ગુરુવારે જૂનાગઢ ખાતેના ગુજરાત કાઁગ્રેસના ૪૫ જેટલા જિલ્લા અને શહેર પ્રમુખો સમક્ષ તેમની પ્રશિક્ષણ શિબિરમાં ગુજરાત મોડેલની વાત કરતાં જણાવેલા મુખ્ય મુદ્દા :
નરેન્દ્ર મોદીએ ૨૦૦૧ પછી ગુજરાતમાં પાંચ પ્રકારના વર્ગો ઊભા કર્યા કે જેને ગુજરાત મોડલ તરીકે દેશમાં અને દુનિયામાં રજૂ કરવામાં આવ્યું :
(૧) એક છે લાભાર્થી વર્ગ : કહેવાતા વિકાસનો લાભ જેમને થયો તે આ વર્ગ. તેમાં છે બીલ્ડરો, ઉદ્યોગપતિઓ, હોટલપતિઓ, ઇવેન્ટ મેનેજરો, કાર્યક્રમના ઉદ્ઘોષકો, કેટરર્સ, દેશીવિદેશી ટેકનિકલ નિષ્ણાતો અને ચમચા અધ્યાપકો, સાહિત્યકારો, કથાકારો, મોટીવેશનલ સ્પીકરો વગેરે. તેમને સીધી કે આડકતરી રીતે જોરદાર આર્થિક લાભ થયો એટલે તેઓ મોદીની કથા કરે એ સ્વાભાવિક છે.
(૨) બીજો છે અભિભૂત વર્ગ : આ વર્ગ કહેવાતા વિકાસથી અંજાઈ જાય છે. રિવર ફ્રન્ટ, અટલ બ્રિજ, સરદારનું પૂતળું, ફ્લાય ઓવર, સ્ટેટ હાઈવે, કાંકરિયા લેકફ્રન્ટ, કાયમી અને હંગામી રોશની વગેરે. આ બધું જોઈને બધાને એમ થાય છે કે વાહ શું વિકાસ થયો છે. બધા જ લોકો આ વિકાસથી અભિભૂત થઈ જાય છે. આખા દેશના ખેડૂતોને બોલાવીને ગુજરાત સરકાર મહાત્મા મંદિરમાં હજારો રૂપિયાનું ઇનામ આપે, સોમનાથ અને દ્વારકા ફરવા લઈ જાય અને ફાઇવ સ્ટાર હોટેલમાં રાખે એટલે એના રાજ્યમાં જઈને એ મોદીનો પ્રચાર જ કરે ને!
(૩) ત્રીજો છે ડરી ગયેલો વર્ગ : જેઓ આ વિકાસ સાથે સંમત ન થાય, સરકારની નીતિઓની ટીકા કરે એ બધાને ડરાવી દેવામાં આવ્યા. એમની સામે પોલિસમાં કે અદાલતમાં કેસ થયા, એમને જેલમાં નાખવામાં આવ્યા, જુદી જુદી રીતે ધમકીઓ આપવામાં આવી. આવા થોડા વિરોધીઓની સામે આ તાનાશાહી રીત અપનાવો એટલે બાકીના બધા ડરી જાય એ સ્વાભાવિક છે. વિરોધીઓને અવગણવામાં પણ આવે. સરકારની કોઈ સમિતિઓમાં રાખવામાં આવે નહીં, કે કોઈ કોલેજ કે યુનિવર્સિટી તમને બોલાવે નહીં; ભલે તમે નિષ્ણાત કે વિદ્વાન હોવ.
(૪) ચોથો વર્ગ છે ભક્ત વર્ગ : મોદીની આરતી ઉતારનારો આ વર્ગ છે. તેને માટે મોદી ભગવાન છે, અવતાર છે. એ જે કંઈ કરે તે સારું જ કરે છે એમ તે માને છે. મોદીની ટીકા કરનારા બધા દેશદ્રોહીઓ, હિન્દુદ્રોહીઓ, અર્બન નક્સલ, પાકિસ્તાનીઓ છે એમ તે કહે છે. આ ભક્ત વર્ગને બરાબરનું સિંદૂર કાળજીપૂર્વક પિવડાવવામાં આવ્યું છે. એટલે આ વર્ગે પોતાની બુદ્ધિ સાવ કચરાટોપલીમાં નાખી દીધી છે. તે કશું જ બુદ્ધિપૂર્વક વિચારવા માટે તૈયાર છે જ નહીં.
(૫) પાંચમો વર્ગ છે ધર્મને આધારે ધિક્કાર કરનારો અને ધિક્કાર ફેલાવનારો વર્ગ. એ હિંદુમુસલમાન કરવામાંથી ઊંચો આવતો જ નથી. દેશની જે કોઈ સમસ્યાઓ છે તે બધી જ મુસ્લિમોને કારણે છે એમ તે સમજે છે અને તેમને તેઓ દેશદ્રોહી સમજે છે. આ ધિક્કાર એટલો બધો જામ થઈ ગયો છે એમના દિમાગમાં કે કોઈ પણ જાતનું ઓપરેશન એ દિમાગને સુધારી શકે તેમ નથી. આ ધિક્કાર ગાંધી અને નેહરુ સુધી વિસ્તર્યો છે.
આ પાંચ વર્ગ આ હકીકતો જોવા તૈયાર નથી :
(૧) ગુજરાતનો સરેરાશ વિકાસ દર ૧૯૮૦-૯૫ના ગાળા દરમ્યાન ૧૪.૫૦ ટકાની આસપાસ રહ્યો. પણ ૨૦૦૧-૨૫ના ગાળામાં તે ૯.૫ ટકાની આસપાસ રહ્યો.
(૨) ગુજરાત ભારતના વિકાસનું એન્જિન હતું, ૧૯૯૫ પહેલાં, પછી નહીં. ભારતનો વિકાસ દર હવે ગુજરાત પર આધાર રાખતો જ નથી.
(૩) ગુજરાતમાં આજે ખાનગી શિક્ષણની બોલબાલા છે. ૪૪ લાખ બાળકો ખાનગી શાળાઓમાં ભણે છે. વાલીઓ પર એનો ભયંકર આર્થિક બોજો પડે છે. પૂરતા શિક્ષકો અને અધ્યાપકો વિનાની શિક્ષણ પ્રથા વિકસાવાઈ છે. ગુજરાત સરકાર જી.ડી.પી.ના દોઢ ટકા કરતાં પણ ઓછું ખર્ચ શિક્ષણ માટે કરે છે.
(૪) આરોગ્ય ક્ષેત્રે સારવાર ખર્ચ અત્યંત વધી ગયું છે. સરકારી આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલમાં સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ નથી. ગુજરાત સરકાર જી.ડી.પી.ના અર્ધા ટકા કરતાં પણ ઓછું ખર્ચ આરોગ્ય માટે કરે છે!
(૫) ઉદ્યોગોને બહુ બધી સબસિડી આપવામાં આવે છે પણ તેના દસમા ભાગનું પણ જો ગરીબોને આપવામાં આવે તો તેને રેવડી કહીને બદનામ કરવામાં આવે છે.
(૬) ગરીબી ભયંકર છે ગુજરાતમાં. ૧૯૯૮-૯૯માં ૨૬.૧૯ લાખ પરિવારો ગરીબ હતા. આજે ૭૦.૪૦ લાખ પરિવારો ગરીબ છે કે જેમને દર મહિને પાંચ કિલો અનાજ મફત આપવામાં આવે છે.
આ ગુજરાતનું debateless development model છે. ચર્ચા કરવાની જ નહીં, ચર્ચા કરો તો સરકારની અને મારી પ્રશંસા કરો એવી જાતનો સમાજ બનાવી દેવાનો ઉદ્દેશ ગુજરાત મોડલમાં રખાયો છે.
તા.૧૩-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર