
રવીન્દ્ર પારેખ
ગયા સોમવારે તુર્કીમાં ભૂકંપ આવ્યો અને આખી દુનિયાએ એનો આંચકો અનુભવ્યો. પંદરેક હજાર માણસોનાં આ ભૂકંપમાં મોત થયાં છે ને 6,500થી વધુ મકાનો ધ્વસ્ત થયાં છે. કાટમાળ નીચેથી મળતાં મૃતદેહો મોતનો આંકડો વધુ ભયાનક બનાવે એમ બને. સાચું ખોટું તો નથી ખબર, પણ સત્તાવાર મૃત્યુ આંક ઉપરાંત લાખેક માણસોનાં મૃત્યુની આશંકાઓ પણ સેવાય છે. માણસોનું રીઢાપણું જ તેને આશ્વાસનની સગવડ પણ ઊભી કરી આપે છે અને જેનાં ગયાં તેનાં ગયાં, એ સિવાય આવી હોનારતો કોઈને કોઈ રીતે કમાણીનું, પ્રસિદ્ધિનું, પ્રચારનું, રાજકારણનું નિમિત્ત પૂરું પાડે છે તે પણ સ્વીકારવું પડે. ક્યાંક સાચી માનવ સંવેદના-વેદના પણ પ્રગટ થાય છે એની ના નથી, પણ મોટે ભાગે તો આવી ઘટનાઓ અન્યો માટે ઉપદેશનું, સલાહનું ને અરેરાટીનું જ નિમિત્ત ઊભું કરી આપે છે. આમ કર્યું હોત તો આમ થયું હોત અથવા ન થયું હોત, આગલા અનુભવોમાંથી બોધપાઠ લીધો હોત તો આ દિવસો જોવાના ન આવ્યા હોત, જેવું ટેવવશ કહેવાતું રહે છે, પણ દુનિયા અનુભવોમાંથી કશું શીખતી નથી ને નવી દુર્ઘટના માટે તે તત્પર રહેતી હોય તેવું લાગ્યા વગર રહેતું નથી. એમાં સચ્ચાઈ હોય તો તે એટલી જ છે કે તુર્કી, સીરિયા, લેબેનોન, ઈઝરાયેલ હચમચ્યું અને કેટલી ય ઇમારતો ધરાશાયી થઈ ગઈ. 7.8 રિક્ટર સ્કેલના ભૂકંપે અનેક જીવોને જીવતાં જ ભોંયમાં ભંડારી દીધા. ભૂકંપનો પહેલો આંચકો સવારે સવાચારની આસપાસ આવ્યો ને તુર્કીનાં અન્કારા, માલત્યા, કહરામનમરસ જેવાં દસેક શહેરો કબ્રસ્તાન થઈ ઊઠ્યાં. સાડા આઠ કરોડની કુલ વસ્તીમાંથી બે કરોડથી વધુ લોકોને આ ધરતીકંપની વત્તી ઓછી અસરો થઈ છે. જે બચી ગયાં છે એમની આંખોમાં આંસુઓ સુકાતાં નથી. એ કરુણતા જ છે કે હજારો જિંદગીઓ વગર કફને જ દફન થઈ ગઈ છે. સ્ત્રી, પુરુષો, બાળકો વચ્ચે કોઈ અંતર ભૂકંપે રાખ્યું નથી. મકાનોએ કબરોની ગરજ સારી છે. તુર્કીમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર થયો છે, તો ત્રણેક મહિના માટે ઇમરજન્સી પણ જાહેર કરવામાં આવી છે. અનેક દેશોએ તુર્કીની પડખે રહીને જરૂરી રાહતો મોકલી છે ને એમાં પણ ભારત મોખરે રહ્યું છે. ઘાયલોને તબીબી સહાય માટેની વ્યવસ્થાઓ પણ યુદ્ધને ધોરણે ઊભી કરાઇ છે. આ રાહતોમાં, ત્યાં પડી રહેલી ઠંડીને કારણે પણ મુશ્કેલીઓ વધી છે.
તુર્કીમાં ભૂકંપની નવાઈ નથી. 1939, 1999માં આવેલા ભૂકંપે પચાસેક હજાર લોકોના જીવ લીધા હતા. ત્યારે તો સાધનોની ટાંચ પણ હતી, પણ આધુનિક સગવડો છતાં હજારો માણસો ગયે સોમવારે પણ મર્યાં જ છે, એ બતાવે છે કે પડે છે ત્યારે સઘળું પડે છે. બહુ બહુ તો ઘટના પછી ઈલાજ થઈ શકે છે, પણ કુદરતી આફતને રોકી શકાતી નથી. આફતો કુદરતી હોય તો તેને થોડી ઘણી રોકી શકાય, જેમ કે ભૂકંપ અવરોધક મકાનો બનાવી શકાય, પણ લગભગ બધે જ સ્થાનિક પ્રશાસનો એ તરફ બહુ ધ્યાન આપતાં નથી. ઘટના બને છે ત્યારે સૌ રડી લે છે, પછી એ જ જૂની રફ્તારે બધાં દોડવાં લાગે છે. ભૂકંપ પ્રતિરોધક મકાનો માટે કરવો પડતો વધુ ખર્ચ કરવા કોઈ બહુ રાજી હોતું નથી ને શાસકો કે પ્રજા પણ શોર્ટ કટથી કામ લે છે ને છેવટે તો આ કરકસર મોંઘી જ પડે છે.
ભારત, નેપાળમાં પણ ભયંકર ભૂકંપો આવી ચૂક્યા છે. તુર્કી 10 ફૂટ ખસી ગયું છે, એ જ રીતે નેપાળનું કાઠમંડુ પણ 10 ફૂટ ખસી ગયું હતું. નેપાળમાં આવેલો ભૂકંપ તો અણુબોમ્બ જેવી વિનાશકતા લઈને આવ્યો હતો. આમાં જમીન વચ્ચે પડતી મોટી તિરાડોમાં પાણી ભરાય તો તે બીજી સમસ્યાઓ પણ સર્જે છે. આ ઉપરાંત સુનામી, રેલ, આગ જેવી ઘટનાઓમાં જાનમાલનું ભારે નુકસાન થતું હોય છે, અનેક નિર્દોષોના જીવ જાય છે, પણ ભાગ્યે જ પ્રજા કે શાસકો નવી કોઈ દુર્ઘટના ન ઘટે એને માટે પ્રમાણિક પ્રયત્નો કરે છે. ભારતમાં જોશીમઠ અને અન્યત્ર જમીન ધસવાની ઘટનાઓ છતાં, આગોતરી કોઈ યોજનાઓ ભાગ્યે જ થાય છે. જમીનનો પ્રકાર જાણ્યા વગર બંધાઈ રહેલાં જોખમી હાઈરાઇઝ કાયમી ચિંતા ઉપજાવનારા છે. મલ્ટિ સ્ટોરિડ બિલ્ડિંગો તાણી તો બંધાય છે, પણ એને નિમિત્તે ઊભી થતી અગવડોનો વિચાર ભાગ્યે જ થાય છે. સૂરતમાં તક્ષશિલા ટ્યૂશન ક્લાસમાં લાગેલી આગની ઘટના હજી ચર્ચામાં છે જ. ચાર માળ સુધી પણ બંબાની સીડીઓ પહોંચી ન હતી તે સૌ જાણે છે. એની સામે 22 માળની ઈમારતોમાં આગ લાગે ત્યારે ત્યાં બચાવની કેવીક વ્યવસ્થા હશે તેની તો કલ્પના જ કરવાની રહે છે. વારુ, ફરી 2001 જેવો ધરતીકંપ આવે ત્યારે આ ઇમારતો કેટલી ટકશે એની પણ અટકળો જ કરવાની કે બીજું કૈં?
સાધારણ રીતે ભૂકંપની આગાહીને કોઈ બહુ ગંભીરતાથી લેતું નથી, પણ તુર્કીના 7.5ની તીવ્રતાના ભૂકંપની આગાહી ડચ સંશોધક ફ્રેન્ક હૂગરબિટ્સે 3 ફેબ્રુઆરીએ ટ્વિટર દ્વારા આપી હતી. તેમણે સીરિયા, લેબેનોન, જૉર્ડનમાં પણ ભૂકંપ આવવાની ચેતવણી આપી હતી. જો આગાહી આટલી સચોટ પુરવાર થઈ હોય તો તેને ગંભીરતાથી લેવી જોઈએ એવો પણ એક મત છે. આગાહી તો અફઘાનિસ્તાનથી વાયા પાકિસ્તાન થઈને ભારતમાં ધરતીકંપ થવાની પણ છે. આ આગાહી કોઈ ચોક્સાઈનું પરિણામ હોય તે કરતાં ય રાજકીય કાવતરાનું પરિણામ હોય એવી શંકા એટલે પણ સેવાઇ રહી છે કારણ, તુર્કી રાષ્ટ્ર, અમેરિકા, યુરોપ અને આરબ દેશો સાથે શત્રુતા દાખવી રહ્યું છે ને અમેરિકાએ તેને પાઠ ભણાવવા આ ધરતીકંપ કરાવ્યો હોવાનું મુસ્લિમ દેશોને લાગે છે. એટલે પણ આગાહીઓ આમ તો ચેતવણી જ બની રહી છે. આમ કહેવું ગંભીર છે, પણ કેટલીક ઘટનાઓ અમેરિકા તરફ આંગળી ચીંધે છે. એમ મનાય છે કે HAARP ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમેરિકાએ ભૂકંપ ઉપજાવ્યો છે. એ કુદરતી નથી. એવું એટલે પણ મનાય છે કે ભૂકંપ પહેલાં અમેરિકાએ એની એમ્બસી બંધ કરી દીધી હતી ને એનાં માણસોને તુર્કીથી પરત બોલાવી લીધા હતા. ધરતીકંપ આવવાનો છે એવી અમેરિકાને ખબર હતી તેથી માણસોને બોલાવી લીધા કે એ કેવળ અકસ્માત હતો એ નક્કી કરવાનું મુશ્કેલ છે. HAARP, 2010નાં હૈતીના ભૂકંપમાં, ચિલી અને જાપાનનાં ભૂકંપમાં પણ જવાબદાર ઠેરવાયું છે. HAARPથી ભૂકંપ લાવી શકાય છે એવો સીધો ઉલ્લેખ નથી, પણ કુદરતની જેમ જ માનવ સર્જિત ભૂકંપ પણ શક્ય છે ને તે કુદરતી ભૂકંપ જેટલો જ સક્ષમ નીવડી શકે છે એવું તો મનાય જ છે. આમ તો HAARP આયનોસ્ફિયર(વાતાવરણ)નો અભ્યાસ કરવા માટેનું સક્ષમ ટ્રાન્સમીટર છે. એટલા પરથી પણ અમેરિકાનું તુર્કીને પાઠ ભણાવવાનું પુરવાર થતું નથી, પણ તુર્કીમાં ભૂકંપ આવ્યો ત્યારે આકાશમાં વિકિરણનું વાદળ છવાયેલું હતું તે પણ હકીકત છે. હૈતીમાં ભૂકંપ આવ્યો ત્યારે પણ તે છવાયું હતું. એનો અર્થ એ થયો કે HAARP ટ્રાન્સમીટરનો ઉપયોગ હૈતીની જેમ જ તુર્કીમાં પણ થયો છે. 2010નો હૈતીનો ભૂકંપ અમેરિકાએ કરાવ્યો હોવાનો આક્ષેપ વેનેઝુએલાના પ્રમુખ હુગો ચાવેઝે કર્યો હતો. સાચુંખોટું તો પ્રમુખ જાણે –
આ ભૂકંપ અમેરિકાએ કર્યો હોય કે ન કર્યો હોય એમાં ન પડીએ તો પણ એટલું સ્પષ્ટ છે કે કુદરત કરતાં વધુ ઘાતકી રીતે કૃત્રિમ હોનારતો કરવા જેટલો માણસ હવે સક્ષમ થઈ ચૂક્યો છે. કોઈ પણ મહાસત્તાને એમ થાય કે પૃથ્વીનો કબજો કરી લેવો છે ને એને માટે કોઈ પણ કૃત્રિમ હોનારતો જરૂરી છે તો એવી દુર્ઘટનાઓ સર્જીને એ પૃથ્વીનું પડીકું વાળી શકે એમ છે. કોઈ પણ દેશને ધરતીકંપ, સુનામી, વરસાદ, આગ, રેલથી હવે કુદરત જ નુકસાન કરે છે એવું નથી, કુદરતથી વધુ નુકસાન માણસ પણ કરી શકે એમ છે એટલે ભયભીત હવે કુદરતથી નહીં, પણ માણસથી થવા જેવું છે. માણસો જો ધરતીકંપ સર્જી શકતા હોય તો એનાથી જે જાનમાલનું નુકસાન થાય છે, જે જીવ હત્યાઓ, હા, હત્યાઓ થાય છે તેનો અંદાજ પણ આવે છે ખરો એ સત્તા ભૂખ્યા મહાનુભાવોને? ને પછી જે સહાનુભૂતિ વરસે છે તેને માનવતાના કયા માપદંડે માપવી એ પણ પ્રશ્ન જ છે. આખી પૃથ્વી વિકસીને અદ્યતન ટેક્નોલોજીથી ફાટ ફાટ થઈ રહી છે ત્યારે જે પ્રાપ્તિ છે તે આનંદની નથી લાગતી. આપણે અદ્યતન વિકાસથી પૃથ્વી લોહીથી તરબતર રહે એ જ કરવા ધારીએ છીએ કે કોઈ રીતે આપણને નિરાંત કે શાંતિ ખપતી નથી એ પુરવાર કરવા માંગીએ છીએ એ નથી સમજાતું. આજનો સૌથી ઘાતક અને વ્યાપક તથા જીવલેણ રોગ કદાચ સત્તા લાલસા છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 ફેબ્રુઆરી 2023