
સુમન શાહ
હું અને રશ્મીતા એક વાર આમ્સ્ટર્ડામથી ટ્રેનમાં પૅરીસ ગયેલાં. ૧૯૯૬ આસપાસની વાત. પૅરિસના રેલવે સ્ટેશન પર અમે રેસ્ટરૂમ – ટૉઇલેટ – શોધતાં’તાં. મળી ગયેલું. ત્યાં ટૉઇલેટ પણ મફતમાં ન્હૉતાં એટલે કાઉન્ટર પરની બાઈને કેટલાક કૉઇન્સ ચૂકવવા પડેલા. અચરજની વાત એ કે ક્યાં ય men તેમ women સંજ્ઞા કે ચિત્ર દેખાય જ નહીં. હું કે રશ્મીતા ભૂલ કરી બેસીએ તો કેટલું વિચિત્ર થઈ પડે! ફાંફાં મારવાનું છોડીને મેં એ બાઈને પૂછ્યું તો કહે – it is unisex. પૈસા આપી દીધેલા અને કામ પતાવવું જરૂરી હતું એટલે મેં ‘યુનિસૅક્સ’ બબડતાં બબડતાં, પતાવ્યું. પણ ઍફિલ ટાવર પ્હૉંચ્યાં ત્યાં લગી મનમાં સવાલ કૂદ્યા કરતો’તો કે વિશ્વનું સર્વોચ્ચ કલાધામ કે citadel પૅરીસ આટલું બધું પછાત! પછી તો જાણકારો પાસેથી જાણેલું કે યુરપનાં કેટલાંક શ્હૅરોમાં ટૉઇલેટ્સ સ્ત્રી અને પુરુષ માટે અલગ નહીં પણ unisex કહો કે ભેળસેળિયાં હોય છે. એક મિત્રે એમ પણ કહેલું કે એ પછાત નથી પણ અત્યાધુનિક છે કેમ કે ચાલ્યા આવેલા પૂર્વગ્રહદુષ્ટ લિન્ગભેદને પડકારે છે.
ટૉઇલેટ્સનો એ જ્ઞાનસંવર્ધક પ્રસંગ ભુલાઈ ગયેલો તે આજે binary oppositionsની વાતે યાદ આવી ગયો. મને થયું કે એ પૅરીસવાસીઓ સ્ત્રી/પુરુષ દ્વૈતને વિરોધી નથી ગણતા તે કેટલું સરસ! post-feminisicm પોતાના વિચારપક્ષમાં આ દૃષ્ટાન્ત પ્રેમથી ઉમેરી શકે.
કદાચ દેરિદાની લડાઈ ભાષામાં સ્થિર થયેલાં વિરોધી દ્વૈતોથી શરૂ થઈ છે. ડિપ્લોમા માટેના એ શોધનિબન્ધમાં એમણે હ્યુસેર્લે પ્રયોજેલાં દ્વૈત તપાસ્યાં છે : ideatic/empirical, ખયાલપરક/અનુભવપરક. transcendentle/worldly, પરમાર્થિક/ઐહિક. original/derived, મૌલિક/સાધિત. pure/impure, પવિત્ર/અપવિત્ર. genetic/continued, પ્રારમ્ભિક/સન્તત. વગેરે.
તેઓ દર્શાવે છે કે હ્યુસેર્લની phenominology – પ્રતિભાસવિજ્ઞાન – અર્થ માટે શુદ્ધ આધાર કે પાયો શોધે છે – જેમ કે, ઐહિક નહીં પણ એવો સંકેત જે પરમાર્થિક હોય; જેમ કે, સાધિત નહીં પણ મૌલિક હોય. પરન્તુ આ આધારો શુદ્ધ નથી બલકે ‘ભૂતિયા’ છે – haunted. અવગતિ પામેલા જીવની જેમ ધૂણ્યા કરે છે. દેરિદા અવારનવાર to haunt ક્રિયાપદનો રૂપક તરીકે પ્રયોગ કરતા હોય છે. હકીકત એ છે કે ભૂતિયાં પદો પોતા સાથે જોડાયેલાં જે પદોને ભગાડે છે તેથી જ ચેપાયેલાં હોય છે, જેમ કે, અમૂર્ત, મૂર્તથી. પરમાર્થિક, ઐહિકથી. મૌલિક, સાધિતથી. પવિત્ર, અપવિત્રથી. પ્રારમ્ભિક, સન્તતથી.
અતિ મહત્ત્વનો મુદ્દો એ છે કે વિરોધી દ્વૈત ભાષાનો fundamental building block છે – ભાષા જે પર ખડી છે એ પાયાનો એકમ. ઉપસ્થિતિ/અનુપસ્થિતિ, સ્ત્રી/પુરષ, પ્રકૃતિ/સંસ્કૃતિ, તર્ક/ભાવના, જ્ઞાનજગત/ભાવજગત, નર/માદા; જ્યાં નજર પડશે, વિરોધી દ્વૈત જોવા મળશે મળશે ને મળશે. એથી ભાષાના સ્વ-રૂપને અને વિચાર કે ચિન્તનની મૂળ ભાતને ઓળખી શકાય છે. ભારતીય દર્શનો તો સંસાર સમગ્રને દ્વન્દ્વાત્મક કહે છે. પણ એનો અર્થ એ નથી કે વિશ્વ બે વિરુદ્ધાર્થોમાં વ્હૅંચાઈ ગયું છે! એમ માનીશું તો અતિ-સરલીકરણનો દોષ થશે તેમ જ બધી માન્યતાઓ ચીલાચાલુ જ રહી જશે.
વિરોધી દ્વૈતમાં વિરોધી દેખાતી બે વિભાવનાઓથી અથવા બે પદોથી અર્થ માટે એક તન્ત્ર સરજાય, જેમાં પહેલા પદની સમજ બીજા પદથી, અને બીજા પદની સમજ પહેલા પદથી મળે. દાખલા તરીકે, મિલન/વિરહ. દેખીતું છે કે મિલન એટલે શું તે વિરહથી અને વિરહ એટલે શું તે મિલનથી સમજાય. દેરિદા જણાવે છે કે આ જોડકાંઓનું અસ્તિત્વ તો બન્ને પદો વચ્ચેની તાર્કિકતાને કારણે છે. તાર્કિકતા એ કે જોડકામાં સંયુક્ત દરેક પદનું અસ્તિત્વ બીજા પદના અસ્તિત્વથી છે. દાખલા તરીકે, અંદર/બહારમાં અંદર એટલે છે કે બહાર છે અથવા બહાર એટલે છે કે અંદર છે. આ હકીકત આપણે ભૂલવી ન જોઈએ, પણ ભૂલી જઈએ છીએ.
બીજું એ કે બે વિરુદ્ધ દેખાતાં પદ એકબીજાને contaminate કરે છે, ચેપ લગાડે છે, અને એ કારણે બન્નેના ગુણધર્મ એકબીજામાં ભળી જાય છે. કોઈ અવસ્થા માત્ર તાર્કિક કે માત્ર ભાવનાત્મક નથી હોતી પણ બન્નેનું સમ્મિશ્રણ હોય છે. જેમ કે, સમજાય એવું છે કે કોઈ વ્યક્તિ માત્ર lovable કે માત્ર sexual નથી હોતી પણ lovable હોય એ sexual પણ હોય અને sexual હોય એ lovable પણ હોય. આ હકીકત પણ આપણે ભૂલવી ન જોઈએ, પણ ભૂલી જઈએ છીએ. પરિણામે, વિઘટનશીલ કાર્ય – deconstructive function – વિશેની આપણી સમજ દૂષિત રહી જાય છે.
જેમ કે, સુખ/દુ:ખ દ્વૈતનું કાર્ય એ છે કે આપણે એને સંયુક્ત રૂપમાં ઘટાવીએ; એ રીતે કે, નથી માત્ર સુખ કે નથી માત્ર દુ:ખ. પરન્તુ દરેક મનુષ્ય સુખને કે દુ:ખને પૂર્ણ ગણે છે અને માને છે કે હું સુખી, તું દુ:ખી; તું સુખી, હું દુ:ખી. એ પછી સુખની વ્હૅંચણી માટેના ઝઘડા કે યુદ્ધો શરૂ થાય છે. દુ:ખના નિવારણ માટેનાં સામુદાયિક ધરકરમ ક્રિયાકાણ્ડો કે માર્ક્સવાદ મૂડીવાદ કે લોકશાહી સુધીના રાજકીય ઇલાજો શરૂ થાય છે.
બીજું સમજવાનું એ છે કે વિરોધી દ્વૈતો નિષ્પક્ષ નથી પણ ભેદકારી છે. ભેદ એ કે પહેલું પદ સત્તાધીશ અને બીજું પદ ઓશિયાળું; પહેલું પદ સ્વાયત્ત અને બીજું પરાયત્ત; પહેલું પદ મહાન અને બીજું હીન. એટલે, પ્રત્યેક વિરોધી દ્વૈતનું વિઘટન શરૂ કરવું જોઈશે: એ કાજે, કેન્દ્રસ્થ પદને સ્થાને તેના હાંસિયાકૃત પદને મૂકીશું; કેન્દ્રમાં મુકાયેલું એ હાંસિયાકૃત પદ નવું કેન્દ્ર બનશે; અને એ નવા કેન્દ્રને પણ બીજા નવા કેન્દ્રથી ખસેડી શકાશે. પરન્તુ દેરિદા સ્પષ્ટ કહે છે કે પદોના એવા સ્થાનબદલથી કશો ફર્ક નહીં પડે, સંરચના હતી એમ અકબંધ જ રહેશે. ગાયત્રી ચક્રવર્તી સ્પિવાક ઉમેરે છે કે સ્થાનબદલ ઉપરાન્ત પદોને displace – સ્થાનભ્રષ્ટ – કરવાં જોઈશે. એથી સંરચના ભાંગી પડશે અને સ્પષ્ટ થશે કે વિરોધી દ્વૈતો વચ્ચે પ્રવર્તતા ઉચ્ચાવચ ક્રમનું કારણ દૂરવર્તી સત્તાઓ છે, અને બરાબર સમજાશે કે ત્યાંલગી પ્હૉંચીએ એ ગણાશે, વિઘટનશીલ કાર્ય. એમ થવું જરૂરી બલકે અનિવાર્ય છે અને કદાચ એવા પુરુષાર્થ માટે દેરિદા આપણને નિમન્ત્રણ આપે છે.
વિઘટન માટે કેન્દ્ર/હાંસિયાના વિરોધી દ્વૈતને સર્વસામાન્યપણે હમેશાં પ્રયોજવામાં આવે છે. આપણી નોટબુકના પાના પર એક હાંસિયો હોય છે. પાનાનો મુખ્ય ભાગ મોટો હોય છે, એ છે કેન્દ્ર. હાંસિયો નાનો. સમજાશે કે કેન્દ્ર અને હાંસિયા વચ્ચેનું અન્તર સ્થૂળ છે છતાં વિચાર ભાષા કે સંસ્કૃતિ નામની વિવિધ સંરચનાઓમાં લપાઈ રહેલી દૂરવર્તી સત્તા અન્તર્ગત ગતિવિધિનું – power dynamicsનું – તે ઘણું બધું સૂચક છે. દરેક સમાજમાં ધર્મપુરુષો સત્તાધીશો શ્રીમન્તો શિક્ષિતો ઉપલા સ્તરે જોવા મળે છે, નીચલા સ્તરે જોવા મળે છે, દીન દમિત કે અબુધ સમુદાયો કે પછી તળવાસી subalterns.
પશ્ચિમની અધિભૌતિકવિદ્યામાં પુરુષ કેન્દ્રમાં હોય છે અને અન્યો, મુખ્યત્વે સ્ત્રી, હાંસિયામાં હોય છે. સંસ્થાનવિષયક – colonial – વિમર્શપરામર્શમાં સંસ્થાન પોતે જ હાંસિયામાં હોય છે! પશ્ચિમની શબ્દ કે તર્કકેન્દ્રી પરમ્પરામાં – logocentric traditionમાં – વાણી કેન્દ્રમાં અને લેખન હાંસિયામાં હોય છે, વાણી અધિકૃત અને લેખન સામાન્ય ગણાય છે.
આ નિર્દેશોને કારણે મને ભારતીય અધ્યાત્મવિદ્યા તેમ જ સંસ્થાનવાદ યાદ આવી ગયાં અને થયું કે કેન્દ્ર/હાંસિયા વગેરે વિરોધી દ્વૈતો બાબતે ભારતમાં પણ ક્યાં કશું જુદું છે!
ભારતીય સંદર્ભનું આ ક્ષણે ખાસ તો મને દક્ષિણ/વામ કે જમણું/ડાબું – left/right – વિરોધી દ્વૈત યાદ આવે છે, અલબત્ત, એ દ્વૈત વૈશ્વિક છે. પરન્તુ મનુષ્યદેહના અતિ કામગરા ગણાતા બન્ને હાથમાંના એકને આપણે જમણો અને બીજાને ડાબો કહીએ છીએ તે કયા જીવવિજ્ઞાનની કે કઈ મૂળેરી સભ્યતાની ભૂમિકાએ કહીએ છીએ તેનો મને ખુલાસો નથી મળતો. મજાની વાત એ છે કે આ દ્વૈતમાં પગ નાક આંખ વગેરે અન્ય અંગોને પણ આવરી લેવાયાં છે. મારી દાદી કહેતી – જમણા પગ પર ડાબાની આંટી ન ચડાવ, નુક્સાન થશે. કોઈ ચીવટિયો ભાઈ બોલતો હોય છે – મારા નાકનું ડાબું ફોયણું સૂજી ગયું છે. કોઈ માતા બાળકને શીખવતી હોય છે – ડાબા હાથનું કામ ‘જુદું’ છે, એ હાથે લેસન ન કરાય. આપણે બધા બોલતા હોઈએ છીએ – મારી જમણી આંખ ફરકે છે તેથી, સંસ્કૃત નાટકનો નાયક બોલે છે કે એનો દક્ષિણ બાહુ ફરકે છે તેથી, કંઈક શુભ થવાનું છે. આ દ્વૈતનો અંગાંગમાં તેમ જ શુભ/અશુભ અને પવિત્ર/અપવિત્ર રૂપે આમ ઘણો વિકાસ થયેલો છે.
સંસ્કૃત શબ્દ વામ-ને અનુસરીને સ્ત્રીને વામા કહેવાય છે. કેટલાંક ભારતીય હિન્દુ પરિવારોમાં પતિ દક્ષિણે અને પત્ની વામે સૂએ એવી પ્રથા છે. એ પ્રથાને મંગળ અને શુકનિયાળ માનવામાં આવે છે. ત્યારે ડાબા હાથના ‘જુદા’ કામને આરામથી વીસરી જવાય છે! માન્યતા એ કે પુરુષનું સ્ત્રી અર્ધાંગ છે અને પુરુષના હૃદયમાં એનો વાસ છે એટલે સ્ત્રી એના હૃદયની બાજુએ ડાબે સૂએ તે હિતકારી છે. જો કે કો’ક દિવસ સ્ત્રીના સયુક્તિક રોષથી બન્ને અવળાં ફરીને સૂઈ ગયેલાં ભળાય ત્યારે દક્ષિણ/વામનું પ્રતિદ્વન્દ્વી જોડકું અવળું/સવળું પ્રયોજી શકાય. પૈતૃક સત્તા અને તેણે ઉછેરેલા દમ્ભનું આ પરમ દૃષ્ટાન્ત છે.
સંજ્ઞાઓ અર્થ આપી શકે છે તે તો તફાવત અને વિલમ્બનની લીલાને કારણે. તદનુસાર, કોઈ એક સંકેતક સંકેતાર્થ આપે ખરો પણ એ સંકેતાર્થ પોતે સંકેતક બની જાય અને બીજા સંકેતાર્થો આપે. બીજા સંકેતાર્થો વળી સંકેતકો બની જાય, અને ત્રીજા અર્થો આપે, એમ ચાલ્યા કરે. જુઓ ને, આપણે જોડણીકોશમાં કોઈ શબ્દનો અર્થ શોધવા જઈએ છીએ તો શું મળે છે? અર્થ રૂપે કેટલાક બીજા શબ્દો. એ બીજાના અર્થ મેળવવા જઈએ તો? ત્રીજા શબ્દો. અને એમ સંકેતીકરણની અન્ત વગરની શૃંખલામાં અર્થ સર્વત્ર ફેલાઈ જાય છે, કહો કે, ગૂમ થઈ જાય છે. અને તેથી બુદ્ધિએ અટકી જવું પડે છે. એને કહેવાય છે, intellectual impasse અથવા deadlock in understanding. એને કારણે એમ પણ કહેવાયું છે કે અર્થ છૅકાયેલો પણ, નહીં – ભુંસાયેલો રહેવા સરજાયો છે — constantly under erasure.
દેરિદાએ Of Grammatologyથી માંડીને એમની કારકિર્દી દરમ્યાન writing under erasure વિચારને વિકસાવ્યો હતો. textમાં પેલો deadlock કે વિરોધાભાસી વિભાવનાઓનાં સ્થાન – sites – દર્શાવવાનો પ્રસંગ આવે ત્યારે શું કરવું. એ પર એક છૅકો મૂકવો, એવો કે છૅકા નીચેના શબ્દો કે વાક્યો છૅકેલા દેખાય, પણ રબર ભૂંસી નાખે એમ સમૂળગા ભુંસાયેલા નહીં. એ અર્થમાં erasure એક typographical expression છે. એથી સૂચવાશે કે એ બાબતોના ચૉક્કસ અર્થ કરવાનું ભલે શક્ય નથી પરન્તુ એ બાબતો અપર્યાપ્ત હોવા છતાં આવશ્યક છે.
દેરિદાને આ વિચાર હાઇડેગરમાંથી સાંપડ્યો છે. હાઇડેગરે Being શબ્દને ઇરેઝર હેઠળ મૂકેલો. નિત્શે પણ રૂઢ અર્થોને પડકારવા લીટીઓને છૅકેલી રાખતા. બૅકેટ પણ લેખનમાં જનમેલાં સંદિગ્ધ વાનાં એ પ્રકારે દર્શાવતા. (દેખાદેખીથી મેં પણ ‘મારી વાચનયાત્રા ઇરેઝર હેઠળ’ શીર્ષક રાખીને એક લેખ કરેલો, ‘તથાપિ’ ૨૦૧૧). દેરિદાની ઈરેઝર વિભાવના સંદિગ્ધતા દર્શાવે છે, પ્રશ્નાર્થ સૂચવે છે, અને કહે છે કે પુનર્વિચાર જરૂરી છે.
પરોક્ષપણે ઇરેઝર ભાષા અન્તર્ગત અસંગતિબોધને પ્રકાશિત કરે છે. અસંગતિબોધ માટે દેરિદાએ aporia સંજ્ઞા પ્રયોજી છે.
દેરિદાનો સમગ્ર વિઘટન-પ્રોજેક્ટ પણ શું સૂચવે છે? એ જ કે અર્થને ઊંડણમાં લેવા મથતી ભાષા અપર્યાપ્ત છે પણ આવશ્યક છે. દેરિદાએ પણ જે કંઈ કહ્યું જેટલું કહ્યું એ આ મર્યાદાવન્ત ભાષાથી જ કહ્યું!
આ લેખમાળાના લેખન દરમ્યાન મને પ્રશ્ન થયેલો કે ભાષા સંસ્કૃતિ સમાજ કેળવણી માર્ક્સવાદ મૂડીવાદ લોકશાહી વગેરે સંખ્યાબંધ સંરચનાઓ મનુષ્યજીવન સાથે જોડાયેલી છે એ ખરું, પણ એ સંરચનાઓને આપણે શી રીતે ઓળખીએ છીએ. હું લગ્નસમારમ્ભમાં જોડાઉં ને ખાણીપીણી માણું એટલે મને સમાજ-સંરચનાની ઝાંખી થાય. યુનિવર્સિટી-બિલ્ડિન્ગમાં કર્મચારીઓની વ્યસ્તતા નિહાળું કે ક્લાસરૂમમાં ભણાવું એટલે મને કેળવણી-સંરચનાનો અહેસાસ આવે. ચૂંટણી હોય ને મતદારોને મતદાન માટે લાઈનમાં ઊભેલા જોઉં એટલે મને લોકશાહી-સંરચનાનું ચિત્ર મળે. પણ એ ઝાંખી, એ અહેસાસ, એ દર્શન કે એ ચિત્રપ્રાપ્તિ તો મારાં perceptions – ઇન્દ્રિયબોધો – છે. એ દરેક ઇન્દ્રિયબોધને હું જ્યાંસુધી ભાષાના માધ્યમથી વર્ણવું નહીં ત્યાં સુધી એક પણ સંરચનાને હું બીજા મનુષ્ય સુધી પ્હૉંચાડી શકું નહીં.
અને પ્હૉંચાડવા જઈશ એટલે મને પ્રતીતિ થશે કે ભાષાનું માધ્યમ પોતે જ અપર્યાપ્ત છતાં આવશ્યક સ્વરૂપમાં સ-મર્યાદ છે. પરિણામે મારાથી કે અન્ય કોઈથી કોઈપણ સંરચનાનું વર્ણન કદી સમ્પૂર્ણસ્વરૂપ નહીં થાય. સંરચના અને તેના ભાષિક વર્ણન વચ્ચે સમાન્તરતા નહીં પણ થોડું અન્તર રહી જશે. એ અન્તર મને એ જ સૂચવશે કે સમાન્તરતા માટેનો પુરુષાર્થ ચાલુ રાખ, પૂર્ણવિરામ ન મૂક.
દેરિદાની ફિલસૂફીમાં રહેલો નીતિવિષયક સંદેશ એ જ છે કે પૂર્ણવિરામ ન મૂકો – no closure …
(ક્રમશ:)
વિશેષ વાચન માટે સૂચિ:
Derrida, Jacques. 2016. Of Grammatology. Translated by Gayatri Chakravorty Spivak.
Johns Hopkins University Press.
પ્રગટ : ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર, “પરબ”; જુલાઇ 2025
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર