ભારતમાં શીતળા માતાને ઓરી-અછબડા, ફોડલાની દેવી કહેવાય છે. ભારતમાં ૨૦૦ વર્ષ સુધી ઓરી-અછબડાની બીમારી રહી હતી. (૧૯૮૦માં વિશ્વ આરોગ્ય સંગઠને પૃથ્વી પરથી તેની સંપૂર્ણ નાબૂદીની જાહેરાત કરી હતી). એ ચેપી રોગ હતો, અને તેમાં બાળકોની ચામડી બળતી હતી અને ગરમ ફોડલા થતા હતા. રોગની કોઈ વૈજ્ઞાનિક સમજ ન હતી, એટલે તેને દેવી માતાનો પ્રકોપ માનવામાં આવતો હતો, અને દેવીને પ્રાર્થના કરવાથી શરીર ઠંડું થાય છે, તેવી માન્યતાથી રોગનું નામ શીતળાનો રોગ અને તેનો ઉપચાર કરાવનાર દેવીનું નામ (શીતળ પરથી) શીતળા માતા રાખવામાં આવ્યું હતું. સ્કંધપુરાણમાં હાથમાં લોટો, પંખો અને ઝાડું ધારણ કરીને ગદર્ભ પર બિરાજમાન દેવી તરીકે શીતળા માતાની કલ્પના કરવામાં આવી છે.
બીજી અને છઠ્ઠી સદીની વચ્ચે. રોમન સામ્રાજ્યમાં અનેક મહામારીઓ ફેલાઈ હતી. ઇસુ પૂર્વે ૧૬૫થી ૧૮૦ વચ્ચે અને ૫૪૧થી ૫૪૨ વચ્ચે યુરોપ અને એશિયામાં પ્લેગનો રોગ પ્રસર્યો હતો. પહેલામાં ૫૦ લાખ લોકો અને બીજામાં ૫ કરોડ લોકો માર્યા ગયા હતા. એમાંથી ભારતમાં દક્ષિણ એશિયાની પહેલી દેવી ‘હરીતી’નો ‘જન્મ’ થયો હતો. પ્રથમ સદીમાં આજના પેશાવરની આસપાસનો વિસ્તાર ગાંધાર કહેવાતો હતો (મહાભારતમાં જેના રાજા શકુની હતા. ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી આ પ્રદેશની હતી), અને ત્યાં બૌદ્ધ પરંપરામાં ‘હરીતી’ની પૂજા શરૂ થઇ હતી. તે રાક્ષસી હતી અને નવજાત શિશુઓને ઉઠાવી જઈને તેમને ખાઈ જતી હતી. બુદ્ધે તેની ભ્રષ્ટ મતિને ઠીક કરી, પછી હરીતી ઓરી-અછબડાથી શિશુઓનું રક્ષણ કરનારી દેવી બની ગઈ.
ભારતમાં આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં ચેપી રોગના વાવરને દૈવી કોપ માનવામાં આવે છે. ૧૯મી સદીમાં ભારતના સાર્વજનિક સ્વાસ્થ્યને સતત પજવતા બે મોટા રોગ હતા : કોલેરા અને પ્લેગ. આજે વુહાનમાંથી ફેલાયેલા કોરોના વાઈરસને ‘ચીની વાઇરસ’ કહો, તો ચીન સરકારના સ્તરે બૂમાબૂમ કરી મૂકે છે, પણ ૧૮૦૦ના અમેરિકા-યુરોપમાં કોલેરાને ‘એશિયાટિક કોલેરા’ અથવા ‘ઇન્ડિયન કોલેરા’ કહેવામાં આવતો હતો. ત્યારે આ વાવર પૂર્વમાંથી ફેલાતો હતો અને પશ્ચિમમાં કોઈ પણ મુસીબત આવે, તો તેને ભારતના માથે ફોડવામાં આવતી હતી, એટલું જ નહીં પણ હરિદ્વાર, જગન્નાથ પૂરી અને પંઢરપુર તેમ જ પશ્ચિમ એશિયામાં મક્કાના ધાર્મિક મેળાવડાઓને તેના માટે જવાબદાર ઠેરવવામાં આવતા હતા.
૧૮૯૦ના દાયકાઓમાં સૈનિકોની મદદથી પ્લેગ વિરોધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવતાં હતાં, ત્યારે ઘણા ભારતીય પરિવારો ધાર્મિક માન્યતાઓને કારણે દરદીઓને ઘરોમાં છુપાવી દેતા હતા. ત્યારે બ્રિટિશ વહીવટ નવો ન હતો, પરંતુ મોટાભાગના ભારતીયો ‘પશ્ચિમની સારવાર’ને અધાર્મિક ગણતા હતા. તે વખતે ભારતીયોને ‘અંગ્રેજી ડોકટરો’ કરતાં વધુ વિશ્વાસ દૈવી શક્તિઓ પર હતો, અને આજે જેમ ગામડાંઓમાં કોરોના વાઇરસની સારવાર કરતા ડોકટરો-નર્સો પર હુમલા થાય છે, તેવી જ રીતે બ્રિટિશ ઇન્ડિયામાં પણ સ્વાસ્થ્ય કર્મચારીઓ લોકોના રોષનો ભોગ બનતા હતા.
તાજેતરનાં વર્ષોમાં ઇબોલાનો રોગચાળો ફેલાયો, ત્યારે પશ્ચિમી આફ્રિકામાં લોકોની ધાર્મિક માન્યતાઓ તેના ઉપચારમાં આડી આવી હતી, કારણ કે ડોકટરોએ રોગ માટે અમુક ધાર્મિક રિવાજોને દોષિત ઠેરવ્યા હતા અને લોકો એનાથી ઉશ્કેરાયા હતા. વિશ્વ આરોગ્ય સંગઠને ત્યારે કહ્યું હતું કે સમાજના સમુદાયોના સંપૂર્ણ સહયોગ અને સંડોવણી વગર કોઈ પણ મહામારીને નિયંત્રણમાં લાવવી શક્ય નથી.
કોરોના વાઈરસના ફેલાવા પાછળ પણ વુહાન અને કોરિયામાં ધાર્મિક મેળાવડાને જવાબદાર ઠેરવવામાં આવે છે. વુહાનમાં એક અઠવાડિયા સુધી નવા વર્ષનો ખાવા-પીવા અને ઉજવણીનો કાર્યકમ ચાલ્યો હતો, અને કોરિયામાં ચર્ચોમાં લોકો ભેગા થતા રહ્યા હતા. કોરોના જ્યારે વિશ્વમાં ફેલાયો કે તરત ચર્ચો, મસ્જિદો અને ગિરજાઘરો બંધ કરી દેવામાં આવ્યાં. પહેલીવાર ઇતિહાસમાં આખી પૃથ્વી પર ધાર્મિક સ્થળો બંધ છે. મક્કાની હજ બંધ રાખવામાં આવી છે. તુર્કીમાં ધાર્મિક બાબતોનું અલાયદું મંત્રાલય છે. તેણે સત્તાવાર રીતે મસ્જિદોમાં નમાજ પર પ્રતિબંધ મુક્યો છે. બહેરીનના ક્રાઉન પ્રિન્સે કહ્યું છે કે કોરોના વાઈરસ ધર્મ, જાતિ કે લિંગનો ભેદ નથી કરતો.
આનો અર્થ એવો કે લોકો ધર્મમાં વિશ્વાસ ગુમાવશે અને વિજ્ઞાનનો સહારો લેશે? એક વાત તો દીવા જેવી છે કે ઈશ્વર જો હોય અને તે મનુષ્ય જાતિને પ્રેમ કરતો હોય, તો પછી કોરોના વાઇરસની બીમારી કેમ આવી અને તેમાંથી બચાવમાં ઈશ્વર સહાય ના કરે, તેવો પ્રશ્ન કોઈને પણ થવો સ્વાભાવિક છે. અત્યારે ધર્મના દરવાજા બંધ છે, અને વિજ્ઞાનની લેબોરેટરીઓ કોરોના વાઈરસની રસી શોધવા રાત-દિવસ કામ કરી રહી છે. છતાં હકીકત એ પણ છે કે લોકો આવા તર્કથી ધાર્મિક શ્રદ્ધા ગુમાવી દે અને વિજ્ઞાનના ‘ભક્ત’ બની જાય તે પણ એક વધુ પડતો આશાવાદ છે.
માનવ ઇતિહાસ ગવાહ છે કે જ્યારે-જ્યારે પ્રચંડ કટોકટીઓ આવી છે, માણસો વધુ શ્રદ્ધાળુ બન્યા છે. પશ્ચિમની દુનિયાએ બીજા વિશ્વયુદ્ધમાં આઠેક કરોડ લોકોનો નાશ જોયો હતો, તે પછી ૫૦ના દાયકામાં ઈસાઈ ધર્મનો સુવર્ણયુગ શરૂ થયો હતો. ગેલોપ સંસ્થાના અભ્યાસ પ્રમાણે ૧૯૬૦ના દાયકાથી ૪૦ ટકાથી પણ ઓછા લોકો તેમના જીવનમાં ધર્મના પ્રભાવને સ્વીકારતા હતા, પણ સપ્ટેમ્બર ૨૦૦૧માં ન્યુ યોર્ક ટ્વીન ટાવરમાં બે પ્લેન ટકરાયાં, તે પછી ધાર્મિક શ્રદ્ધા રાખતા અમેરિકનોની સંખ્યા ૭૧ ટકાએ પહોંચી ગઈ હતી.
કોરોના વાઈરસની મહામારીનો પ્રભાવ માણસની શ્રદ્ધા પર કેવો પડશે, તે કહેવું અત્યારે અપરિપક્વ કહેવાશે, પણ યુનિવર્સિટી ઓફ કોપેનહેગનનો એક અભ્યાસ કહે છે કે ગયા મહિને દુનિયામાં કોરોના વાઈરસના કેસ રોજ ડબલ થતા હતા, ત્યારે ગૂગલ પર ‘પ્રેયર’ (પ્રાર્થના) શબ્દનું સર્ચ ‘આકાશને આંબી’ ગયું હતું. વોશિંગ્ટનના પ્યુ (પી.ઈ.ડબ્લ્યુ.) સેન્ટરે નોંધ્યું હતું કે તે દરમિયાન ૫૫ ટકા અમેરિકાનોએ મહામારીનો અંત આવે તે માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરી હતી. ૧૫ ટકા એવા લોકો, જે ક્યારેક જ અથવા ક્યારે ય પ્રાર્થના કરતા ન હતા, અને ૨૪ ટકા એવા લોકો, જે કોઈ ધર્મમાં માનતા ન હતા, તેમણે પણ વાઈરસનો અંત આવે તે માટે ઈશ્વરની આરાધના કરી હતી.
ઇતિહાસમાં ઊલટાં ઉદાહરણ પણ છે. ૧૪મી સદીમાં યુરોપમાં જ્યારે બુબોનિક પ્લેગ ફેલાયો, જેને બ્લેક ડેથ પણ કહે છે, ત્યારે તેમાં યુરોપ, નોર્થ અમેરિકા અને એશિયામાં મળીને ૭થી લઈને ૨૦ કરોડ લોકોનો ભોગ લેવાયો હતો. મધ્યયુગીન યુરોપની એ સૌથી મોટી સ્વાસ્થ્ય કટોકટી હતી. એમાંથી ઉભરાતાં યુરોપને ૨૦૦ વર્ષ લાગ્યાં હતાં. પ્લેગની શરૂઆતમાં યુરોપના શ્રદ્ધાળુ લોકોએ તેને તેમના ‘પાપી’ જીવન સામે ઈશ્વરનો પ્રકોપ માન્યો હતો. ઘણાં લોકોએ તેના માટે પ્રાર્થનાઓ કરી હતી અને પ્રાયશ્ચિત રૂપે ખુદના શરીર પર કોરડા ફટકાર્યા હતા. ધાર્મિક નેતાઓએ અનેક અનુષ્ઠાનો કર્યા હતાં.
તેમ છતાં મહામારી ચાલુ રહી, તો લોકોએ ધર્મમાંથી ધીમે ધીમે શ્રદ્ધા ગુમાવવા માંડી. જો કે ઈશ્વર પ્રત્યે લોકોનો વિશ્વાસ યથાવત રહ્યો, પણ યુરોપના જીવન પર સંગઠિત ધર્મનો જે રોબ હતો, તે ઝાંખો પડી ગયો અને તેમાંથી જ યુરોપના ધાર્મિક ઇતિહાસમની સૌથી મોટી અને મહત્ત્વની સુધારાવાદી ચળવળ આવી. યુરોપ વિજ્ઞાન અને ઉદ્યોગમાં વિશ્વનું લીડર બન્યું, તેના પાયામાં આ સુધારાવાદી ચળવળ છે.
વાઈરસની મહામારી પણ લોકોને સુરક્ષિત રાખવાની સંગઠિત ધર્મની ક્ષમતા સામે પ્રશ્નો ઊભા કરે છે. લોકો તેના જવાબો માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના શરણે જાય છે કે પછી મહામારીએ સર્જેલા અભૂતપૂર્વ સ્ટ્રેસ અને બેબસીથી રાહત મેળવવા ઈશ્વરની આસક્તિમાં ખુદને ડુબાડી દે છે, તે મહામારી હજુ કેવું સ્વરૂપ લે છે તેના પર નિર્ભર છે, પણ એક વાત ચોક્કસ છે કે કોરોના વાઇરસ સંગઠિત ધર્મની શકલ તો બદલી જ નાખશે.
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 ઍપ્રિલ 2020