હિંદુત્વની ફિલસૂફી એક રાજકીય ઊપજ છે જે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં પેદા થઇ હતી. તેને પ્રાચીન ભારતીય પરંપરાઓ સાથે કંઇ લેવાદેવા નથી

ચિરંતના ભટ્ટ
જ્યારે ભારતના ભાગલા થયા, ત્યારે દેશમાં માહોલ ભયંકર હતો. આ હકીકત નવી નથી, અજાણી નથી. કોમવાદ એક લોકશાહી રાષ્ટ્રને હચમચાવી શકે છે એ ખબર હોવા છતાં એને પૂરી રીતે દૂર રાખવાનું પણ શક્ય નથી. ઇતિહાસની એક વાસ્તવિકતા એ છે કે જ્યારે અંગ્રેજોના સંકજામાંથી ભારતને છોડાવવાનો હતો ત્યારે સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ બન્ને એમ માનતા હતા કે આ લોકોને અહીંથી કાઢવા હશે તો ભાગલા સ્વીકારવા સિવાય કોઇ બીજો રસ્તો નથી. 1947નો ભારત દેશ બહુ જુદા જ સંજોગોમાંથી પસાર થઇ રહ્યો હતો અને 2023માં ભારત સાત દાયકાથી વધુ સમયથી આઝાદ દેશ હોવા છતાં કોમવાદની ગુલામીમાં લોકશાહીની પીઠે કોરડા ફટકારાઇ રહ્યા છે. ત્યારે પણ કટ્ટરવાદીઓએ કોમવાદની આગ પર પોતાની રોટલી શેકી હતી, પણ ત્યારે આપણા રાજકારણીઓની માનસિકતા તદ્દન જુદી હતી, તેમને સત્તાનો મોહ નહોતો પણ એક સ્થિર, સશક્ત રાષ્ટ્ર ખડું થાય તેમા રસ હતો. સરદાર પટેલે કંઇક આવા અર્થની વાત કરી હતી કે, “અમારો હેતુ લઘુમતીઓને કોઇ ચોક્કસ પદમાં બાંધી દઇ પ્રતિબદ્ધ કરી દેવાનો નથી. બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર ખરા અર્થમાં રચાય તે બધાના જ હિતમાં છે અને માટે જ લઘુમતીએ પણ બહુમતીની નિષ્પક્ષતામાં વિશ્વાસ મૂકવો જોઇએ. લાંબા ગાળે એ ભૂલી જવું જ ઠીક રહેશે કે આ દેશમાં બહુમતી અને લઘુમતી જેવું કંઇ છે અને ભારતમાં માત્ર એક જ સમુદાય છે એ વાત મનમાં રાખવી.” સરદાર પટેલનું તોસ્તાન જેવું બાવલું બનાવનારાઓ સરદાર પટેલના આ વિચારોથી કદાચ અજાણ હશે અથવા તો તેમને સગવડિયો સ્મૃતિભ્રમ થયો હશે. ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મની સમજને નેવે મૂકી દઇને હિંદુવાદનો દેકારો અત્યારે જે રીતે ચાલી રહ્યો છે, તે ખરેખર ચિંતાજનક છે. વિવિધતામાં એકતાની વાતનો જ્યાં ગૌરવ લેવાતું હતું એ જ દેશમાં અત્યારે કોઇ જુદો જ સૂર આલાપાઇ રહ્યો છે. છેલ્લા દોઢ દાયકામાં હવાનું પ્રદૂષણ તો વધ્યું જ છે પણ વૈચારિક ધુમ્મસે લોકોની સમજને રૂંધી છે, મર્યાદિત કરી દીધી છે. ભાગલા પડ્યા ત્યારે જે તંગ માહોલ હતો તે એક બહુ મોટા સ્થળાંતરને કારણે હતો. એ બદલાવનાં વર્ષોમાં પ્રગતિવાદી સાહિત્યકારો, પ્રગતિવાદી નાટ્યકારોનો અવાજ લોકો સુધી પહોંચવામાં કશું પણ આડે નહોતું આવતું. પાકિસ્તાન ભારતથી છૂટું પડ્યું એ એક ભાગલા અને આજે એક ધર્મના લોકો જ્યાં રહેતા હોય ત્યાં બીજા ધર્મના લોકોને ઘર ન મળે એ આપણા ઘર આંગણે થતા ભાગલા અને તેમાં સતત નાના નાના ટૂકડા થતા જ રહે છે. એક રાષ્ટ્રમાં અલગ અલગ ધર્મના ખાના બની રહ્યા છે, જેમાં ઝનૂન છે, ગુસ્સો છે, ધિક્કાર છે, બહુમતી ધર્મના વાદની સરમુખત્યારશાહી છે. ધર્મ આધારિત આતંકવાદનો ફેલાવો પણ એક સત્ય છે અને એ કારણે વૈશ્વિક રાજકારણમાં બહુ મોટા પરિવર્તન આવ્યા, ઇસ્લામોફોબિયા પણ ફેલાયો. પણ આતંકવાદને કોઇ ધર્મ નથી હોતો. વાડાબંધી સમાજમાં થાય ત્યારે આતંકીઓ નહીં પણ આમ આદમી પીસાતો હોય છે. ધર્મ કોઇ પણ હોય તેનો ઉપયોગ માનસિક શાંતિ માટે થવો જોઇએ, આતંક કે અરાજકતા ફેલાવવા નહીં.
વિશ્વના કોઇપણ દેશની માફક ભારત પણ અનેક બદલાવોમાંથી પસાર થયો છે. વૈદિક સંસ્કૃતિ, હૂણોનું અહીં આવવું, મુગલોનું દેશને પોતાનો કરીને રહેવું અને પછી અંગ્રેજોનો સામ્રાજ્યવાદ – આ બધામાંથી પસાર થયેલો દેશ વિખેરાયો, જોડાયો એવું ઘણું ય થયું. શાસકો બદલાયા અને રાજકીય પરિવર્તનના પ્રવાહોએ દેશને બદલવાનું ચાલુ રાખ્યું, ક્યાંક બધું ય એક તાંતણે બંધાયેલું રહેતું પણ આંતરિક વૈમનસ્યના રાજકારણે ભારતનો મિજાજ બદલ્યો છે. એક સમયે ધૂલ કા ફૂલ નામની ફિલ્મમાં ગીત આવતું, ‘તું હિંદુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા’ – સાહિલ લુધિયાનવીના આ શબ્દોમાં ભારતની બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર હોવાની ઓળખ ઘૂંટાતી. હવે ‘કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધી કેરાલા સ્ટોરી’ જેવી ફિલ્મોમાં જાણે દર્શકોના મનમાં સૌહાર્દના નહીં, પણ ધિક્કારનાં બીજ વાવવાના સીધા અથવા આડકતરા પ્રયાસો થાય છે. સરદાર પટેલ અને નહેરુ જેવા નેતાઓએ લધુમતીને સલામતી આપી, વિશ્વાસ કેળવીને એક થવાની વાત કરી હતી, જ્યારે આજે શાસકોનો આડકતરો સૂર છે હિંદુવાદનો વાવટો ફરકાવો, બીજા ધર્મોને નીચા બતાડો. ધર્માંધતા વર્તમાન રાજકારણીઓને માટે જાણે હુકમનું પાનું છે. ધર્માંધતાની તલવાર ફરે ત્યારે સ્ટેન સ્વામી જેવા કેટલાયના જીવ હોમાય છે અને વિરોધ દર્શાવવા સાંતા ક્લોઝના પૂતળાં બાળવામાં આવે છે તો મસ્જિદની બહાર જય શ્રી રામની નારેબાજી પણ થાય છે. હિંદુત્વવાદીઓ પોતાને ભારતીય પરંપરાનો હિસ્સો ગણાવવા સજ્જન સંભાષણો પણ કરે છે પણ વાસ્તવિકતા તો એ છે કે હિંદુત્વની ફિલસૂફી એક રાજકીય ઊપજ છે જે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં પેદા થઇ હતી. તેને પ્રાચીન ભારતીય પરંપરાઓ સાથે કંઇ લેવાદેવા નથી. ભારતીય ઉપખંડનો ઇતિહાસ સમૃદ્ધ છે પણ ભારતીય રાષ્ટ્રએ તો હજી હમણાં જ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો છે – આ બન્ને અંગે જેમને સ્પષ્ટતા નથી એ લોકોને જેણે તાજમહેલ બનાવડાવ્યો છે એ શાહજહાં સામે એવો વાંધો પડે છે કે એ દેશદ્રોહી હતો – પણ સવાલ એ થાય કે ભારતની એક રાષ્ટ્ર તરીકે રચના થઇ તેના ૩૦૦ વર્ષ પહેલાં થઇ ગયેલો આ બાદશાહએ કયા રાષ્ટ્રનો દ્રોહ કર્યો હશે, ભલા!?
વિવાદો, તોડફોડ, હિંસા અને બીજા ધર્મો કે ધર્મ ગુરુઓ પ્રત્યે અપમાનજક વિધાનો કરવા કંઇ નવી વાત નથી. ૧૯૨૪માં મહંમદ પૈયગંબર વિશે રાજ પાલે ઉર્દૂ ચોપાનિયા રંગીલા રસૂલમાં લખ્યું ત્યારે પણ વિવાદ થયો તો ૮૦ના દાયકામાં સલમાન રશ્દીના સેતાનિક વર્સિઝનો વિરોધ થયો અને ગયા વર્ષે લેખકે એક હુમલામાં એક આંખ ગુમાવી, તો ૨૦૦૮માં એમ.એફ. હુસૈનના પેઇન્ટિંગનો વિરોધ થયો હતો. બહુમતી ધર્માંધતાએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં અન્ય ધર્મ પ્રત્યેના, ખાસ કરીને મુસ્લિમ ધર્મ પ્રત્યેના ધિક્કારની ધાર કાઢવામાં કંઇ બાકી નથી રાખ્યું. લવ જિહાદ, ગૌહત્યા, ધર્માંતરણ જેવા મુદ્દે ‘લિંચિંગ’નો ભોગ બનેલા મુસલમાનોના ઘણા કિસ્સા છે. વળી સાવરકરના ચાહકોની પીઠ થાબડવાથી માંડીને ‘સિલેબસ’ બદલવાના ખેલ જેવું ઘણું બધું ચાલી રહ્યું છે. દરેક પક્ષનો પોતાનો એજન્ડા હોય છે અને એજન્ડાના ખેલમાં જીતવા માટે તેઓ માનવાધિકાર, લોકશાહી, સહિષ્ણુતા અને બિનસાંપ્રદાયિકતા જેવી આપણા રાષ્ટ્રની ઓળખને કોમવાદની આગમાં એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના હોમી દે છે.
બિનસાંપ્રદાયિક ભારતમાં ફેલાઇ રહેલી ધર્માંધતા ખતરાની ઘંટી છે. અગ્રણીઓ અને સશક્ત બહુમતીએ ધર્માંધતા સામે અવાજ ઉઠાવવો જરૂરી છે પણ બહુમતીઓ જો વાદ અને ધર્મનો તફાવત સમજ્યા વિના રાજકારણીઓની વાતોના ચક્રવ્યૂહમાં ફસાશે તો તેઓ પોતાની સ્વતંત્રતા ક્યારે ગુમાવી બેસશે તે તેમને પોતાને પણ નહીં ખબર પડે. વર્તમાન શાસક પક્ષને ધર્માંધતાની બાજી ખેલવાનું ગમે છે પણ એનાથી રાષ્ટ્ર બૌદ્ધિક, આર્થિક, સામાજિક દૃષ્ટિએ પાંગળું બનશે એવું ભવિષ્ય તેમને કાં તો દેખાતું નથી અથવા તેમને તેની પરવા નથી. દરેક ધર્મના નાગરિકે પોતાના ધર્મનો દુરુપયોગ ન થાય, તે માનસિક શાંતિ માટે વપરાય ન કે વૈમન્યનું ઝેર ફેલાવવા તેની તકેદારી રાખવાની અંગત જવાબદારી લેવી જોઇએ.
ભારતના નાગરિક તરીકે સંપ અને પ્રેમથી રહેવાની ચાહ જો દર્શાવી શકીશું તો રાજકારણીઓ પાસે બીજા કોઇ રસ્તા નહીં બચે. સોશ્યલ મીડિયાથી સમાજમાં પ્રસરતા ધિક્કારને ધક્કો મારી વાસ્તવિકતામાં ઐક્ય દેખાડવાની હિંમત ભારતીયોએ કરવી પડશે.
તાજેતરમાં એક્ટર આશુતોષ રાણાએ કરેલું એક કાવ્યપઠન વાઇરલ થયું છે, એમાંથી પણ આપણે કંઇ શીખીશું – સમજીશું તો લેખે લાગશે …
બાંટ દિયા ઇસ ધરતી કો, ચાંદ સિતારો કા ક્યા હોગા?
નદિયોં કે કુછ નામ રખે, બહતી ધારોં કા ક્યા હોગા?
શિવ કી ગંગા ભી પાની હૈ, આબે ઝમઝમ ભી પાની,
મુલ્લા ભી પિએ, પંડિત ભી પિએ, પાની કા મઝબહ ક્યા હોગા?
ઇન ફિરકાપરસ્તોં સે પૂછો ક્યા સૂરજ અલગ બનાઓગે?
એક હવા મેં સાસ હૈં સબ કી, ક્યા હવા ભી નઇ ચલાઓગે?
નસ્લોં કા કરેં જો બંટવારા, રહબહ વો કૌમ કા ઢોંગી હૈ,
ક્યા ખુદા ને મંદિર તોડા થા યા રામ ને મસ્જિદ તોડી હૈ?
બાય ધી વેઃ
‘ધી કેરલા સ્ટોરી’ ફિલ્મની એક પ્રેસ કોન્ફરન્સ થઇ જેમાં ધર્માંતરણનો ભોગ બનેલી ૨૬ છોકરીઓ જેમને ફરી પાછી હિંદુ ધર્મમાં લવાઇ છે તેમને પણ હાજર રખાઇ. આ ‘ઇવેન્ટ’માં જે પણ વાત થઇ એમાં વારંવાર આર્ષ વિદ્યા સમાજમ્ નામના સનાતન ધર્મ શીખવતા આશ્રમની તરફેણમાં વાત કરાઇ, ત્યાં ડોનેશન આપવાની અપીલ પણ કરાઇ કારણ કે તે આશ્રમ ધર્માંતરણના ચુંગાલમાં ફસાયેલા લોકોને પોતાના ધર્મ તરફ પાછા વાળે છે. આ જ આશ્રમ ભૂતકાળમાં વિવાદમાં સપડાઇ ચૂક્યો છે કારણ કે પોતાની ઇચ્છાથી કોઇ બીજા ધર્મમાં – ખ્રિસ્તી કે મુસલમાન ધર્મમાં પરણેલી છોકરીઓને અહીં બળજબરીથી લવાતી હોવાની ફરિયાદો પોલીસમાં નોંધાઇ ચૂકી છે. જે છોકરીએ ફરિયાદ નોંધાવી હતી તેણે પોલીસને એમ કહ્યું હતું કે અહીં બીજા ધર્મમાં શું બૂરું છે એ વિશે જ વાત કરવામાં આવે છે, તેમની પર સી.સી.ટી.વી. કેમેરાથી નજર રખાય છે, વાતો રેકોર્ડ કરાય છે, જાજરૂ જાય તો દરવાજા બંધ કરવાની છૂટ નથી અપાતી અને આટલું ઓછું હોય તેમ છોકરીઓને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવે છે જેથી તેઓ ડરીને જ બીજા ધર્મના સાથી સાથે છેડા ફાડી નાખે. આ પણ ‘ધી કેરલા સ્ટોરી પાર્ટ – ૨’ બની શકે. જો તમે ‘ધી કેરલા સ્ટોરી’ જોઇ હોય તો સુધીર મિશ્રાએ બનાવેલી ફિલ્મ ‘અફવા’ જોવાનું પણ ચૂકતા નહીં, ઘણું બધું સમજી શકાશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 મે 2023