Opinion Magazine
Number of visits: 9767907
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશના નાગરિકોનું ગૌરવ જાળવનાર ત્રણ ચૂકાદા માટે લડનારાં ‘સામાન્ય’ સ્ત્રી-પુરુષોને સલામ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|1 September 2017

તાજેતરના ગુરમીત, પ્રાઇવસી અને તલાક ચુકાદા પાછળની લાંબી લડતને ટેકો મળ્યો છે, નિષ્ઠાવાન અધિકારીઓ અને ન્યાયવિદોનો !

નારીગરિમા અને માનવગૌરવમાં, લોકશાહી અને ન્યાયવ્યવસ્થામાં માનતા સહુને આનંદ થાય તેવા ત્રણ ચૂકાદા તાજેતરમાં અદાલતોએ આપ્યા છે. તે દરેક ચૂકાદા પાછળ લાંબી લડતો  છે. આ લડતો સત્તા કે સંપત્તિ વિનાનાં સામાન્ય સ્ત્રી-પુરુષોએ આપેલી છે. કોઈ સેલિબ્રિટીને આ સંઘર્ષો સાથે સંબંધ નથી. નેતા, અભિનેતા, ક્રિકેટર, ઉદ્યોગપતિ, ધર્મગુરુ, ઉપદેશક, કલાકાર વગેરે સેલિબ્રિટી તરીકે ચમકાવવામાં આવતી જમાતોમાં છે. તેમાંથી કોઈએ આ લડતો નથી શરૂ કરી, કે નથી તેને ટેકો આપ્યો. લડતોને ટેકો મળ્યો છે જૂજ નિષ્ઠાવાન તપાસ-અધિકારીઓનો, નાગરિક અધિકારમાં માનતા કેટલાક ન્યાયવિદોનો અને મીડિયાના એક મોટા હિસ્સાનો. પણ પાયામાં છે તે આપણે એકંદરે જેને સાધારણ માની લઈએ છે તેવાં પેલાં સ્ત્રી-પુરુષોએ અસાધારણ હિમ્મત અને ધીરજથી આપેલી લડતો. આ લડવૈયાં ન હોત તો તો સરકારને આપણી મનુષ્ય તરીકેની પ્રાઇવસી પર તરાપ મારવાનો રસ્તો સાવ ખુલ્લો જ રહ્યો હોત, કેટલાક નાલાયક શોહરોને કારણે મુસ્લિમ ઔરતો રિબાતી જ રહી હોત અને શેતાન ગુરમિત રામ રહીમના પાશવી કરતૂતો ચાલુ જ રહ્યાં હોત.

ગુરમિત સામે બયાન આપનારી મહિલાએ હમણાં કહ્યું, ‘મેં ગુરમિત સામે ૨૦૦૯માં જુબાની આપી હતી ત્યારે પણ હું તેનાથી ડરતી ન હતી, અને આજે પણ ડરતી નથી.’ આ ચાળીસેક વર્ષની મહિલા પર એટલું જોખમ છે કે તેને ૨૦૦૨થી પોલીસ રક્ષણ આપવું પડ્યું છે. એ વર્ષે પંજાબ અને હરિયાણાની વડી અદાલતે સી.બી.આઈ.ને ગુરમિત સામે તપાસનો આદેશ આપ્યો હતો. ઉપરોક્ત મહિલા જ્યારે ડેરા સાચા સૌદાના સિરસા ખાતેનાં  મુખ્ય મથકના પરિસરમાં આવેલી કૉલેજમાં બી.એ.નું ભણતી યુવતી હતી, ત્યારે તે ૧૯૯૯માં ગુરમિતના અત્યાચારનો ભોગ બની હતી. પણ તેનો આખો પરિવાર રૂઢિચુસ્ત હોવા છતાં તે બાવાની ચૂંગાલમાંથી છૂટીને યુવતીના પડખે ઊભો રહ્યો. તેનાં લગ્ન થયાં, અને તે આજે બે બાળકોની માતા છે. તેને ખુદને કોર્ટમાં એક જ વખત ૨૦૦૯માં જવું પડ્યું. ત્યારબાદની બધી સુનાવણીઓમાં તેના પિતા હાજર રહેતા, જે ગયાં વર્ષે મૃત્યુ પામ્યા. ડેરાના હથિયારધારી ગુંડાઓ ધાકધમકી કરતા. જો કે યુવતીનો નાતમાં વગદાર ભાઈ એક જમાનામાં ડેરાનો પાકો અનુયાયી હતો. પણ તેને બહેન પરના અત્યાચારની જાણ થઈ અને તેની હત્યા થઈ,  જેના માટે આરોપી ગુરમિત પરની સુનાવણી સોળમી સપ્ટેમ્બરે છે. આ હત્યાનું કારણ એ છે કે ગુરમિત સામે તપાસની શરૂઆતમાં નિમિત્ત બનેલો એક અનામી પત્ર આ ભાઈએ બહાર પહોંચાડ્યો હોવાનું મનાતું હતું.

હવે બધે જ જાણીતો બની ગયેલો પત્ર ડેરામાં સાધ્વી તરીકે ફસાઈ ગયેલી એક બહાદુર મહિલાએ લખ્યો હતો. ગુરમિત પર બળાત્કાર અને જાતીય અત્યાચારનો આરોપ મૂકતા એ પત્રને પગલે તપાસના આદેશ અપાયા હતા. એ કાગળ પરથી કંઈક અંદાજ આવે છે કે યુવતી પર અને એના જેવી બીજી ૩૫-૪૦ સ્ત્રીઓ પર દેરાના દોજખમાં શું વીતી હશે. બાવાની ભૂરકીમાં ભાન ભૂલેલા ઘરનાંએ પણ સાધ્વીનાં વીતકને ગણકાર્યાં નહીં. આ બધાની વચ્ચે કંઈક વર્ષો ધીરજ રાખીને અંતે તેણે  હિમ્મતપૂર્વક પત્ર લખ્યો.

આ પત્રને પગલે ગયાં પંદર વર્ષથી ચાલેલી તપાસ અને સુનાવણી પછી ચૂકાદાની પૂર્વસંધ્યાએ સાધ્વીએ કહ્યું હતું : ‘હમને સુના હૈ યે ઇન્ડિયા હૈ યહાં આસાની સે ન્યાય નહીં મિલતા હૈ, ઔર વો ભી જબ લડાઈ કિસી પાવરફુલ કે ખિલાફ હો. પૈસેવાલા કુછ ભી કર સકતા હૈ યહાં.’ પછી આંખમાં આંસુ સાથે તેણે ઉમેર્યું હતું : ‘ઉમ્મીદ કી કિરન હૈ. આ કેસ પર સી.બી.આઈ.ના પ્રામાણિક અધિકારીઓએ કામ કર્યું છે. અમને ન્યાય મળે તે માટે તેમણે શક્ય એટલું બધું કર્યું છે. એટલે અમને આશા છે.’

આશાને સફળ બનાવનારા અધિકારીઓમાં એક સી.બી.આઈ.ના પૂર્વ સહ નિયામક મુલિન્જા નારાયણન. અત્યારે ૬૮ વર્ષના નારાયણને તેમની પર તપાસ દરમિયાન રાજકારણીઓ, ધંધાવાળાઓ અને તેમના સહકાર્યકરો થકી કેવું દબાણ આવતું હતું અને હરિયાણાની પોલીસ કેવા અવરોધ ઊભા કરતી હતી તેની સાફ વાત મીડિયામાં કરી છે. પીડિતાઓને શોધવાથી માંડીને તેમને ન્યાયની ખાતરી આપીને જુબાની અપાવવા સુધીની અથક મથામણ તેમણે કરી. તેમના ઉપરી એવા ડાયરેક્ટર વિજય શંકરે દબાણો ઉપરાંત તપાસનું મુખ્ય મથક સિરસાથી હઠાવવાની હિલચાલની વાત કરી. ગુરમિતના ચરણોમાં આળોટનાર રાજકારણીઓના તેમની કચેરીમાં નિંભર આંટાફેરા અને ડેરાના સશસ્ત્ર ભક્તોએ કચેરીને કરેલા ઘેરાવને પણ તેમણે યાદ કર્યા.

ગુરમિતના બે ભક્તોએ તેના જ કહેવાથી એક જાંબાજ પત્રકાર રામ ચંદર છત્રપતિને પણ ઠાર માર્યા હતા. વકીલાત છોડીને સમાજના પ્રહરી બનવા માટે મીડિયામાં આવનાર રામ  ચંદરને મુખ્ય ધારાની પત્રકારિતા બહુ માફક ન આવી. એટલે  તેમણે સિરસામાં ‘પૂરા સચ’ નામનું પોતાનું અખબાર શરૂ કર્યું. એમાં તેમણે ગુરમિતનાં કરતૂતો ખુલ્લાં પાડવાની પહેલ કરી.  ઉપરાંત 2000ના મે મહિનાની આખરે તેણે સાધ્વીનો પત્ર પણ છાપ્યો. જેની વડી આદાલતે સુઓ મોટુ નોંધ લઈને તપાસના આદેશ આપ્યા. આ બધાને પરિણામે ડેરા સૌદાના બે માણસોએ ચોવીસ ઑક્ટોબરે મોટર સાયકલ પર આવીને છત્રપતિનાં ઘર આગળ જ તેમના શરીરમાં પાંચ ગોળીઓ ધરબી દીધી. તે પછી ૫૩ વર્ષના આ પત્રકારે અઠ્ઠ્યાવીસ દિવસ મોત સામે લડત આપી. તે દરમિયાન તેમનાં જે નિવેદનો લેવાયાં તેમાં પોલીસે આરોપી તરીકે ગુરમિતનું નામ ધરાર આવવા ન દીધું. ૨૧ નવેમ્બર ૨૦૦૨ ના રોજ છત્રપતિ મોતને ભેટ્યા. ન્યાય માટે તેમના પુત્ર અંશુલ લડી રહ્યા છે. તેમને સી.બી.આઈ. કોર્ટમાં ૧૬ સપ્ટેમ્બરે થનાર સુનાવણીમાં આશા છે.

રાઈટ ટુ પ્રાઇવસી માટેની કાનૂની લડાઈ માટેની પહેલ ૯૧ વર્ષનાં કે.એસ. પુટ્ટાસ્વામીએ તે  ૮૬ વર્ષનાં હતા ત્યારે કરી. કર્ણાટકની વડી અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ એવા પુટ્ટાસ્વામીએ યુ.પી.એ.ની સરકારે આધાર યોજના શરૂ કરી ત્યારે 2012 માં અદાલતમાં અરજી કરી. તેમણે કહ્યું : ‘મેં અરજી કરી કારણ કે મને એમ થયું કે મારા અધિકાર પર અસર થઈ રહી છે.’ ત્યાર બાદ અન્ય અરજીઓ પણ થઈ. પણ ભારતના ઇતિહાસમાં આ કેસ નિવૃત્ત ન્યાયમૂર્તિ કે.એસ. પુટ્ટસ્વામી વિરુદ્ધ યુનિયન ઑફ ઈન્ડિયા તરીકે ઓળખાશે.

જેમની ભાગ્યે જ કોઈ ઓળખાણ પ્રચલિત અર્થમાં હોય તેવી પાંચ મહિલાઓ સર્વોચ્ચ અદાલતમાં કરેલી અરજીને લીધે ટ્રિપલ તલાકની બદી દૂર થઈ. ભારતના અલગ અલગ હિસ્સાની આ મધ્યમ વર્ગની બહેનોએ તેમનાં પતિ અને સાસરિયાંનો કેવો ત્રાસ વેઠ્યો તેની દર્દભરી કહાણીઓ છે. પણ છતાં તે લડી અને જીતી. તેમનાં નામ છે છે: શાયરા બાનો, આફ્રિન રહેમાન, ઇશરત જહાં, આતિયા સાબરી અને ગુલશન પરવીન. આ બહેનો ઉપરાંત અનિવાર્યપણે સલામ કરવી પડે તે ઝકિયા સોમણ અને તેમની સાથીઓનાં સંગઠન ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનને.

++++++

31 ઑગસ્ટ 2017

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 01 સપ્ટેમ્બર 2017

Loading

1 September 2017 admin
← ઉત્તર કોરિયાનું કમભાગ્ય
Did RSS Participate in Freedom Movement? →

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved