બીજા વિશ્વયુદ્ધ પછી સંસ્થાનવાદનો અંત આવ્યો હતો અને ભારત સહિત બીજા સો કરતાં વધુ દેશો આઝાદ થવા લાગ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી સંસ્થાનો ટકાવવાં અને તેને ગુલામ બનાવીને શોષણ કરતા રહેવું એ શક્ય રહ્યું નહોતું, એટલે એક પછી એક દેશ આઝાદ થવા લાગ્યા હતા. ભારત છોડીને બીજા કોઈ દેશોમાં ગાંધી નહોતો અને છતાં તેને આઝાદી મળી હતી એટલે એ રીતે ભારતને પણ વગર ગાંધીએ આઝાદી મળી હોત. ઘણા લોકો આવી દલીલ કરે છે. આઝાદી શું એકલા ગાંધીજીને કારણે મળી છે? બીજા લોકોનું શું કોઈ યોગદાન નથી? આપણે તેમને જણાવી દઈએ કે ગાંધીજી ન હોત તો પણ ભારતને આઝાદી મળી હોત.
ગાંધીજીએ પણ ક્યાં આઝાદી અપાવવાનો દાવો કર્યો છે! એક જગ્યાએ એવું તેઓ બોલ્યા નથી. વળી તેમણે તેમની આખી જિંદગીમાં આઝાદી શબ્દ વાપર્યો જ નથી. તેઓ હંમેશાં સ્વ-રાજ શબ્દ જ વાપરતા અને તેનો અર્થ તેમને મન વ્યાપક હતો. રાજકીય આઝાદીને તેઓ સત્તાંતરણ (ટ્રાન્સફર ઑફ પાવર) તરીકે ઓળખાવતા હતા. ખરી આઝાદી અંગ્રેજોથી નહીં પણ અંગ્રેજિયતથી મેળવવાની છે અર્થાત્ – સ્વાર્થ, શરીરસુખ આપનારા ભોગ, શોષણ અને હિંસા આધારિત આધુનિક પાશ્ચાત્ય સભ્યતાથી મેળવવાની છે. આમ ગાંધીજીને રાજકીય આઝાદી સાથે આડકતરો સંબંધ હતો, સીધો નહોતો. રાજકીય આઝાદી મળે તો સ્વ-રાજનો પ્રયોગ કરવા માટે રસ્તો ખૂલે એ અર્થમાં. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આઝાદી એ સાધન હતું, સાધ્ય નહોતું. સાધ્ય તો સ્વરાજ હતું. સ્વ-રાજ. આ રીતે ગાંધીજીને આઝાદી અપાવનારા તરીકે ઓળખાવવા એ છત્રપતિ શિવાજીને હિંદુ રાજ્યની સ્થાપના કરનારા મરાઠા તરીકે ઓળખાવવા જેવું થયું.
આમ ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી એ બોજથી જો ગાંધીવિરોધીઓને આઝાદ થવું હોય તો તેઓ આ ક્ષણે જ થઈ શકે એમ છે. પણ એક બીજા સવાલથી તેઓ આઝાદ થઈ શકે એમ નથી. ગઈ સદીમાં જે સો કરતાં વધુ દેશો આઝાદ થયા એમાંથી કેટલા દેશો ખરા અર્થમાં આઝાદી ટકાવી શક્યા છે? શું પાકિસ્તાન ખરા અર્થમાં આઝાદ છે? જો પાકિસ્તાનને તમે ખરા અર્થમાં આઝાદ ન માનતા હો તો તમારે આઝાદીનો ખરો અર્થ પણ કરવો પડશે. આ બધા દેશોમાં આંતરવિગ્રહથી લઈને સ્વીકાર કરવામાં આવેલા બંધારણના આખેઆખા ઢાંચાને બદલીને લોકશાહીનો પ્રાણ હરી લેવા સુધીની ઘટનાઓ બની છે. શ્રીલંકા પણ આમાં અપવાદ નથી. ભારત એક માત્ર એવો દેશ છે જે સ્વીકૃત બંધારણના ઢાંચાને બદલ્યા કે લોકતંત્ર ગુમાવ્યા વિના ટકી રહ્યો છે.
અહીં ગાંધીજી આવે છે અને એ ગાંધીના ‘બોજ’ને ગાંધીવિરોધીઓ ફગાવી શકે તેમ નથી. એવું તે કયું યોગદાન હતું ગાંધીજીનું કે આપણે આપણી આઝાદી (હજુ સ્વરાજ નહીં), મહામૂલી લોકશાહી સાથે અને મૂળ બંધારણીય ઢાંચા સાથે ટકાવી શક્યા? ગાંધીજીના આ યોગદાનને નકારી શકાય એમ નથી. આગળ કહ્યું એમ ગાંધીજીને તો સ્વરાજ જોઈતું હતું, પરંતુ સાધ્ય માટેના સાધન તરીકે તેમણે આધુનિક રાજ્યનો સ્વીકાર કર્યો હતો અને તેની તરફેણમાં દેશભરમાં પ્રજાને તૈયાર કરી હતી અને સર્વસ્વીકૃતિ બનાવી હતી.
બીજા દેશો લોકશાહીયુક્ત આઝાદી ટકાવી ન શક્યા અને ભારત ટકાવી શક્યું એનું કારણ રાષ્ટ્રીય સર્વસંમતિ હતું અને તેનો શ્રેય ગાંધીજીને જાય છે. આ બાબતનો શ્રેય તો એકલા ગાંધીજીને જ જાય છે, એમાં બીજો કોઈ ભાગીદાર થઈ શકે એમ નથી. ગાંધીજીના મહાત્મા હોવાપણાને નકારો, રાષ્ટ્રપિતાપણાને નકારો, નિર્વૈર અને નિર્ભય હતા એનો અસ્વીકાર કરો, બીજી કળશીએક ગાળો આપવી હોય તો આપો; પણ એ વાતનો ઇન્કાર નહીં કરી શકાય એમ નથી કે તેમણે દેશમાં ભારતીય રાષ્ટ્રની કલ્પનાની તરફેણમાં ઠીકઠીક પ્રમાણમાં સર્વસંમતિ બનાવી હતી. અને આવું કરનારા એકલા ગાંધીજી હતા, માટે રાષ્ટ્રીય સર્વસંમતિનો શ્રેય એકલા ગાંધીને જાય છે.
દેશમાં એ સમયે ગાંધીજીની લોકપ્રિયતા આસમાને હતી. ભક્તોની મોટી ફોજ હતી. તેમનો શબ્દ ઈશ્વરી ગણાતો હતો. તેઓ ધારત તો વિરોધીઓને બોલતા અટકાવી શક્યા હોત. ભક્તોનો વિરોધીઓને બોલતા અટકાવવા માટે ઉપયોગ કરી શકાય એ વાતની જાણ અત્યારના નેતાઓને થઈ છે અને ગાંધીજીને નહોતી એવું થોડું છે! ગાંધીજી ભક્તોનો શ્વાનની જેમ ઉપયોગ કરી શક્યા હોત, પણ તેઓ તો તેમના ભક્તોને પણ વિવેકી માણસ બનાવવા માગતા હતા. એટલે તો ૧૯૨૦માં કલકત્તા કૉન્ગ્રેસમાં ગાંધીજીએ મૂકેલા અસહકારના ઠરાવનો વિરોધ કરનારાં એની બેસન્ટને શ્રોતાઓ બોલવા નહોતા દેતા ત્યારે ગાંધીજીએ તેમને ટપાર્યા હતા. વિરોધીઓને જે ભાષામાં ન નિંદે એવી ભાષામાં તેમણે ભક્તોને નિંદ્યા હતા. ભક્તો પણ સ્વ-રાજના અધિકારી હતા એ ગાંધી જેવો જાગ્રત માણસ કેમ ભૂલે!
ગાંધીજી તેમના નિંદકો અને પ્રતિવાદીઓ સાથે ચર્ચામાં ઉતર્યા હતા. કોઈની પણ ઉપેક્ષા નહોતી કરી. આઝાદ ભારતમાં અમે ક્યાં હશું એવા દલિતોના પોતાના પ્રશ્નો હતા, કેટલીક આશંકા હતી, ભય હતો; જેનું ગાંધીજીએ નિવારણ કર્યું હતું. બને એટલો સધિયારો આપ્યો હતો. તેમણે દલિતોને વચન આપ્યું હતું કે ભારતનું શાસન લોકતાંત્રિક હશે, ભેદભાવ વગર દરેકે દરેક નાગરિક એક જ મતના અધિકારી હશે. શાસન બંધારણીય હશે અને બંધારણ ભારતના દરેક નાગરિકના અધિકારોની રક્ષા કરશે અને દરેક પ્રકારની અમાનવીયતાઓને – તે ધર્મચિંધી હોય તો પણ – તેના પર પ્રતિબંધ મૂકાશે. ન્યાયતંત્ર સ્વતંત્ર હશે વગેરે. છેવટે બંધારણ ઘડવાનું કામ કરનારી મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. આંબેડકરને બનાવ્યા હતા કે જેથી દલિતોનો ભારતીય રાષ્ટ્ર પર ભરોસો બેસે.
ગાંધીજી ધારત તો દલિતોની ઉપેક્ષા કરી શક્યા હોત. આખો દેશ તેમની સાથે હતો અને ગાંધીજીને ઇશારે કોઈને પણ બોલતા બંધ કરી દે એવડી ભક્તોની મોટી ફોજ હતી. આની જગ્યાએ ગાંધીજી દલિતો સાથે ચર્ચામાં ઉતર્યા હતા. કેટલી ચર્ચા. કોઈ માણસ એક જિંદગીમાં એક કોમ સાથે આટલો વિમર્શ કરી શકે એ જોઈને જ આશ્ચર્ય થાય છે. હજારોની સંખ્યામાં ભાષણો, લેખો અને પત્રો એકલા દલિતોના પ્રશ્ને ઉપલબ્ધ છે. આનું પરિણામ એ આવ્યું કે દલિતો દલિત નેતાઓને છોડીને ગાંધીજીની કૉન્ગ્રેસને સમર્થન કરવા લાગ્યા હતા, પછી ભલે દલિત નેતાઓ ગાંધીજીને ગાળો આપતા હોય. ૧૯૩૭માં, ૧૯૪૬માં અને ૧૯૫૨માં ખૂદ ડૉ. આંબેડકરને દલિતો માટેની અનામત બેઠક પર તેમના થયેલા કારમાં પરાજય દ્વારા આનો અનુભવ થઈ ગયો હતો. ત્યારે મહદ્ અંશે દલિતો ગાંધીજી સાથે હતા, દલિત નેતાઓ સાથે નહોતા.
તો વાતનો સાર એ કે ભક્તોને ભાયાતો બનાવીને ગાંધીજી બાપુઓની જેમ વર્ત્યા હોત તો દલિતો મનોમન ગમે એટલા ધૂંધવાયેલા હોત, પણ બોલી ન શકત. ગાંધીજીએ તેમને બોલતા કર્યા અને નિર્ભય બનાવીને બોલતા કર્યા. સમાન સ્તરે અને સમાન આદર સાથે તેઓ તેમની સાથે ચર્ચામાં ઊતરતા હતા. ગાંધીજીને તેમના જીવનમાં સેંકડો નહીં, કદાચ હજારોની સંખ્યામાં નનામા પત્રો મળ્યા હશે અને નનામા ચોપાનિયા પ્રકાશિત થયા હશે. મોટા ભાગના પત્રો અને ચોપાનિયાઓ સનાતની બ્રાહ્મણો લખતા કે છપાવતા હતા જેમાં કહેવામાં આવતું હતું કે ‘આ માણસ ઢેઢાઓને (દલિતો માફ કરે) ચડાવી મારે છે અને સનાતન ધર્મનો નાશ કરી રહ્યો છે.’ ૧૯૩૪માં દલિતોને ચડાવી મારવાના ગુના માટે પૂનામાં ગાંધીજીની મોટર પર બોમ્બ ફેંકીને તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ગાંધીજી દલિતોની માફક મુસલમાનો સાથે પણ ચર્ચામાં ઊતર્યા હતા. તેમને પણ એ જ કહેવામાં આવ્યું હતું અને એ જ સધિયારો આપવામાં આવ્યો હતો જે દલિતોને આપવામાં આવ્યો હતો. ત્યારે પણ કોમી માનસિકતા ધરાવતા સનાતની હિંદુઓએ ગાંધીજી પર આરોપ મૂક્યો હતો કે તેઓ મુસલમાનોના થાબડભાણા કરી રહ્યા છે અને છેવટે ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. ગાંધીજીએ સીખો સાથે સંવાદ કર્યો હતો, ખ્રિસ્તીઓ સાથે સંવાદ કર્યો હતો, દક્ષિણ ભારતીયો સાથે સંવાદ કર્યો હતો, સ્ત્રીઓ સાથે સંવાદ કર્યો હતો, મિલીજુલી હિન્દુસ્તાની ભાષાની જગ્યાએ સંસ્કૃતનિષ્ઠ હિન્દીનો આગ્રહ રાખનારા હિન્દી સાહિત્યકારો સાથે સંવાદ કર્યો હતો, સનાતની હિંદુઓ સાથે સંવાદ કર્યો હતો અને નાસ્તિકો સાથે પણ સંવાદ કર્યો હતો. વિરાટ કદના નેતા હોવાનો દર્પ તેમનામાં નહોતો. બાપ સંતાન સાથે જે રીતે ચર્ચા કરે એ રીતે તેમણે આઝાદ ભારતના દરેક લાભાર્થી (સ્ટેક હોલ્ડરો) સાથે ચર્ચા કરી હતી.
તેમને મન કોઈ સ્ટેક હોલ્ડર નાનો નહોતો. સંખ્યા સાથે તેમને સરોકાર જ નહોતો, તેમનો સરોકાર માણસ સાથે અને તેના અભિપ્રાય સાથે હતો. જો માનવીનું મૂલ્ય હોય તો તેના અભિપ્રાયનું મૂલ્ય હોવું જોઈએ. ગાંધીજી વિષે એમ કહેવાય છે કે તેઓ તેમના મુલાકાતીને બે મિનિટ આપતા તો એ બે મિનિટ સો ટકા મુલાકાતીની હોય. અત્યંત ધ્યાનપૂર્વક સાંભળે જાણે કે આ જગતમાં મુલાકાતી સિવાય બીજા કોઈનું અસ્તિત્વ જ ન હોય અને તે જે કહી રહ્યો છે તેનાથી વધુ મહત્ત્વની બીજી કોઈ વાત જ ન હોય! ગાંધીજીની આ સાંભળવાની અને અદના માણસને પણ જવાબ આપવાની ખૂબીને કારણે ભારતીય પ્રજામાં ભારતીય રાષ્ટ્ર વિષે એકંદરે સર્વસંમતિ બની હતી.
અલબત્ત ગાંધીજીએ જે ભારતીય રાષ્ટ્રને સર્વસ્વીકૃત કરાવ્યું હતું તેની સામે હિંદુ રાષ્ટ્રવાદીઓને અને સામ્યવાદીઓને વાંધો હતો, પરંતુ તેમને ત્યારે કોઈ પૂછતું નહોતું.
આ જે ભારતીય રાષ્ટ્રની સંકલ્પના વિષે મહદ્ અંશે સર્વસંમતિ હતી તેને કારણે ભારત ઊગરી ગયું. બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ થયેલા બીજા દેશોમાં આનો અભાવ હતો. કોઈક દેશમાં ભદ્રવર્ગ શાસકવર્ગ બની ગયો હતો અને તે શાસનમાં બીજાને ભાગીદારી આપતો નહોતો. બીજા કોઈ દેશમાં બહુમતી કોમ લઘુમતી કોમ સામે ‘દેશ મેં રહેના હો તો ..’ની શરતો મૂકતી હતી અને લઘુમતી કોમને દબાવવાની કોશિશ કરી હતી. કેટલાક દેશોમાં ધર્મ, ધાર્મિકતા અને ધર્મગુરુઓએ રાજ્ય પર કબજો જમાવ્યો હતો. કેટલાક દેશોમાં ભાષાની અસ્મિતાઓએ રાજ્ય પર કબજો જમાવ્યો હતો, જેમ કે બંગલાદેશ. કેટલાક દેશોમાં લશ્કરે અસ્મિતાઓનો સંઘર્ષ પેદા કરાવીને કે એવા સંઘર્ષનો લાભ લઈને રાજ્ય પર કબજો જમાવ્યો હતો, જેમ કે પાકિસ્તાન.
આનો નિષ્કર્ષ કાઢો તો એટલો કે મોટા સ્ટેક હોલ્ડરો નાના સ્ટેક હોલ્ડરોને ગણતરીમાં લેતા નહોતા. તેમને સત્તામાં ભાગીદારી આપતા નહોતા. તેમની ઉપેક્ષા કરતા હતા અને તેમને દબાવીને રાખતા હતા. ગાંધીજીએ આવું નહોતું કર્યું. દરેકને રાષ્ટ્રમાં સન્માન અને દરેકને તેનું સ્થાન. ભારત દેશ અત્યાર સુધી અક્ષુણ ટકી રહ્યો તેનું રહસ્ય આ છે. જેને દૂરનું દેખાતું હોય એવો બાપ હોય એ દરેક સંતાનને લાડ કરે અને વખત આવ્યે થાબડભાણા પણ કરે. તેમને એક સનાતન સત્યની જાણ હોય છે કે જ્યાં કુસંપ હોય એ પરિવારનો નાશ અટલ છે અને દાદાગીરી કરીને કોઈને હંમેશને માટે દબાવીને રાખી શકાતું નથી.
છેલ્લે, આ જગતમાં એવો એક દેશ બતાવો જ્યાં શરતી રાષ્ટ્રવાદ સફળ થયો હોય અને પ્રજા સુખેથી રહેતી હોય. આ સકળ જગતમાંથી માત્ર એક દેશનું ઉદાહરણ આપો. બીજું, ૧૯૪૫ પછી જેટલા દેશો આઝાદ થયા એનો ઇતિહાસ તપાસી જુઓ. તમે પોતે જ જોઈ લો તેમાંથી શું શીખવા મળે છે? ભાયાતોમાં અને ભાઈમાં ફરક છે.
તમે હિંદુ હો તો મોટા ભાઈ બનો અને અન્ય કોઈ હો તો નાનો ભાઈ. લાંબા ગાળાનું આમાં હિત છે.
05 સપ્ટેમ્બર 2019
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 સપ્ટેમ્બર 2019