અનાયાસ, અન્આયોજિત પણ બરાબર જયપ્રકાશ જયંતી પર્વે ગુજરાતે ‘ગણેશાય નમઃ’ ઠીક કર્યું : ગણેશ દેવીએ અકાદેમી સન્માન પાછું વાળ્યું અને દેશની સ્વાયત્ત હોઈ શકતી સાહિત્ય અકાદેમીને જરી જાતિસ્મરણજ્ઞાન વાસ્તે હૃદયકંપની ઉદય પ્રકાશ અને નયનતારા સહગલે શરૂ કરેલી અને ગુજરાત જેવા અપવાદ સિવાય તો જંગલના દવ જેવું પરિમાણ ધારણ કરી રહેલી પ્રક્રિયામાં સમિધ પૂર્યું. વળતે દહાડે, ગુજરાતમાં સ્વાયત્ત અકાદમી આંદોલનની ઉમાશંકર-દર્શક-નારાયણ દેસાઈ પરંપરાથી કિનારો કરતા રહેલા અનિલ જોશીએ પણ અકાદેમી સન્માન પાછું આપવાપણું જોયું.
કેન્દ્રીય સાહિત્ય અકાદેમીના વર્તમાન અધ્યક્ષ વિશ્વનાથ પ્રસાદ તિવારીથી ગુજરાત છેક અપરિચિત નથી. રઘુવીર ચૌધરીને અકાદેમીના મહત્તર સદસ્ય(ફેલો)નું માન આપવા અકાદેમીના અધ્યક્ષને નાતે તેઓ આવ્યા હતા અને પ્રત્યક્ષ જીવન તેમ જ સમાજ સાથે સાહિત્યના અનુબંધની ભૂમિકાએથી કંઈક કિસાની લહેજામાં વાત પણ કરી હતી. આ દિવસોમાં તેઓ પોતાના અને અકાદેમીના વજૂદની કસોટી ને કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. કલબુર્ગી સરખા અકાદેમી સન્માન પ્રાપ્ત સાહિત્યસેવીની નિર્ઘૃણ હત્યા પરત્વે ધોરણસરના શોકઠરાવની રીતે પેશ આવવામાં અકાદેમી ઊણી ઊતરી એ વાનું ઊંટની પીઠ પરના છેલ્લા તણખલાની પેઠે ઊપસી રહ્યું છે. સફાળા જાગેલા તિવારીજી હવે સિતાંશુ યશશ્ચંદ્ર આદિએ સૂચવ્યા પ્રમાણે તરતના દિવસોમાં (૨૩મી ઑક્ટોબરે) અકાદેમી કારોબારી મંડળની તાકીદની બેઠક વાટે પથસંસ્કરણ કરવા ધારે છે.
પ્રશ્ન આ છે – પથસંસ્કરણ એટલે શું. એક રીતે અધ્યક્ષ તિવારી અને રાજ્યસ્તરના સાંસ્કૃિતક મંત્રી મહેશ શર્માનો મુદ્દો દુરસ્ત જ છે કે અકાદેમી એવોર્ડોની પ્રક્રિયા ‘લેખકો તરફથી લેખકોને’ પ્રકારની છે એટલે કે એમાં સરકારની સીધી સંડોવણી નથી. આ વિગત સંભારી આપવા બદલ આપણે એમના આભારી રહીશું. પણ સરવાળે તો એ સપાટ સમજૂત માત્ર છે. અકાદેમીની પોતાની કામગીરીમાં સરકારી અભિગમ અને રાજકીય વાયુમંડળનો તેમ વિચારધારાકીય હિંસ્ર જમાવડાનો ઓથાર નહીં હોય એમ તો કહી શકાતું નથી. છતી સ્વાયત્તતાએ જો વિવેકપુરસ્સર ઍસર્ટિવ ન રહી શકીએ તો તે કાગળ પરની શાહી માત્ર બની રહે છે. તેથી અકાદેમીની આગામી બેઠકે ધોરણસરના શોકપ્રસ્તાવના રસમી રાબેેતે નહીં અટકતાં ભોં ભાંગવાથી માંડીને જરી વંડીઠેકનું ય ઠેકાણું પાડવું રહેશે.
અહીં દાદરીખ્યાત મહેશ શર્માની ભૂમિકા સંદર્ભે બે શબ્દો લાજિમ છે. એમની અને તરુણ વિજય (પૂર્વતંત્રી, પાંચજન્ય)ની વાત કંઈક એવી રહી છે કે જો ખાલી ગોમાંસભક્ષણની અફવાથી કોઈની હત્યા થઈ હોય તો એ ખોટું કહેવાય. બીજા શબ્દોમાં, પ્રતાપભાનુ મહેતાએ તત્ક્ષણ પણ સ્થાયી મૂલ્યવત્તાવાળી ટિપ્પણીરૂપે ખોલી બતાવ્યું હતું તેમ, ધારો કે એણે ગોમાંસભક્ષણ સાચે જ કર્યું હોય તો એની સરિયામ હત્યા (લિન્ચિંગ) વાજબી (બલકે, ધર્મ્ય) લેખાય.
પણ વાત આપણે સ્વાયત્ત એવોર્ડ પ્રક્રિયા અને અકાદેમી વિશે કરતા હતા એમાં આ દેખીતો અવાન્તર હવાલો શીદને, એમ પણ કોઈક પૂછી તો શકે. ભાઈ, એટલા માટે કે આપણને સુધબુધ રહે કે કિયા રાજકીય અગ્રવર્ગ હેઠળ આપણે કામ કરવાનું છે. મહેશ શર્મા કહે છે કે લેખકો ફરિયાદ કરે છે કે અમે સ્વતંત્રપણે લખી શકીએ નહીં એવો માહોલ બની રહ્યો છે. વારુ, શર્માજી અસંદિગ્ધ શબ્દોમાં ઉમેરે છે, એવું હોય તો એક વાર તમે લખવાનું બંધ કરો પછી જોયું જશે. રૂઢિચુસ્ત દબાણ (અને એ દબાણ પાછળના રાજકીય સૅન્ક્શનવશ) લેખકે લેખનપૂરતી આત્મહત્યા વહોર્યાથી માંડીને સામેવાળા તરફથી લગભગ આતતાયીવધની નોબત વહોર્યાનું બની રહ્યું છે. પણ મહેશ શર્માના સાંસ્કૃિતક સિસ્મોગ્રાફમાં તે સ્વાભાવિક જ ઝિલાતું નથી. આ સંજોગોમાં તિવારી અને કાર્યવાહક સાથીઓએ અકાદેમીના સ્તરે ખરા ઈલમી, ખરા શૂરા પુરવાર થવાની દૃષ્ટિએ ૨૩મીની કારોબારી બેઠક સાથે દુર્ગભેદની શરૂઆત કરવાની રહે છે.
કાયદો હાથમાં લઈને કથિત ગોમાંસભક્ષીની હત્યા કરવી કે રૂઢિદાસ્ય અને ધર્માંધતા પરત્વે આલોચનાત્મક વલણને વરેલા લેખક(જેમ કે, કલબુર્ગી)ની હત્યા કરવી તે વિચારધારાની રીતે અને માનસિકતાની રીતે લગભગ એક જ ફ્રિકવન્સી પરની બીના છે તે કહેવાની જરૂર ન હોવી જોઈએ. બલકે, સાથોસાથ, મહેશ શર્માની એ બુનિયાદી સફાઈની પણ સજગ નોંધ લેવાવી જોઈએ કે લેખકો કઈ વિચારધારા ધરાવે છે તે પણ અમારે જોવું રહેશે. ટૂંકમાં, આતતાયીવધની ભૂમિકાએથી ‘ધ અધર’ સારુ અમારી મૃગયા બરકરાર છે.
રાષ્ટ્રીય સ્તરના આ ઘટનાક્રમનો ગુજરાત બાબતે શો પદાર્થપાઠ, કોઈ જરૂર પૂછી શકે. ઠીક ઠીક પ્રાતિનિધિક અને ગૌરવોજ્જવલ પ્રણાલિપ્રસંગો છતાં કેન્દ્રિય સાહિત્ય અકાદેમી આજે વજૂદ પુરવાર કરવાની કે કદાચ એથીયે આગળ હયાતીના પ્રમાણપત્રની શોધ જેવી સ્થિતિમાં મુકાઈ ગઈ છે. એક ગુજરાતી તરીકે તમને ને મને આજે એ વાતનાં ઓસાણ નથી કે પાસ્તરનાકને મુદ્દે રશિયા સાથે કડક વલણ અખત્યાર કરી શકતા અકાદેમી અધ્યક્ષ (અને વડાપ્રધાન) નેહરુની વાત તો ખેર છોડો, અહીં ઉમાશંકર પણ હતા જેમણે સંબંધિત કેન્દ્રીય મંત્રીને કહ્યું હતું કે અકાદેમીનું અધ્યક્ષપદું એ કોઈ તમારા સેક્શન ઑફિસર તાબેનો ઇલાકો નથી.
ગુજરાત છેડેથી જો કે વિશેષ વિચારવાનું રહે છે. દર્શકના નેતૃત્વમાં શક્ય બનેલી સ્વાયત્ત સાહિત્ય અકાદમીનું ઘોર સરકારીકરણ એમના સોમા-એકસો એકમા વરસમાં બરદાસ્ત કરી લેનાર અક્ષરકર્મીઓ હવે શું કરવા ધારે છે ? સાહિત્ય પરિષદ જેવી પ્રજાકીય સંસ્થા પણ સ્વાયત્ત અકાદમીની માંગણીના પુનરુચ્ચારણ પછી, વર્તમાન પ્રમુખ ધીરુ પરીખની અસંદિગ્ધ ભૂમિકા અને સ્વાયત્તતાને મુદ્દે ડૉ. ટોપીવાળાની નિર્ણાયક ફતેહ છતાં, કશા ટેઇક ઑફ વગરના ચકરાવા ક્યાં લગી લેતી રહેશે? અને ઠીક ઠીક પ્રાતિનિધિક સ્વરૂપની હોવા છતાં જો કેન્દ્રીય સાહિત્ય અકાદેમી આવા એક હારણ દોરમાં મૂકાતી હોય તો ઘરઆંગણે ગુજરાતમાં સરકારીકરણને ધોરણે પરબારી નિયુક્તિથી હોદ્દાનશીન બનેલાઓ ક્યાં સુધી હાલની અનવસ્થાને વળગી રહેવા માગે છે ?
ન તો એ કોઈ પ્રાતિનિધિક કે નિઃશેષ સાહિત્યિક સંસ્થા છે. ન તો એ કોઈ યુનિવર્સિટી છે – અને રાજકીય પક્ષ તો એ નથી જ નથી. છતાં, આ તબક્કે એનું ધન્યસ્મરણ કરીને મારી વાત પૂરી કરીશ. મારો સંકેત આઠ સૈકા પુરાણા બૃહન્મઠ ભણી છે. ચિત્રદુર્ગ સ્થિત બૃહન્મઠે એનું પ્રથિતયશ બસવશ્રી સન્માન હજુ હમણે જ કલબુર્ગીને આપવાનું જાહેર કર્યું છે. એક મઠ તરફથી આવું મરણોત્તર સન્માન વાસ્તવમાં આપણા સમયની એક રોમહર્ષક ઘટના છે, અને ધર્મપ્રવણ હોવું તે કોઈ કઈ ગુજરી વાત નથી એની જીવંત સાહેદી પણ. કલબુર્ગીએ ચોક્કસ મુદ્દે બસવેશ્વરની આલોચના કર્યાને કારણે કેટલાંક ધર્માંધ તત્ત્વોની નજરમાં આતતાયી જેવા હતા. પણ બૃહન્મઠની ભૂમિકા એ છે કે જેમ બસવેશ્વરની તેમ કલબુર્ગીનીયે કોશિશ આલોચનાવિવેકપૂર્વક સમાજપરિવર્તનની હતી. તેથી કલબુર્ગી બસવશ્રી સન્માનના સાચ્ચા અધિકારી છે… ખરા ઈલમી, ખરા શૂરાઃ જેમ કલબુર્ગી તેમ બૃહન્મઠ પણ.
કલાપીકૃપાએ સૂઝી આવેલા આ બે પ્રયોગો – ખરા ઈલમી, ખરા શૂરા – આપણા અક્ષરકર્મીઓ વચ્ચે વાઇલ્ડ લાઈફ વન્ડર અગર ક્યુરિયો આઈટમ નહીં બની રહેતા ઉત્તમા સહજાવસ્થા શો સુખાનુભવ બની રહે એથી વધુ હું કશું ન માંગુ.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2015; પૃ. 01-02