
જાક્સ દેરિદા
મારી પાસે માત્ર એક જ ભાષા છે, અને એ મારી નથી – I have only one language; it is not mine — દેરિદા કહે છે. ભાષા સાથેનો એમનો સમ્બન્ધ ગહન છે. એની પ્રતીતિ માટે પ્રારમ્ભ પૅરીસથી નહીં પણ એમના અલ-બિયારના વતનથી કરવો પડે, જ્યાં એમને એક અલ્જીરિયન યહૂદી શિશુ તરીકે શાસકોની ભાષા ફ્રૅન્ચ શીખવી પડેલી. એ પારકી ભાષામાં પૅરીસમાં ભણ્યા-ભણાવ્યું-લખ્યું, પુસ્તકો થયાં, અંગ્રેજીમાં અનુવાદો થયા, અમેરિકન યુનિવર્સિટીઓ સાથે વિદ્યાકીય અનુબન્ધ સ્થપાયો; એ બધી ઘટનાઓને કારણે બીજી પારકી ભાષા અંગ્રેજી સાથે જોડાવાનું પણ થયું. તેમ છતાં, કારકિર્દી દરમ્યાન દેરિદા ભાષાનાં જ સત્ત્વ / તત્ત્વ શોધતા રહ્યા. ભાષા જ એમના જીવનનું પ્રેરકબળ બની રહી અને એથી જ એમનું સમગ્ર જીવનકાર્ય ઘડાયું.
મને એમ થયેલું કે દેરિદા અને વિઘટનશીલ ફીલસૂફીના વિષયમાં ગાયત્રી ચક્રવર્તી સ્પિવાક વગેરે એમના અનુવાદકો / અર્થઘટનકારોએ અર્થસભર વાતો કરી છે એ વિશે લખું; પણ એ પહેલાં, એમ નક્કી થયું કે ના, દેરિદાના સાહિત્યકલાવિષયક વિચારો અને સંલગ્ન ભાવવિશ્વ વિશે વીગતે લખું, કેમ કે મારી / આપણી અપેક્ષાના અગ્ર ક્રમે સાહિત્ય છે.
દેરિદાનાં ફિલસૂફીવિષયક પુસ્તકો પ્રકાશિત થયાં, તેઓ ફિલસૂફ તરીકે સ્થિર થયા, એથી બહુ પહેલાં, એમનો સાહિત્યસૃષ્ટિમાં વિહાર શરૂ થઈ ગયેલો. એમનું બૌદ્ધિક ઘડતર શરૂ થઈ ગયેલું કેમ કે એમણે રૂસો કામૂ બર્ગસૉં સાર્ત્ર નિત્શે જેવા મનીષીઓને વાંચ્યા હતા. કશું દર્શન શરૂ થાય એ પહેલાં એમને સમજાઈ ગયેલું કે સાહિત્ય તો પોતાના ઋતથી જીવે છે; સાહિત્યને ધરવ નથી, એ નથી ઇચ્છતું કે માણસ બધું પામી જાય ને વાતનો છેડો આવે, પૂર્ણ વિરામની એ ના પાડે છે. પરન્તુ સત્તાવિષયક તન્ત્રો ભાષાને તોતડી-બોબડી કરી શકે છે, જ્યાં એ પોતાના જ ભારથી ધ્રૂજવા લાગે છે. એને પરિણામે, અર્થ વિશે જ અવઢવ થવાની. માણસ વિરોધોમાં અટવાયા કરે, એને પોતાની ઓળખ ન પડે, એને થાય કે પોતે છિન્નભિન્ન છે, એવી એક દુ:સાધ્ય સ્થિતિ ઊભી થવાની. દેરિદાએ સાહિત્યના એ વિલક્ષણ સ્વરૂપ સાથે પાનું પાડ્યું છે.
સાહિત્ય રૂપકો વક્રોક્તિઓ અલંકારો સંદિગ્ધ અર્થો અને અર્થઘટનોની શક્યતાઓથી ખીલ્યું હોય છે. આપણે જાણીએ છીએ કે સાહિત્ય સવિશેષે લક્ષણા અને વ્યંજનાથી સૂચવાતા અર્થોની સૃષ્ટિ છે. તત્ત્વદૃષ્ટિ અને સાહિત્યના યોગનું પરિણામ એ આવે છે કે દેરિદા સાહિત્યકૃતિઓમાં રહેલી સંદિગ્ધતાઓ અને લેખકોની શૈલીના ગૂંચવાડા તેમ જ આન્તરવિરોધોને તરત પારખી લે છે. સાહિત્યકૃતિઓમાં ય તેઓને અર્થની તફાવતપરક અને વિલમ્બનને વરેલી પ્રકૃતિ જોવા મળે છે. (અધ્યેતાઓને યાદ આવશે કે આધુનિક ગુજરાતી કવિતા-સાહિત્ય સંદર્ભે અર્થવિલમ્બનના મુદ્દાની સાધકબાધક ચર્ચા થઈ હતી.)
મુખ્ય વાત એ કે વિઘટન માટે તેઓ વિજ્ઞાન કે કાયદાશાસ્ત્રની તુલનામાં સાહિત્યને વિશિષ્ટ મહત્તા ધરાવતી ભૂમિ – site – ગણે છે. વિશિષ્ટ મહત્તા એ કારણે કે સાહિત્ય ઊંડી સૂઝ અને વિશદ સમજ માટેનો દૃષ્ટિદોર પૂરો પાડે છે. આપણે જોઈ શકીએ છીએ કે દેરિદાને મન સાહિત્ય માત્ર ફિલસૂફીવિષયક વિશ્લેષણનું વસ્તુ નથી બલકે સાહિત્યને એમણે ફિલસૂફીની વિભાવનાઓના અનોખી ઢબના પ્રાગટ્ય માટે તેમ જ લાક્ષણિક પ્રકારના સમર્થન માટેની ભૂમિકા રૂપે ઘટાવ્યું છે, અને એ ભૂમિકાનો કારકિર્દી દરમ્યાન ભરપૂર વિનિયોગ કર્યો છે.
જાણીતું છે કે ભાષા અમુક સાહિત્યકૃતિઓમાં એકમેવ નિશ્ચિત અર્થનો કેવો તો પ્રતિકાર કરતી હોય છે. એથી અનિર્ણયનીયતા, દેરિદા જેને ભાષામાત્રનું પાયાનું લક્ષણ ગણે છે, તે undecidability, પ્રકાશિત થાય છે. દેરિદા માને છે કે ‘અનિર્ણયનીય’ આપણને હમેશાં ડરાવી દેતું હોય છે. સાહિત્યમાં કે જીવનમાં કંઈપણ અનિર્ણયનીય વરતાય એ દેરિદા માટે શોધખોળનો મામલો બની જતો જણાય છે. તેઓ સૂચવે છે કે અનિર્ણયનીયને વિશે પ્રતિભાવાત્મક રહીએ, તે નૈતિક કહેવાશે. એમનું મન્તવ્ય રહ્યું છે કે સાહિત્યેતર ક્ષેત્રોમાં અનિર્ણયનીયને કાં તો દબાવી અથવા છુપાવી દેવાય છે. તેઓ માને છે કે એ વર્તનના ‘પ્રકાશન’ માટે સાહિત્ય વડે થતા રહેતા વિચારવિમર્શ ઘણા ઉપકારક નીવડતા હોય છે.
દેરિદાનું સુખ્યાત વિધાન there is nothing outside the text, ટૅક્સ્ટ બહાર કશું નથી; તાત્પર્ય, આખું વિશ્વ એક ટૅક્સ્ટ છે. એ વિધાનથી તેઓ પુસ્તકો બહારના વિશ્વને નકારતા નથી, ઊલટું, એમણે દર્શાવ્યું છે કે વિશ્વની તમામ વાસ્તવિકતાઓ વ્યાપક અર્થમાં textual છે. એમાં ભાષા અને અર્થઘટનની મધ્યસ્થી અથવા દરમ્યાનગીરીએ ખાસ્સો ભાગ ભજવ્યો હોય છે. કેમ કે ભાષા સત્યનું પારદર્શક વાહન (હું ‘પારણું’ કહીશ) નથી પણ જીવન્ત કહી શકાય એવું સંરચના-બળ છે. સાહિત્ય સંદર્ભે આ મુદ્દો વધારે સ્પષ્ટ થાય છે કેમ કે સાહિત્ય પોતે જ પોતાની textual પ્રકૃતિ દર્શાવી દેતું હોય છે. સાહિત્યકૃતિ ચોખ્ખું સૂચવે છે કે અર્થ પૂર્વવર્તી વાસ્તવિકતાનું પ્રતિબિમ્બ નથી, અર્થ હમેશાં સાહિત્યમાં ય સંજ્ઞાઓની લીલાથી સંઘટ્ટિત થયા હોય છે. એટલે દેરિદા માને છે કે સાહિત્ય સમેતની તમામ માનવ-સંઘટ્ટનાઓને texts ગણવી જોઈએ અને દરેકનું વિઘટનની સિદ્ધાન્તસરણીએ વિશ્લેષણ કરવું જોઈએ.
આ કારણે દેરિદાએ ફિલસૂફી અને સાહિત્ય વચ્ચેના લોક-ખ્યાત ભેદને પડકાર્યો છે. એમણે કહ્યું છે કે ફિલસૂફી વિશેનાં લેખનો પણ સાહિત્યિક હોય છે, એમાં પણ અલંકારો હોય છે અને તે પણ બહુવિધ અર્થઘટનો માટે ખુલ્લાં હોય છે. તેઓએ એ પણ બતાવ્યું છે કે સાહિત્યકૃતિઓ પણ ફિલસૂફીપરક ગમ્ભીર પ્રશ્નો ઊભા કરતી હોય છે. એમનું મન્તવ્ય છે કે ફિલસૂફી અને સાહિત્યની સરહદો કેટલીયે વાર એકમેકમાં ભળી જતી હોય છે. એમનું સૂચન છે કે અધ્યેતાએ એ સીમાલોપને હમેશાં ધ્યાનમાં લેવો જોઈશે.
આ વાતોના અનુસન્ધાનમાં મને થયું કે સાહિત્યકૃતિઓનાં દેરિદાએ પોતે કરેલાં વિઘટનશીલ વિશ્લેષણોને આપણે જાણવાં જોઈએ. એ હેતુથી આ અને અનુવર્તી લેખોમાં હું વિઘટનકાર દેરિદાને રજૂ કરીશ.
દેરિદાને પશ્ચિમની પરમ્પરામાં લેખનની તુલનામાં વાણીને વિશેષ મહત્તા અને વિશેષાધિકાર આપતું મન્તવ્ય સૌથી વધુ ચર્ચાસ્પદ લાગ્યું છે. સૉક્રેટિસ અને પ્લેટોથી માંડીને કહો કે speech act theoryના પુરસ્કારક જે.એલ. ઑસ્ટિન સુધીના ચિન્તકો વડે એ મન્તવ્ય સુદૃઢ થયું છે. એ ભિન્ન દીસતા છતાં એક-ના-એક મન્તવ્યનું દેરિદાએ વિઘટન કર્યું છે. હું સૉક્રેટિસ-પ્લેટો વિષયમાં વિસ્તારથી કહું એ પહેલાં એક નૉંધ કરી લઉં કે આ મહામનાઓ શું કહે છે :
ઍરિસ્ટોટલ વાણીને તર્કશુદ્ધ અને લેખનને સાધિત ગણે છે. રૂસો લેખનને કુદરતી વાણીની પૂર્તિ ગણે છે, અને સૂચવે છે કે લેખનથી વિકૃતિઓ સરજાય છે. સૉસ્યૂર વાણીની તુલનામાં લેખનને દ્વૈતીયિક અથવા ગૌણ ગણે છે. લેવિ-સ્ટ્રૌસ મિથ અને વાણીને પરથમ-પહેલી સાંસ્કૃતિક અભિવ્યક્તિનો દરજ્જો આપે છે. હ્યુસેર્લ અંદરના અવાજને શુદ્ધ ઉપસ્થિતિ ગણે છે. ઑસ્ટિન વાક્-ક્રિયાઓમાં જ કોઈપણ રજૂઆતને આકારિત થતી જુએ છે.
આ મુદ્દા અનુષંગે દેરિદાએ Of Grammatologyના Part I: Writing Before the Letterમાં સૉસૂરના ભાષાવિજ્ઞાનની સમીક્ષા કરી છે અને Part II: Nature, Culture, Writingમાં રૂસોના કેટલાક સિદ્ધાન્તોની ચર્ચા કરી છે, એ વિશે વધારે કહેવું મને જરૂરી લાગ્યું છે.
સૉસ્યૂર સંરચનાવાદી ભાષાવિજ્ઞાનના પિતા કહેવાય છે. તેમ છતાં, માને છે કે વાણી વિશેષાધિકાર ધરાવે છે અને કહે છે કે અર્થ માટે વાણી સદા હાજર હોય છે, જ્યારે લેખન તો વાણીની માત્ર પૂર્તિ છે, માત્ર રજૂઆત કે માત્ર ચિત્ર. ખરી ભાષાથી લેખન એક ડગલું દૂર છે. વાણીને વિશેષઅધિકૃત ગણનારા આ મન્તવ્યને દેરિદા phonocentrism – ધ્વનિકેન્દ્રી – કહે છે. એમાં માન્યતા પ્રવર્તે છે કે અર્થ બોલનારના અવાજથી અથવા દૈવી શબ્દથી કે પરમ સત્યથી શરૂ થાય છે. લેખનને વાણીની પૂર્તિ ગણતા સૉસ્યૂરના વિચારનું વિઘટન કરતાં દેરિદા જણાવે છે કે પૂર્તિ ઉમેરણ નથી પણ વાણીની અધૂરપને દૂર કરનારું પરિબળ છે; સૉસ્યૂર કહે છે એમ લિખિત શબ્દો ચિત્રો નથી પણ પોતાની રીતે સંકેતાર્થો આપતાં પ્રતીકો છે; સૉસ્યૂરે સંકેતક-સંકેતિત વચ્ચેના સમ્બન્ધને યાદૃચ્છિક લેખ્યો છે – ગાય શબ્દ = ગાય પ્રાણી, એમ માનવીય યદૃચ્છાથી, મરજીથી, નક્કી થયું છે. દેરિદા ઉમેરે છે કે આ યદૃચ્છા અને તેથી ઊભી થયેલી રૂઢિ એ જ સૂચવે છે કે વાણીને ચડિયાતી ગણીએ છીએ એ વિચાર ઉચિત નથી.
દેરિદા ઉમેરે છે કે ભાષામાં લેખન હમેશાં કાર્યકર હોય છે, વાણીગત વ્યવહાર હોય ત્યારે પણ. દેરિદાને મન ભાષાની કોઈપણ શક્યતા archi-writing પર આધારિત હોય છે. ગુજરાતીમાં એને આદિ-લિપિ કહેવાશે; લેખનની યે પહેલાંનું લેખન, એટલે કે, મૂળેરું નિશાન, ભાષાના ઉદ્ભવ પહેલાંના સંકેતો; વાણી અને લેખન બેયની પૂર્વેના différanceની સંરચના.
દેરિદાએ રૂસોના Essay on the Origin of Languages and Confessionsની ચર્ચા માટે ઘણાં પૃષ્ઠ ફાળવ્યાં છે. રૂસો માને છે કે ભાષાનું કુદરતી મૂળ વાણી છે. વાણી પારદર્શક છે તેમ જ વિચારો અને ભાવો સાથે સીધી જોડાઈ જાય છે. વાણી પૂર્ણતયા ઉપસ્થિત હોય છે, એને લીધે અર્થ તુરન્ત ગ્રાહ્ય બને છે. લેખન એથી ઊલટું છે. લેખન કૃત્રિમ છે, વાણીની સાધિત રજૂઆત છે. લેખન વાણીની ભયાવહ પૂર્તિ પણ છે કેમ કે એથી માણસની ખરી સ્થિતિ નબળી પડી જાય છે.
દેરિદા દર્શાવે છે કે રૂસોની પોતાની કૃતિએ પૂર્તિનો આધાર લીધો છે! વાણી પૂર્ણ હોત તો લખવાની જરૂરત ન પડી હોત. એ અધૂરી છે એ કારણે લેખન વડે એની પૂર્તિ થઈ છે. પૂર્તિ થઈ એથી સૂચવાયું કે વાણી સ્વયંપર્યાપ્ત નથી. રૂસોની કૃતિ Confessions પોતે ખરેખર શું છે એ વિશ્વને દર્શાવવા માટેનું આત્મકથન છે. પરન્તુ દેરિદા જણાવે છે કે આત્મકથનાત્મક લેખન કર્તાની ઉપસ્થિતિ વિનાનું નથી હોતું, જ્યારે લખાયેલો શબ્દ પોતાની પ્રકૃતિએ કરીને કર્તાની અનુપસ્થિતિ સૂચવતો હોય છે – રૂસો ક્યાં વાચક સમક્ષ હોય છે? હકીકત એ છે કે જે કંઈ અર્થ રૂપે અવગત થાય છે એ તફાવતોની પદ્ધતિને આધારે હોય છે.
આમ, રૂસોની Confessions સહિતની કૃતિઓને વિઘટનશીલ વિશ્લેષણ માટેના case studies ગણી શકાય. એમાં વાણી / લેખનના વિરોધી દ્વૈતની માની લીધેલી નિશ્ચિતિ તૂટે છે; એમ પણ સૂચવાય છે કે લેખન ભયાવહ પૂર્તિ નથી, એથી વિકૃતિઓ નથી સરજાતી, પણ ભાષા અને અર્થની અન્તર્નિહિત સ્થિતિ પ્રકાશિત થાય છે. દેરિદા સૂચવે છે કે એ બધાં ગર્ભિત વાનાં રૂસો ભાળી શક્યા નથી, કહે છે કે, Rousseau says without saying, sees without seeing; these implications.
સૉક્રેટિસ-પ્લેટોનાં મન્તવ્યોની ચર્ચા માટે દેરિદાના Dissemination પુસ્તક પાસે પ્હૉંચી જવું મને વધારે જરૂરી લાગ્યું છે. મેં Disseminationને પુસ્તક કહ્યું એ તો ઠીક પરન્તુ હું એને લેખોનો સંગ્રહ કે સળંગસૂત્ર ગ્રન્થ નથી કહી શકતો. કેમ કે એમાં Plato’s Pharmacy એક ખણ્ડ છે, અન્ય વિષયમુદ્દાઓ વિશે જુદા જુદા ખણ્ડોમાં વિવિધ લેખનો છે. એ જુદી વાત છે કે સગવડ ખાતર એ દરેક ખણ્ડને પ્રકરણ કહેવાય છે.
Plato’s Pharmacy:
370 BCE આસપાસ લખાયેલા પ્લેટોના Phaedrusમાં સૉક્રેટિસ અને ઍથેન્સવાસી યુવક ફીડ્રસ વચ્ચે થયેલા સંવાદનું નિરૂપણ છે. બન્ને જણા નગર બહાર ફરતા ફરતા વાતો કરતા હોય છે. પ્રેમ વાગ્કલા આત્મા ગાંડપણ સત્ય અને લેખનપરક નીતિ વગેરે વગેરે વિષયો, બદલાતા રહે છે. સવાલ ઊભો થાય છે કે વાણી સુગમ શી રીતે બનતી હોય છે. સૉક્રેટિસનો જવાબ હોય છે કે ચતુરાઇથી નહીં પણ આત્માના જ્ઞાનને પ્રતાપે સુગમતા સંભવે છે.
આ વિષયમાં સૉક્રેટિસ ઇજિપ્તની એક પુરાણકથા સંભળાવે છે : દેવ થિયુથ રાજા થામુસને ‘લેખન’ નામની ભેટ આપે છે, કહે છે કે એથી તારી અને તારી પ્રજાની સ્મૃતિ અને ડહાપણ બન્ને ખીલશે. થામુસ નથી સ્વીકારતો, કહે છે કે લોકો પોતાની યાદદાસ્ત પર ભરોસો રાખવાને બદલે લેખન પર એટલે કે લખાયેલા સંકેતો પર ભરોસો કરવા માંડે, એને પરિણામે ભૂલકણા થઈ જાય. પણ દેવ થિયુથ તો લેખનને સ્મૃતિ અને ડહાપણ બન્ને માટે ઉપકારક ગણે છે. સૉક્રેટિસ આ કથા વડે લેખનની સમીક્ષા કરતાં જણાવે છે કે વાણી જ બરાબર કહેવાય કેમ કે પરસ્પરના સંવાદથી વિકસે, લિખિત તો વ્યર્થ નીવડે.
થિયુથ માટે લેખન ઉપકારક અને થામુસ માટે અનુપકારક – એક માટે ભેટ, બીજા માટે જોખમ. દેરિદા ચર્ચા માટે ગ્રીક શબ્દ pharmakonનો વિનિયોગ કરે છે. એ શબ્દના એક સાથે બે વિરુદ્ધ અર્થ થાય છે, remedy અને poision – ઔષધ અને વિષ. આ શબ્દનો પ્લેટો વિષ એવો એક જ અર્થ નક્કી કરે છે, દેરિદા ઉમેરે છે કે એ રીતે પ્લેટો અર્થની અનિર્ણયનીયતા અને ભાષાની અસ્થિરતાને છુપાવવા જાય છે, પણ એ ચેષ્ટા પોતે જ બધું પ્રકાશિત કરી દે છે; કારણ કે પ્લેટો લેખનનો વિરોધ કરે છે પણ એ વિરોધ તો લખીને કરે છે!
પ્લેટોએ વાણીથી થતા વિચારવિમર્શનું હમેશાં સમર્થન કર્યું છે. એટલે સુધી કે વાણીને સત્યની શોધ માટેનો ચડિયાતો માર્ગ ગણ્યો છે. પ્લેટો કહે છે કે ઉચ્ચારાયેલા શબ્દો વક્તા અને શ્રોતા વચ્ચે જીવન્ત થઈ જતા હોય છે, ‘આત્મામાં ઉત્કીર્ણ’ થઈ જતા હોય છે, જ્યારે, લેખન તો જીવન્ત વાણીની નકલ છે, એક મૃત ચીજ છે. પ્લેટો કહે છે કે ‘બાપ વિનાના સન્તાન જેવું’ લેખન પોતાની રક્ષા નથી કરી શકતું, પ્રશ્નોના ઉત્તરો નથી આપી શકતું તેમ જ યોગ્ય અને અયોગ્ય વાચકો કયા, તે પારખી નથી શકતું. પ્લેટો લેખનને ભયાવહ કહે છે કેમ કે એથી સ્મૃતિ અને સત્ય નબળાં પડી જાય છે.
દેરિદા જુદું કહે છે કે લેખન વાણી માટે આવશ્યક પૂર્તિ છે. તેઓ દર્શાવે છે કે પૂર્ણમાં ઉમેરણ તે પૂર્તિ. પણ પૂર્તિ થવા માંડે એ દરમ્યાન સમજાય કે જે પૂર્ણ દીસતું હતું તે પૂર્ણ નથી, એમાં તો તિરાડો છે, ખાલી જગ્યાઓ છે, બલકે કેટલાંક સ્થાનો તો ટેકો માગી રહ્યાં છે. એ કારણે પૂર્તિની ભૂમિકા બદલાય – એ માત્રઉમેરો ન રહે અથવા ઉમેરો કરતાં કરતાં બધું બદલવા માંડે. બદલાવ એટલો બધો થાય કે પહેલાં શું હતું તેની યાદ પણ ન રહે. સાર એ કે સ્મૃતિ લપસણી વસ્તુ છે અને પૂર્ણ રૂપે કદીયે હોતી નથી. સ્મૃતિમાં લેખનથી ઉમેરણ ન થયું પણ સ્મૃતિમાં જે અભાવ હતો તે લેખનને કારણે ન રહ્યો. પૂર્તિ સ્મૃતિની બીજી આવૃત્તિ બની ગઈ. એટલે, સ્મૃતિ નહીં, પણ આ બીજી આવૃત્તિ મહત્ત્વની છે. દેરિદા ઉમેરે છે કે આપણને ફરજ પડે છે કે આપણે એને ધ્યાનમાં લઈએ.
તેઓ કહે છે કે જેને લેખન ગણીએ છીએ એ કક્કો-બારાખડી નથી પણ ભાષાનો પાયો છે. ભાષા વાણીરૂપે હોય કે લેખનરૂપે, એમાં અર્થ હમેશાં તફાવત વિલમ્બન અને નિશાનોની આન્તરલીલાથી જ પ્રગટે છે. એટલે લેખન દ્વૈતીયિક નથી કેમ કે જે લક્ષણોને આપણે મહત્તા અર્પીએ છીએ, અને પ્લેટો જેની ટીકા કરે છે, એ લક્ષણોથી તો ભાષા કાર્યકર થઈ શકે છે.
એ કારણે દેરિદા પણ પૂર્તિને ભયાવહ કહે છે. કેમ કે પૂર્ણ સ્વયંપર્યાપ્ત અને સ્થિર છે એ પરમ્પરાગત વિચાર પૂર્તિથી હચમચી જાય છે. તેઓ એમ પણ દર્શાવે છે કે સ્મૃતિ કે સત્ય જેવી વિભાવનાઓનું સંઘટ્ટન પણ ભાષા દ્વારા થયેલું છે. તેઓ એટલે લગી કહે છે કે લેખન, પૂર્તિરૂપ લેખન પણ, ભાષા અને સ્મૃતિમાં સદાસર્વદા હાજર એવી પતનશીલતાને – fallennessને – પ્રતિબિમ્બિત કરે છે.
એ ભૂમિકાએ સત્ય અને સ્મૃતિ વિશેના પ્લેટોના ખયાલને દેરિદાએ પડકાર્યો છે. એમણે દર્શાવ્યું છે કે લેખન સત્યને નથી જાળવતું બલકે લેખનમાત્ર જિવાતી સ્મૃતિનો પર્યાય બની રહે છે. ભાષા અને લેખન જેવા બાહ્ય સંકેતો પરનો ભરોસો શું સૂચવે છે? એ જ કે સત્ય કદી છેવટ લગી સ્વનિર્ભર નથી રહી શકતું, એને હમેશાં મધ્યસ્થીની જરૂર પડે છે, કેમ કે એ અસ્થિર છે.
વાણીય સંવાદો દ્વારા સત્ય શોધવાની પ્લેટોની રીત મધ્યસ્થીના સકંજાથી છટકી શકે શી રીતે? કેમ કે સંવાદને ય ભાષાની જરૂર પડે છે, અને ભાષા સંદિગ્ધતાઓ અને વિલમ્બનોથી જ સ્વનામધન્ય થતી હોય છે. દેરિદા સરસ કહે છે કે જે ઉપકરણોથી આપણે સત્યની અભિવ્યક્તિ કરીએ છીએ એનાથી જ એ હમેશાં સરકી જતું હોય છે.
= = =
વિશેષ વાચન માટે સૂચિ:
Derrida, Jacques. Dissemination. Translated by Barbara Johnson, University of Chicago Press, 1981.
[ગુજરાતી સાહિત્ય પરિષદ : “પરબ” : ઑગસ્ટ ૨૦૨૫માં પ્રકાશિત લેખ —]
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર