો સામે ટકી શકે તેવી ચીજોનાં ઉત્પાદનની ક્ષમતા પૂરેપૂરી રીતે કેળવી જ ન શક્યા. પહેલાંની સરકારનાં પ્રશ્નો જુદા હતા તો હવે છેલ્લાં બે વર્ષમાં સરકારે પ્રોટેક્શનિઝમ અને નિકાસના વિકલ્પને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે પણ આ નીતિ આપણે ત્યાં પહેલાં પણ નિષ્ફળ ગઇ છે અને આર્થિક વિકાસમાં આડે આવી છે.
ચીનના જાહેર સાહસો, રાજ્ય શાસિત વ્યાપાર ઉદ્યોગોનું માળખું ખૂબ મજબૂત છે. ૧૯૯૩ પહેલાં આ બધાં ‘રેઢિયાળ સરકારી તંત્ર’ની માફક ઢસડાતા હતા. સત્તાધિશોએ આ ઉદ્યોગોની સિકલ ધરમૂળથી બદલી નાખી અને આજે આ તમામ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ટકી શકે તેટલાં મજબૂત છે. આપણે ત્યાં સાવ વિપરીત સ્થિતિ છે. એક બે સફળ અને પ્રમુખ જાહેર સાહસો સિવાયનાં મોટા ભાગનાં રાજ્ય શાસિત ઉદ્યોગો કે જાહેર સાહસો મરવાને વાંકે જીવે છે અથવા તો ‘નોન-પરફોર્મિંગ એસેટ્સ’ ગણવા માંડ્યા છે. ચીનની પંચવર્ષિય યોજનાઓમાં નિયત કરાયેલી માળખાકિય સુવિધાઓ ખડી કરવાને માલમે ચીનને ક્યારે ય પણ જમીન હસ્તગત કરવામાં મુશ્કેલીઓ નથી નડી. ચીનમાં સસ્તી લેબર આધારિત ઉદ્યોગો જેમ કે ટેક્સટાઇલ, લાઇટ એન્જિનિયરીંગ અને ઇલેક્ટ્રોનિક્સમાં મોટે પાયે રોકાણ કરાયું. વળી સેઝ પણ ચીનમાં પહેલાં જ અસ્તિત્વમાં આવ્યા. વળી ચીનમાં પ્રોજેક્ટ્સ વહેંચવાને મામલે સરકારે માત્ર છેવાડાના વિસ્તારો પર જ ધ્યાન આપ્યું એમ ન થયું. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં એક સરખી રીતે નવાં કામ અને પ્રોજેક્ટ્સની વહેંચણી કરવામાં આવી. કેન્દ્રીય રીતે માળખાકિય સુવિધાઓમાં થયેલા આર્થિકરોકાણને કારણે બીજા ક્ષેત્રોમાં રોકાણની શક્યતાઓ પણ વધતી ચાલી અને આર્થિક વિકાસની ગતિમાં પણ વધારો થયો. આપણે ત્યાં માળખાકિય સુવિધાઓને મામલે બહુ મોટી ખાઇ છે. રોડ અને રેલ્વેઝ માટે બજેટ મંજુર થયું હોવા છતાં ય સરકાર માટે કોઇ લાંબાગાળાની યોજના હોય તેવું વર્તાતું નથી. ચીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મામલે આપણાં કરતાં અડધો યુગ આગળ છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. આપણે ત્યાં સેઝ વગેરે શરૂ થયાને હજી ગણતરીનાં વર્ષો થયાં છે. સસ્તું લેબર આપણે ત્યાં પણ ઉપલબ્ધ હતું પરંતુ, આપણે શરૂઆતમાં કૅપિટલ ઇન્ટેન્સિવ ઉદ્યોગો વિકસાવ્યા જેને કારણે બેરોજગારીનો પ્રશ્ન મોટો બનતો ગયો.
ચીનનું સૈન્ય ભારત કરતાં કંઇકગણું આધુનિક છે જ્યારે આપણાં સૈન્યમાં બધાં જ મામલે ક્લેવર બદલવાની જરૂરી છે. ચીનની લડાયક ધમકીઓ સામે ટકવા માટે આપણે લશ્કરી સજ્જતાને મામલે ચીન જેવાં મજબૂત થવાની જરૂર છે. ચીનમાં ઊર્જાની બચત પ્રત્યેની જાગૃતિ પણ નોંધપાત્ર છે, ભારત ધીમે ધીમે એ દિશા ભણી નજર કરે છે. ચીનમાં વિશ્વનાં સૌથી વધારે ઇલેક્ટ્રીક વાહનો છે જે પ્રદૂષણ ઘટાડવાથી માંડીને ઊર્જાનાં સ્રોતની બચતમાં મોટો ફાળો આપે છે. ભારત પાસે ચીન કરતાં ચારગણાં તાજાં પાણીનાં સ્રોત છે પણ ચીન પાણીની સમસ્યાથી નથી પીડાઇ રહ્યો. ચીનમાં પાણીનાં ઉપયોગ પર નિયંત્રણ, ખેતીમાં પાણીનાં વપરાશને ઘટાડે તેવા સંશોધનો પર સતત કામ કરાય છે. વળી ચીનમાં વધુ પડતાં ભૂગર્ભ જળનો ઉપયોગ કરનારા ઉદ્યોગો અને વ્યાપારને દંડ સુધ્ધા ફટકારાય છે. ભારતમાં અતિ વિભાજીત જમીન માલિકીને કારણે ભૂગર્ભ જળનો ઉપયોગ ધાર્યા કરતાં વધારે થાય છે માટે ખેતીમાં પાણીનાં વપરાશ અંગે વિકેન્દ્રિય નીતિ રચીને જાગૃતિ પ્રસરાવવની અનિવાર્ય છે.
ચીનનું વિકાસ મૉડલ સામાજિક દ્રષ્ટિએ પરફેક્ટ નથી. ચીનનો અનુભવ શીખવે છે કે કોઇપણ નીતિ અદ્ધરતાલ નથી ઘડાતી અને તેની સીધી અસર સમાજ પર પડે છે જેને કારણે સમસ્યાઓ પણ ખડી થઇ શકે છે. વિકાસનાં પાટે સડસડાટ દોડતા ચીનમાં જ એક આખી ‘ખોવાયેલી પેઢી’નો પ્રશ્ન છે કારણેકે તેમને શિક્ષણ મેળવવાની મંજૂરી નહોતી આપવામાં આવી. પિતૃસત્તાક અને પિતૃવાદી સંસ્કૃતિને કારણે ભરપૂર જીવી શકાય તેવી જિંદગીઓને બદલે લોકો ત્યાં માનસિકતાની સંકડાશ વેઠી રહ્યાં છે અને ત્યાં માનસિક સ્વાસ્થ્યનું સ્તર સતત કથળતું રહ્યું છે. સી.સી.પી. એટલે કે ક્રિટીકલ કંટ્રોલ પોઇન્ટની કાયદેસરતા ચીનનાં રાષ્ટ્રવાદમાંથી નહીં પણ તેની આર્થિક સફળતામાંથી પેદા થઇ છે.
બાય ધી વેઃ
આપણે લોકશાહી રાષ્ટ્ર છીએ અને માટે માત્રને માત્ર આર્થિક સફળતાને ધ્યાનમાં રાખી, બીજું બધું હાંસિયામાં ધકેલી દેવાનું આપણે માટે શક્ય નથી અને એમ હોવું પણ ન જોઇએ. ચીનના પ્રભાવમાં આપણને આંધળુકિયાં ન પોસાય. ચીને જે આજથી પચાસ વર્ષ પહેલાં કરી લીધું તે હવે આપણે કરવા જઇશું તો સામાજિક, આર્થિક, કુદરતી વ્યવસ્થાને હાનિ પહોંચાડી બેસીશું. ગણતરી પૂર્વકનાં ધીમાં પણ મક્કમ પગલાં જ ભારતનો આર્થિક વિકાસ કરી શકે તેમ છે. ડ્રેગનની ઝાળથી અંજાઇ જઇ આપણાં હાથીને અંકુશથી મારી ગાંડોતૂર કરવાની ભૂલ આપણે ન કરવી જોઇએ. ગણતરીના મહિનાઓ પહેલાં આપણે વિશ્વની સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે, એવાં વિધાન થયા હતાં, જેને મંદીએ ખોટા સાબિત કરી જ દીધા છે. વિશ્વ સ્તરે ઝડપથી વિકસતા અર્થતંત્રની ઓળખ જોઇતી હોય તો પહેલાં ઘરમાં સંજોગો સુધારવા પડશે અને તે પણ વૈચારિક પગલાં લઇને.
સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ઑક્ટોબર 2019