Opinion Magazine
Number of visits: 9483408
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિતોના રાજકીય, સામાજિક અને આર્થિક ઉત્કર્ષમાં દલિત કાર્યકરોની ભૂમિકા

લક્ષ્મણ યુ. વાઢેળ|Opinion - Opinion|15 May 2017

દલિતો હિંસક નથી એટલે જ ભારતમાં સદીઓથી પીડિત રહ્યા છે. તેઓને વારસામાં જે સંસ્કારો અને તાલીમ મળી છે, તે સેવા, નિષ્ઠા અહિંસાની મળી છે, તે સેવા, નિષ્ઠા અને અહિંસાની મળી છે. તેમના પૂર્વજો સમાજની સેવાભૂમિમાં સમર્પિત થયા છે. પોતાના સંતાનો માનવતાનાં મૂલ્યોને વેડફી ન નાખે તે અંગેની કાળજી લીધી છે. ધર્મના નામે દલિતો પર પાર વિનાના અત્યાચારો થયા છે. છતાં ય વિકૃત અવગુણનો સ્વીકાર કર્યો નથી. ઉચ્ચ વર્ણોની અનેક વિધ હિનવૃત્તિઓ સામે તિરસ્કાર કે ધૃણા બતાવી નથી. આ વર્ણોએ દલિતોની સલામતીની કોઈ વ્યવસ્થા કરી ન હોવા છતાં ય પોતાના જીવનના ભોગે ઉપલા વર્ણોની સેવા કરી છે. વિશ્વમાં માનવ સમૂહો વચ્ચેના સંઘર્ષો હિંસા અને તિરસ્કારને સહન કરવાનો વારસો દલિતોને મળ્યો છે.

મરેલાં પ્રાણીઓ અને કોહવાઈ ગયેલી ગંદકીમાંથી ઉત્પન્ન થતાં કાર્બન મોનોક્સાઈડના ઝેરથી લાખો દલિતો મરી ગયા છે. શ્વાસમાં અશુદ્ધ પ્રાણવાયુ લેતા અનેકવાર બેહોશ થયા છે. છતાં ય વારસાગત ધંધાથી મોં ફેરવી શક્યા નથી. જે સમાજમાં તેને હંમેશાં પીડા જ ભેટ મળી છે, તેના પ્રત્યે અહિંસાવૃત્તિ જ દાખવી છે. અહિંસાના આદર્શની જાળવણીનો શ્રેષ્ઠ વારસો દલિતોએ વિશ્વને આપ્યો છે. અહિંસાની સિદ્ધિ માટે નિઃસ્વાર્થ ભાવે સેવાઓ કરી છે.

ભારતમાં સવર્ણો નિર્મિત ધર્મોશાસ્ત્રોએ વર્તન માટેની જે રીતો બતાવી છે, તે રીતે જ દલિતો જીવ્યા છે, તેમાં આગળ વધવાની કોઈ પણ તક પ્રાપ્ત થતી ન હોવા છતાં ય ધર્મશાસ્ત્રોનો વિરોધ નથી. ધર્મશાસ્ત્રોના કાયદાઓનું પાલન કરતા રહ્યા છે. આર્યોનાં ધર્મશાસ્ત્રોએ જે કોઈ વચનો કહ્યા છે, તેને સાચા ગણી સ્વીકારી લીધા છે. ધર્મશાસ્ત્રો પ્રત્યે શ્રદ્ધા ભાવના રાખી છે. દુર્ગતિબોધક કક્ષાઓ પ્રત્યે સન્માન અને પવિત્રતા જાળવી રાખી છે. પોપટપંચી અને વિતંડાવાદના પ્રચારકો પ્રત્યે પૂજ્યભાવ રાખ્યો, છતાં ય ધર્મ અને સત્તાથી વંચિત કરવામાં આવ્યા હતા.

હજારો વર્ષથી નીચલી જાતિના લોકો શોષિત, પીડિત, કચડાયેલા, અત્યાચારોના ભોગ બનેલા, અપમાનિત અને નર્કાગાર દુર્ગંધથી લથપથ શ્રમકાર્યમાં ઘસાઈ ગયા. ભારતમાં મુસ્લિમ શાસકો અને પછીથી બ્રિટિશ શાસકોએ દલિતોનાં દુઃખ દૂર કરવાને બદલે વટાવ પ્રવૃત્તિના હિતોને ધ્યાનમાં રાખીને દલિતોની સેવાઓનો ભરપૂર લાભ લીધો. આ શાસકોએ પણ દલિતોને સુખી જીવન જીવવાની તક મળે એવા ઉપાયો કર્યા નહીં.

૧૯મી સદીના ઉત્તરાર્ધમાં મહાત્મા જ્યોતિબા ફૂલે અને વીસમી સદીની શરૂઆતમાં બાબાસાહેબ આંબેડકરે દલિતોના રાજકીય, સામાજિક અને આર્થિક અધિકારો માટેની ચળવળો શરૂ કરી. દલિતોને માનવીય અધિકારો પ્રાપ્ત થાય એ માટે આ બંને નેતાઓને કષ્ટો, અપમાનો અને જીવનમાં જોખમે પ્રવૃત્તિઓ શરૂ કરી. શુભ ઇરાદાઓ, સંકલ્પો, નિષ્ઠાઓ, નિઃસ્વાર્થોના આ મહાન વિચાર પૂંજને સફળતાઓ મળી, તેમની સાથે ઘણા કાર્યકરો દલિત સેવામાં જોડાયા.

સ્વતંત્રતા બાદ ભારતની લોકશાહીમાં દલિતોની જે કંઈ હિસ્સેદારી રહી છે, તે આ મહાન દલિત નેતાઓ અને કાર્યકરોને લીધે જ છે. લોકશાહીમાં દલિતોને સ્વતંત્રતા અને સમાનતાના અધિકારો મળ્યા છે, તે આ નેતાઓ અને કાર્યકરોને લીધે મળ્યા છે. આ નેતાઓને ગુલામીના બોજથી પીડાતા દલિતોને મુક્તિ આપી છે. વિષમતા અને શોષણ, અત્યાચારો અને અપમાનોમાંથી આઝાદી આપી છે. ભારતીય સમાજમાં કલંકિત અસ્પૃશ્યતા સંપૂર્ણ ભૂંસાઈ જાય નહીં ત્યાં સુધી કાયદાઓ, દંડ અને સજાની સખ્તાઈ સ્વીકારવામાં આવી છે.

૧૯૩૨માં ગાંધીજી સાથે આંબેડકરે પૂના સમજૂતિ કરી, એ રાજકીય અધિકાર માટેનું મહાન આંદોલન ગાંધીજીના હઠાગ્રહને લીધે નબળું પડ્યું. ગાંધીજી દલિતો પરના અત્યાચારો અને શોષણના વિરોધી હતા, પરંતુ આ સમસ્યાને દૂર કરવા માટે દલિતોનો રાજકીય ઉત્કર્ષ થાય એ ખૂબ જરૂરી હોવાથી આંબેડકરે અલગ મતદાર મંડળની માંગણી કરી હતી. જો કે આ પ્રકારના અલગ મતદાર મંડળને લીધે દલિતો હંમેશાં બહિષ્કૃત રહેશે એ બહાના હેઠળ ગાંધીજીએ  આંબેડકરની મહાન યોજનાનો અસ્વીકાર કર્યો, આમરણાંત ઉપવાસ કર્યા, આંબેડકરને દલિતોની રાજકીય પ્રગતિની ઉત્તર યોજના પડતી મૂકવા મજબૂર કર્યા. ગાંધીજી ભારતના લોકોના ભાવાત્મક પાસાઓને ધ્યાનમાં રાખી સમાજની તિરાડોને પહોળી થતી અટકાવવા ઇચ્છતા હતા. પરંતુ આ અંગેના રચનાત્મક કે સકારાત્મક ઉપાયો કે કાયદાના પીઠબળથી રક્ષિત હોઈ, એવા ઉપાયોની ગાંધીજીએ તરફદારી કરી નહીં. ગાંધીજીની રચનાત્મ પ્રવૃત્તિઓ અને વિચારો ઉત્તર હોવા છતાં ય, દલિતોના ઉત્કર્ષ માટે સફળ થયા નહીં. વળી ગાંધીજીના અનુયાયીઓમાં ગણ્યાં ગાંઠ્યા નેતાઓને અપવાદ ગણતા, મોટાભાગના કાર્યકરો લાભ અને હોદ્દાઓ પ્રાપ્ત કરવાના લાલચે ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિ કરતા હતા. ગાંધીજી દ્વારા આત્મખોજ મશાલ જે કાર્યકરોને સોંપવામા આવી હતી, તેઓ દલિત ઉત્કર્ષના વિચારને ભૂલી ગયા કે પછી આ ઉદ્દેશને ભૂંસી નાખ્યો.

બાબાસાહેબ આંબેડકરે ભારતનાં બંધારણ ઘડતરમાં જે ભૂમિકા નિભાવી છે, તે ભારત અને વિશ્વના પીડિતોને મુક્તિ માટેની પ્રેરણા અને આશા જન્માવે એવી છે. બંધારણમાં કાયદાની દૃષ્ટિથી દલિતોને સમાનતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે ગાંધીજીની ભાવાત્મક દૃષ્ટિથી અશક્ય છે. આજે પણ ભાવનાત્મક દૃષ્ટિએ જોતા દલિતો પ્રત્યેના હિન્દુ સમાજના શિક્ષિતો અને અશિક્ષિતોના વ્યવહારો વિષમતાને પોષક રહ્યા છે. આ ભાવાત્મક વિષમતાનો રાજકીય પક્ષોએ મતની રાજનીતિ દ્વારા ભરપૂર ફાયદો લીધો છે. આ પ્રકારની રાજનીતિને લીધે દલિતોને નુકસાન થતું રહ્યું છે.

દલિતોની પ્રગતિ માટેનો એક ઉપાય અનામતની નીતિ છે. કાયદાના રક્ષણ વિના આ નીતિમાં સફળતા મળતી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ અનામત નીતિ અંગે મગરનાં આંસુ વહેવડાવ્યાં સિવાય કશું લાભદાયી કર્યું નથી. આ ઉમદા ઉપાયને અનામતને નામે ‘બદનામ ચીજ’ કે પછી ‘ટેકા લાકડી’ તરીકે દૈનિકપત્રો, સામયિકો અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં ચમકાવવામાં આવે છે. અનામત નીતિનો વિરોધ કરવાવાળા પાસે દલિતોની પ્રગતિની કોઈ દલિલો કે તર્ક નથી. સામાજિક ન્યાય અને આર્થિક સમાનતાની સ્થાપના માટે અનામત નીતિનો અમલ આવશ્યક છે. પરંતુ હજારો વર્ષોથી અગ્ર વર્ગના લોકોએ દલિતોનું શોષણ જ કર્યું છે, દલિતોના શ્રમમાંથી ફાયદાઓ જ લીધા છે. આ લાભો લૂંટવાની પેઢીઓ દલિતોને કોઈપણ લાભ મળે તો તેને પેટમાં તેલ રેડાયાનું અનુભવે છે. દલિતોને અનામત નીતિના સંપૂર્ણ લાભ ન મળે તે માટે અડચણો ઊભી કરે છે.

આ અનામત નીતિએ માત્ર બહિષ્કૃત માટેનો માર્ગ છે, પરંતુ રાજકીય પક્ષો ‘વોટ બેંક’ના માર્ગ તરીકે બદનામ કરી રહ્યા છે. ભારતના બંધારણમાં સામાજિક ન્યાય અને આર્થિક સમાનતાની સ્થાપના માટેના જે આદર્શ નિશ્ચિત કરવામા આવ્યો છે તે રાજકીય પક્ષોના સ્વાર્થને લીધે સિદ્ધ થતો નથી. જો કે આ અનામત નીતિને દલિતોના વિકાસ માટેનો પૂર્ણ માર્ગ નથી. દેશમાં અગ્ર વર્ગના લોકો પાસે જે સંપત્તિ છે, ધંધાઓ છે, તેમાં દલિતોને હિસ્સેદારી આપવામાં આવી નથી. બહિષ્કૃત જાતિ તરીકેની ઓળખ આજે પણ ભૂંસાઈ નથી, એટલે કેટલાક વ્યવસાયોમાં તેનો સ્વીકાર કરવામાં આવતો નથી. જનોઈની પવિત્રતાને નામે દલિતોને આર્થિક લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. ગામ અને શહેરોની જમીન, ધંધાઓમાં પણ દલિતોની વસ્તી પ્રમાણેની હિસ્સેદારી હોવી જરૂરી છે. આ મહેનતકશ પ્રજા તેમાં સિદ્ધિઓ મેળવે એવી તકો આપવી જરૂરી છે. આ માટે દલિત કાર્યકરોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. દલિતોનું રાજકીય નેતૃત્વ માત્ર પોતાના જ સ્વાર્થ માટે અનામત દ્વારા મળેલા પદ પર રહીને દલિતોના વિકાસની કોઈ યોજના ન વિચારે, યોજનાનો અમલ ન કરે, તો એવા નેતાઓને ઘેરાબંધી કરીને કે પછી તેનો બહિષ્કાર કરીને પણ દલિતોના ઉત્કર્ષ પ્રત્યે જાગૃત કરવા જરૂરી છે.

ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કરોડો લોકો ગરીબાઈથી પીડાય છે. શહેરોમાં આ લોકોના વસવાટો ગંદી વસાહતોમાં છે. શહેરના લોકોનાં મળમૂત્ર આ વસવાટો પાસેથી ખુલ્લી ગટરોમાંથી વહે છે. ગંદકી, ગરીબાઈ, બીમારીમાં રીબાઈને લાખો લોકો મરે છે. ગામડાંઓમાં પણ દલિતોનાં ઝૂંપડાં-ખોરડાંઓ માટી અને ડાળી-પાંદડાંઓના છાપરાથી બંધાયેલા છે. ચોમાસાની ઋતુમાં આ ઝૂંપડાંઓમાં નર્કાગાર જેવું જીવન જીવવું પડે છે. લાખો લોકો રોજી વિનાના છે, ભૂખથી પીડાય છે, રોગચાળો, નિરક્ષરતા, વ્યસનો, ગુનાઓથી તેઓનું જીવન અધોગતિ તરફ ધકેલાઈ જાય છે. રાજકીય પક્ષો આ વસાહતો પ્રત્યે કૃત્રિમ સહાનુભૂતિ બતાવે છે. તેઓ માત્ર ચૂંટણીલક્ષી કાર્યક્રમો યોજી, મતનો ઉદ્દેશ્ય સિદ્ધ થાય એવા પ્રયાસો કરે છે. તેઓ દલિત જાતિઓમાં વિભાજન અને સંઘર્ષની સ્થિતિ પેદા થાય એવા પ્રયાસો પણ કરે છે. તેઓનો ધ્યેય દલિતોના ‘મત’થી ચૂંટણીમાં વિજય મેળવવાનો છે. ધાકધમકી, દારૂ અને પૈસાની લાલચ આપીને મત મેળવી લે છે. તેઓનો ઈરાદો દલિતોના વિકાસનો નથી. આ રાજકીય પક્ષો અને નેતાઓથી ચેતવવાનું કાર્ય દલિત કાર્યકરોનું છે. આ પક્ષો વર્તમાનપત્રો કે મીડિયામાં દલિતોને છેતરવા માટેની લોભામણી જાહેરાતો આપે છે, તેની પોલ ખોલવી જરૂરી છે.

દલિતોને સામાજિક અને આર્થિક સલામતીની કોઈ ગેરંટી નથી. માનવાધિકારો તેઓથી જોજનો દૂર છે. ગામડાંઓમાં ઉપલા વર્ણોના અત્યાચારોથી ત્રાસીને શહેરોમાં સ્થળાંતર કરે છે, તો શહેરોમાં પીવા માટેનું પાણી મળતું નથી, આરોગ્યની સુવિધા નથી, કામ શોધવા માટે ભટકવું પડ છે. શિક્ષણ અને સંપત્તિ, સંસ્કાર-સદાચાર અને લોકશાહીની વ્યવસ્થાથી વંચિત રાખવામાં આવે છે. તારતમ્ય એ છે કે આઝાદી પહેલાં દલિતોની જે દારૂણ દશા હતી. એ જ દશામાં મોટો વર્ગ જીવે છે. જે અપમાનો અને ઉપેક્ષા થતી હતી એ આજે પણ થાય છે. આત્મ સન્માન અને સ્વાભિમાનથી જીવવા ઈચ્છતા દલિતોને અપમાનિત જીવન જીવવું પડે છે. આ સ્થિતિમાંથી દલિતોના ઉત્કર્ષ અને સશક્તિકરણ માટે સાહસિક અને તેજસ્વી નેતૃત્વની આવશ્યકતા છે. આ નેતૃત્વ પદદલિતોમાંથી જ જન્મે એ મહત્ત્વનું છે. આ કાર્યકરોએ ખૂબ ગુમાવવાનું છે, કશું મેળવવાનું નથી, રાજકીય અને સામાજિક તેમ જ આર્થિક અંગત સ્વાર્થોનો ત્યાગ કરવાનો છે. ‘મને કોઈ સહકાર આપતું નથી, મને કોઈ ફંડ આપતું નથી. મારી અવગણના કરે છે, દલિતો બીકણ કે ડરપોક છે, મારી ઇર્ષ્યા કરે છે, ફલાણા કાર્યકરો ફલાણા પક્ષના કે સંપ્રદાયના ચમચાઓ છે, હવે મને દલિતોના પ્રશ્નોમાં રસ નથી, આવી માનસિકતા દલિત કાર્યકરોની નિરાશાવાદી પ્રકૃતિને પોષે છે. દલિત વિકાસની પ્રવૃત્તિઓની સફળતામાં એવા કાર્યકરોની જરૂર છે, કે જે રાજકીય, સામાજિક અને આર્થિક સ્વાર્થોનો ત્યાગ કરે છે. પોતાની જિંદગીને મોતની મુઠ્ઠીમાં બાંધીને, દલિતોની આંખોમાં તેજ અને ચહેરામાં નૂર સીંચવાનું છે. સિંહ જેવી છાતી અને ત્રાડ પાડીને, ગામડાંઓ અને શહેરોની ચાલીઓમાં સેવાકાર્ય કરી શકે, એવા નેતા જ દલિતો દ્વારા કરી શકે.’

દલિત કાર્યકરોને તાલીમ મળે એવી કોઈ પાઠશાળા નથી. આંબેડકરવાદી ચળવળ અને ચિંતન તેના પ્રેરણાસ્ત્રોત છે. ઘણા સેવા સમર્પિત અને નિઃસ્વાર્થભાવે દલિતો ધ્ધારની પ્રવૃત્તિઓ કરનાર કાર્યકરો છે. આ કાર્યકરોમાં ઘણા તો અત્યાચારો, શોષણ અને અપમાનોના ભોગ બન્યા છે. કોઈને બાળપણમાં પિતાની છત્રાછાયા ગુમાવવી પડી છે, મફત કામ કરવાની ના પાડતાં ગામના જમીનદારે હત્યા કરીને કૂવામાં ફેંકી દીધેલા પિતાની કોહવાયેલી લાશને જોતા બેશુદ્ધ થયા છે, ભૂમિ માલિકો કે કારખાનાંના માલિકોએ પોતાની બહેન કે દીકરીની લાજ લૂંટી તેના શરીરના ટુકડાઓ કરી નાખ્યા હતા, તે નજરોનજર જોયું છે. ચોરીનું આળ ચડાવીને પોતાના યુવાન પુત્ર કે ભાઈને હિંસક ટોળાએ હત્યા કરી નાંખી હતી તે એની નજર સામે છે, જાદુ – ટોણાનો આરોપ મૂકી પોતાની માતાને જીવતી સળગાવી દેનાર લોકોના ભયંકર કૃત્યથી દુઃખી છે. શાળાઓમાં કે મંદિરોમાં પોતે કે પોતાના સંતાનોને હડધૂત થયાનું દુઃખ છે. માથાભારે ગુંડાઓએ પોતાની જમીન કે સંપત્તિ ઝૂંટવી લીધી છે. તેનો ગુસ્સો છે. શિક્ષણ, આરોગ્ય, સંપત્તિ, રોજી-રોટીથી વંચિત થઈ ગયા છે. અંધશ્રદ્ધાના નામે પીડાઓનો ભોગ બની ગયા છે. બહિષ્કૃત જાતિ તરીકેનો વલોપાત તેને દલિતોની સેવામાં ખેંચી ગયો છે. આ દલિતોના સાચા કાર્યકરો થયા છે. આ કાર્યકરો અન્યાય અને દલિતોની વિપદાને દૂર કરવા હંમેશાં ખડે પગે રહે છે.

આંબેડકરવાદી ચળવળના પરિણામે ઘણા દલિતોએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. ઘણાંએ રાજકીય પક્ષો અને સરકારી તંત્રમાં ઊંચું સ્થાન મેળવ્યું છે. સુખી સંપન્ન થયા છે. કેટલાક ગરીબોને મદદ કરીને આંબેડકરના કાર્યોને અવિરત રાખે છે. તો કેટલાક કાર્યકરો રાજકીય અને બિન રાજકીય મંડળોની સ્થાપના કરી, દલિતોની એકતા અને પ્રગતિના વાહક થયા છે. ઘણા દલિતોના કલ્યાણની સુંદર પ્રવૃત્તિઓ કરે છે.

સંસદ સભા અને જુદાં જુદાં રાજ્યોના વિધાનગૃહોમાં કુલ સંખ્યાના ચોથાભાગ જેટલા સભ્યો અનુસૂચિતજાતિ અને અનુસૂચિત જનજાતિના છે. એક શક્તિશાળી પક્ષ જેટલું સંખ્યાબળ સંસદ અને વિધાનસભામાં દલિત જાતિનું છે. બંધારણીય અધિકારીથી આ પદ પ્રાપ્ત થયું છે. આંબેડકરની આર્ષદૃષ્ટિથી પદ મળે છે. તેથી જ દલિત જાતિના દરેક સંસદ સભ્ય કે ધારાસભ્યનો ઉદ્દેશ્ય દલિતોના કલ્યાણ અને પ્રગતિનો જ હોવો જોઈએ, આ કાર્યમાં જે તેઓનું ગૌરવ પણ છે. કોઈ રાજકીય પક્ષો ટિકિટ આપે અને આ પક્ષના પ્રતીક પર ચૂંટાઈ જનારા સભ્યોએ એ ક્યારેક પણ ભૂલવું ન જોઈએ કે આ પદ તેને બાબાસાહેબ આંબેડકરની કૃપાદૃષ્ટિથી પ્રાપ્ત થયું છે, નહીં કે કોઈ રાજકીય પક્ષ તરફથી મળેલી ભેટ. આ સમજણ દરેક સભ્યમાં હોવી જોઈએ. આ પદ દલિતો દ્વારા માટે જ મળ્યું છે. કોઈ રાજકીય પક્ષના અંકુશ હેઠળ દલિતોના વિકાસની પ્રવૃત્તિ કરવી મુશ્કેલી છે. બધા જ રાજકીય પક્ષોને દલિતો પ્રત્યે સહાનુભૂતિ છે, એવું માની લેવું ભૂલ ભરેલું છે. દલિતોની ભલાઈમાં જ રાજ્ય અને પક્ષનું પણ ભલું થાય એવી પ્રવૃત્તિઓના સૂત્રધાર જ દલિત નેતા છે.

ઘણા દલિત નેતાઓ અને કાર્યકરોએ પોતાનું સમગ્ર જીવન દલિતોના અધિકારો પ્રાપ્ત કરવા, દલિતોના ઉત્કર્ષ માટે સમર્પિત કરી દીધું છે. તેઓ ગરીબોના હૃદય સમ્રાટ છે, તેઓના કાર્યોને દલિતોએ સંસ્મરણોમાં સાચવી રાખ્યા છે, આ નેતાઓ માટે દલિતો ફના થવા વચનબદ્ધ છે. પરંતુ ઘણા નેતાઓ અને કાર્યકરો એવા બળ છે, જે લોભી, સ્વાર્થી, લાલસુ, દંભી, અંધશ્રદ્ધાળુ, મૂર્ખશિરોમણિ છે, તેઓનો ઉપયોગ રાજકીય પક્ષો ઊંટિયા તરીકે કરી રહ્યા છે, એ પણ ભાન નથી. આ કાર્યકરો દલિતો માટે દગાખોર છે, ઈર્ષ્યાખોર છે, દલિતો પ્રત્યે વેરભાવનાવાળા શત્રુઓ જેવા છે. દલિતોના ઉત્કર્ષમાં આડખીલી જેવા છે. દલિત સશક્તિકરણની પ્રવૃત્તિમાં ભયંકર જોખમી છે. શોષણમૂલક વ્યવસ્થાને જડમૂળમાંથી ઉખેડી નાખવાની પ્રવૃત્તિઓમાં મુશ્કેલી ઊભી કરનારા છે. આ નેતાઓ દલિત જાતિઓમાં તિરાડો પેદા કરી દલિત એકતાને તોડે છે, દલિતોમાં સંઘર્ષ પેદા કરે છે, દલિત કલ્યાણની પ્રવૃત્તિઓમાં મોટાપાયે ભ્રષ્ટાચારો આચરે છે, આ વિકૃત સ્વભાવવાળા નેતાઓ દલિતોના શત્રુ છે, તેના આચાર વિચાર અને ચરિત્રમાં ઝેરીલી માનસિકતા છે, તેઓથી વહેલાસર છૂટકારો મળે એવા કાર્યો કાર્યકરોએ કરવા જોઈએ.

સંસદ અને વિધાનસભાઓમાં દલિત જાતિના ઘણા નેતાઓ એવા પણ સાથે કાર્ય કરી રહ્યા છે કે જ્યાં સુધી મારા બંધુઓને સુવિધાયુક્ત ઘર નહીં મળે ત્યાં સુધી પોતે સરકારી બંગલાઓનો ઉપયોગ નહીં કરે, પોતાના બંધુઓને માત્ર લંગોટી પહેરણ મળતી રહેશે ત્યાં સુધી પોતે પણ લંગોટી પહેરીને ધારાસભા કે સંસદમાં બેસશે. પોતાના બંધુઓને શૌચાલયની સગવડો નહીં મળે ત્યાં સુધી પોતે પણ ખુલ્લા વગડામાં શૌચક્રિયા કરશે. પરંતુ અપવાદરૂપ નેતાઓ જ પ્રવૃત્તિઓ કરે છે. મોટાભાગના વિલાસમય જીવનના ભોગ બની ગયા છે.

દલિતોધ્ધારનો ઉત્તમમાર્ગ શિક્ષણ છે. આજે દલિતોમાં માત્ર ગણ્યાંગાંઠ્યા લોકોને જ શિક્ષણનો લાભ મળે છે, મોટાભાગનો વર્ગ શિક્ષણથી વંચિત રહે છે. લાખો યુવાનો શિક્ષણ વિનાના છે રોજગારી માટેના હુન્નરથી વંચિત છે, પરંપરાગત ધંધાઓમાં આધુનિક ટેક્‌નોલૉજીના જ્ઞાનથી વંચિત છે, જે યુવાનોએ શિક્ષણ મેળવ્યું છે, તો તેઓને તંત્રમાં પેસી ગયેલા ભ્રષ્ટાચારે બેકાર બનાવી દીધા છે. સુવિધાયુક્ત લોકો દ્વારા ગરીબ શિક્ષિતોના હકોને ઝૂંટવી લેવામાં આવે છે. હજારો બાળકો અને યુવાનો સુધી શિક્ષણ પહોંચ્યું નથી, ત્યાં ભ્રષ્ટાચારને કારણે આ બાળકો અને યુવાનો શિક્ષણથી મોં ફેરવી રહ્યા છે. ખેતરો અને કારખાનાંઓમાં લાખો દલિત બાળમજૂરો પરસેવાથી ન્હાય છે, પૂરતા ખોરાકના અભાવે તેઓનું શરીર ઘસાતું જાય છે, અતિશય શ્રમને લીધે તેના જીવનનાં દુઃખ અંત આવે છે. તેઓને શિક્ષણનો અધિકાર મળે બાળમજૂરીમાંથી મુક્તિ મળે, આ બાળકો અને યુવાનોમાં તર્કશક્તિ, સમજશક્તિ, મૌલિક વિચારશક્તિ, સર્જનાત્મક શક્તિની ખીલવીણી થાય એવી સુવિધાઓ પ્રાપ્ત થાય એવા કાર્યક્રમો ચરિત્રવાન કાર્યકરો કરે અને તેવું માળખું બનવું જરૂરી છે. આ સતર્કતા અને સેવાકાર્યની જાગૃતિ દલિત કાર્યકરો થકી આવી શકે છે.

શિક્ષણને લીધે દલિત યુવાનો સુંદર વિચારો, ઉત્તમ આચારો, સુંદર વસ્ત્રો, શુદ્ધ વિશ્વ પ્રસિદ્ધ ભાષામાં બોલતા થાય. વિદ્વાનોની સભાઓમાં પોતાની પ્રતિભાનો પ્રકાશ પાથરે વ્યવસ્થાતંત્ર અને ઉદ્યોગગૃહમાં સંચાલનની જવાબદારીઓમાં સફળતાઓ મેળવે, ત્યારે જ દલિતોધ્ધાર થયો છે એમ સમજવું.

વૈશ્વિકરણ અને ખાનગીકરણમાં મૂળભૂત હકોનું રક્ષણ થાય, નુકસાન કરનારા પરિબળોનો વિરોધ કરવાની જવાબદારી દલિત કાર્યકરોની છે. સામાજિક અને આર્થિક વિષમતાના પ્રલયમાં ડૂબી રહેલા લોકોને બચાવવાનું સાહસિક અને પવિત્ર કાર્ય દલિત કાર્યકરોએ કરવાનું છે, ‘દલિત ઉત્કર્ષ અભિયાન’ અને ‘દલિત અધિકાર નિર્માણ આંદોલન’ કરવું આજના સમયે અનિવાર્ય છે.

વર્તમાન અને ભવિષ્યમાં દલિતોની પ્રતિભાશાળી તસ્વીરની સ્થાપના કરવા માટે જનવાદી વિચારધારાઓ પ્રચાર કરવો અનિવાર્ય છે, દલિત એકતાના કાર્યક્રમો યોજવા સામાજિક ન્યાય માટે દલિતોના મત જનવાદી પક્ષમાં જ પ્રાપ્ત થાય, તો જ દલિતોના વિકાસની નીતિમાં સફળતા મળશે. ઐતિહાસિક કારણોને લીધે દલિતો બેહાલ થતા રહ્યા છે, પરંતુ હવે દલિતોમાં જાગૃતિના અભાવે રાજકીય અધિકારોથી વંચિત ન રહેવું, રાજકીય પક્ષોમાં પણ જે પક્ષ દલિતો માટે આવક, રોજગાર, શિક્ષણ આરોગ્ય, સામાજિકન્યાયને માટે ચિંતા કરે છે, એ જ પક્ષ દલિતોના પક્ષ હોવો જોઈએ. દલિતોમાં મતદાનનું મહત્ત્વ સમજાય, પોતાનો મત કોને, કેવી રીતે, શા માટે આપે છે, એ સમજણનું માર્ગદર્શન દલિત કાર્યકરો આપી શકે છે. દલિતો સામેની હવે પછી મુશ્કેલીઓના ઉપાય તરીકે દલિત રાજનીતિનું સશક્તિકરણ કરવું પડશે.

ગ્રામ્યકક્ષાએથી શરૂ કરી મેટ્રોપોલિટન શહેરો સુધી દલિત કાર્યકરો દ્વારા રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક મંડળો, સંગઠનોની સ્થાપના કરી, દલિત ઉત્કર્ષની યોજનાઓ બનાવવી, દલિતોના સર્વાંગી વિકાસના ઉદ્દેશ્ય સાથે સહકારભાવ પેદા કરવો, દલિતોમાં આનંદના પ્રસંગો નિર્માણ થાય એવી સ્થિતિનું સર્જન કરવાનું છે.

દેશની સમાજ વ્યવસ્થામાં, અર્થવ્યવસ્થામાં, ધર્મવ્યવસ્થામાં દલિતોની સ્થિતિ અસંતોષજનક છે. રાજનીતિમાં તો દલિતોનો પ્રયોગ માત્ર ‘મત’ મેળવવા માટે જ કરવામાં આવે છે. દલિતોની પ્રગતિ માટેના જે માર્ગો મહાન દલિત નેતાઓએ કર્યા છે, તેને અવરોધવા માટેના કાર્યક્રમો, ગુપ્ત બેઠકો રાજકીય પક્ષના અભિજનો કરી રહ્યા છે. દલિતોને અધોગતિમાં જ નાશ કરી દેવાના ષડયંત્રો અભિજાત નેતૃત્વ દ્વારા કરવામાં આવે છે. દલિતોને દિશાહિન નેતૃત્વ મળે એવા પ્રયત્નો કરવામાં આવે છે. આ સામે દલિતોની પ્રગતિ માટે સમર્થ અને દલિતો પ્રત્યે લાગણીશીલ નેતૃત્વની જરૂર છે. આ નેતૃત્વ થકી એક શક્તિશાળી દલિત રાજકીય મોરચો રચી, રાજનીતિમાં દલિત અધિકાર નિર્માણની પ્રવૃત્તિઓમાં થઈ શકે છે.

સદીઓથી દલિતો અપમાન, તિરસ્કાર, અછૂત અને નીચતાના બોજથી પીડાતા રહ્યા છે. તેઓ વિદ્વાન, બુદ્ધિમાન, ચિંતક કે સદચરિત્ર, માનવજાતિના કલ્યાણ અંગેના ચિંતનમાં સર્વોતમ હોવા છતાંય જાતિના નામે તેઓની અવગણના થતી રહી છે. આ ધૃણાજનક વ્યવસ્થાને મૂળમાંથી નષ્ટ કરવા માટે કાયદાઓ, દંડ, સજાની વ્યવસ્થા થવી જોઈએ, દલિત કાર્યકરોની સંગઠિત બુલંદ અવાજ, સંગઠિત આંદોલનથી દલિત વિરોધી સરકારીતંત્રએ પણ દલિતોના હિતોના રક્ષણ માટે પ્રવૃત્ત થવું પડશે.

અભણ અને શિક્ષિત દલિતોમાં હજુ સુધી દલિત સંગઠનના ફાયદાઓની કોઈ જાણકારી નથી. જે લોકોમાં થોડી ઘણી સમજ છે, એવા લોકો હજુ સક્રિય થયા નથી. આ માટે દલિત કાર્યકરોએ દલિત ચેતના, દલિત વિચાર ક્રાંતિનું કાર્ય કરવાનું છે. આ કાર્ય પત્રિકાઓ, સામયિકો, વ્યાખ્યાનો, કાર્યશિબિરો, સેવાશિબિરો, દલિતસંતો અને નેતાઓના જીવન પ્રસંગોની ઉજવણી, શિક્ષણને પ્રોત્સાહક ઉત્સવો, દલિત સ્નેહ સંમેલનો, દલિત યુવાનોને પ્રેરણા મળે એવા પ્રદર્શનો, પુસ્તકાલયો અને પુસ્તકમેળાઓ શારીરિક કૌશલ્યોની તાલિમ અને સ્પર્ધાઓ, દલિત ઉત્કર્ષ માટેના આર્થિક ભંડોળ, વગેરે દ્વારા દલિત સશક્તિકરણ થઈ શકે છે.

દલિતોમાં સહકારભાવના વિના દલિતો દ્વારા નથી. અભિજન વર્ગનું નેતૃત્વ દલિતોના ઉદ્ધાર કરશે એમ માનવું અતિશ્યોક્તિ છે, દલિત કાર્યકરો જ દલિતોના મુક્તિદાતા માર્ગદર્શક બની શકે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર દલિત નેતૃત્વ પ્રત્યે શ્રદ્ધાવાન રહ્યા છે. દલિત કાર્યકરોને માટે સેવાની તક લોકશાહીમાં નિર્મિત કરવામાં આવી છે. કરોડો પીડિતોની ભલાઈ માટે સંઘર્ષ કરવો પડે તો પણ એ પુણ્યકાર્ય છે. ઉમદા ચરિત્રવાળા કાર્યકરો દેશમાં સમાનતા, સ્વતંત્રતા અને બુધતાના ઉદ્દેશ્યને જરૂર સિદ્ધ કરી શકે છે.

જે વ્યવસ્થામાં માણસને માણસ તરીકે સ્વીકારવાનો ઈન્કાર થતો હોય, અજ્ઞાનીને અજ્ઞાની રાખવાના ષડયંત્રો થતા હોય, ગરીબને ગરીબ રહેવા માટે મજબૂર કરવામાં આવતો હોય, એવી વ્યવસ્થાને મૂળમાંથી ખેંચી કાઢવી એ દલિત કાર્યકરોની ભૂમિકા છે.

દલિત કાર્યકરોની કેટલીક નબળાઈઓ છે, ઘણી વખત તેઓ દલિત નિષ્ઠાના અભાવે દંભથી ભરેલી લાગણીઓનું પ્રદર્શન કરે છે. આ કાર્યકરોમાં ખોટાપણાનું તત્ત્વ વધારે છે. આ લોકો દંભ પ્રત્યે નિષ્ઠાવાન છે. દલિતોનું શોષણ કરતા લોકો સાથે સમાધાન કરે છે, નજીવા સ્વાર્થને સંતોષવા દલિત અસ્મિતાને નુકસાન કરે છે. અંગત સ્વાર્થ માટે દલિતોના મોટ સમૂહને ગેરફાયદો થતો હોય તો પણ સમાધાન માટે તલપાપડ રહે છે. તેઓ કશું પણ કર્યા વિના વધુ મેળવી લેવાની વૃત્તિવાળા છે. આ કાર્યકરો દલિતો પ્રત્યે ઊંડી લાગણીનો ડોળ કરી દલિત સમાજને છેતરે છે. તેઓને દલિતોના દુઃખની કશી જ ચિંતા નથી, તેના થકી દલિતોના કષ્ટ દૂર થવાના પણ નથી. આ લોકોને વહેલાસર ઓળખવા જરૂરી છે. છળકપટ અને સ્વાર્થી વૃતિવાળા કાર્યકરો દલિતોના જ દુશ્મનો છે. તેનો સ્વભાવ જ બૂરાઈનો છે. આ દંભી નેતાઓની જાળમાં લોકો ફસાઈ ન જાય એ જોવાની જવાબદારી સાચા દલિત કાર્યકરોની છે.

દલિતોનાં હિત, સુખ અને કલ્યાણ માટે વિચારવું, દલિતોમાં જાગૃતિ આવે એવો ઉપદેશ કે માર્ગદર્શન આપવું, શિક્ષણનો માર્ગ દલિતો માટે કલ્યાણપ્રદ માર્ગ છે એ સમજ આપવી, સૌને આ તક પ્રાપ્ત થાય એવી પ્રવૃત્તિ કરવી. આ કાર્ય ખૂબ જ ચીવટપૂર્વક કરવાનું છે. દલિતોમાં પ્રવેશેલી અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાના રાફડાને તર્કબુદ્ધિથી સાફ કરવાનો છે. શિક્ષણ જ તેનો ઉપાય છે. દલિતોની સફળતાનો પંથ કેળવણી છે. પ્રગતિ માટે આધુનિક શિક્ષણ મેળવવું અનિવાર્ય છે. આ સાચી સમજ કાર્યકરોએ કેળવવી અને દલિતો માટે પ્રચાર-પ્રસાર કરવો.

ઘણી વખત પીડિત દલિતો પોતાની પીડાની દાઝ સાચા દલિત કાર્યકરો પર કાઢે છે. આ પ્રસંગે કાર્યકરે ગુસ્સે થવાનું નથી. તેમના માટે ખરાબ શબ્દો બોલવાના નથી પરંતુ તેમના પ્રત્યે દયા અને મૈત્રી ભાવના પ્રગટ કરવાની છે. તેઓ દલિત કાર્યકરોના શત્રુ નથી. તેમના અંતઃકરણમાં કાર્યકરો પ્રત્યે લાગણી છે. પરંતુ સ્થિતિ અને સંજોગોને લીધે કાર્યકરોને ભાંડે છે. દલિત કાર્યકરે આ લોકોને ‘દલિત’ તરીકે સ્વીકારવાના જ છે, તેના સહયોગ થકી ‘દલિતસંઘ’ની સ્થાપના કરવી. આ લોકો દુઃખ અને અજ્ઞાનમાં ડૂબેલા છે. ત્યારે તેઓના સુખ અને જ્ઞાનના પ્રકાશ માટે કાર્યકરોએ ગામડાંઓ અને શહેરોમાં જવાનું છે. ઘણા બધા લોકો શિક્ષણ અને સંગઠનના લાભોને સમજનારા મળશે, તેઓને દલિત સશક્તિકરણની પ્રવૃતિમાં જોડવાના છે.

મોટા ભાગે પોતાના વિચારો જ માણસને દુઃખી કરે છે, પરંતુ ભારતમાં પારકા વિચારોએ દલિતોના દુઃખી કર્યા છે. પારકાઓના વિચારોના ગાડાંઓ દલિતો ખેંચતા રહ્યા છે. પોતાની પાછળ જ દુઃખનું પૈડું ફેરવતા રહ્યા છે. આ પારકા વિચારોથી જ દલિતોની અધોગતિ થઈ છે. પરંતુ હવે બાબાસાહેબ આંબેડકર પ્રેરિત વિચાર અને શિક્ષણના મારગે દલિતોએ પોતાનું ઘડતર કરી શકે એમ છે, દલિત કાર્યકરોની સતત જાગૃતિને લીધે આ તકો પ્રાપ્ત થઈ શકે છે. ઘણા ઈર્ષ્યાખોર લોકો કાર્યકરોની સદ્દપ્રવૃત્તિઓથી રઘવાયા થઈ જશે, પરંતુ તેની પરવા કરવાની નથી, સમાજદ્રોહી લોકો આ કાર્યકરોના ચરિત્ર પર કીચડ ફેંકશે, કાર્યકરોની પ્રવૃતિને ‘નકામું વૈતરુ’ કે ‘મૂર્ખનાં કામો’ કહીને નિંદા કરશે. પોતાના જ સગાંસંબંધીઓ પણ આ નિષ્કામ પ્રવૃત્તિની નિંદા કરશે, પરંતુ કાર્યકરનો આત્મસંયમ આ નિંદાખોર લોકોને જરૂર મૂંગા કરી દેશે. કાર્યકરના સદ્‌ગુણો અને સત્કૃત્યોની પ્રશંસા થશે જ. શીલવાન દલિત કાર્યકરો દલિત યુવાનોના નેતા બને છે. તેઓએ સ્થાપેલા ‘દલિત યુવા મંડળો’ દલિત વિકાસના સ્તંભો છે. દલિત કાર્યકરની એકનિષ્ઠા અને દલિત વૃત્તિથી દલિતોના કલ્યાણનો યશ આ કાર્યકરોને મળશે. શોષિત-પીડિત દલિતોના જીવનના ઘડવૈયા દલિત કાર્યકરો છે, દલિતોની ઉન્નતિના યોગ્ય સાધન, માર્ગ અને તકની વ્યવસ્થાના તેઓ મશાલચી છે. દલિતો માટે સુખની કેડીઓના તેઓ પથદર્શકો છે. આ કાર્યકરો દલિતોના મહાન નાયકો છે.

જો કે રાજકીય પક્ષો પ્રેરિત દલિત કાર્યકરોમાં દલિત કલ્યાણનો દૃઢ સંકલ્પનો અભાવ જોવા મળે છે. આ કાર્યકરો પદની અપેક્ષાઓ દલિતો પરના અત્યાચારો સમયે છૂપાઈ જાય છે કે પછી સાયલન્ટ રહે છે. વર્ણવાદીઓ આ કાર્યકરોને એવા દંભ સાથે સમજાવે છે કે, દલિતો એ તો પોતાના અંગ સમાન છે. દલિતોને ભાવનાત્મક એકતાની દુહાઈ આપે છે. આ વર્ણવાદી લોકોનો મુખ્ય ઇરાદો તો દલિતોને જે કોઈ બંધારણીય મારગે અધિકારો પ્રાપ્ત થયા છે, તેને અટકાવવાનો છે. દલિતોના બંધારણીય અધિકારો નાબૂદ કરવાનો છે. દલિતો પ્રત્યેની તેઓની સહાનુભૂતિ દલિતોને લૂંટી લેવાની છે. ઘણી વખત આ લોકો દલિતો પરના અત્યાચારોની ગુપ્ત ઠરાવો દ્વારા અનુમતિ આપે છે. દલિતોની સલામતિ અંગેના કાયદાઓનું તંત્ર વ્યવસ્થા સાથે ભળી જઈને પાલન થવા દેતા નથી. તેઓનો હેતુ માત્ર વર્ણવાદનો વિસ્તાર કરવાનો છે. દલિતોને સંપત્તિ અને જ્ઞાન પ્રાપ્ત કરતા અટકાવવાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. વરસોથી દલિતોની સસ્તી અને મફત સેવાનો લાભ લેનાર વર્ણવાદીઓ બાબાસાહેબ આંબેડકરનાં કાર્યોથી ભડકી ગયા છે. પરંતુ દલિતોના નવોત્થાન કે ક્રાંતિકારી પરિવર્તન માટે કટિબદ્ધ દલિત કાર્યકરોએ બાબાસાહેબ આંબેડકરનાં કાર્યોનો પ્રચાર-પ્રસાર માટે ઉત્સાહિત થવું જરૂરી છે.

આ કાર્યકરોએ તકવાદી બનવાનું નથી, તર્કદૃષ્ટિ કેળવવાની છે. જે તર્ક નથી કરતા તે ધર્માંધ કે પછી અંધશ્રદ્ધાળુ છે, તર્ક નથી કરી શકતા તે મૂર્ખ છે, જે તર્ક કરવાની હિંમત કરતા નથી તે ગુલામ છે. દેશમાં વર્ણહીન, વર્ગવિહીન, જાતિ વિહીન અને લિંગભેદ રહિત સમતામૂલક સમાજ રચના અને રાષ્ટ્ર નિર્માણનો જે ઉદ્દેશ બાબા સાહેબ આંબેડકરનો હતો તેને ચરિતાર્થ કરવાનો અવકાશ દલિત કાર્યકરોને પ્રાપ્ત થયો છે. જ્ઞાન અને ચારિત્ર્યના ઊંચા આદર્શોને સિદ્ધ કરવા માટે સંગઠિત થાઓ, દલિતોની પ્રગતિને અવરોધક વિઘ્નોને છિન્ન ભિન્ન કરી નાખો, આ કાર્યમાં નિર્ભયતાપૂર્વક આગળ વધો, દલિતો સામે જે મોટા સંકટો હતા તે આંબેડકરે દૂર કરી દીધા છે, હવે માત્ર નાના નાના સંકટોમાંથી મુક્ત કરવાનું કાર્ય દલિત કાર્યકરોએ કરવાનું છે. જે કાર્યકરો માનપાનની અપેક્ષા વિના, સ્વાર્થ ત્યાગનો પાઠ શીખ્યા છે. સ્વામી થવાની વૃત્તિ નથી, તેઓ જરૂર દલિત ઉત્કર્ષમાં ઉચ્ચ ભૂમિકા ભજવી શકે છે.

ઘણાં ચરિત્રહીન કાર્યકરો બની બેઠા છે, તેઓ અપ્રમાણિકતાથી પૈસા મેળવે છે, સરકારી સહાય જે ગરીબ દલિતોને મળે છે, વિધવા, અનાથ, મજૂરો, રંક, અપંગ, બીમાર, લોકોની સહાયમાંથી અધિકારી સાથે મીલી ભગત કરીને નાણાં ઓળવે છે. તેઓ પોતાને માટે તો નર્કાગારની સ્થાપના કરે જ છે, પરંતુ દલિત સમાજને પણ કલંકિત કરે છે. બીજાના દુઃખ દૂર કરવા માટેની સહાયમાંથી સુખોભોગ ઇચ્છનારા ધુતારાઓ સજાને પાત્ર છે, આ કિસ્સાકાતરુઓ ત્યારે જ સક્રિય બને છે, જ્યારે ચરિત્રવાન દલિત કાર્યકરો નિષ્ક્રિય હોય છે. જે ધૂતારાઓ ગરીબ દલિતોને છેતરવાનું પાપ કર્મ કરે છે, તેઓ પોતે તો પાયમાલ થઈ રહ્યા છે, ગરીબોને પણ નુકસાન કરી રહ્યા છે. ગરીબોને છેતરનારાઓનો પર્દાફાશ સાચા દલિત કાર્યકરોએ કરવાનો છે, આ એક નૈતિક કર્તવ્ય પણ છે. અર્થધન કાર્ય છે.

ઉમદા વૃતિવાળા દલિત કાર્યકરોનાં નાનાં નાનાં કાર્યો પણ મહાન કાર્યો તરીકે પ્રતિષ્ઠિત થશે, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણમાં આ કાર્યકરોની ભૂમિકા શાશ્વત ગણાશે. દલિતો માટે જે સેવા કરી છે, તેના બદલામાં તેણે ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. આ ઔદાર્યથી કરેલી સેવા જ શાશ્વત છે.

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, મે-જૂન 2017; પૃ. 04-11 

Loading

15 May 2017 admin
← શિક્ષણનો વ્યાપક ધંધો – આપણે ક્યાં ?
મુસ્લિમોની કઠણાઈ →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved