બિનગુજરાતી કલાકારોનાં ગુજરાતી ગીતો
હૈયાને દરબાર
મઢ આઈલેન્ડના દરિયાની ક્ષિતિજ પર સાંજ ઢળી રહી છે. આકાશના ગુલાબી-જાંબલી રંગો અદ્ભુત છે છતાં જાણે ઉદાસી ઘેરાઈ હોય એવું લાગે છે. આઈપોડમાં ગુજરાતી ગીત શરૂ થાય છે; ‘ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં, પણ આખા આ આયખાનું શું?’ એક અધૂરા પ્રેમસંબંધની વાત કવિ જગદીશ જોશીના આ કાવ્યમાં છલકાઈ ઊઠી છે. મિલનની સાથે વિસ્તરતો વિરહ ગીતમાં સબળ રીતે પ્રગટ થયો છે. મનુષ્યમાત્ર વિરહની મૂંગી વેદના સતત અનુભવે છે અને માંડેલી વારતા અધૂરી રહી જાય એ વિહ્વળતા ભૂપિજીએ ગાયેલા આ ગીતમાં સાંગોપાંગ પ્રગટી છે. કવિ રાવજીનું ગીત ‘આંખે કંકુના સૂરજ આથમ્યા…’ને ભૂપિન્દરજીએ અમર બનાવ્યું છે એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય. કવિ નર્મદનાં ગીતો ભૂપિજીએ સુંદર ગાયાં છે તેમ જ કવિ કમલેશ સોનાવાલાનું ઉદય મઝુમદારે કમ્પોઝ કરેલું ગીત ‘જીવનનો મધ્યાહ્ન છતાં સાંજ શોધું છું શાને …’ પણ ભૂપિજીનું સુંદર ગીત છે. બંધ આંખે ઉજાગરાને ઓઢવા જેવી કમનીય અભિવ્યક્તિમાં વેદનાનું માધુર્ય છલકાવતું ગીત ‘મને આપો ઉછીનું સુખ થોડું …’માં કવિ જગદીશ જોશી સંસારમાં જે અધૂરપ રહી જાય છે એને પૂરી કરવા સુખની માગણી કરે છે. એ વ્યથા ભૂપિજીએ આબેહૂબ વ્યક્ત કરી છે.
આજે વાત કરવી છે બિનગુજરાતી કલાકારોએ ગાયેલાં લાજવાબ ગીતોની. મંગેશકર બહેનો ઉપરાંત મોહમ્મદ રફી, કિશોર કુમાર, મુકેશ, મન્ના ડે, ગીતા દત્ત, સુમન કલ્યાણપુર, હરિહરન, જગજિત સિંહ, ભૂપિન્દરજી, કવિતા કૃષ્ણમૂર્તિ, સાધના સરગમથી લઈને શ્રેયા ઘોષાલ, શાન, મહાલક્ષ્મી ઐયર અને અરિજિત સિંહ સુધી અનેક બિનગુજરાતી કલાકારોએ ગુજરાતી ગીતો માત્ર ગાયાં જ નથી, અદ્ભુત નિભાવ્યાં છે. અજિત શેઠ અને પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીત નિર્દેશનમાં ભૂપિજીએ ગુજરાતી ગીતો ગાવાની શરૂઆત કરી હતી. છઠ્ઠી ફેબ્રુઆરીએ જન્મદિવસ ઉજવનાર ભૂપિન્દરજી આ સંદર્ભે કહે છે, "જીવવાની હામ …’ સૌ પ્રથમ પુરુષોત્તમ ઉપાધ્યાયે સ્વરબદ્ધ કર્યું હતું, પરંતુ સંગીતકાર અજિત શેઠના આલબમ ‘આંખે કંકુના સૂરજ આથમ્યા’થી શ્રોતાઓએ મારાં ગુજરાતી ગીતોને ખૂબ વખાણ્યાં. અવિનાશ વ્યાસ તથા ગૌરાંગ વ્યાસના સંગીત નિર્દેશનમાં કેટલીક ગુજરાતી ફિલ્મોમાં મેં ગાયું છે. દિલીપ ધોળકિયાના સ્વર નિયોજનમાં ગાયેલા ગુજરાતી ગીત ‘એકલા જ આવ્યા મનવા એકલા જવાના…’ને તો ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ ગીતનું પારિતોષિક પણ મળ્યું હતું. ગુજરાતી ગીતોમાં ગુજરાતની સંસ્કૃતિનો સ્પર્શ બરાબર અનુભવાય છે. ભાષા જુદી હોય એટલે ગાતી વખતે અનુભૂતિ પણ જુદી થાય. હિન્દી સ્વરકારોની તુલનાએ ગુજરાતી સ્વરકારો જુદા કોર્ડ્સ પ્રયોજે છે. એમની સિમ્ફની અલગ હોય છે. જો કે, હવે તો ગુજરાતી સંગીત ઘણું મોડર્ન થઈ રહ્યું છે.’
ભૂપિન્દરજીનાં જીવન અને સ્વરસંગિની મિતાલી મુખરજીએ ગાયેલાં અવિનાશ વ્યાસનાં બે ગીત ‘કોયલ ઊડી રે ગઈ’ તથા ‘ચૂડી ને ચાંદલો’ ઘણાં લોકપ્રિય થયાં હતાં. હરિહરને ગાયેલાં ગુજરાતી ગીતોમાં કવિ રાવજીનું ‘તમે રે તિલક રાજા રામના’ અને મણિલાલ દેસાઈનું ‘સરકી જાયે પલ’ ઉત્કૃષ્ટ છે. હરિહરનજીએ ગાયેલાં કવિ રાજેન્દ્ર શાહનાં ગીતો ‘નિરુદ્દેશે સંસારે’ તથા ‘ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર …’ કેવાં ભાવવાહી ગીતો છે! મહાલક્ષ્મી ઐયરે ઉત્તંક વોરાનાં કેટલાંક ગીતો ગાયાં છે. કવિતા કૃષ્ણમૂર્તિએ સૌમિલ મુનશી, અજિત શેઠ, મોહન બલસારાનાં ગીતો ગાયાં છે. સુધા મલ્હોત્રાએ ‘રાધાની લટની લહેરાતી કાળાશે’ ગાયું છે તો સુમન કલ્યાણપુરનું ‘આભને ઘડૂલે’ બેમિસાલ છે. તમે માનશો, સુરેશ વાડકરે સોથી વધારે ગુજરાતી ગીતો ગાયાં છે! લતાજીનું ‘એક રજકણ’, આશા ભોસલેનું ‘માડી તારું કંકુ’, ઉષા મંગેશકરનું ‘આભમાં ઝીણી ઝબૂકે’, રફીસા’બનું ‘દિવસો જુદાઈના’, મુકેશનું ‘સજન મારી પ્રીતડી’, મન્ના ડેનું ‘હુતૂતૂતૂ’ તો કોઈ ગુજરાતી ભૂલી જ ન શકે!
અર્બન ગુજરાતી ફિલ્મો શરૂ થયા પછી સચિન-જિગર, નિશીથ મહેતા સહિત અનેક સ્વરકારોએ નવી પેઢીના કલાકારો પાસે ગુજરાતી ગીતો ગવડાવ્યાં. અરિજિતનું ‘સતરંગી’ ગીત ફેમસ થયું તો શાનનું ‘નૈનોથી જ્યાં મેં જોયાં’ તથા ‘મને કોણ આ સ્પર્શી ગયું’ શ્રોતાઓએ પસંદ કર્યું. શ્રેયા ઘોષાલે ‘રોમેન્સ કોમ્પ્લીકેટેડ’ માટે ‘માહી ગુજરાતી’ ગાયું. સોનુ નિગમે ફિલ્મ ‘પિયુ પરદેશી’ માટે ‘દેશને કદી ભૂલી ન જવાય’ ગાયું તથા એમનું ‘ઈશ્ક રંગ’ પણ ફેમસ થયું.
આમ, ગુજરાતી ગીતોને બિનગુજરાતી કલાકારોએ પણ સુંદર રીતે પ્રસ્તુત કર્યાં છે એ હકીકતની નોંધ ગુજરાતી ગીતોના ઇતિહાસમાં લેવી જ પડે.
થોડાંક વર્ષો પહેલાં સંગીતકાર અજિત શેઠ સાથેની મુલાકાતમાં મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘તમારી મોટા ભાગની કેસેટ્સમાં બિનગુજરાતી કલાકારોએ જ ગાયું છે એનું કારણ શું?’ના જવાબમાં એમણે જે વાત કરી એ અવગણી શકાય એમ નથી. અજિત શેઠે કહ્યું કે, ‘ગીતો ભલે બિનગુજરાતીઓએ ગાયાં છે પણ એનું પરિણામ જોયું? કેટલું સુંદર ગાયું છે! ગુજરાતીઓને ઊંડાણમાં જવાની, મહેનત કરવાની આદત નથી. હરિહરન, કવિતા કૃષ્ણમૂર્તિ ગીત સમજવા સામેથી ફોન કરે. એમને કોઈ ઈગો નડે નહીં. ગીત બરાબર ન ગવાય તો નમ્રપણે બારીક મુરકીઓ શીખવાનો આગ્રહ રાખે. ચોવીસ કલાક મહેનત કરે. આવી નિષ્ઠા ગુજરાતી કલાકારોમાં ઓછી જોવા મળે છે.’
કલા સિદ્ધ કરવા સાધના કરવી પડે. આજકાલના નવાસવા ગાયકોને રાતોરાત ફેમસ થઈ જવું છે. નવા ગુજરાતી કલાકારોમાં તો એટલો બધો ઉચ્ચારદોષ અને ભાષાની અશુદ્ધિઓ જોવા મળે છે કે પૂછો નહીં. એની સામે આ બિનગુજરાતી કલાકારો મિસાલરૂપ છે. સુંદર ગુજરાતી ગીતો સર્જવાની અને યોગ્ય રીતે પ્રસ્તુત કરવાની જવાબદારી આપણી છે. માતૃભાષાને સમજો, જાણો અને પછી ગાઓ. સાચી વાત છેને?
————-
ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ
એને ફરીફરી કેમ કરી વાંચશું?
માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઊઠ્યા
ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?
માનો કે આપણે ખાધું-પીધું
અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?
ધારો કે રાણી! તમે જીતી ગયાં
અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?
• કવિ : જગદીશ જોષી • સંગીતકાર: અજિત શેઠ • સ્વર : ભૂપિન્દર
http://gujaratigazal.com/2829/
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 11 ફેબ્રુઆરી 2021
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=684746