મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગે ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર : રાઇટિંગ્સ ઍન્ડ સ્પીચીઝ’ના નામથી બાબાસાહેબ આંબેડકર પ્રગટ-અપ્રગટ અંગ્રેજી લખાણોને બહાર પાડવાના કરેલા નિર્ણય અંતર્ગત ૧૪ એપ્રિલ, ૧૯૭૯ના રોજ વૉલ્યુમ વન બહાર પડ્યું હતું. આ વૉલ્યુમનાં કુલ ૪૯૬ પાનાંમાંથી ૨૪૦ પાનાંનું ગુજરાતી કરાવડાવીને ચૌદ વર્ષ પછી ગુજરાત સરકારે બાબાસાહેબ ડૉ. આંબેડકર સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ – ૧ બહાર પાડ્યો હતો. ગુજરાતી ગ્રંથ – ૧ના પ્રબંધ સંપાદક દિનકર પંડ્યા, અનુવાદક ડૉ. રવીન્દ્ર ઠાકોર હતા અને પરામર્શકો ડૉ. ચંદ્રકાંત મહેતા તથા શ્રી નિરંજન ત્રિપાઠી હતા.
આ ગુજરાતી ગ્રંથનાં સંપાદન, અનુવાદ અને પરામર્શન ત્રણેય તબક્કાઓમાં ભયાનક વેઠ ઉતારવામાં આવી છે અને તેના પાને પાને અક્ષમ્ય ક્ષતિઓ જોવા મળી છે.
૧. અંગ્રેજી વૉલ્યુમમાં પાના નંબર પાંચ પર ૨૩-૨૪મી લીટીઓમાં મૂળ લખાણ આ પ્રમાણે છે, “but unfortunately it still remains in the domain of the ‘unexplained’…” (પરિશિષ્ટ એક) જેનું ગુજરાતી સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ – ૧માં પાંચ નંબરના પાના પર ૨૨-૨૩મી લીટીઓમાં આ પ્રમાણે છે, “…પણ હજી તે ‘અસ્પષ્ટતા’ના રિસ્લેના જ રહ્યા છે…” (પરિશિષ્ટ બે) ખરેખર સાચો અનુવાદ આ પ્રમાણે છે, “…પણ હજી તે ‘અસ્પષ્ટતા’ના ક્ષેત્રમાં જ રહ્યા છે…” હવે અહીં રિસ્લે શબ્દ ક્યાંથી આવ્યો? અંગ્રેજી વૉલ્યુમના સાતમા પાના પર અગિયારમી લીટીમાં “According to Sir H. Risley…” (પરિશિષ્ટ ત્રણ) લખ્યું છે, જેનો ગુજરાતી અનુવાદ ગુજરાતી ગ્રંથના સાતમા પાના પર પચીસમી લીટીમાં “સર એચ.ના મત પ્રમાણે…” એમ છે, જેમાંથી રિસ્લે શબ્દ ઉડાડી મુકાયો છે અને તેને પાંચમા પાના પર ચોંટાડી દીધો છે. (પરિશિષ્ટ ચાર) આ તો માત્ર એક ઉદાહરણ છે, આવી તો અસંખ્ય ક્ષતિઓ ગુજરાતી અનુવાદના પાને પાને જોવા મળે છે.
૨. ગુજરાતી અનુવાદક ડૉ. રવીન્દ્ર ઠાકોર અંગ્રેજીના પ્રાધ્યાપક હતા, પરંતુ તેમને જાતિ (race) અને વંશ(caste)માં શું તફાવત છે તેની ક્યાં તો ખબર નહોતી, અથવા તો તેમણે ફરક કરવાની કાળજી લીધી નથી. જેમ કે, અંગ્રેજી વૉલ્યુમના પાના નંબર આઠની આડત્રીસમી લીટી આ પ્રમાણે છે, “The various races of India occupying definite territories have more or less fused into one another….” (પરિશિષ્ટ પાંચ) આ વાક્યનો ગુજરાતી અનુવાદ ગુજરાતી ગ્રંથ – ૧ના પાના દસની ચૌદમી લીટીમાં આ પ્રમાણે છે, “નિશ્ચિત પ્રદેશોમાં વસતી હિંદની વિવિધ જાતિઓ વત્તાઓછા અંશે એકમેકમાં ભળી ગઈ છે…..” (પરિશિષ્ટ છ). આ ભૂલ પ્રૂફરીડિંગની નથી, અનુવાદકથી માંડીને પરામર્શક અને છેલ્લે મુખ્ય સંપાદક, કોઈએ આ અનુવાદનું કામ ગંભીરતાથી લીધું નથી, એ સ્પષ્ટ જણાય છે. જેણે બાબાસાહેબનું મૂળ અંગ્રેજી વાંચ્યું નથી, તેવો સામાન્ય વાચક આવો અનુવાદ સાચો છે, એવું માનીને એવો અભિપ્રાય આપે કે બાબાસાહેબને જાતિ (caste) અને વંશ (race) વચ્ચે શું ફરક હતો, તેની ખબર નહોતી, તો આવા પુસ્તકના પ્રકાશનનો મૂળ હેતુ જ માર્યો જશે.
૩. અત્રે દર્શાવેલી ભૂલો હાલના ગ્રંથમાં કે હવે પછીના પ્રકાશનમાં ‘શુદ્ધિપત્રક’ મૂકીને દૂર કરી શકાય એમ નથી. સમગ્ર ગ્રંથનો ફરી અનુવાદ અને પરામર્શન થાય તો જ આ ભૂલો સુધરી શકે.
૪. બાબાસાહેબના ગ્રંથોના પ્રકાશનમાં ગુજરાતમાં એક અત્યંત મહત્ત્વની બાબત ઉવેખવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રમાં બાબાસાહેબના ગ્રંથોનું પ્રકાશન કરવાનું નક્કી થયું. ત્યારે સરકારે આંબેડકરવાદી અગ્રણીઓ, નામાંકિત કવિ-લેખકો સહિતની અઠ્યાવીસ વ્યક્તિઓની બનેલી ‘ડૉ. બાબાસાહેબ આઁબેડકર સોર્સ મટીરિયલ પબ્લિકેશન કમિટી, મહારાષ્ટ્ર સ્ટેટ’ની રચના કરી હતી. (પરિશિષ્ટ સાત). આવી કોઈ જવાબદાર સમિતિના અભાવમાં ગુજરાતમાં બાબાસાહેબની ગરિમાને લાંછન લાગે તેવા અનુવાદો થયા છે અને સમગ્રપણે અક્ષરદેહની કામગીરી ટીકાપાત્ર બની છે. ગુજરાતમાં મહારાષ્ટ્રની પૅટર્ન પ્રમાણે આવી કોઈ સમિતિની રચના થાય અને તે સમિતિ પૂરતી જવાબદારી સાથે આ ભગીરથ કામ ઉપાડી લે, તો સરકારની પ્રતિષ્ઠા વધશે, ઓછી નહીં થાય. બાબાસાહેબના ગ્રંથોના પ્રકાશન અંગે સરકારે કોઈ નિયમો બનાવ્યા જ નથી, તમામ કાર્ય ઉભડક રીતે થયું છે. એક અત્યંત મહત્ત્વનું કાર્ય ચોક્કસ ધારાધોરણો મુજબ થવું જોઈએ જે નથી થયું.
બાબાસાહેબ જેવી વિદ્વાન વ્યક્તિના વિચારોને લાંછન લગાવે એવાં કૃત્ય કરનારા ગુજરાતી લેખકોએ એ સમજી લેવું જોઈએ કે હવે કલમમાં કસાઈઓની કલમ દ્વારા ઠંડા કલેજે કરવામાં આવતી વૈચારિક હત્યા પકડી પાડે તેટલી જાગૃતિ તો લોકોમાં આવી ગઈ છે. લોકોને ફક્ત મહાપુરુષોનો જયજયકાર કરતા જ નહીં પણ તેમના વિચાર-વારસાને ભવિષ્યની પેઢી માટે સંરક્ષિત કરતા પણ આવડે છે.
આંબેડકરવાદીઓની સરકારમાં આ રજૂઆત અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે બાબાસાહેબના વૉલ્યુમના અનુવાદમાં થયેલી ભૂલો સુધારવામાં આવશે. જો કે, મંત્રીએ અનુવાદમાં અક્ષમ્ય વેઠ ઉતારનારા અનુવાદક, પરામર્શકો અને સંપાદકનો બચાવ કર્યો છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2019; પૃ. 06-07