17 જુલાઈ 2025ના રોજ સવારે બ્રેકફાસ્ટ કરી 7 વાગ્યે Yellowstone – યલોસ્ટોન નેશનલ પાર્ક જવા નીકળ્યા. રસ્તાની બન્ને બાજુ પહાડોની હારમાળા હતી. પહાડો વૃક્ષોથી ઢંકાયેલા હતા. એક તરફ ખળખળ વહેતી Gibbon – ગિબન નદી હતી. આંખને ઠારે તેવું વાતાવરણ હતું.
આજે ગરમ પાણી અને વરાળ છોડતા ઝરા – geysers જોવાનો પ્લાન હતો. યલોસ્ટોનનો સૌથી મોટો ગરમ પાણીનો ઝરો – ‘Grand Prismatic Spring – ગ્રાન્ડ પ્રિઝમેટિક સ્પ્રિંગ’, જોયો. ખૂબ સુંદર. જાણે ધરતી કંઈક કહી રહી હોય ! આ ઝરો 121 ફૂટથી વધુ ઊંડો છે અને તેનો વ્યાસ 200-330 ફૂટનો છે. વરાળમાં સલ્ફરની આછી ગંધ હોય છે. કોઈ કોઈ જગ્યાએ 90થી 120 ફૂટ ઊંચો Mist – ધુમાડો જોવા મળે.
‘Old Faithful – ઓલ્ડ ફેથફુલ’/ ‘Excelsior Geyser – એક્સેલસિયર ગીઝર’ / ‘Morning Glory Pool – મોર્નિંગ ગ્લોરી પૂલ’ વગેરે ગરમ પાણીનાં ઝરણાં જોયાં. કુદરતની રચના અદ્દભુત છે. વરાળ અને ગરમીનું કારણ magma – મેગ્મા છે, જે ભૂગર્ભમાં 5-13 કિલોમીટર અંદર છે. પાણી એક કિલોમીટર કરતાં વધુ નીચે ઝરે છે અને ગરમ થાય છે. પછી સપાટી પર આપણે જોઈ શકીએ છીએ. ‘ઓલ્ડ ફેથફુલ’ વિશ્વમાં સક્રિય ગીઝરનું સૌથી મોટું સંકુલ છે.
યલોસ્ટોન નેશનલ પાર્કની સરેરાશ ઊંચાઈ સમુદ્ર સપાટીથી લગભગ 8,000 ફૂટ (2,438 મીટર) છે. Old Faithful geyser સમુદ્ર સપાટીથી 7,349 ફૂટ(2,240 મીટર)ની ઊંચાઈ પર છે અને વિસ્ફોટ વેળાએ સામાન્ય રીતે 106 થી 185 ફૂટ(32થી 56 મીટર)ની ઊંચાઈ સુધી ફાટી નીકળે છે.
આ ઝરા કેટલા જૂના હશે? યલોસ્ટોનના ઝરા લગભગ 15,000 વર્ષ પહેલાં, છેલ્લે હિમનદીઓ પીછેહઠ કર્યા પછી બન્યા હોવાનું માનવામાં આવે છે. જો કે, દરેક ગીઝરની ચોક્કસ ઉંમર નક્કી કરવી પડકારજનક છે, કારણ કે તે સતત વિકસિત થતી લાક્ષણિકતાઓ ધરાવે છે. ભૂકંપની પ્રવૃત્તિ, પાણીની વધઘટ અને વિસ્ફોટની આવર્તન અને તીવ્રતામાં ભિન્નતાને કારણે ગીઝર સમય જતાં બદલાય છે. ગીઝરની ભૌતિક રચનાઓ વિસ્ફોટ દ્વારા ક્ષીણ થઈ શકે છે અથવા બદલાઈ શકે છે, જેના કારણે તેમના વર્તમાન કદ અથવા આકારના આધારે તેમની ઉંમર નક્કી કરવી મુશ્કેલ બને છે. વળી આ ઝરા થોડો સમય નિષ્ક્રિય રહે અને ફરી સક્રિય થઈ જાય છે !
યલોસ્ટોનના ગીઝરમાં વિવિધ પ્રકારના રસાયણો હોય છે, જે મુખ્યત્વે પાર્કની ભૂ-ઉષ્મીય પ્રવૃત્તિ અને પાણી-ખડકોની ક્રિયાપ્રતિક્રિયાને કારણે થાય છે. આમાં ઓગળેલા વાયુઓ, ખનિજો અને ટ્રેસ ધાતુઓનો સમાવેશ થાય છે. ગીઝરમાં સિલિકા, ક્લોરાઇડ, સોડિયમ અને સલ્ફેટનું પ્રમાણ વધુ હોય છે. તેઓ કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ, હાઇડ્રોજન અને નાઇટ્રોજન જેવા વાયુઓ પણ ઉત્સર્જન કરે છે.
ઝરાનું પાણી એટલું નિર્મળ અને પારદર્શક હોય છે કે એમાં નાહવાનું મન થઈ જાય. ગરમ પાણીનાં ઝરણામાં નાહવાની / તરવાની મનાઈ છે. મોટાભાગના ગરમ પાણીનાં ઝરણામાં પાણી અત્યંત ગરમ હોય છે, જેથી દાઝી જવાય. ઝરણાની આસપાસની જમીન પાતળી અને અસ્થિર હોઈ શકે છે, જેના કારણે ગરમ પાણીમાં પડવું ખરેખર જોખમી બની શકે.
શું ઝરાનું પાણી પી શકાય? યલોસ્ટોન થર્મલ પાણીમાં 57 મિલિગ્રામ / લિટર જેટલું ફ્લોરાઇડ હોય છે. તેમાં એન્ટિમોની અને પારો હોય છે. જેથી પી શકાય નહીં.
ઝરાની આસપાસ નારંગી કલર જોવા મળે છે. પાણીમાં Cyanobacteria – સાયનોબેક્ટેરિયા હોય છે. રંગબેરંગી મેટ અને સ્ટ્રીમરમાં જોવા મળે છે. ગ્રાન્ડ પ્રિઝમેટિક જેવા આલ્કલાઇન ઝરણામાં નારંગી રંગના સ્પોન્જ જેવા મેટ હોય છે. યલોસ્ટોન નેશનલ પાર્કમાં 500થી વધુ ગીઝર છે.
દર વરસે 40 લાખથી વધુ લોકો ધરતીનો આ ઉકળાટ જોવા આ સ્થળની મુલાકાત લે છે. એમાં અમારો પણ સમાવેશ થઈ ગયો !
19 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર