ઉત્તર પ્રદેશના ભા.જ.પ.ના ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પુ ભરતૌલની ૨૩ વર્ષની દીકરી, સાક્ષી મિશ્રા, ‘આર્ટીકલ-૧૫’ ફિલ્મની અસલી હિરોઈન જેવી છે. અજીતેષ કુમાર નામના દલિત યુવાન સાથેના તેના પ્રેમવિવાહથી ભડકેલા તેના તાકાતવર પિતાની ગુંડાગર્દીની વાકેફ, સાક્ષીએ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને, પિતાની તાકાત હરી લીધી છે. બ્રાહ્મણ જ્ઞાતિની સાક્ષીએ તેના મોબાઇલ પર બે વીડિયો શૂટ કરીને વાઈરલ કરી દીધા છે. વીડિયોમાં તેણે કહ્યું છે કે તેના પિતાએ તેની પાછળ ગુંડાઓ છોડી મુક્યા છે અને તેના જીવને જોખમ છે.
પતિ અજીતેષ સાથે કારમાં બેસીને શૂટ કરેલા વીડિયોમાં સાક્ષીએ એવી પણ ચેતવણી ઉચ્ચારી છે કે તેને કે તેના પતિને કંઈપણ થશે, તો તેના માટે તેના પિતા જવાબદાર હશે. સાક્ષી તેના પિતાને પૂછે છે, “'તમે બેટી બચાવો, બેટી પઢાવો’નું અભિયાન ચલાવો છો, તો પછી ખુદની બેટી સાથે આવો વ્યવહાર શા માટે કરો છો? તમે તમારા વિચાર બદલો, બેટા, જેટલું જ મહત્ત્વ મારી બહેનને આપો અને શાંતિથી રાજનીતિ કરો."
સાક્ષીનો આ વીડિયો અને હવે તેના ટી.વી. ઇન્ટરવ્યુથી તહલકો મચી ગયો છે. તેના પિતા બચાવની ભૂમિકામાં આવી ગયા છે, અને ખુલાસા કરી રહ્યા છે. અપેક્ષા પ્રમાણે જ રાજનીતિ પણ શરૂ થઇ ગઈ છે અને આરોપ-પ્રત્યારોપ ચાલુ થયા છે. કેટલાંક મીડિયાએ તો હવે અજીતેષ કુમારને બદનામ કરતા સમાચારો ચાલુ કર્યા છે, અને સાક્ષીના બયાનો પાછળ કોઈક સાજીશ છે, તેવી સ્ટોરીઓ શરૂ કરી છે. પિતા કદાવર નેતા છે, એટલે તેના પક્ષમાં લોકો હોય, તે સમજી શકાય તેમ છે. તેની સૌથી પહેલી જાણ તો સાક્ષીને જ હતી ને, એટલે તો તેણે વીડિયો રેકોર્ડ કરીને બધું સત્તાવાર કરી દીધું.
સાક્ષી મિશ્રાએ આમ કરવા જેવું હતું અને તેમ કરવાની જરૂર ન હતી, એવી સલાહો અપાઈ રહી છે, તેનું એકમાત્ર કારણ એ છે કે સાક્ષી જીવતી છે. દલિત મનના માણીગર સાથે વિવાહ કરવા બદલ, તેના પિતા અને ઉત્તર પ્રદેશમાં ભા.જ.પ.ના ધારાસભ્ય રાજેશ મિશ્રાના ગુંડાઓના હાથે તે મરી ગઈ હોત, તો આપણી સલાહ કેવી હોત?
જાત-પાતના ભેદભાવ દૂર કરવા માટે દલિતો સાથે રોટીનો વ્યવહાર કરવાનો મહાત્મા ગાંધીનો પ્રયોગ સફળ ના રહ્યો, ત્યારે બાબા સાહેબ આંબેડકરે બેટીના વ્યવહારની ભલામણ કરી હતી. તેમણે કહ્યું હતું, "લોહીનો સંગમ થશે તો જ પરિવાર જેવી ભાવના આવશે." સાક્ષીની આપવીતી આપણે પહેરી રાખેલા દંભના ચહેરાને ઉઘાડા તો કરે જ છે, સાથે પિતાઓ અને સમાજના હાથે કચડાતી બેટીઓને એક રસ્તો બતાવે છે કે સોશ્યલ મીડિયા આમાં કેટલું ઉપયોગી થઇ શકે છે.