Opinion Magazine
Number of visits: 9746539
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેવદાસીની કુપ્રથા હજુ જીવંત છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 November 2021

આ વરસના ફેબ્રુઆરી મહિનામાં કર્ણાટકના વિજ્યનગર જિલ્લાના કુડલિગી ગામની બાવીસ વર્ષની દલિત યુવતીએ તેને બળજબરીથી દેવદાસી બનાવવાનો વિરોધ કર્યો હતો. ‘દેવદાસી નિર્મૂલન કેન્દ્ર’ની સહાય અને પરિવારની હૂંફથી તે દેવદાસી બનતાં બચી ગઈ હતી. પુરીના જગન્નાથ મંદિરના બાણું વર્ષનાં દેવદાસી શશિમણિનું ૨૦૧૪માં અવસાન થયું, ત્યારે માધ્યમોમાં તેમને છેલ્લા દેવદાસી ગણાવી, દેવદાસીની કુપ્રથા નામશેષ થઈ ગયાના નગારા પીટ્યા હતા. અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદામાં ૨૦૧૫માં થયેલા સુધારામાં, દલિત-આદિવાસી સ્ત્રીઓને દેવદાસી બનાવવાના કૃત્યને, અત્યાચારની વ્યાખ્યામાં સામેલ કરવામાં આવ્યું હતું. શશિમણિના અવસાન પછીના વરસે, સંસદ કાયદામાં સંશોધન કરી દેવદાસીને અત્યાચારની વ્યાખ્યા સામેલ કરે અને કર્ણાટકના કુડલિગીની યુવતીનો આ વરસે દેવદાસી બનવાનો ઈન્કાર- દેવદાસીની કુપ્રથા આજે પણ જીવંત હોવાનો પુરાવો છે.

ભારતમાં ‘દેવદાસી’ના નામે વેશ્યાવૃતિને ધાર્મિક આધાર આપવાની હલકટ પ્રથાનો ઇતિહાસ બહુ દીર્ઘ અને જટિલ છે. ‘દેવની દાસી’ એવો સામાન્ય અર્થ ધરાવતી આ પરંપરા મુજબ, મંદિરોમાં નાચગાન માટે સ્ત્રીઓનો ઉપયોગ છઠ્ઠી સદીમાં શરૂ થયાનું મનાય છે. બારમી સદીમાં આ પરંપરા તેના ચરમ પર હતી. કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં, કાલિદાસના ‘મેઘદૂત’માં, અશોકના શિલાલેખોમાં અને ચીની મુસાફર હ્યુ-એન-સાંગના પ્રવાસ વર્ણનોમાં એનો ઉલ્લેખ મળે છે. કર્ણાટક, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને ગોવામાં આ પ્રથા હતી. આજે દેવદાસીમુક્ત ગુજરાતમાં મહમદ ગઝનીએ ઈ.સ. ૧૦૨૬માં સોમનાથ પર ચડાઈ કરી, મંદિર લૂંટ્યું ત્યારે તેમાં ૫૦૦ દેવદાસીઓ હતી. જુદા જુદા રાજ્યોમાં આ પ્રથા દેવદાસી, જોગિણી, મુરળી, દેવકન્યા, અછૂતી, સુલે, ભાવિણી જેવાં વિવિધ નામે ઓળખાય છે.

ગરીબ દલિત કન્યાઓને કુમળી વયે દેવદાસી બનાવી વેશ્યા બનવા મજબૂર કરાય છે. આ કુપ્રથાને ધર્મનું સમર્થન છે. ગામનો ધનાઢ્ય જમીનદાર ગામના નિર્ધન દલિતની રૂપાળી સગીર દીકરીની પોતાની દેહવાસના માટે ‘દેવદાસી’ તરીકે પસંદ કરે છે. ધાર્મિક અંધશ્રદ્ધા, દેવીના પ્રકોપનો ડર, શિક્ષણનો અભાવ અને ગરીબી કન્યાઓને દેવદાસી બનાવે છે. દેવદાસી બનવા માટે કન્યાનું વિધિપૂર્વક દેવી યેલમ્માને સમર્પણ કરાય છે.

જાણીતા મરાઠી લેખક-પત્રકાર ઉત્તમ કાંબળેએ એમના શોધપુસ્તક, ’દેવદાસી’માં દેવી યેલમ્માની ઉત્પતિની જે દંતકથા વર્ણવી છે તે મુજબ, સેંકડો વરસો પૂર્વે બ્રાહ્મણ યુવતી બળાત્કારીઓથી બચવા ભાગી, ત્યારે તેને યેલમ્મા નામક દલિત યુવતીએ આશરો આપીને બચાવી હતી. એટલે બ્રાહ્મણોએ રક્ષક યેલમ્માને દેવી ગણી તેનું મંદિર બનાવ્યું હતું. કાળક્રમે યેલમ્માનો મહિમા વધ્યો અને સ્ત્રીઓ, ખાસ કરીને દલિત સ્ત્રીઓ, એને પોતાનો દેહ સમર્પિત કરવા માંડી. રક્ષણહાર પોતે જ ધર્મપ્રણિત યૌનશોષણનો શિકાર બને એવી પુરોહિતવર્ગની કુટિલતા રચાયેલી અહીં જોવા મળે છે.

આરંભે મંદિરમાં દેવદાસીનું સ્થાન અને મહત્ત્વ પૂજારી પછીનું હતું. તે અખંડ સૌભાગ્યવતી અને શુકનવંતી મનાતી હતી. પરંતુ પિતૃસત્તા અને સામંતવાદના પ્રભુત્વે દેવદાસીને પૂજારીઓ અને જમીનદારોની હવસ તરફ ધકેલી હતી. જે સ્ત્રીને દેવદાસી બનાવાય તે લગ્ન કરી શકતી નહીં. ક્યારે ય પોતાના ઘરે પરત જઈ શકતી નહીં. ગામનો જમીનદાર તેની સાથે લગ્નબાહ્ય સંબંધ રાખતો, પણ તેના ગુજરાનની જવાબદારી લેતો નહીં. દેવદાસીને તો ગામના છેડે ઝૂંપડીમાં રહેવું પડતું અને મજૂરી કરવી પડતી. મંદિરમાં નાચગાન કરતી દેવદાસી કદી મંદિરના ગર્ભગૃહમાં જઈ શકતી નહીં. તેની દયનીય સ્થિતિનું વર્ણન કરતાં ‘બ્રોકન પીપલ’ પુસ્તકમાં સ્મિતા નરુલા લખે છે :  ‘દેવદાસી ગામમાં અલગ રહે છે. દલિત પુરુષો સહિત તમામ પુરુષો એમનો ઉપભોગ કરે છે. દેવદાસી સાથેના બળજબરીથી થતા શરીરસંબંધને કોઈ બળાત્કાર ગણતું નથી.’

દેવદાસી પ્રથાની નાબૂદી માટે પ્રયાસોનો દક્ષિણમાં પેરિયાર રામાસ્વામી નાયકરે અને મહારાષ્ટ્રમાં મહાત્મા ફુલેએ આરંભ કર્યો હતો. ડો. આંબેડકરે ૧૯૩૬ અને ૧૯૩૮માં દેવદાસી અને વેશ્યાઓની સભાઓ કરીને, તેમને કલંકિત જિંદગી છોડી સ્વમાનભેર જીવવા હાકલ કરી હતી. ૧૮૯૩માં મૈસુર સરકારે મંદિરમાં દેવદાસીઓના નાચગાનને પ્રતિબંધિત કરતો કાયદો કર્યો હતો. ૧૯૨૦માં શાહુ મહારાજે કોલ્હાપુર રાજ્યમાં દેવદાસી નાબૂદીનો નિયમ ઘડ્યો હતો. અંગ્રેજ સરકારે ૧૯૩૪માં ‘બોમ્બે દેવદાસી પ્રતિબંધક કાયદો’ બનાવ્યો હતો. આઝાદી પછી કર્ણાટક અને આંધ્ર સરકારે દેવદાસી પ્રથા વિરુદ્ધ કાયદા બનાવ્યા હતા. તેમ છતાં આ પ્રથા બેરોકટોક એટલા માટે ચાલે છે કે મોટા ભાગના રાજ્યોની સરકારોના કાયદા દેવદાસીને જ ગુનેગાર ઠેરવે છે ! દેવદાસીને આ વિકૃત પ્રથામાં ધકેલનાર કે તેનો ઉપભોગ કરનારને કોઈ સજાની જોગવાઈ જ કાયદાઓમાં નથી.

દેશમાં દેવદાસીના પ્રમાણ અંગે કોઈ આધારભૂત માહિતી મળતી નથી. મહિલા સાંસદ ઉષાપ્રકાશ ચૌધરીએ પહેલીવાર ૨૫મી ફેબ્રુઆરી ૧૯૮૩ના રોજ લોકસભામાં દેવદાસીઓનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે આઝાદી પછીના પાંત્રીસ વરસોમાં દોઢ લાખ અને વરસે સાડા ચાર હજાર કન્યાઓને દેવદાસી બનાવાતી હોવાની રજૂઆત કરી હતી. માત્ર દક્ષિણ ભારતમાં જ પાંચ લાખ દેવદાસીઓ હોવાનો એક અન્ય અભ્યાસનો અંદાજ છે. તેમાંથી પંચાણુ ટકા દલિત સ્ત્રીઓ અને અઠ્ઠાવન ટકા ત્રીસ વરસ કરતાં ઓછી વયની હતી. કર્ણાટકની દેવદાસીઓ અંગેનો ૨૦૧૮નો અભ્યાસ, રાજ્યમાં નેવું હજાર દેવદાસીઓ હોવાનું  જણાવે છે. દેવની આ દાસીઓના સંતાનો સાવ  અનાથ ગણાય છે. દેવદાસીનું સંતાન પુત્રી હોય તો તેણે દેવદાસી જ બનવું પડે છે. દેવદાસીના એંસી ટકા બાળકો નિરક્ષર હોય છે. અને બાળમજૂરી કરે છે. દેશના નાના મોટા શહેરોના દેહવ્યાપારમાં ધકેલાયેલી સ્ત્રીઓનો મોટો હિસ્સો દેવદાસીઓનો હોય છે, કેમ કે મંદિરો અને જમીનદારો એમનું પેટ ભરતા નથી.

સામાજિક સંસ્થાઓ, કાર્યકરો અને સરકારી વહીવટી તંત્ર દેવદાસી નિર્મૂલન, દેવદાસી મુક્તિ અને તેમનાં પુન:સ્થાપનનું કાર્ય કરે છે. કેટલાંક મુક્ત થયેલાં દેવદાસી પણ આ કામ સાથે જોડાયેલાં છે. મહિલા અનામત, મહિલા શિક્ષણ અને મહિલા સમાનતા જેવા મુદ્દે સમાજમાં થોડી પ્રગતિ જોવા મળે છે. પણ દેવદાસીની કુપ્રથાનો અંત આણવા બાબતમાં  ઝાઝુ કશું થયું નથી. નારી આંદોલનમાં દેવદાસી મુક્તિને પ્રાધાન્ય મળ્યું નથી. દલિત આંદોલનમાં પણ દેવદાસીનો સવાલ કદી મુખ્ય મુદ્દો બન્યો નથી. સરકારો અને રાજકીય પક્ષોમાં પણ આ બાબતે રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ છે. સ્ત્રીને દેવી કે શક્તિ માનવામાં આવે છે. નવરાત્રિ તો શક્તિની આરાધનાનું પર્વ છે. આ દિવસોમાં સહુ શક્તિની આરાધના કરે છે. ત્યારે શોષણનો ભોગ બનેલી અને નારીને પૂજવાના દંભનું પ્રતીક બની રહેલી દેવદાસીઓને શક્તિ નહીં તો કમ સે કમ સ્ત્રી તરીકેનું તેનું સ્થાન – સન્માન મળી રહે તો ય ઘણું.

e.mail : maheriyachandu@gmail.com

Loading

11 November 2021 admin
← સરદાર પટેલ અને મણિબહેન : પિતાપુત્રીની અદ્દભુત જોડી
સ્વાતંત્ર્યસેનાની અને કલાકાર સરલાદેવી મઝુમદારને ઓળખો છો ? →

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved