બોલીવુડે હંમેશાં ઇતિહાસ અને ભૌગોલિક રાજનીતિ (geopolitics) સાથે છૂટછાટો લીધી છે. પરંતુ આદિત્ય ધરની રણવીર સિંહ અભિનીત ગ્લોસી જાસૂસી થ્રિલર ફિલ્મ જે ધાંસુ રીતે થિયેટરમાં ગાજી રહી છે, તેવી ધુરંધરના મામલે એક ગંભીર અને પેચીદો પ્રશ્ન ખડો થયો છે : જ્યારે મનોરંજન માત્ર બનાવોને નાટ્યાત્મક રીતે રજૂ કરવાને બદલે જાહેર જનતાની સ્મૃતિ(public memory)ને જ બદલવાનું શરૂ કરે ત્યારે શું થાય.

ચિરંતના ભટ્ટ
આ ફિલ્મ ૫ ડિસેમ્બરે રિલીઝ થઈ અને થિયેટરો હાઉસફૂલ રહ્યા, પરંતુ બોક્સ ઓફિસના આંકડા કરતાં વધુ મહત્ત્વની છે લોકોની પ્રતિક્રિયા. ખાસ કરીને એવા લોકોની જેઓ આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલાં વાસ્તવિક સ્થળો, વાસ્તવિક રાજકારણ અને વાસ્તવિક દુર્ઘટનાઓથી પરિચિત છે.
સૌથી આકરી ટીકા ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં આવી, જેમાં દલીલ કરાઈ કે આ ફિલ્મ “સંકુચિત અને કટ્ટરવાદી દૃષ્ટિકોણ” (bigoted vision) ધરાવે છે અને પ્રેક્ષકોને તેની વિચારધારા સ્વીકારવા માટે માનસિક રીતે ભ્રમિત (gaslighting) કરે છે. પરંતુ સોશિયલ મીડિયામા ઉઠેલા અવાજો પણ એટલા જ મહત્ત્વપૂર્ણ છે. ફિલ્મમાં ખાસ કરીને કરાચીના લ્યારી (Lyari) વિસ્તારની વાત છે. ત્યાંના લોકો પાસે પણ સોશિયલ મીડિયા છે જ અને એ લોકો સવાલ કરે છે કે, ‘જે જગ્યાનો ઇતિહાસ જટિલ હોય, તેવા વાસ્તવિક સ્થળને માત્ર એક ભદ્દી મજાક બનાવીને કેમ રજૂ કરવામાં આવ્યું છે?’
અહીં સમસ્યા માત્ર પ્રોપેગન્ડાની નથી. બોલીવુડ દાયકાઓથી દેશભક્તિવાળી ફિલ્મો બનાવી રહ્યું છે. અત્યારે જે સામે આવી રહ્યું છે તે કંઈક અલગ અને વધુ ચિંતાજનક છે : રાષ્ટ્રીય સત્ય તરીકે માર્કેટિંગ કરવામાં આવતી કાલ્પનિક કથાઓમાં વાસ્તવિક ભૂગોળ અને વાસ્તવિક આઘાતજનક ઘટનાઓની ભેળવી તેનો મલાજો રાખવામાં નિષ્ફળ જવું.
લ્યારી : સાચી જગ્યાની કાલ્પનિક ભૂમિકા
સોશિયલ મીડિયા પર કરાચીના એક રહેવાસીએ ચોટદાર નક્કર તથ્યો સાથે ટીકા કરી છે. તે પોતે લ્યારીની નજીક રહે છે. ફિલ્મમાં આ વિસ્તારને પાકિસ્તાનના આતંકવાદી નેટવર્ક પર પ્રભાવ અને નિયંત્રણ ધરાવતા કેન્દ્ર તરીકે દર્શાવવામાં આવ્યો છે.
તેમનો મુખ્ય મુદ્દો સીધો છે : ફિલ્મમાં જેવું લ્યારી બતાવ્યું છે તેવું તો તે છે જ નહીં.
લ્યારીનો વિસ્તાર આશરે ૬ ચોરસ કિલોમીટર છે; જ્યારે ગ્રેટર કરાચી ૩,૫૦૦ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. એટલે કે લ્યારી શહેરની ભૌગોલિક સ્થિતિનો આશરે ૦.૧૭% જેટલો હિસ્સો છે. તેને “કરાચીને નિયંત્રિત કરતું પાવર સેન્ટર” ગણાવવું એ એટલું જ હાસ્યાસ્પદ છે જેટલો એવો દાવો કરવો હાંસી ભર્યું છે કે જે ધારાવી પર રાજ કરે છે તે આખા મુંબઈ પર રાજ કરે છે. નાટ્યાત્મક અસર ઊભી કરવા માટે આ ફિલ્મ એક વિશાળ અને જટિલ મહાનગરને એક નાનકડા ‘સ્લમ’ના માળખામાં ગોઠવી દે છે.
પરંતુ વધુ ગંભીર મુદ્દો ઐતિહાસિક ચેડાંનો છે. લ્યારીના ગેંગ વોરમાં રહેમાન ડકેત અને ઉઝેર બલોચ જેવાં નામો સામેલ હતા. તેઓ ડ્રગ્સના ધંધાના રસ્તાઓ, ખંડણી, સ્થાનિક રાજકારણ અને મુખ્ય પક્ષોના સમર્થનથી આકાર પામ્યા હતા. પીપલ્સ અમન કમિટી – જે એક સામાજિક સંસ્થાના ઓઠા હેઠળ ચાલતું મિલિટન્ટ સંગઠન હતું, ઉઝેર બલોચનો ઉદય, અને અરશદ પપ્પુ સાથેની દુશ્મનાવટ વગેરે સ્થાનિક શહેરી ગુનાખોરી અને રાજકીય બાહુબળનો વિષય છે, સરહદ પારના આતંકવાદી ઓપરેશનનો નહીં.
લ્યારીની ગુનાહિત અને રાજકીય ગાથા પર વિગતવાર અહેવાલો ઉપલબ્ધ છે. લ્યારીની ગેંગને ૨૬/૧૧ના મુંબઈ હુમલાના ઓપરેશનલ પ્લાનિંગ સાથે જોડતા કોઈ પુરાવા નથી. જો કે મેકર્સે બધું જાહેર નથી કર્યું, એવી વાત પણ અમુક મીડિયા રિપોર્ટ્સમાં કરી છે. પણ છતાં ય લ્યારીને બિનજરૂરી રીતે મહત્ત્વપૂર્ણ બનાવી દેવામાં આવ્યું છે. પાકિસ્તાનના પોષાતા માથાભારે તત્ત્વો માત્ર એક સ્થળ સાથે જોડાયેલા નથી.
છતાં ધૂરંધર તેનો પાયો આ લિંક પર જ રચે છે, સ્થાનિક ગુનાખોરીને આંતરરાષ્ટ્રીય આતંકવાદ સાથે જોડીને એક કાલ્પનિક વાર્તા કહે છે, અને તે બંને વચ્ચેના વિશાળ તફાવતને સ્વીકારવાનું ચૂકી જાય છે.
આ કલ્પના કાયમી “સ્મૃતિ” બનવાનું જોખમ ઊભું કરે છે
ભારત પાસે ૨૬/૧૧ પર આધારિત એક વાસ્તવિક પોલિટિકલ થ્રિલર બનાવવા માટે પૂરતી દસ્તાવેજી સામગ્રી છે. લશ્કર-એ-તૈયબાના ટ્રેનિંગ કેમ્પ, દરિયાઈ ઘૂસણખોરીનો માર્ગ, ડેવિડ હેડલીની રેકી, અને ગુપ્તચર તંત્રની નિષ્ફળતાઓ જેવી બાબતો તણાવપૂર્ણ અને કરુણ છે, અને તેમાં કોઈ બનાવટી ઉમેરાની જરૂર નથી. તેમાં પૂરતું નાટ્ય તત્ત્વ છે.
પરંતુ ધૂરંધર બરાબર આ જ ‘ઉમેરો’ કરે છે. તે સિનેમેટિક પસંદગી હોઈ શકે છે, પરંતુ તેનાં પરિણામો ગંભીર છે.
જ્યારે પ્રેક્ષકો વારંવાર વાસ્તવિક ઘટનાઓના સરળ અથવા ઉપજાવી કાઢેલા વર્ણન જુએ છે, ત્યારે આ કાલ્પનિક કથાઓ વાસ્તવિક તથ્યોનું સ્થાન લેવાનું શરૂ કરે છે. કડવા સત્યની જગ્યાએ કલ્પના એક સરળ વિકલ્પ છે. રાષ્ટ્રીય કરુણાંતિકાઓ માત્ર વાર્તા કહેવાની સગવડનો કાચો માલ બની જાય છે.
એ પણ નોંધવું જોઈએ કે આ કાલ્પનિક કથા પાસે ડોક્યુમેન્ટરી જેવી ચોકસાઈની માંગણી નથી. આ એ સમજવાની વાત છે કે લોકપ્રિય સિનેમા ભારત માટે પ્રાથમિક ‘સ્ટોરીટેલર’ (વાર્તાકાર) છે, અને તેમાં બાબત જે રીતે દર્શાવવામાં આવે તે લોકોની ભાવનાત્મક સ્મૃતિનો ભાગ બની જાય છે, ભલે તે તથ્યની દૃષ્ટિએ ખોટું હોય.
તોફાનોના ફૂટેજ પર વિવાદ: સાવચેતીભરી ભેદરેખા
કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે એવો આક્ષેપ કર્યો છે કે ફિલ્મના અમુક તોફાનોનાં દૃશ્યો દસ્તાવેજી વિઝ્યુઅલ્સ અને કાલ્પનિક પુનઃરચના વચ્ચેની ભેદરેખાને ભૂંસી નાખે છે. આ દાવાઓ ચકાસવામાં આવ્યા નથી, અને કોઈ મોટી તપાસ એજન્સીએ વાસ્તવિક ફૂટેજના દુરુપયોગની પુષ્ટિ કરી નથી.
પરંતુ આ વિવાદ છતું કરે છે કે આપણે વાસ્તવિકતાને જોવાની આપણી રીત બદલી છે .. જેમ ફિલ્મ ભૂગોળને બદલે છે, તેમ તે સમયને પણ બદલતી હોય તેવું લાગે છે, જે નાટકીય દૃશ્યો અને ઐતિહાસિક દસ્તાવેજો વચ્ચેની ભેદરેખાને ધૂંધળી થાય છે. જ્યારે AI-જનરેટેડ ઈમેજીસ અને ચેડાં કરેલા ડીપફેક વીડિયો ટ્રેન્ડ થતા હોય ત્યારે આ અસમંજસ કોઈ નાની વાત નથી.
સમાચાર ફૂટેજ જેવી જ વિઝ્યુઅલ શૈલીની નકલ કરતા સિનેમા પર મોટી જવાબદારી રહેલી છે. જ્યારે ફિલ્મો નાટ્યાત્મક અસર માટે આ મર્યાદા તોડે છે, ત્યારે જોખમ એ છે કે ભવિષ્યના દર્શકોને ખબર નહીં હોય કે કોના પર વિશ્વાસ કરવો. આ ફિલ્મ કરતાં ઘણી મોટી સમસ્યા છે.
જ્યારે કોઈ ફિલ્મ વાસ્તવિક શહેરોને માત્ર ક્લિશે(clichés)માં ફેરવી નાખે છે, ત્યારે નુકસાન માત્ર સર્જનાત્મક નથી હોતું. તે ભૌગોલિક રાજકીય (Geo political) બની જાય છે.
લોકો તેમાંથી તે રાષ્ટ્રીય સુરક્ષાના ખોટા પાઠ ભણે છે. પ્રેક્ષકો આતંકવાદ કેવી રીતે કામ કરે છે તેના ખોટા મોડલ માની લેશે, તો તેઓ એ નબળાઈઓને સમજવામાં નિષ્ફળ જશે જે ખરેખર મહત્ત્વની છે.
આવું કામ દુશ્મનોને એક તૈયાર ‘નેરેટિવ’ આપી દે છે. ભારતીય અને પાકિસ્તાની મીડિયામાં ટાંકવામાં આવેલા કેટલાક પાકિસ્તાની વિવેચકોએ ભારપૂર્વક કહ્યું છે કે તેમણે ક્યારે ય ૨૬/૧૧ની “ઉજવણી” કરી નથી અને તેઓ પોતે પણ તેમના પોતાના દેશની હિંસા ભોગવનારા તરીકે જુએ છે. જ્યારે બોલીવુડ પાકિસ્તાનીઓને હુમલાઓ પર ખુશ થતા બતાડતાં દૃશ્યો ઉપજાવી કાઢે છે, ત્યારે તે પાકિસ્તાનના શાસકોને એક તક આપે છે કે તેઓ ભારતીય ચિંતાઓને પાયાવિહોણી ગણાવીને ફગાવીને મિલિટન્ટ નેટવર્ક્સની ભૂમિકાને સંબોધવાનું નેવે મૂકી દે.
આવી ફિલ્મો આપણને આત્મનિરીક્ષણ કરવાથી રોકે છે. ૨૬/૧૧નું એક ન ગમે એવું પાસું ભારતની પોતાની સંસ્થાકીય નિષ્ફળતા છે. NSGનું મોડું પહોંચવું, નબળી દરિયાઈ સુરક્ષા, અવગણવામાં આવેલી ચેતવણીઓ. જે ફિલ્મો ડોક્યુમેન્ટ કરાયેલી આંતરિક ખામીઓને બદલે કાલ્પનિક વિદેશી ખલનાયકોને પસંદ કરે છે, તે એ આત્મ-પરીક્ષણને અટકાવવાનું જોખમ ઊભું કરે છે જે રાષ્ટ્રીય મનોબળને મજબૂત બનાવવા માટે જરૂરી છે.
વૈશ્વિક પેટર્ન : તથ્યપૂર્ણ સત્યને બદલે ભાવનાત્મક સત્ય
ધૂરંધર ફિલ્મના મામલે જે થયું છે તે માત્ર ભારત પૂરતું સીમિત નથી. દુનિયાભરમાં, રાજકીય મનોરંજન હવે તથ્યપૂર્ણ સત્યને બદલે ભાવનાત્મક સત્યને પ્રાધાન્ય આપતું થયું છે. અમેરિકામાં ચૂંટણી પ્રચારમાં વાસ્તવિક ફૂટેજ અને AI-જનરેટેડ ઈમેજીસનું મિશ્રણ સામાન્ય બની ગયું છે. યુરોપ અને મધ્ય પૂર્વમાં ઐતિહાસિક નાટકો વર્તમાન રાજકીય નેરેટિવને અનુકૂળ બનાવવા માટે ઘટનાઓ ફરીથી લખી રહ્યા છે.
પરંતુ જ્યારે ૨૬/૧૧ જેવી ઘટનાઓ સાથે આવું થાય છે ત્યારે સ્થિતિ બદલાઈ જાય છે એ ઘા હજી હજુ રુઝાયો નથી, એ કરુણાંતિકા જે હજુ જીવંત સ્મૃતિમાં છે.
સિનેમાએ સંપૂર્ણપણે સચોટ હોવાની જરૂર નથી. પરંતુ જ્યારે તે આઘાતનું એ રીતે કાલ્પનિકરણ કરે છે કે જે વાસ્તવિક ઇતિહાસને જ ભૂંસી નાખે, ત્યારે વાર્તા કહેવી અને ગેરમાર્ગે દોરવું (disinformation) વચ્ચેની રેખા ભયજનક રીતે ઝાંખી બની જાય છે.
બહેતર સિનેમા કેવું હોઈ શકે?
પાકિસ્તાનની પોતાની થ્રિલર વાર (૨૦૧૩), તેના ભારેખમ સંવાદો છતાં, ભૌગોલિક તર્કની સીમામાં રહી હતી. ભારતની અ વેડનસડે! (૨૦૦૮) ફિલ્મે અતિશયોક્તિ દ્વારા નહીં, પરંતુ અસ્વસ્થ વાસ્તવિકતા દ્વારા તણાવ પેદા કર્યો હતો. બંને ફિલ્મોના મેકર્સને હતી કે દેખાડા કરતા વિશ્વસનીયતા વધુ શક્તિશાળી હોય છે.
તેનાથી વિપરીત, ધૂરંધર ઝીરો ડાર્ક થર્ટી જેવી ભવ્યતા સુધી પહોંચવાનો પ્રયાસ કરતી હોય તેમ લાગે છે, પરંતુ આવી વાર્તા જે ગંભીરતા (rigor) માંગે છે તે તેમાં નથી.
બાય ધી વે :
ખરો પ્રશ્ન કોઈ એક ફિલ્મ વિશે નથી અંતે, ધઙરંધર વિશેની ચર્ચા રણવીર સિંહના અભિનય કે આદિત્ય ધરના દિગ્દર્શન વિશે નથી. આ ચર્ચા એ વિશે છે કે સિનેમા રાષ્ટ્રીય સમજને કેવી રીતે આકાર આપે છે. શું દેશભક્તિ માટે ભૂગોળ બદલવી જરૂરી છે? શું રાષ્ટ્રીય ગૌરવ માટે સરળ ખલનાયકોની જરૂર છે? શું મનોરંજન માટે જટિલ અને પીડાદાયક ઇતિહાસને બદલી નાખવો જોઈએ? જો જવાબ ‘હા’ હોય, તો તેની ચૂકવવી પડતી કિંમત કલાત્મક નથી, સામાજિક છે. આપણે એક એવો સમાજ બની રહ્યા છીએ જેને રાજી રાખવો સરળ છે, અને તેથી ગેરમાર્ગે દોરવો પણ સરળ છે. સિનેમા પ્રેરણા આપી શકે છે. સિનેમા પડકારી શકે છે. પરંતુ જે સિનેમા ખોટો ઇતિહાસ શીખવે છે, અને સામે પ્રેક્ષકોને તેને સલામ કરવાનું કહે છે, તે આપણી સત્ય પરની પકડને નબળી પાડે છે. કારણ કે જે રાષ્ટ્ર મનગમતી કલ્પનાઓને પસંદ કરે છે, તે છેવટે કડવા સત્યોનો સામનો કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. એક વાત તો એ પણ કરવી જોઈએ કે કાશ્મીર ફાઇલ્સ કે કેરલા સ્ટોરી કે બંગાલ ફાઇલ્સ કરતાં ધઙરંધર ફિલ્મ સિનેમા મેકિંગમાં ચાર નહીં ચાળીસ ચાસણી ચડે એવી ફિલ્મ છે. જોનારાઓને મજા આવે જ, એડ્રિનાલિન રશ પણ થાય પણ કમનસીબે લોકો વાંચતા નથી, પોતાનું સત્ય શોધવાની તસ્દી નથી લેતા અને પછી માર્કેટિંગ અને વિચારધારાના વમળમાં ગોટે ચડી જઇને જે પીરસવામાં આવે તે બધું જ માની લે છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 ડિસેમ્બર 2025
![]()

